તાપસીએ 2010થી પોતાના કરીયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. બે વર્ષ પછી તેણે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી. તેની પહેલી હિન્દી ફિલ્મ ‘ચશ્મેબદ્દુર’ને વધારે સફળતા મળી નહોતી પણ ત્યારબાદ ‘બેબી’ ફિલ્મના તેના નાનકડા રોલને લોકોએ ધ્યાનમાં લીધો. તે પછી તેણે પાછા ફરીને જોયું નથી. ફિલ્મ ‘પિંક’ ની સફળતા પછી તાપસીએ પાછા ફરીને જોયું નથી. ‘નામ શબાના’ અને ‘મુલ્ક’ જેવી ફિલ્મોમાં તેણે પડકારજનક પાત્ર દ્વારા લોકોના દિલ જીતી લીધા છે. થોડીક જ ફિલ્મો દ્વારા તાપસી બોલિવૂડમાં સ્ટાર બની ગઇ છે. તાપસી પન્નુ બોલિવૂડમાં ખૂબ જ ઝડપથી પોતાનું સ્થાન જમાવી રહી છે અને આગળ વધી રહી છે. તેની ઓળખ એક એવી અભિનેત્રી તરીકે થવા લાગી છે કે જે કોઇપણ મુશ્કેલ પાત્ર સરળતાથી ભજવી શકે છે. તેની હાલમાં આવેલી ફિલ્મ ‘મુલ્ક’માં તેના કામના ખૂબ જ વખાણ થયા છે અને હવે તે એક અલગ પ્રકારના પાત્રમાં ફિલ્મ ‘મનમર્જીયા’માં જોવા મળશે. હવે તે આનંદ એલ.રાય દ્વારા પ્રોડ્યુસ અને અનુરાગ કશ્યપના ડીરેક્શનમાં બનેલી ફિલ્મ ‘મનમર્જીયા’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ લવટ્રાયન્ગલ છે. આ ફિલ્મના પાત્રને લઇને પણ તે ચર્ચામાં છે. ફિલ્મમાં તેના પાત્ર વિશે, તાપસી વિશે અને અન્ય કેટલીક તાપસી અંગેની રસપ્રદ વાતો જાણીયે….
પોતાના કરીયરને લઇને કેટલા ખુશ છો.
ખૂબ જ ખુશ છું. જે રીતે મેં મારા કરીયર વિશે વિચાર્યું હતું તે મુજબ જ થઇ રહ્યું છે. તે જ પ્રમાણે સફળતા મળી રહી છે. ‘પિંક’ ફિલ્મ આવ્યા બાદ લોકોને લાગ્યું કે તાપસી તો ખૂબ સારી એક્ટીંગ કરી શકે છે. તે મારી કરીયરનો ટર્નીંગ પોઇન્ટ કહી શકાય. જોકે આ 2018નું વર્ષ મારા માટે વધારે સારું સાબિત થયું છે. ફિલ્મ ‘મુલ્ક’ પછી દર્શકોનો મારા માટેનો વિશ્વાસ વધી ગયો છે. લોકોને લાગવા લાગ્યું છે કે તાપસી દરેક પ્રકારના પાત્રને અલગ જ રીતે પડદા પર ભજવી શકે છે. ફિલ્મ ‘મનમર્જીયા’ માં મારું અલગ જ પાત્ર જોવા મળશે તેથી લોકોને મારા ડિફરન્ટ શેડ્સ જોવા મળશે.
‘મુલ્ક’ નો રીસપોન્સ કેવો રહ્યો. કોઇ ઘટના બની છે.
ફિલ્મને રીલીઝ થયાને મહિનો થયો છે અને આજેપણ બોક્સ ઓફિસ પર સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ત્રણસો જેટલા થિયેટરોમાં આજેપણ શો ચાલી રહ્યા છે અને મોટાભાગના હાઉસફુલ જઇ રહ્યા છે. થોડા સમય પહેલા જ હું મારી બિલ્ડીંગમાંથી ઊતરી રહી હતી અને મને એક મુસ્લિમ મહિલા મળી. તેણે ફિલ્મ ‘મુલ્ક’ વિશે મારી સાથે દસ મિનિટ વાતો કરી. તે ફિલ્મ કરવા માટે મને થેન્ક્યૂ પણ કહ્યું. ફિલ્મ ‘પિંક’ વખતે પણ મને આ પ્રકારની કોમેન્ટ્સ મળી હતી અને આ ફિલ્મમાં પણ મળી રહી છે. એક કલાકાર તરીકે મારા માટે તે ખૂબ મહત્વની વાત છે.
‘મનમર્જીયા’ ની રૂમી અને તાપસી એકબીજાથી કેટલા જોડાયેલા છે.
રૂમીનું પાત્ર મારા સાથે કનેક્ટ કરી શકાય પણ હું સંપૂર્ણ રૂમી નથી. રૂમી તેના જીવન માટે થોડી કન્ફ્યૂઝ્ડ છે જ્યારે હું મારા જીવનને લઇને ક્યારેય કન્ફ્યૂઝ્ડ થતી નથી.
અભિષેક અને વીકી સાથેની પહેલી ફિલ્મ છે, તો કેવો અનુભવ રહ્યો.
બંને ખૂબ જ અલગ છે. અભિષેક તો ઘણા સિનિયર કલાકાર છે. તેમની એક્ટીંગની પદ્ધતિ ઘણી અલગ છે. તે ખૂબ અનુભવી કલાકાર છે. ફિલ્મનું પાત્ર તેમની રીયલ લાઇફ સાથે ઘણુબધુ મળતુ આવે છે. વીકી અને મેં એકસાથે જ હિન્દી ફિલ્મોમાં કરીયરની શરૂઆત કરી હતી. વીકી સાથે મારે વધારે સારું બોન્ડિંગ છે. તે એક્ટીંગ પણ ખૂબ સારી કરે છે.
અનુરાગ કશ્યપ અલગ જ જોનરની ફિલ્મો માટે વખણાય છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો. કોઇ ડર રહ્યો હતો.
ના, ડર કઇ વાતનો. ફિલ્મ કરતી વખતે વિશ્વાસની વાત હોય છે. અનુરાગ કશ્યપ ડાર્ક ફિલ્મ બનાવવા માટે અને ફિલ્મના પ્રોડ્યુસર આનંદજી રોમેન્ટિક ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. બંનેનું કોમ્બિનેશન ખૂબ રસપ્રદ અને સરસ રહ્યું. તેઓ બંનેની સાથે કામ કરવાની તક મળી તે વિચારીને જ મેં ફિલ્મ માટે હા પાડી દીધી હતી. જ્યારે ફિલ્મની વાર્તા સાંભળી તો મને સમજાઇ ગયું હતું કે મને આ પાત્રની ઓફર શા માટે કરવામાં આવી હતી. આમપણ અનુરાગજી કહે છે કે ફિલ્મ ‘મનમર્જીયા’ ની રૂમી હું જ છું.
અમિતાભજી સાથે બીજીવાર તક મળી કામ કરવાની તો કેવું લાગ્યું.
કોઇ વધારે ફરક અનુભવ્યો નથી. ફિલ્મ ‘પિંક’ માં તેઓ મારા વકીલ બન્યા હતા. જોકે આ ફિલ્મમાં મારું પાત્ર ખૂબ જ અલગ છે. ફિલ્મ ‘પિંક’ માં હું યૌન શોષણનો શિકાર બનેલી એક યુવતીના પાત્રમાં હતી તો ફિલ્મ ‘બદલા’ માં હું એક સ્ટ્રોંગ અને મારફાડ બિઝનેસ વુમનનું પાત્ર ભજવી રહી છું.
બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોમાં બેલેન્સ જળવાઇ રહે છે.
હા, મેં નક્કી કર્યું છે કે વર્ષમાં એક સાઉથની ફિલ્મ જરૂરથી કરીશ. હાલમાં જ મારી એક તેલુગુ ફિલ્મ ‘નિવવેરો’ રીલીઝ થઇ છે. 2017માં ‘ગાઝી’ અને અન્ય બે ફિલ્મો રીલીઝ થઇ હતી. ‘મનમર્જીયા’નું પ્રમોશન પૂરું થયા બાદ હું એક તમિલ અને એક તેલુગુ ફિલ્મનું શૂટીંગ શરૂ કરવાની છું. તે ફિલ્મ 2019માં રીલીઝ થશે. હવે સાઉથમાં પણ લોકોને એ વાતનો અહેસાસ થઇ ગયો છે કે કઇક અલગ પ્રકારનું પાત્ર હોય તો જ તાપસીને બોલાવવી જોઇએ. મારી પાસે હિન્દી અને સાઉથની એવી ઘણી ફિલ્મોની ઓફર છે, જેમાં કઇક રીસ્ક હોય, હવે હું ફોર્મુલા ફિલ્મો કરવાનું પસંદ કરતી નથી.
તારી આવનારી હિન્દી ફિલ્મો કઇ છે.
એક ‘તડકા’ નામની ફિલ્મ કરી રહી છું અને થોડા સમય પહેલા જ ફિલ્મ ‘બદલા’નું શૂટીંગ પૂરું કર્યું છે. ‘બદલા’ ફિલ્મમાં હું ફરીથી અમિતાભ બચ્ચનજી સાથે જોવા મળીશ. તે સિવાય એક ફિલ્મ ભૂમિ પેડનેકરની સાથે સાઇન કરી છે. જેનું શૂટીંગ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં શરૂ થશે.