ગુજરાતી ફિલ્મોમાં નેગેટીવ રોલમાં પોતાનું સ્થાન જમાવનાર આકાશ ઝાલા નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. અત્યાર સુધીમાં પાંચ હજારથી વધારે નાટકના શોમાં નેગેટીવ રોલ કરી ચૂક્યા છે. સાથે જ અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ નેગેટીવ રોલમાં જોવા મળે છે. હાલમાં જ નેશનલ એવોર્ડ જીતનારી ફિલ્મ ‘હેલ્લારો’માં તેમના પાત્ર જોરાવરને લોકોએ વખાણ્યું તો સાથે જ આવનારી ફિલ્મ ‘જી’ માં તે દમદાર પાત્રમાં જોવા મળશે. આકાશ સાથે થયેલી તેમની કરીયર અને ફિલ્મોની વાતચિત.

એક્ટિંગ ફિલ્મડમાં કેવી રીતે રસ પડ્યો. શરૂઆત ક્યાંથી થઇ.

હું એચ.એલ. કોલેજમાં ભણતો હતો. ત્યાં ક્લાસરૂમમાં હાજરી ખૂબ જરૂરી રહેતી. મને લેક્ચર ભરવા પસંદ નહોતા. તે સમયે મારા એક મિત્રએ મને કહ્યું કે જો તારે લેક્ચર ન ભરવા હોય તો કોઇ કલ્ચરલ એક્ટિવિટીમાં ભાગ લે. બસ, ત્યારથી મેં કોલેજની અંદર યોજાતી સ્પર્ધામાં આઇ.એન.ટીના ડ્રામામાં ભાગ લેવાનું શરૂ કર્યું. તે સમયે મારું નાટક  જેનું નામ હતું ‘અને એક દિવસ’માં મેં ભાગ લીધો. તે નાટક દ્વારા કોલેજના ઇતિહાસમાં 33 વર્ષ પછી આઇ.એન.ટીની ટ્રોફી આવી હતી અને મને બેસ્ટ એક્ટર ઇન નેગેટીવ રોલની ટ્રોફી મળી હતી. મેં તેમાં દૂધિયાનું પાત્ર ભજવ્યું હતું. પછી તો બે વર્ષ સુધી સતત કોલેજમાં ડ્રામામાં ભાગ લેતો રહ્યો. આ રીતે એક્ટિંગ ફિલ્ડમાં એન્ટ્રી થઇ હતી.

કરીયરને આગળ લાવવામાં કેટલી અને કેવી મહેનત કરવી પડી.

કોલેજ છોડ્યા પછી મારે એક્ટિંગમાં જ આગળ વધવું હતું પણ મારા કુટુંબમાંથી કોઇ આ ફિલ્ડમાં હતુ નહીં. કોઇ ગાઇડલાઇન પણ નહોતી. તેથી થોડો સમય સરકાર દ્વારા યોજાતા જાગૃતિ અભિયાન હેઠળ થતા પ્રચાર શોમાં જોડાઇ ગયો. તે સમય દરમિયાન થોડા ફેમીલી ઇસ્યુના કારણે ચાર વર્ષ સુધી એક્ટિંગ છોડીને પપ્પાના બિઝનેસમાં જોડાયો. અચાનક એક દિવસ નક્કી કર્યું કે એક્ટિંગ ફિલ્ડમાં જ આગળ વધવું છે. તેથી 2005-06ની સાલમાં હું મુંબઇ જતો રહ્યો અને આઠ-નવ વર્ષ સુધી કમર્શિયલ ડ્રામા કર્યા. આજના સમયમાં ખૂબ સરળ થઇ ગયું છે પણ હું જે સમયે મુંબઇ ગયો ત્યારે ફોટોગ્રાફ્સ લઇને અનેક પ્રોડક્શન હાઉસિસ પર ફરવું પડતું. હવે તો બધુ ઓનલાઇન થઇ ગયું છે. તે સમયે મને પહેલો બ્રેક ગુજરાતી નાટકમાં મળ્યો, જેનું નામ હતું, ‘કોના દીધા, ને તમારા રહી ગયા’. જેના રાઇટર અને ડિરેક્ટર ઇમ્તિઆઝ પટેલ હતા અને ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શન હાઉસનું તે પહેલું નાટક હતું. તેના અમે 250 શો કર્યા હતા અને તેના 50 શોઅમેરીકામાં થયા હતા.

આ રીતે નાટકોમાં જોડાયો. તે દરમિયાન હું સિદ્ધાર્થ રાંદેરીયા, સ્મૃતિ ઇરાની, દર્શન જરીવાલા, સંજય ગોરડીયા, ટીકુ તલસાણીયા જેવા અનેક દિગ્ગજ કલાકારો સાથે મેં નાટકો કર્યા. અત્યાર સુધીમાં મેં પાંચ હજારથી વધારે નાટકના શો કર્યા છે. શોને કારણે અનેકોવાર ફોરેન ટ્રીપ કરી છે, જેમાં અમેરીકા, લંડન, કેનેડા, આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા જેવા અનેક સ્થળોએ ફર્યો છું.

ફિલ્મોની સાથે હજીપણ થિયેટર સાથે સંકળાયેલા છો.

હાલમાં હું કમર્શિયલ શો ઓછા કરું છું અને એક્સપેરીમેન્ટલ શો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. હાલમાં એક-બે એક્સપેરીમેન્ટલ પ્લે કરવાનો છું.

ગુજરાતી ફિલ્મોમાં બ્રેક કેવી રીતે મળ્યો.

જ્યારે મારું નાટક ‘ગુજ્જુભાઇ બન્યા દબંગ’ ચાલી રહ્યું હતું, તેમાં હું સિદ્ધાર્થ સર સાથે કામ કરી રહ્યો હતો. તે સમયે સિદ્ધાર્થ રાંદેરીયા પ્રોડક્શનની જ ફિલ્મ ‘ગુજ્જુભાઇ ધ ગ્રેટ’ બની રહી હતી. તેમણે મને કહ્યું કે નાટકમાં હું જે ઇલ્યાઝનું પાત્ર કરી રહ્યો છું તેવું જ એક પાત્ર આ ફિલ્મમાં તારે કરવાનું છે. ફરક એટલો જ હતો કે નાટકનો ઇલ્યાઝ મુંબઇનું પાત્ર હતું અને ફિલ્મનું છોટે ભાઇનું પાત્ર અમદાવાદનું હતું. ઇશાન રાંદેરીયાએ મારું ફોન પર જ ઓડિશન લીધુ હતુ અને મારું સિલેક્શન થઇ ગયું. આ રીતે ‘ગુજ્જુભાઇ ધ ગ્રેટ’ ફિલ્મમાં છોટે ભાઇના પાત્રથી મારું ગુજરાતી ફિલ્મમાં ડેબ્યૂ થયું.

ગુજરાતી ફિલ્મોમાં કેટલી સ્ટ્રગલ રહી.

ફિલ્મોમાં પણ સ્ટ્રગલ તો રહી જ. મેં અત્યાર સુધીમાં ‘હાર્દીક અભિનંદન’, ‘કેશ ઓન ડિલીવરી’, ‘ગાંધીની ગોલમાલ’, ‘કંઇક કરને યાર’, ‘મિડનાઇટ વિથ મેનકા’, ‘સાહેબ’, ‘ફેમીલી સર્કસ’, ‘પપ્પા તમને નહીં સમજાય’ જેવી અનેક ફિલ્મો કરી છે. મારા માટે એવું કહેવાય છે કે આકાશ ઝાલા એટલે ગુજરાતી ફિલ્મોનું ટોલનાકું છે. હું દરેક ફિલ્મોમાં નાના પાત્રો કરતો હતો. નેશનલ એવોર્ડ જીતનારી ફિલ્મ ‘હેલ્લારો’માં અભિષેક ભાઇએ મને જોરાવરનું પાત્ર આપ્યું, તે મારી લાઇફનો ટર્નિંગ પોઇન્ટ છે. ફિલ્મમાં હું ઓછો દેખાઉં છું પણ મારું પાત્ર દમદાર છે. ફિલ્મ જીમાં મારો રોલ તમને વધારે દેખાશે. તે ઉપરાંત હિન્દી ફિલ્મ ‘યુનિયન લીડર’ અને ‘મન્ટો’મા નાનો રોલ પણ કર્યો છે.

નેગેટીવ રોલ માટે ટાઇપકાસ્ટ થઇ ગયા જેવું લાગતું નથી.

મેં ત્યાર સુધીમાં મોટાભાગે નેગેટીવર રોલ કર્યા છે પણ મારા પાત્રના શેડ્સ દરેકમાં તમને અલગ જોવા મળશે. પહેલી ફિલ્મ ‘ગુજ્જુભાઇ…’માં મારું પાત્ર નેગેટીવ છે પણ ફેલ્વર્ડ કોમેડી રહેલી છે. ‘હાર્દિક અભિનંદન’ અને ‘સાહેબ’માં હું પોઝીટીવ રોલમાં હતો. નેગેટીવ પાત્ર મને વધારે ઓફર કરવામાં આવે છે.

મુંબઇમાં સ્ટ્રગલ દરમિયાન ક્યારેય સિરિયલ્સમાં પ્રયત્ન ન કર્યો.

સિરિયલ માટે મારા વિચારો અલગ છે. મારે નોકરી નહોતી કરવી. તેથી જ હું આ ફિલ્ડમાં આવ્યો. સિરિયલ્સનું પણ કંઇક આવું જ છે. તેમાં સવારે નવથી સાંજના છની નોકરીની જેમ કામ કરવું પડે છે. ઇટીવી જ્યારે કલર્સ ગુજરાતી હતું ત્યારે ‘પતિ થયો, પતિ ગયો’ નામની સિરિયલ આવતી હતી. તેમાં મેં ઇન્સપેક્ટર વાઘેલાનો એક લાંબો ટ્રેક કર્યો હતો. તે સમયે સવારે આઠ વાગે આવો અને સાંજે આઠ વાગે જતા રહો જેવું હતું. મને સિરિયલ પહેલેથી જ ઓછી ગમે છે. તેથી ક્યારેય પ્રયત્ન કર્યો નથી અને કદાચ કરીશ પણ નહીં.

ગુજરાતી કે હિન્દી ફિલ્મો કે ફિલ્મોના કોઇ નેગેટીવ પાત્રો તમને ઇન્સપાયર કરે છે.

મને ગુજરાતી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ ‘ભવની ભવાઇ’ મને ગમે છે. હિન્દી ફિલ્મોમાં મને ‘શૂટ આઉટ એટ લોખંડવાલા’નું વિવેક ઓબેરોયનું માયાભાઇનું પાત્ર મને ખૂબ ગમે છે. આવું પાત્ર કરવાની ઇચ્છા છે. મારો રોલ મોડેલ નવાઝુદ્દીન સિદ્દીકી છે. મને લાગે છે કે નાના નાના પાત્રો દ્વારા પણ તમે તમારી કાબેલિયત સાબિત કરી શકો છો. તે સિવાય ગુલશન ગ્રોવર સાથે લોકો મને સરખાવે છે કે તું આંખોથી રમે છે. સંજય દત્ત સાહેબથી પણ ઇન્સપાયર છું. તેમની ફિલ્મ ‘ખલનાયક’, ‘અગ્નિપથ’ ફિલ્મનું પાત્ર મને ખૂબ ગમે છે અને હવે ‘પાનીપત’ની રાહમાં છું.

ગુજરાતી ફિલ્મ ‘જી’ માં પાત્ર વિશે જણાવો અને ફિલ્મમાં કેવો અનુભવ રહ્યો.

‘જી’ માં હું અઘોરના પાત્રમાં છું. મારો ગેટઅપ નવો છે. ભાષા અલગ છે. મેં મારા પાત્ર માટે વજન પણ વધાર્યું હતું. અભિમન્યું સિંહના નાના ભાઇના પાત્રમાં હોવાનો ખૂબ જ ગર્વ છે. તે બોલિવૂડમાં એક સારું સ્થાન ધરાવે છે. તેમની પાસેથી હું પાત્રમાં કેટલી ડેપ્થ રહેલી છે, પાત્ર શું વિચારીને પરર્ફોમ કરવાનું હોય, ડોયલોગ બોલતી વખતે ક્યાં અને કેટલું અટકવું, નવા પુસ્તકો વાંચવાથી પણ પ્રેરણા મળે છે, આ બધી જ બાબતો તેમની પાસેથી શીખવા મળી છે. તે સિવાય ચિરાગ તેલુગુ ફિલ્મોમાં એક્ટિવ છે અને અન્વેષી વેબ સિરિઝમાં લોકપ્રિય છે, આ તમામ લોકો એક લેવલ પર પહોંચેલા છે, તો તેમની પાસેથી સ્ટેબલ કેવી રીતે રહેવું તે પણ જાણવા મળ્યું.

હવે પછી કઇ ફિલ્મો આવી રહી છે.

હવે પછી મારી ફિલ્મ ‘અફરા તફરી’ અને ‘મચ્છુ’ આવી રહી છે. આ બંનેમાં પણ મારા અલગ પાત્રો જ જોવા મળશે.

Loading

Spread the love

Leave a Comment