કરણજોહર દ્વારા સ્ટુડન્ટ ઓફ ધ યરમાં લોન્ચ થયા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાની બીજી ફિલ્મ હંસી તો ફંસી દ્વારા પણ દર્શકોને ઇમ્પ્રેસ કર્યા, ત્યારબાદ એક વિલનના પોતાના નેગેટીવ રોલને લઇને દર્શકોનો પોઝીટીવ રિવ્યૂ મેળવ્યો. બ્રધર્સ, કપૂર એન્ડ સન્સ, બાર બાર દેખો જેવી ફિલ્મોમાં પણ તેના પાત્ર દ્વારા એક છાપ ઊભી કરી. રોમેન્ટિક પાત્ર, ગ્રે શેડ પાત્ર ભજવ્યા બાદ હવે સિદ્ધાર્થ એક્શન હિરો તરીકે અને સાથે સાથે કોમેડી હિરો તરીકે પણ જોવા મળશે. તેની ફિલ્મોની સફળતાથી તેના ઉત્સાહ અને કાર્યમાં વધારો થતો જોવા મળ્યો છે. હવે તે અ જેન્ટલમેન ફિલ્મમાં ડબલ રોલમાં છે. એક્શન કોમેડી ફિલ્મ વિશે સિદ્ધાર્થ સાથે થયેલી રૂબરૂ વાતચિત.

ફિલ્મના પાત્ર ગૌરવ અને ઋષિમાં કોણ સુંદર અને સુશિલ છે અને કોણ રીસ્કી છે.

ગૌરવ સુંદર અને સુશિલ યુવક છે. તેને લગ્ન કરવા છે. તેના સપનાઓ એક સામાન્ય મધ્યમવર્ગીય યુવક જેવા છે. તેને અમેરીકા જઇને 9 થી 5ની નોકરી કરવી છે. તેને રસોઇ કરતા આવડે છે. પોતાનું ઘર પણ છે. ભવિષ્યમાં ફેમીલી અને બાળકો હશે, તેમ વિચારીને તેમના માટે પોતાની સ્પોર્ટ્સ કાર વેચીને એક મીની વેન ખરીદી લીધી છે. તેણે પોતાની લાઇફનું બધુ જ પ્લાનિંગ કરી લીધુ છે ફક્ત લગ્ન કરવા માટે એક યુવતીની જરૂર છે. તેની શોધમાં છે. બીજી બાજુ ઋષિ છે તે રીસ્કી છે. તે અલગ રહે છે, એકલો રહેવાનું વધારે પસંદ કરે છે. પોતાના સ્વભાવમાં થોડો અગ્રેસીવ પણ જોવા મળે છે. તેને એક્શન આવડે છે. તેની લાઇફમાં અલગ પ્રકારની જ સ્ટ્રગલ છે.

આ ફિલ્મના એક્શન સીન હોલિવૂડની ફિલ્મો જેવા લાગે છે.

હોલિવૂડની ફિલ્મો સાથે કમ્પેરીઝન કરવું મુશ્કેલ છે કારણકે તે ફિલ્મોના બજેટ અને ટાઇમિંગ આપણા કરતા સો ગણા વધારે હોય છે. તેમની સરખામણીએ ઘણી ઓછી બાબત આ ફિલ્મમાં છે. જોકે આ એક એક્શન કોમેડી ફિલ્મ છે. ફિલ્મની એક્શનના કોરીયોગ્રાફરનું નામ સિરિલ રેફીલ છે અને તેમણે ઘણીબધી હોલિવૂડ ફિલ્મો જેવી કે ટ્રાન્સર્ફોમર સિરિઝ, ડાય હાર્ટ, એક્માંસ મેન વગેરેમાં કામ કર્યું છે, તેથી કેટલીક સિમિલર બાબતો આ ફિલ્મમાં જોવા મળી શકે.

ફિલ્મના એક્શન સીન માટે ટ્રેનિંગ લીધી હતી. કેટલી ઇજા થઇ.

હા, એક્સન સીન માટે થઇને મેં ત્રણ મહિનાની ટ્રેનિંગ લીધી હતી. તે સિવાય એક્શન હિરોની એક બોડી લેંગ્વેજ હોય છે, સ્ટાઇલ હોય છે. તેના પર મહેનત કરી. ફિલ્મમાં જેટલી પણ એક્શન જોવા મળે છે, તે મોટાભાગે સાચી ફાઇટ લાગે તે પ્રકારની જ છે. વધારે પ્રમાણમાં લાઉડ નથી. કોઇને ટચ કરો અને ઊડી ગયા તેવી માનવામાં ન આવે તે પ્રકારની એક્શન જોવા મળશે નહીં. આજકાલના દર્શકો પણ ખૂબ સ્માર્ટ થઇ ગયા છે. કોઇ હિરો એક્શન કરે તો કેટલી ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે અને કેટલું રીયલ હોય છે, તે અંગે જાણકારી આજના ઓડિયન્સને છે. ફિલ્મમાં 95 ટકા એક્શન મેં જાતે જ કરી છે. હું, રાજ, ડીકે અને ફોક્સ જે પ્રકારની નવી એક્શન કોમેડી ફિલ્મ જેમાં કોમેડી હોય, સ્લીક એક્શન હોય, જે રીયલ લાગે, થોડી સ્ટાઇલીશ લાગે તેવી ઇચ્છતા હતા તેવી આ ફિલ્મ બનાવી છે. એક એક્ટર તરીકે મારા માટે એક એક્શન કોમેડી ફિલ્મ કરવી જરૂરી છે.

ઇન્ડિયન એક્શન ફિલ્મ અને હોલિવૂડ એક્શન ફિલ્મમાં શો ફરક લાગે છે.

તેઓ આર્થિક રીતે, ટેક્નોલોજીની રીતે અને બિઝનેસ કે બજેટની રીતે બધી રીતે આપણાથી આગળ જોવા મળે છે. તે સિવાય તેમને આખી દુનિયામાં ઓડિયન્સ મળી રહે છે કારણકે હવે અંગ્રેજી યુનિવર્સલ લેગ્વેંજ બની ગઇ છે. તેમના કન્ટેન્ટ અને એક્શન કરવાની સ્ટાઇલ આપણા કરતા અલગ છે. હોલિવૂડ સાથે સરખામણી કરતા નથી પણ થોડા બજેટમાં તેમના જેવું બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હાલમાં જ આવેલી બાહુબલી ફિલ્મની વાત કરું તો તે પણ એક એક્શન ફિલ્મ જ કહી શકાય. જેની સરખામણી હોલિવૂડ સાથે પણ કરવામાં આવી છે. તેમણે પણ ભારતની સૌથી મોંઘી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો.

એક્શન ફિલ્મોમાં હિરો માટે સ્ટાઇલ કેટલી જરૂરી છે.

આપણે હિન્દી ફિલ્મોમાં એક્શન સાથે સ્ટાઇલ વધારે જોવા મળતી નથી. એક્શન વખતે એટલી બધી ઇજાઓ થાય છે કે દર્દ જ સહન થતું નથી. ડર લાગે છે, ડર દેખાડવાનો હોય છે, ઘણીવાર શ્વાસ ફુલવા લાગે છે. થોડી કોમેડી પણ આ ફિલ્મમાં એક્શનની સાથે જોવા મળશે. પંચ મારીને હિરો સ્ટાઇલીશ લુક આપે તેવું આ ફિલ્મમાં જોવા નહીં મળે. એક નવી વસ્તુ લોકોને પસંદ આવશે.

આ ફિલ્મના એક્શન સીન દરમિયાન તમને કેટલી ઇજાઓ થઇ.

ઘણીબધી ઇજાઓ થઇ છે. મારા જમણા હાથના કાંડાના ઊપરના ભાગ પર જે નિશાન છે, તે આ પહેલાની ફિલ્મ વખતે નહોતું. આ ફિલ્મમાં તે જોવા મળશે. આવી ઘણીબધી ઇજાઓ હતી. તે સિવાય બેંગકોકમાં શૂટીંગ દરમિયાન બાઇક સ્ટ્રેચ પણ થયું હતું. જેમાં મારી એન્કલ પર ખૂબ પ્રેશનર ફિલ કરવું પડ્યું હતું. મને હાથમાં જે ઇજા થઇ તે ગન ફાઇટ દરમિયાન થઇ હતી. જ્યારે હેન્ડ ટુ હેન્ડ ફાઇટ કરવાની આવે તો આવું થાય છે. એક્શન ફિલ્મોમાં ઇજા થવી સામાન્ય છે.

આ ફિલ્મના ઋષિના પાત્રની જેમ લાઇફમાં રીસ્ક લીધા છે.

હું મુંબઇમાં રીસ્ક લઇને જ આગળ આવ્યો છું. હું કોઇને અહીં ઓળખતો નહોતો. પાંચ છ વર્ષ સુધી સ્ટ્રગલ કરી. સ્ટ્રગલિંગ પિરિયડ બધાના માટે એકસરખો હોય છે, મહેનત કરવી પડે છે, પણ નર્વસ થયો નહોતો. મોડલિંગ કરતો તેના કોન્ટેક્ટનો ઉપયોગ કરીને મુંબઇમાં ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યા. ઘણીવાર કામ મળે તે માટે ફોનકોલ્સની રાહ જોઇ છે. છેલ્લે કરણ સરને ત્યાં તક મળી. તે સમયે મને ઘરના લોકો ઘણીવાર ફોન કરીને કહેતા કે તારે પાછા આવી જવું હોય તો આવી જા. જોબ મળી જ જશે. પણ મારે કંઇક અલગ અને એક્ટીંગ સાથે જોડાયેલું કરવું હતું. આજે મહેનતથી એક્ટર બની ગયો છું.

જેકલીન સાથે બીજી ફિલ્મ છે. સાથે કામ કરવાનો કેવો અનુભવ રહ્યો.

પહેલી ફિલ્મ બ્રધર્સમાં તે મારી ભાભીના પાત્રમાં હતી. તેમની સાથે બે વર્ષના સમયનો સંપર્ક છે. બ્રધર્સના પ્રમોશન વખતે સારી મિત્રતા થઇ હતી. તે સમયે જે મસ્તી વગેરે હતી તે દરેકને આ ફિલ્મમાં ઉપયોગમાં લીધી છે. કો સ્ટાર સાથે દોસ્તી હોય તો તમે કોઇપણ સીન કરવામાં કે ડાયલોગ બોલવામાં કમ્ફર્ટ ફિલ કરી શકો છો. જેકલીન હંમેશા પોઝીટીવ મૂડમાં રહેતી વ્યક્તિ છે. તે ક્યારેય શૂટીંગ પર સ્ટ્રેસ લઇને આવતી નથી. તેના કારણે વાતાવરણ ખૂબ જ હળવું રહે છે.

આસિસ્ટન્ટ ડીરેક્ટર બન્યા પછી લોકો ડાયરેક્શનમાં આવવાનું પસંદ કરે છે, તમે અભિનય કેમ પસંદ કર્યો.

એવું નથી. બધા જ નવા કલાકારો પહેલા આસિસટન્ટ ડીરેક્ટર બન્યા છે. જ્યારે તેઓ આસિસટન્ટ ડીરેક્ટર તરીકે બધી જ બાબતો શીખી લે છે, ત્યારે તેઓ પડદા પર ઉતરે છે. તમે દરેક બાબતોના જાણકાર બની જાઓ છો અને તેના કારણે કામ કરવામાં સરળતા રહે છે. રણબીર કપૂર, સોનમ કપૂર, રણવીર સિંહ, વરુણ ધવન, હું અમે બધા આ રીતે જ આવ્યા છીએ.

સિદ્ધાર્થ એક્ટર ન હોત તો શું હોત.

તો હું બેંકીંગમાં હોત. મારો મોટો ભાઇ પણ એમાં જ છે. મારું આખું કુટુંબ જોબ કરે છે.

ઇન્ડસ્ટ્રીમાં ક્યા ડિરેક્ટર સાથે કામ કરવાની ઇચ્છા છે.

મારું લીસ્ટ છે જેમાં હું સંજય લીલા ભણસાલીજી, રાજુ હિરાણીજી સાથે કામ કરવાની ઇચ્છું છું. તે સિવાય કરણ જોહર હવે શું બનાવી રહ્યા છે, તે ખબર નથી. બીજી વાર કામ કરવાની તક મળે તો જરૂર કરીશ. ઘણા યુવા ડિરેક્ટર પણ સારું કામ કરી રહ્યા છે. સારી સ્ક્રિપ્ટ કે વાર્તા હોય, જે દર્શકોને વધારે પસંદ આવે તેની જરૂર છે. એક્ટર્સ એક સારી વાર્તા, સ્ક્રિપ્ટ, જે કંઇક અર્થવાળી કે મહત્વની હોય તેના જ ભૂખ્યા હોય છે.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

 

 

 

Loading

Spread the love

Leave a Comment