વિકાસ કુમારા મોટા ભાગની સિરિયલ્સમાં પોલીસ ઓફિસરની ભૂમિકામાં જ જોવા મળ્યા છે. જોકે આજકાલ કલર્સ ચેનલ પરથી પ્રસારિત થતાં શો `કોર્ટ રૂમ – સચ્ચાઇ હાજિર હો’માં એક નેરેટર તરીકે એ જોવા મળી રહ્યા છે. આ શો કરીને વિકાસ ખૂબ ખુશ છે કે એમને કંઇક નવું કરવા મળ્યું છે. પહેલાં થિયેટર અને પછી ટીવીના સ્ક્રીન પર વિકાસ કુમારે પોતાની ઓળખ બનાવી છે. જોકે યશરાજનો શો પાઉડર એમનો પ્રથમ ટીવી શો હતો તે પછી એ યશરાજના જ શો `ખોટે સિક્કે’માં જોવા મળ્યા. લગભગ દોઢ વર્ષ સુધી એમણે સિરિયલ `સીઆઇડી’માં કામ કર્યું. એ અનેક ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂક્યા છે. ગત વર્ષે રિલિઝ થયેલી ફિલ્મ `પરમાણુ’માં પણ એ જોવા મળ્યા. વિકાસ ડાયલોગ કોચ પણ છે. એમણે અનેક ફિલ્મોમાં ડાયલોગ કોચ તરીકે પણ કામ કર્યું છે. બોલિવૂડના અનેક મોટા કલાકારોને તેમણે ડાયલોગ કોચ તરીકે ટ્રેનિંગ આપી છે. હવે એ `કોર્ટ રૂમ’ શોમાં નેરેટર તરીકે જોવા મળે છે. વિકાસકુમાર સાથે કોર્ટરૂમ શો સાથે સંકળાયેલી વ્યક્તિગત વાતચીતઃ

તમારો શો કોર્ટ રૂમ કઇ રીતે ખાસ છે?

ટીવી પર પહેલી વાર આ પ્રકારનો શો રજૂ થયો છે. ક્રાઇમ જોનરમાં પહેલાં પણ શો તો બન્યાં છે, પણ આ ક્રાઇમ અને લીગલ ડ્રામા છે. આ શોની ખાસિયત એ છે કે જે ઐતિહાસિક નિર્ણયો આપણી કોર્ટે સંભળાવ્યા, એવા કેસોથી પ્રેરણા લઇને આ શો બન્યો છે. આ શોમાં અનેક પ્રકારના કેસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કોઇ અપરાધ એટલે કે ક્રાઇમ થયો તો કઇ રીતે થયો? તેની બેક સ્ટોરી તો દર્શાવવામાં આવે જ છે, પણ કોર્ટ રૂમમાં જ્યારે એ બાબતો આવી ત્યારે શું બન્યું તે પણ દર્શાવવામાં આવે છે.

`કોર્ટ રૂમ’ શોમાં તમારી ભૂમિકા કેવી છે? તમારા પાત્ર માટે કઇ તૈયારીઓ કરી છે?

શોમાં મારી ભૂમિકા કેસીસની વાર્તા સંભળાવું છું. હું શોનો નેરેટર છું, એન્કર છું, વાર્તાને આગળ વધારું છું. મારા પાત્રના હોમવર્કથી લઇને લીગલ લેંગ્વેજ સમજવા સુધીની મારે મહેનત કરવી પડી, કેમ કે જો હું પોતે જ મુખ્ય બાબત અને કાયદાની ભાષા સમજી ન શકું તો દર્શકોને કેવી રીતે જણાવી અને સમજાવી શકું? આ કામ માટે મેં મારા એક વકીલ મિત્રની મદદ લીધી. એ ઉપરાંત, એન્કરિંગ માટેની ભાષા અને ઉચ્ચારણ પર પણ કામ કર્યું. મારું માનવું છે કે એન્કરિંગ કરતાં હો, તો તમે તમારી પર્સનાલિટી સામે લાવો છો કેમ કે ત્યાં તમે કોઇ પાત્ર ભજવતા હોતા નથી.

તમારા અભિનયની સફરને કેવી રીતે જુઓ છો?

મને અભિનયમાં આવ્યાને 14 વર્ષ થઇ ગયાં છે. આ 14 વર્ષમાં મને અલગ અલગ પ્રકારના પાત્ર ભજવવાની તક મળી નથી. જોકે મોટા ભાગના લોકો મારી પાસે પોલીસ ઓફિસરના પાત્રની ઓફર લઇને જ આવે છે. મેં `સીઆઇડી’ સિરિયલમાં પણ કામ કર્યું છે. આથી લોકોને લાગે છે કે હું એવા પ્રકારના પાત્રો જ સારી રીતે અદા કરી શકું છું. ફિલ્મ `પરમાણુ’માં પણ હું આવા જ પ્રકારના રોલમાં હતો. મારી ફિલ્મ `હામિદ’માં પણ મારું પાત્ર  એક ફૌજી સૈનિકનું છે. એવામાં મને જ્યારે `કોર્ટ રૂમ’માં એન્કરિંગ કરવાની તક મળી, ત્યારે હું ખૂબ ખુશ થયો કે ચાલો, કંઇક તો અલગ કરવાની તક મળી.

તમે થિયેટર, ટીવી અને ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છો. આમાંથી તમને સૌથી સરળ માધ્યમ કયું લાગ્યું?

આ ત્રણેય માધ્યમોમાંથી મને થિયેટર સૌથી સરળ લાગે છે, કેમ કે તમે જ્યારે સ્ટેજ પર હો, તો એક-દોઢ કલાક સુધી એ પાત્રમાં જ ઓતપ્રોત હો છો. આ ખૂબ મજાની વાત છે.

તમારા જીવનનો ટર્નિંગ પોઇન્ટ કયો છે?

મેં એક્ટિંગ કરિયર પસંદ કરી તે પહેલાં બેરી જોનને ત્યાં થિયેટરનો ત્રણ મહિનાનો એક્ટિંગનો કોર્સ કર્યો. કોર્સના અંતે એક નાટક ભજવાયું, જેમાં મારી સારી એવી પ્રશંસા થઇ. તે પછી મને ખ્યાલ આવી ગયો કે મારે મારા જીવનમાં આ દિશામાં જ આગળ વધવાનું છે.

બેરી જોન સાથે કામ કરીને તને શું શીખવા મળ્યું?

હું એ શીખ્યો કે એક એક્ટર માટે સૌથી પહેલાં મહત્વની બાબત પોતાની જાતને જાણવી તે છે. જોકે આ બાબત તો દરેક ફીલ્ડમાં લાગુ પડે છે.

ફિલ્મ `હામિદ’માં શું રોલ હતો?

ફિલ્મ `હામિદ’માં એક નાના બાળકની વાર્તા હતી. ફિલ્મ કાશ્મીરના બેકગ્રાઉન્ડ પર આધારિત હતી.. હામિદ નવ-દસ વર્ષનો બાળક છે, ઘરમાં એની માતા છે. એક દિવસ હામિદના પિતા ગાયબ થઇ જાય છે. એને માત્ર એટલું જ કહેવામાં આવે છે કે એ અલ્લાહ પાસે ગયા છે. એને ખબર નથી કે અલ્લાહ પાસે જવું એટલે શું? તેને આનો અર્થ ખબર નથી. આ દરમિયાન એક સીઆરપીએફના જવાનના સંપર્કમાં એ આવે છે, હું એ જવાનની ભૂમિકા અદા કરી રહ્યો હતો.

આવનારા પ્રોજેક્ટ ક્યા છે?

એક ફિલ્મના શૂટિંગમાં બિઝી છું. આનું શૂટિંગ લખનઉમાં ચાલી રહ્યું છે. આશિષ પંતની આ ફિલ્મનું નામ `ઉલઝન’ છે. આમાં મારી ભૂમિકા એકદમ અલગ જ પ્રકારની છે. ફિલ્મમાં હું એક સામાન્ય બિઝનેસમેન બન્યો છું. એમાં પતિ-પત્નીની પ્રેમભરી વાત છે.

 

 

Loading

Spread the love

Leave a Comment