ફિલ્મ `ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ની ચર્ચા રાજકારણીઓથી લઇને સામાન્ય લોકોમાં પણ થઇ રહી છે. આ ફિલ્મમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળના અનેક પાસાં દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં અક્ષય ખન્ના પત્રકાર સંજય બારુની ભૂમિકા અદા કરી રહ્યા છે. અક્ષય ખન્નાની અભિનય કારકિર્દીને વીસ વર્ષ પૂરા થઇ ગયા છે, પણ એની કરિયર જે ઝડપે આગળ વધવી જોઇએ, એવી વધી નહીં. હકીકતમાં અક્ષય અભિનયમાં ખૂબ જ પ્રતિભાશાળી છે, જે એ પ્રેક્ષકો સમક્ષ દર્શાવી શક્યા નથી. જોકે છેલ્લા કેટલાક સમયથી એ એવી ફિલ્મો કરી રહ્યા છે, જેમાં એની ભૂમિકા દમદાર અને રૂટિન કરતાં કંઇક અલગ પ્રકારની હોય છે. એ કેટલીક વાર તો લીડ કેરેક્ટર પર પણ છવાઇ જાય છે. આજકાલ અક્ષય ખન્ના નવા નિર્દેશક વિજય ગુટ્ટેની ફિલ્મ `ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ માટે ચર્ચાનો વિષય બન્યા છે. આમાં એમણે પત્રકાર સંજય બારુની ભૂમિકા ભજવી છે. ફિલ્મની વાર્તા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એમના કાર્યસમયની આસપાસ વણાયેલી છે. તાજેતરમાં અક્ષય ખન્ના સાથે ફિલ્મ `ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ અને કરિયર અંગેની વાતચીત થઇ.

તમે ફિલ્મ `ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માં પત્રકાર સંજય બારુની ભૂમિકા કરી છે. આ ફિલ્મમાં અભિનય કરવાનું સૌથી મોટું કારણ શું હતું?  

બે વર્ષ પહેલાં નિર્દેશક વિજય ગુટ્ટે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લઇને મને મળ્યા હતા. મને તેની વાર્તા સારી લાગી. ફિલ્મ સંજય બારુએ લખેલા પુસ્તક પર આધારિત છે. ફિલ્મમાં લીડ રોલમાં અનુપમ ખેર છે. જે ડો. મનમોહન સિંહની ભૂમિકા અદા કરી રહ્યા છે. વાસ્તવમાં મનમોહનજી અને સંજય બારુ વચ્ચે સારા સંબંધો હતા. એ સંજય સાથે ઘણી વાતો શેર કરતા હતા. આથી આ પાત્ર ખૂબ મહત્વનું હતું. જોકે વાર્તા વાંચ્યા પછી શરૂઆતમાં મને લાગ્યું કે સંજય બારુનું પાત્ર વધારે મજબૂત હોવાની જરૂર હતી. મેં ડિરેક્ટરને પાત્રને વધારે મજબૂત દર્શાવવાનું કહ્યું. એમણે એવું જ કર્યું અને મેં ફિલ્મ સાઇન કરી લીધી.

ફિલ્મ રીલીઝ પહેલા અને પછી ચર્ચાનો વિષય બની છે, તે અંગે તમારું શું કહેવું છે?

સંજય બારુએ `ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ નામનું પુસ્તક વર્ષ 2014માં લખ્યું હતું. એ પુસ્તકને હજારો લોકોએ વાંચ્યું હશે. એ વખતે તો કોઇ હોબાળો થયો નહીં, તો હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઇ છે, ત્યારે આ બધી ચર્ચા અને હોબાળો શા માટે? પુસ્તકમાં સંજય બારુએ મનમોહનજીના વડાપ્રધાન દરમિયાનના કાર્યકાળ વિશે જણાવ્યું હતું. આ પુસ્તક પછી નિર્દેશકે વાંચ્યું, તેના પરથી ફિલ્મ બનાવવાનું વિચાર્યું. દરેક વખતે થતી ચર્ચાઓ કે હોબાળો સાચો જ હોય તે જરૂરી નથી.

તમારી ફિલ્મ ડો. મનમોહન સિંહના વડાપ્રધાન વખતના કાર્યસમય અંગેની અનેક ઝીણવટભરી વાતો જણાવે છે, જેમાં કેટલીક વાતો કન્ટ્રોવર્સિયલ પણ છે. તમારું શું માનવું છે કે રાજકારણ સાથે સંકળાયેલ લોકો પર ફિલ્મ બનવી જોઇએ?

કેમ નહીં? અત્યાર સુધીમાં આપણે મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા મહાન નેતાઓ પર બનેલી ફિલ્મો જોઇ જ છે, તેમના જીવન વિશે પણ જાણ્યું છે. બાળાસાહેબ ઠાકરે પર બનેલી ફિલ્મ પણ રિલીઝ થવાની છે. રાજકારણમાં પહેલાં અને અત્યારે પણ અનેક એવા નેતા છે, જેમનું જીવન અનેક ઘટનાઓથી ભરેલું છે. ડો. મનમોહન સિંહ ખૂબ બ્રિલિયન્ટ માણસ છે, હું સોનિયા ગાંધીજીને પણ ખૂબ માન આપું છું. તો તેમના રાજનૈતિક જીવનને સ્ક્રીન પર દર્શાવવામાં શો વાંધો? એમાં હોબાળો મચાવવા જેવું શું છે? પોલિટિકલ પર્સનાલિટી પર ભવિષ્યમાં પણ ફિલ્મો બનવી જોઇએ હું એવું અંગત રીતે માનું છું.

તમે ફિલ્મમાં પત્રકાર સંજય બારુની ભૂમિકા અદા કરી છે. આ ભૂમિકા વિશે કોઇ ખાસ તૈયારી કરી હતી?

મેં કોઇ પ્રકારનું હોમવર્ક નથી કર્યું. સંજય બારુને હું હજી સુધી મળ્યો નથી, જોકે મળવાની ખૂબ ઇચ્છા છે. મેં મારી ભૂમિકા મારા ફિલ્મના નિર્દેશક વિજય ગુટ્ટેના દૃષ્ટિકોણ અનુસાર અદા કરી છે.

તમારા પિતા વિનોદ ખન્ના રાજકારણ સાથે સંકળાયેલા રહ્યા. તમે એક પોલિટિકલ ફિલ્મ કરી રહ્યા છે. ભવિષ્યમાં તમે રાજકારણમાં જવા માગો છે?

હું સાદું જીવન જીવવા ઇચ્છું છું. પોલિટિક્સ મારું ક્ષેત્ર નથી. ભવિષ્યમાં મારો ત્યાં જવાનો વિચાર પણ નથી. હું એક એક્ટર છું અને ફક્ત અભિનય જ કરવા માગું છું.

તમારી કરિયરને વીસ વર્ષ થઇ ગયાં છે. આ અભિનયસફરને કેવી રીતે જુઓ છો?

મને મારા ડેડીએ લોન્ચ કર્યો હતો. તે પછી મેં પર્સનલ લાઇફ અને કરિયર બંનેને પૂરતો સમય આપ્યો. કામમાંથી થોડો બ્રેક પણ લીધો. મારી કામ કરવાની સ્ટાઇલ આવી જ છે. મારી કરિયર મારી આગવી રીતે આગળ વધી છે.

તમારો ભાઇ રાહુલ ખન્ના પણ સિલેક્ટિવ કામ કરે છે. એની સાથે ભવિષ્યમાં કામ કરશો?

કેમ નહીં? અમારા બંને માટે સારો સક્ષમ રોલ હશે તો ચોક્કસ સાથે કામ કરીશું. માત્ર સાથે કામ કરવા માટે કોઇ ફિલ્મ નથી કરવી. અમે બંને આ બાબતે સ્પષ્ટ છીએ.

આજકાલ અનેક એક્ટર, પ્રોડ્યુસર-ડિરેક્ટર બની રહ્યા છે. તમારું એવું કોઇ પ્લાનિંગ છે?

ના, હું ડિરેક્ટર ન બની શકું. એક ડિરેક્ટરે સૌને સાથે લઇને ચાલવું પડતું હોય છે અને એ કામ હું ન કરી શકું. હું બહુ ઝડપથી ગુસ્સે થઇ જાઉં છું. હું કોઇને સહન નથી કરી શકતો.

 

Loading

Spread the love

Leave a Comment