વિદ્યા બાલને પોતાની ફિલ્મોમાં એવી સશક્ત ભૂમિકાઓ અદા કરી છે, જે મહિલાઓને પણ એની માફક સશક્ત બનવાની પ્રેરણા પ્રદાન કરે છે. વિદ્યા બાલનનું અંગત જીવન વિશે પણ કહેવું છે કે મહિલાઓએ પોતાનું જીવન પોતાની ઇચ્છા અને શરતો અનુસાર જીવવું જોઇએ. જો તેઓ પોતે જ પોતાની જાતને નબળી માનશે, તો લોકો એમને હેરાન કરવાનાં જ છે. આથી મહિલાઓએ પોતાનું જીવન નીડરતાથી જીવવું જોઇએ. પોતે સ્ત્રી છે એ વાતનો વિદ્યા બાલનને ગર્વ છે. એ મહિલાઓને કોઇ પણ રીતે નબળી કે અબળા માનતી નથી. એનું કહેવું છે કે મહિલાઓ પોતેની રીતે પોતાની શરતો અનુસાર જીવનને સંપૂર્ણ આત્મસન્માનભેર જીવી શકે છે. `ધ ડર્ટી પિક્ચર’, `કહાની’, `તુમ્હારી સુલુ’ અને `બેગમ જાન’ જેવી ફિલ્મોમાં સશક્ત ભૂમિકાઓ અદા કરીને એણે એ મેસેજ પણ આપ્યો છે કે મહિલાઓએ કઇ રીતે સશક્ત બનવું? વુમન્સ ડે પર વિદ્યા બાલન સાથે કરી મુક્ત મને વાતચીતઃ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તમારા માટે કેટલું મહત્વ ધરાવે છે?
મારી નજરે જુઓ તો, મહિલા દિવસ સંપૂર્ણ નારી જાતિના સન્માનનો દિવસ છે. મારી દૃષ્ટિએ આ દિવસ એક તહેવાર જેટલું મહત્વ ધરાવે છે. આજે પણ આપણા સમાજમાં છોકરી જન્મે તો લોકો એટલા ખુશ નથી થતા, જેટલા તેઓ છોકરો જન્મે ત્યારે થાય છે. છોકરાના જન્મની તેઓ ઇચ્છા ધરાવે છે.
તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે છોકરી હોવાના બદલે છોકરો હોત તો સારું હતું?
ક્યારેય નહીં. હું નસીબદાર છું કે મારી સાથે ક્યારેય એવું બન્યું હોય કે મહિલા અથવા છોકરી હોવાના કારણે મને કંઇ મુશ્કેલી પડી હોય કેમ કે મારા પરિવારજનો સુશિક્ષિત અને સમજદાર છે. એમના માટે છોકરી અને છોકરા વચ્ચે કોઇ પ્રકારનો ભેદભાવ નથી. મને ક્યારેય એવો ખ્યાલ સુદ્ધાં નથી આવ્યો કે હું છોકરી-મહિલા હોવાથી સ્વતંત્ર રીતે જીવન જીવી નથી શકતી અને મારા વિચાર મારા પરિવાર સમક્ષ રજૂ ન કરી શકતી હોઉં. એવું ક્યારેય નથી બન્યું.
તમે એક હિરોઇન તરીકે `ધ ડર્ટી પિક્ચર’ જેવી બોલ્ડ ફિલ્મ કરી હતી, ત્યારે તમારા પરિવારજનોએ એવું ન કહ્યું કે એક યુવતી છે. આવો રોલ કરવાથી લોકો તારા માટે ગેરસમજ કરશે?
જ્યારે મારી પાસે `ધ ડર્ટી પિક્ચર’ની ઓફર આવી ત્યારે હું એ રોલ કરવા માટે અચકાતી હતી. એ વખતે મારા પરિવારજનોએ જ મને સપોર્ટ આપ્યો અને મને કહ્યું કે મારે આ રોલ અવશ્ય કરવો જોઇએ કેમ કે આ એક ચેલેન્જિંગ રોલ છે,.
આજે પણ ઘણી જગ્યાએ સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે. એવામાં તમને શું લાગે છે કે આજની મહિલા હજી પણ અબળા છે?
વાત અબળા કે સબળા હોવાની નથી પણ સ્વસુરક્ષાની છે. તમને તમારી જાતનો બચાવ કેવી રીતે કરવો તે ખ્યાલ હશે તો તમે નબળાં હોવા છતાં તમારી જાતને બચાવી શકો છો. જો તમે સક્ષમ હોવા છતાં ડરીને નમતું જોખી દો છો, તમારા પર થતા અત્યાચાર અંગે મૌન ધારણ કરો છો, તો તમે કાયમ માટે અબળા જ બની રહેશો.
એક મહિલા હોવાથી તમારે ક્યારેય આવા સંજોગોનો કે સ્થિતિનો સામનો કરવો પડ્યો છે, જ્યારે તમે તારી જાતને નબળી માની બેઠા હો?
હા, ઘણી વાર મને લોકોએ એવો અનુભવ કરાવવાનો પ્રયત્ન કર્યો છે કે હું નબળી છું, હું સ્ત્રી છું, મારે અન્યાય સહન કરવો પડશે. જોકે મેં આવા લોકોને જડબાતોડ જવાબ આપ્યો. મેં મારી જાતને ખૂબ મહેનતપૂર્વક સાબિત કરી છે. હવે જે લોકો પહેલાં મને નબળી પાડવા ઇચ્છતા હતા, તેઓ જ મને બહાદુર કહે છે. મારી પ્રશંસા કરે છે.
તમને ગર્વ છે કે તમે એક મહિલા છો?
ઓફકોર્સ, મને ગર્વ છે કે હું મહિલા છું. પર્સનલી મેં એવા અનેક કાર્યો કર્યા છે, જેના વિશે મારા મિત્રો અને પરિવારજનો મારા માટે ગર્વ અનુભવે છે.
મહિલા દિવસ નિમિત્તે તમે એવી મહિલાઓ જેઓ પોતાને નબળી અને લાચાર માને છે, તેમને શું સંદેશો આપીશો?
એ જ કે એક વાર વિચારી લો કે તમે કોઇ પણ રીતે નબળાં નથી કે અક્ષમ નથી. તમે એ દરેક કાર્ય કરી શકો છો જે એક પુરુષ કરી શકે છે. આમ વિચારશો તો તમને તમારી જીત હાથવેંતમાં હોય એવું લાગશે. તમારી આ ઇચ્છા જ તમને સફળતાના માર્ગે આગળ વધારશે. જો તમે એવું જ વિચારતાં રહેશો કે હું તો છોકરી છું, મહિલા છું, હું શું કરી શકવાની? તો તમે જીવનમાં ક્યારેય સફળ નહીં થાવ.
આજે મહિલાઓ પર જે અત્યાચાર થઇ રહ્યા છે, ખાસ કરીને બાળકીઓ સાથે પણ – એ અંગે કેવા નક્કર પગલાં લેવાવા જોઇએ?
મોટાએ તો પોતાનું રક્ષણ પોતાની જાતે જ કરવાનું રહેશે. આથી એમને સ્પેશિયલ ટ્રેનિંગ એમની જાતની સુરક્ષા માટે આપવી જોઇએ. બાળકીઓ સાથે થતાં દુષ્કર્મો કે ગેરવર્તનની વાત કરું તો એની સામે કડક પગલાં લેવાવા જોઇએ.
મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને શો સંદેશો આપશો?
એટલું જ કહીશ કે મહિલાઓએ પોતાની જાતને અબળા કે નબળી ન માનવી જોઇએ. કોઇ પણ પરિસ્થિતિ કે મુશ્કેલીનો મક્કમતાથી સામનો કરો. એક દિવસ ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થશે અને દુનિયાના લોકો તમારા અસ્તિત્વને સ્વીકારશે.