સમય બદલાય તેની સાથે જ શહેરોમાં ઇન્ટિરીયર ડિઝાઇનિંગના ટ્રેન્ડમાં પણ નવો ફેરફાર થયો છે. હવે પહેલા કરતા લોકોને સ્પેસ અને ઓપન એરિયા વધારે પસંદ આવી રહ્યા છે. આજે ઇન્ટિરીયરના કોન્સેપ્ટને લઇને કોઇપણ પ્રકારનું સમાધાન કરવા લોકો તૈયાર હોતા નથી. જો તમે તમારા ઘરમાં ખાસ ઇન્ટિરીયર કરાવવા ઇચ્છતા હો તો તેમાં એક્સપર્ટની સલાહ જરૂરથી લેવાનું રાખવું.
હવે ઘરમાં રૂમને ડિવાઇટ કરવા માટે ઇંટોની દિવાલોના બદલે ગ્લાસની દિવાલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રોઇંગરૂમ અને બેડરૂમમાં પેંડેટ લાઇટનો ઉપયોગ પણ વધી રહ્યો છે. રૂમમાં ગ્લાસ, બ્રાઇટ કલર્સ, પાતળી સ્લેટવાળી વિન્ડોઝ, ફ્લોરીંગ બધું જ રૂમના ખાસ પોઇન્ટ હોય છે, જેનો યોગ્ય ઉપયોગ થાય તો ઘર એકદમ આકર્ષક દેખાય છે. ઇન્ટિરીયરના જે નવા ટ્રેન્ડ આવ્યા છે, તે ઘરને બીજા કરતા એકદમ અલગ અને યુનિક બનાવી દે છે. હવે ઘરમાં ગ્લાસની દિવાલોનો ઉપયોગ ઇન્ટિરીયર માટે થવા લાગ્યો છે. હાલમાં આવા પ્રકારની દિવાલોનો વધારે પ્રમાણમાં ઉપયોગ લક્ઝરી હોમના માસ્ટર બેડરૂમ અને તેની સાથે અટેચ બાથરૂમની વચ્ચેની દિવાલો પર કરવામાં આવી રહ્યો છે. ઇંટની દિવાલો પર જ પ્લાસ્ટર કર્યા પછી ગ્લાસ લગાવવાનો ટ્રેન્ડ હવે ફેશનમાં છે.
વોલ યૂનિટ
વુડનનું વોલ યુનિટ હવે મોટાભાગના ઘરમાં તમને જોવા મળશે. વુડન વોલ યુનિટ ફક્ત રૂમની શોભા જ વધારતું નથી પણ ઘણા બધા પ્રકારની વસ્તુઓને સ્ટોરેજ કરવામાં પણ મદદરૂપ બની રહે છે.
સ્ટોરેજ બેન્ચ
ઇન્ટિરીયર કે કલર સાથે મેચ થતા સ્ટોરેજ બેન્ચ જરૂરીયાત તો પૂરી કરે જ છે, સાથે જ તમારા ફ્લેટની સુંદરતામાં ચારચાંદ લગાવી દેશે. લેધર, વુડન, કાર્વિંગ અને રોટ આર્યનની બેંચેઝને તમે ફ્લેટમાં રાખી શકો છો અથવા તો જરૂર પડે ત્યારે તેને ગાર્ડનમાં પણ શિફ્ટ કરી શકો છો. બેડરૂમમાં તેને એકસ્ટ્રા બેડ તરીકે ઉપયોગમાં પણ લઇ શકાય છે. તેના સ્ટોરેડ ડ્રોઅરને શૂરૈક તરીકે ઉપયોગમાં પણ લઇ શકાય છે.
મલ્ટીપર્પઝ ક્યૂબ
વુડન મલ્ટીપર્પઝ ક્યૂબને લિવિંગ રૂમમાં રાખી શકાય છે. સાથે જ તેને કિડ્સ રૂમમાં પણ ગોઠવી શકાય છે. તે ફક્ત ડાયનેમિક જ હોતા નથી પણ ઘણાબધા પ્રકારના સામાનને સ્ટોર કરવામાં મદદરૂપ થઇ શકે છે.
સ્ટોરેજ એરિયા વધારો
આજકાલ મોટાભાગના ફ્લેટ્સમાં સ્ટોરેજની સમસ્યા વધતી જોવા મળે છે. ટૂ કે થ્રી બેડરૂમવાળા ફ્લેટ્સમાં જો અલમારી કે કબર્ડ રાખવામાં આવે તો તે દેખાવમાં થોડું ઓકવર્ડ લાગે છે. એવામાં વુડન ફર્નિચર સ્ટોરેજની બાબતમાં ઘણું મદદરૂપ બની શકે છે અને ફ્લેટનો લુક પણ અલગ દેખાઇ આવે છે. ફોલ્ડિંગ ફર્નિચર અને હેગીંગ વોલ કેબિનેટની ફેશન પણ હવે ફ્લેટ્સમાં વધી રહી છે. તેનાથી વસ્તુઓનો સમાવેશ તો સરળતાથી થઇ જાય છે, ઉપરાંત ફર્નીચરના કારણે શોભામાં વધારો થાય છે.