અમરેંદ્ર બાહુબલી યાની મેં વચન હી બાહુબલી કા શાસન હૈ….

યાદ રહી જાય તેવા ડાયલોગ સાથે પ્રભાસે ફક્ત ભારતીય સિનેમામા જ નહી દુનિયામાં પોતાના શ્રેષ્ઠ કલાકાર હોવાની સાબીતી આપી દીધી છે. પ્રભાસ ત્રીજો ભારતીય છે, જેનું વેક્સ સ્ટેચ્યુ બેંગકોકના Madame Tussauds માં મૂકવામાં આવશે. આ પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અને ત્યારબાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું સ્ટેચ્યુ અહીં મૂકાયું છે. પ્રભાસ પહેલો સાઉથ સ્ટાર છે જેને આ માન મળવા જઇ રહ્યું છે.

જોકે અહીં આપણે ફિલ્મ વિશેની વાત કરીયે. લોકો બાહુબલી – ધ બિગીનીંગ ફિલ્મ જોયા બાદ કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેનું કારણ જાણવા માટે બે વર્ષ સુધી રાહ જોઇને બેઠા અને જ્યારે તે રહસ્ય ખુલ્લુ પડ્યુ તો લોકોએ જે પ્રેમ વરસાવ્યો છે અને કમાણી કરાવી છે, તે જોઇને ફક્ત ફિલ્મ પ્રત્યે જ નહીં પણ ફિલ્મની વાર્તા અને કલાકારો પ્રત્યેનો દર્શકોનો પ્રેમ પણ જોવા મળે છે. દર્શકોએ સાબિત કરી દીધું છે કે એક્શન, ડ્રામા અને ઇમોશન્સથી ભરપૂર ફિલ્મ તેમને હંમેશાથી પસંદ છે. ફિલ્મને હિટ કરવા માટે ટૂંકા કપડા કે ઉત્તેજક દૃશ્યો જ હોવા જરૂરી નથી. આ વાત બોલિવૂડના કલાકારો, પ્રોડ્યુસરો અને ડિરેક્ટર્સએ ખાસ સમજવા અને શીખવા જેવી છે.

 

ધર્મા પ્રોડક્શન, અર્કા મીડિયા વક્ર્સ અને કે પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ બાહુબલી 2 ના નિર્માતા શોબૂ યારલાગડ્ડા અને પ્રસાદ દેવેની છે. એસએસ રાજામૌલીના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ એક એક્શન ડ્રામા છે. જેમાં સંગીતકાર એમએમ કેરવાની છે. કે.વી. વિજયેન્દ્ર પ્રસાદની સ્ક્રીપ્ટ રાઈટીંગ વિશે શબ્દો નથી પણ એક કાલ્પનિક વાર્તા બનાવીને દેશના દરેક ખૂણામાં સાચી હકીકત સાબિત કરવાની તેનામાં તાકાત છે તેટલું કહેવાનું ચૂકીશ નહીં. તે એટલા માટે કે બાહુબલી દ્વારા ફિલ્મની આખી ટીમે ભારતીય ફિલ્મ જગતમાં એક ઇતિહાસ રચ્યો છે. ફિલ્મના મુખ્ય પાત્રમાં પ્રભાસ, રાણા દગ્ગુબતી, અનુષ્કા શેટ્ટી, તમન્ના, રામ્યા કૃષ્ણન, સત્યરાજ, નાસર છે. સાઉથમાં ઘણી હિટ ફિલ્મો આપી ચૂકેલા નિર્દેશક એસએસ રાજામૌલી પોતાની યાદગાર ફિલ્મ બાહુબલીનો બીજો ભાગ બાહુબલી 2 ધ કનક્લૂઝન લઇને આવી ગયા છે.

બે ફિલ્મો વચ્ચે બે વર્ષનો સમયગાળો રહ્યો પણ ફિલ્મની શરૂઆત જ એવી રીતે કરવામાં આવી છે કે જેણે પહેલી ફિલ્મ જોઇ હોય તેના માટે બે વર્ષ પછી પણ સીધી જ આ ફિલ્મ જોવી ખૂબ જ સરળ બની જાય છે. સ્ક્રીન પર નામ પડતાની સાથે જ પહેલી ફિલ્મના મુખ્ય દ્રશ્યોને જે રીતે રજૂ કરીને સમયનો અને સ્ક્રીનનો પૂરતો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ખરેખર વખાણવાલાયક છે. નામ પૂરા થાય ત્યાં સુધીમાં તો પહેલી ફિલ્મનું ચિત્ર ફરી ઊભુ થઇ જાય અને ફિલ્મની શરૂઆત થતા જ તેની સાથે જોડાઇ જઇએ.

167.30 મિનિટની આ ફિલ્મની શરૂઆત થાય ત્યારે સૌ પહેલા પૂર્વજોના મંદિરમાં માનતા પૂરી કરવામાં આવતી હોય તે પરંપરાનો સીન દેખાડવામાં આવે છે. જેને રાજમાતા શિવગામી (રામ્યા કૃષ્ણન) પૂરી કરવા જઇ રહી છે. તે જ સમયે હાથી બેકાબૂ બની જાય છે અને ભાગદોડ થઇ જાય છે. અચાનક શિવા, માહિષ્મતીના ભાવિ રાજા અમરેંદ્ર (પ્રભાસ)ની એન્ટ્રી બતાવે છે. જે તેની માતાને કોઇ હાની ન પહોંચે અને માનતા પૂરી કરી શકે તે માટે હાથીને કાબૂમાં કરી લે છે. આ ફિલ્મમાં શિવા એટલે કે અમરેંદ્ન બાહુબલીના રાજ્યાભિષેકની વાત છે. રાજ્યાભિષેક પહેલા શિવા જૂદા જૂદા રાજ્યોની મુલાકાતે વેશપલટો કરીને તેના મામા કટપ્પા (સત્યરાજ) ની સાથે નીકળે છે.

તે દરમિયાન કુંતલ દેશની રાજકુમારી દેવસેના (અનુષ્કા શેટ્ટી) સાથે આકસ્મિક મુલાકાત થાય છે. તેના પ્રત્યે શિવાને પ્રેમ થાય છે. બીજી બાજુ પિતરાઇ ભાઇ ભલ્લાલ દેવ (રાણા દગ્ગુબતી) તેની કટુ નિતીથી દેવસેના સાથે લગ્નનો પ્રસ્તાવ મોકલે છે. શિવાના બદલે ભલ્લાલ દેવ રાજા બની જાય છે અને અમરેંદ્ર બાહુબલી સેનાપતિ બની જાય છે. માહિષ્મતિની રાજમાતાની વિરુદ્ધ જઇને દેવસેના અમરેંદ્ર સાથે લગ્ન કરે છે. માહિષ્મતિના રાજા ન બની શકેલા અમરેંદ્રના પુત્ર મહેન્દ્રના જન્મ સમયે જ રાજમાતા તેને રાજા ધોષિત કરે છે. પુત્રને રાજા બનાવનાર માતા શિવગામી છેલ્લે કેમ પુત્ર ભલ્લાલની વિરુદ્ધ થઇ જાય છે અને શા માટે તે અમરેંદ્ર બાહુબલીના પુત્રને બચાવે છે. શા માટે દેવસેના બંદી બને છે. ઇન્ટરવલ સુધી ફિલ્મ ફ્લેશબેકમાં ચાલે છે અને તે પછી ખબર પડે છે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો. કેમ અને કઇ રીતે તેના માટે ફિલ્મ જોવા જજો. ખૂબ જ રસપ્રદ વાર્તા અને વળાંક સાથે ફિલ્મને જોવાની મજા આવે છે. એસએસ રાજમૌલીએ ફિલ્મમાં ધમાકેદાર એક્શન સિન્સ દેખાડ્યા છે.

નોંધપાત્ર બાબતો

બાહુબલીના પહેલા ભાગમાં શિવલિંગનો રંગ કાળો હતો અને બીજા ભાગમાં સફેદ સ્ફટીકનું શિવલિંગ દેખાડવામાં આવ્યું છે. આ સિવાય ભારતીય ફિલ્મના દરેક પાસાને જેવાકે લાગણી, પ્રેમ, એક્શન, ડાન્સ, નફરત, મ્યુઝીક વગેરેને આવરી લેવામાં આવ્યા છે. સાથે જ આર્ટ ડીરેક્શન, કોસ્ચ્યુમ પરફેક્શન, મેકિંગ, જૂના સમયના શસ્ત્રસરંજામો, સિનેમેટ્રોગ્રાફી, એડીટીંગ આ બધામાં પણ ખૂબ જ ચિવટપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે. યુદ્ધના દ્રશ્યો, યોદ્ધાઓની કુશળતા, યુદ્ધ કળા, તીરંદાજી કળા, યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતા સાધનો, સૌથી વધારે આકર્ષણ ઊભુ કરનાર બાયનોક્યુલર અને હવામાંથી પણ યુદ્ધ થઇ શકે તેવા સ્ટંટ અચંબો ઊભા કરે છે. યુદ્ધ લડવા માટે વૃક્ષોનો સૌથી વધારે ઉપયોગ, ઉપરાંત ઘોડા અને હાથીઓને આપવામાં આવેલી ટ્રેનિંગ તે દરેક બાબત જાણે પરફેક્ટ રીતે ખૂબ મહેનત માગી લે તે પ્રકારની છે. તમામ બાબતોને સફળતા પૂર્વક દર્શકો સામે રજૂ કરી છે. તે સિવાય ટેક્નિકલી જોઇએ તો હોલીવુડ કે અન્ય વિદેશી ફિલ્મ જેવા જ કેમેરા, લેન્સ, એનિમેશન, અલગ એન્ગલ વ્યૂને જે રીતે લેવામાં આવ્યા છે તે ખરેખર અચરજમાં મૂકે તે પ્રકારના છે. જોકે ટેક્નોલોજી અને સિનેમેટ્રોગ્રાફીના અંદાજની વાતને છોડી દઇએ તો તેના કમર્શિયલમાં કઇક વધારે બેસ્ટ કરી શક્યા હોત. પણ દર્શકોને પોતાના તરફ આકર્ષવા માટે એમએમ કેરવાનીનું સંગીત પૂરતું છે.

 

નિર્દેશ

બાહુબલીના સફળ નિર્દેશન પછી નિર્દેશક એસએસ રાજમૌલીએ ફિલ્મના બીજા ભાગને વધારે શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે આ ફિલ્મમાં દર્શકોને પોતાની તરફ આકર્ષવા માટેની કોઇ કસર બાકી રાખી નથી. રાજામૌલીએ ફિલ્મમાં ધમાકેદાર અને દર્શકોને સ્પર્શી જાય તેવા એક્શનના તડકા ઉમેર્યા છે. જોકે આ પ્રકારની ઐતિહાસિક ફિલ્મો માટે નિર્દેશકોને પૂરેપૂરી મહેનત અને દુરંદેશી દૃષ્ટિની ખાસ જરૂર હોય છે. જે રાજમૌલીએ આ ફિલ્મમાં સાબિત કરી દેખાડ્યું છે. જોકે ફિલ્મના વખાણ તો કરી જ શકાય તેમ છે પણ ક્યાંક ને ક્યાંક નિર્દેશકે થોડું વધારે બેસ્ટ કરી શક્યા હોત તેવી જરૂર જણાઇ હતી. જોકે ભારતીય મહાકાવ્ય પર આધારિત ઐતિહાસિક કથાને રાજમૌલીએ પોતાના અંદાજમાં દેખાડવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે, જેના કારણે પોતાના ચાહકોનો પ્રેમ મેળવવામાં કેટલીક હદે તે સફળ રહ્યા છે. ફિલ્મની શરૂઆતથી અંત સુધી દર્શકોને જકડી રાખવાનો સફળ પ્રયાસ રહ્યો છે.

 

ફિલ્મના પાત્રો

સાઉથના સુપરસ્ટાર પ્રભાસને અભિનયમાં કુશળતા મળી હોય તેવું લાગે છે. પ્રભાસે પહેલાની જેમ જ આ ફિલ્મમાં પણ પોતાનું સો ટકા આપવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે. જેમાં ક્યાંકને ક્યાંક તેણે પોતાની જાતને પણ શ્રેષ્ઠ સાબિત કરી બતાવ્યો છે. મહારાણી દેવસેનાના પાત્રમાં અનુષ્કા શેટ્ટીએ પણ ખૂબ સુંદર અભિનય કર્યો છે. સાથે જ તમન્નાની અભિનય ક્ષમતાને પણ લોકોએ વખાણી છે. તેણે પણ પોતાની કરિયરના પાત્ર કરતા કઇક અલગ કરી બતાવવાનો પ્રયાસ કર્યો છે. તો માહિષ્મતિની રાજમાતાના પાત્રમાં રામ્યા કૃષ્ણને પણ પ્રશંસનીય અભિનય ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. કટપ્પા તેમના જૂના અંદાજમાં જ જોવા મળ્યા. જોકે આ વખતે પાત્રમાં થોડો પ્રેમ અને મસ્તીનું ઉમેરણ કરવામાં આવ્યું હતું. તે સિવાય નાસરનું પાત્ર પણ ફિલ્મમાં મહત્વનું રહ્યું.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment