સલમાન ખાનની ફિલ્મ ટાઇગર જીંદા હૈને લોકોએ ખૂબ પસંદ કરી છે. ફિલ્મના ગીતો અને એક્શન પણ લોકોએ ખૂબ વખાણ્યા છે. તે પહેલા આવેલી ફિલ્મ સુલતાનને પણ લોકોએ ખૂબ પ્રેમથી સ્વીકારી હતી. હવે રેમો ડિસૂઝા દ્વારા ડિરેક્ટ મલ્ટીસ્ટારર ફિલ્મ રેસ-3 લઇને તે આવી રહ્યા છે. એક્શન અને સ્ટાઇલથી ભરપૂર આ ફિલ્મમાં સલમાનની સાથે શ્રીલંકન બ્યૂટી જેકલીન ફર્નાંડિસ જોવા મળવાની છે. ડાન્સ અને એક્શનથી ભરપૂર આ ફોર્મુલા ફિલ્મ માટે ઘણીબધી તૈયારીઓ થઇ રહી છે. 2018ની આ એક ધમાકેદાર ફિલ્મ સાબિત થઇ શકે છે.
2009માં બોલિવૂડમાં અલાદ્દીન ફિલ્મથી અમિતાભ બચ્ચન અને રીતેશ દેશમુખ સાથે ડેબ્યૂ કરનાર જેકલીને દસ વર્ષમાં બોલિવૂડમાં ઘણા મોટા બેનરની ફિલ્મોમાં જાણીતા હિરો સાથે કામ કર્યું છે, છતાંય હજી પોતાની એક અલગ ઇમેજ બનાવી શકી નથી. જોકે તેની ફિલ્મ કિક તેના કરિયર માટે નવો વળાંક સાબિત થઇ હતી. હાઉસફુલ, મર્ડર-2, હાઉસફુલ-2, હાઉસફુલ-3, રેસ -2, ઢીસૂમ, કિક, રોય, બ્રધર્સ જેવી ફિલ્મો તેણે કરી છે. રેસ-2 પછી રમૈયા વસ્તાવૈયામાં તેના કામની નોંધ થોડીઘણી લેવામાં આવી હતી. દસ વર્ષમાં તેણે બોલિવૂડના ઘણા જાણીતા કલાકારો સાથે કામ કર્યું છે. તેનું કલાકાર તરીકેનું નામ છે પણ જે જોઇએ તેવી જગ્યા તે હજીપણ બોલિવૂડમાં મેળવી શકી નથી. છેલ્લે તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અ જેન્ટલમેનમાં અને વરુણ ધવન સાથે જૂડવા 2માં દેખાઇ હતી. બાગી 2માં તેના એક દો તીન ડાન્સને પણ લોકોએ વખાણ્યો છે.
જે રીતે કાર્ય અને રીલેશન વચ્ચે જેકલીન બેલેન્સ જાળવી રાખવા માગે છે, તે જ રીતે કરિયરમાં પણ જેકલીને તેના પાત્રની પસંદગી કરવામાં હંમેશા બેલેન્સ જાળવી રાખ્યું છે. તેણે કોમેડી, રોમેન્ટિક, એક્શન દરેક પ્રકારના પાત્ર કર્યા છે. તેમછતાંય તે બોક્સ ઓફિસ પ્રમાણે ફિલ્મોને સફળ થયેલી માને છે. ઉપરાંત પોતાના પાત્રની પસંદગી કરતી વખતે તેના માટે ક્યું પાત્ર કેટલું સારું અને ખરાબ રહેશે તે પણ જુએ છે. તે પાત્ર માટે કેટલી કોન્ફિડન્ટ છે તે તેના માટે વધારે મહત્વનું છે. એક સારી સ્ક્રિપ્ટ અને પાત્રની તેને તલાશ છે, જે ભજવવામાં તેને રીશ્ક લેવું પસંદ રહેશે.
કીક પછી હવે તે રેસ-3માં ફરીથી સલમાન ખાન સાથે જોવા મળવાની છે. ફિલ્મના ટ્રેલરને જોયા પછી લોકોમાં ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના કારણે ફિલ્મ મેકર્સ પણ ફિલ્મને સારી રીતે દર્શકો સમક્ષ રજૂ કરવાનું નક્કી કર્યું છે. જેકલીન આ ફિલ્મમાં એક હોટ પોલ ડાન્સ કરતી જોવા મળશે. ફિલ્મમેકર્સ જેકલીનના પોલ ડાન્સ સ્કીલથી ખૂબ ઇમ્પ્રેસ છે. તેથી જ તો તેના ડાન્સને રેસ 3માં લેવામાં આવ્યો છે. આ પહેલા જેકલીન તેની ફિલ્મ ધ જેન્ટલમેનમાં પોલ ડાન્સ કરતી જોવા મળી હતી. જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. ફિલ્મ નહોતી ચાલી પણ જેકલીનનો ડાન્સ લોકો માટે યાદગાર બની ગયો હતો. જેકલીન ઘણીવાર સોશિયલ મિડીયા પર તેના પોલ ડાન્સના વિડીયોઝ શેર કરતી હોય છે. રેસ 3 ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. જેને ટીપ્સ ફિલ્મના બેનર હેઠળ રમેશ તૌલાની અને સલમાન ખાન ફિલ્મ્સ બંને સાથે મળીને બનાવી રહ્યા છે. ઇદના સમયે આ ફિલ્મ રીલીઝ થવા જઇ રહી છે. જેકલીન સાથે થયેલી ફિલ્મ અને કરીયરને લઇને વાતચિત.
રેસ 3માં જેકલીન ફરીથી પોલ ડાન્સ કરતી જોવા મળશે.
ધ જેન્ટલમેનમાં લોકોએ મારા પોલ ડાન્સને ખૂબ પસંદ કર્યો હતો. પોલ ડાન્સ માટે મેં ઘણા મહિનાઓ સુધી મહેનત કરી હતી અને ટ્રેનિંગ લીધી હતી. રેમો ડિસૂઝાએ કહ્યું કે જેકલીન ખૂબ મહેનતું છે. ખૂબ જ ઓછા સમયમાં મેં પોલ ડાન્સમાં પરફેક્શન મેળવી લીધુ હતું. તેથી તેને રેસ 3માં પણ લેવામાં આવ્યો છે.
ઇન્ડસ્ટ્રીમાં મહેનત કરવી કેટલી મુશ્કેલ છે.
છેલ્લા દસ વર્ષથી હું બોલિવૂડમાં છું. ઇન્ડસ્ટ્રીમાં મહેનત કરવી ખૂબ મુશ્કેલ છે. અહીં પ્રતિભાશાળી હોવાની સાથે વ્યવહાર કુશળતા પણ હોવી જરૂરી છે. જો તમે ઇગો ધરાવતા હો તો, આ ઇન્ડસ્ટ્રીમાં પગપેસરો કરવો જોઇએ નહીં. અહીં તમારે શાલીન બનવું પડે છે. કામ માંગવામાં શરમ આવતી હોય તો સમજી લેવું કે તમને ફિલ્મો મળવામાં મુશ્કેલીઓનો સામનો ચોક્કસપણે કરવો પડશે. મારા મત પ્રમાણે ઇન્ડસ્ટ્રીમાં દરેક હિરો-હિરોઇન પોતાના સંપર્કોનો વધારો કરતા રહે છે. દરેક પોતાના નિર્માતા-નિર્દેશકોને કહીને જ રાખે છે કે મોટા કલાકારો સાથે ફિલ્મ મળે તેવા પ્રયત્ન કરજો. જોકે મેં બધાને તો નહીં પણ કરણ જોહર, સાજીદ નડીયાદવાલા જેવા બે-ત્રણ ફ્રેન્ડ્સ નિર્માતાઓને કહી રાખ્યું હતુ કે તેમની ફિલ્મોમાં જો મારે લાયક કામ હોય તો મને જરૂરથી જાણ કરે. જે નવા કલાકારો છે, જેમની કોઇ ઓળખ બની ન હોય, તે દરેક આ પ્રકારનું કાર્ય કરતા જ હોય છે.
સલમાન સાથેની કિક પછી તારીક કરીયરને પણ કિક લાગી એવું માને છે. સલમાન વિશે શું કહીશ.
હું ઇન્ડસ્ટ્રીમાં તો હતી જ પણ એક સારી ફિલ્મ, કલાકાર અને પાત્ર તરીકે તમે આ ફિલ્મને મારા માટે મહત્વની ગણી શકો. મને સલમાન પાસેથી ઘણુબધુ શીખવા મળ્યું છે, મને ઘણીવાર એવું લાગે કે તે નિર્દેશકોના કહ્યા પ્રમાણે નહીં પણ પોતાના મનથી જ કામ કરી રહ્યા છે. કિક ફિલ્મની શૂટીંગ દરમિયાન જ્યારે અમે શોટ ઓકે થયા પછી તેમના કામને સ્ક્રીન પર જોતા ત્યારે ખબર પડતી કે તેમણે કેટલા પરફેક્શન સાથે કામ કર્યું છે. એક વખત મેં તેમને ખૂબ જ ગભરાઇને સવાલ કર્યો કે તમે આટલા બધા નેચરલ કેવી રીતે રહી શકો છો. તેમણે જબાવમાં કહ્યું કે “મતલબ?” હું તે સમયે ગભરાઇ ગઇ, તો તેમણે મને કહ્યું કે આઇ એમ જસ્ટ ટીઝીંગ યું. પછી તેમણે મને કહ્યું કે, તું ફક્ત તારા કામ પર જ ધ્યાન આપ, પછી જો દરેક બાબત તારા પક્ષમાં જ હશે. તારે કોઇની પણ નકલ કરવાની જરૂર નથી. બી યોર સેલ્ફ. કિક ફિલ્મ દરમિયાન ભલે મને કંઇક શીખવા ન મળ્યું હોય, પણ હું એટલું જરૂર શીખી છું કે બી યોર સેલ્ફ. હવે હું મારા કામ પર ફોકસ કરી રહી છું.
તને લોકો ગ્લેમરસ સ્ટાર તરીકે ઓળખે છે. કેવું લાગે છે.
જોકે અત્યાર સુધીમાં મને જેટલા પણ રોલ મળ્યા છે, તેમાં મને પોતાની અભિનય કળાને દેખાડવાની તક મળી નથી. મને વિદેશમાંથી આવેલી ગ્લેમરસ સ્ટાર તરીકે જ લોકો ઓળખે છે. હુ મારી આ છબીને બદલવા ઇચ્છું છું. લોકો મને ફક્ત ગ્લેમરર હોવાના કારણે જ યાદ ન કરે છે, પણ કોઇક પડકારરૂપ પાત્ર માટે પસંદ કરે તેવી ઇચ્છા છે. હું દર્શકોને યાદ રહી જાય તેવું પાત્ર ભજવવા ઇચ્છું છું. મારી મુસાફરી કેટરીના કૈફ જેવી રહી છે. તે લંડનથી અહીં આવી છે અને હું શ્રીલંકાથી આવી છું. અમારે બંનેએ અહીં આવીને અહીંની ભાષા શીખવી પડી. પોતપોતાની રીતે અનેક ઊતાર-ચઢાવમાંથી પસાર થવું પડ્યું છે. હવે અમે બંનેએ એક ઓળખ તો ઇન્ડસ્ટ્રીમાં મેળવી જ લીધી છે. અમે બંનેએ આ સ્થાન અમારી મહેનત અને આવડતથી મેળવ્યું છે. કોઇપણના સપોર્ટ વિના આ રીતે આગળ વધવું ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મુશ્કેલ છે.
તને તારી ફિલ્મોનું ક્યું પાત્ર પસંદ છે.
મને કિક ફિલ્મનું મારું પાત્ર ખૂબ પસંદ છે, કારણકે તે મારી પોતાની ખૂબ નજીક રહેલું છે. સાઇના અને જેકલીન બંને એકસરખા છે. તે સિવાય બ્રધર્સમાં જે જેનીનું પાત્ર હતું તે મારા માટે મુશ્કેલ હતું.
બોલિવૂડના ક્યા ડિરેક્ટર સાથે કામ કરવાની ઇચ્છા છે.
સંજય લીલા ભણસાલી સાથે એક એપિક ફિલ્મ કરવાની ઇચ્છા છે.
- જેકલીન શ્રીલંકન અભિનેત્રી હોવાની સાથે સાથે ભૂતપૂર્વ મોડલ અને મિસ શ્રીલંકા યુનિવર્સની વિજેતા છે.
- પડદા પાછળ રહીને તેઓ સામાજીક કાર્યોમાં પણ અગ્રેસર છે. તેઓ સ્ટેજ શોઝ પણ કરે છે.
- જેકલીન ફર્નાંડિઝનો જન્મ શ્રીલંકામાં થયો હતો, તેમના પિતા શ્રીલંકન છે.
- તેઓ ચાર ભાઇ-બહેનો છે, જેમાં તે સૌથી નાની છે. તેઓ ફિલ્મોમાં આવ્યા પહેલા ટીવી શોઝ હોસ્ટ કરતા હતા.
- ત્યારપછી તે ટીવી રીર્પોટર બની. તે સમય દરમિયાન જ તેમને મોડલિંગની ઓફર્સ આવવા લાગી, જેના કારણે પછીથી તે ફિલ્મોમાં આવી.
- હિન્દી ફિલ્મોમાં કરિયરની શરૂઆત ફિલ્મ અલાદ્દીનથી થઇ હતી.
મેધા પંડ્યા ભટ્ટ