નવરાત્રી એટલે નવ રાત્રી સુધી ગરબે ઘૂમવાની રાત્રી. તેમા યુવતીઓ અવનવા પોશાકની સાથે ગરબે ઘૂમતી જોવા મળે છે. નવરાત્રીના ખાસ પરિધાન કેટલાય મહિનાઓ પહેલાથી ખરીદવામાં કે સીવડાવવામાં આવતા હોય છે. જેથી નવરાત્રીના ગરબામાં યુવતીઓ પોતાને અન્યથી અલગ દેખાડી શકે. દર વર્ષે કંઇક નવા પોશાકનો ઉમેરો નવરાત્રીમાં થતો જ હોય છે. જોકે ચણિયા-ચોળીની ફેશન તો વર્ષોથી ચાલતી જ આવી છે, તેમાં ખાસ કંઇ નવું નથી પણ તેની ડિઝાઇનમાં અને કારીગરીમાં નવીનતા જોવા મળે છે.

 

ધોતી – કેડીયું

ધોતી- કેડીયું શબ્દ વાંચતા જ પહેલા આશ્ર્ચર્ય થશે કે આ પોશાક તો યુવકો પહેરે છે. જી હા, આ પોશાક યુવકો જ પહેરે છે પણ આ વખતે નવરાત્રીમાં યુવતીઓ પણ આ પોશાકમાં ગરબે રમતી જોવા મળશે. ધોતીમાં ખાસ કરીને તેની કોર્નર પર પોમપોમથી બોર્ડર કરવામાં આવી છે, જેના કારણે તે અલગ જ દેખાય છે. તેમાં પણ ધોતીના કલર અને પોમપોમના કલરનાં કોમ્બિનેશનમાં વિરોધાભાસ ઊભો કરવામાં આવ્યો છે, જેથી તે સૌ પ્રથમ આકર્ષણનું કેન્દ્ર બને. તે સિવાય કેટલીક ધોતીની બોર્ડર ડિઝાઇનમાં હેવી કચ્છીવર્કની પટ્ટીઓ પણ મૂકવામાં આવી છે, તો કેટલાકમાં કાચનું વર્ક પણ જોવા મળે છે. જે નવરાત્રીમાં વધારે ચમકીલું લાગે. સાથે પહેરવામાં આવતા કેડીયામાં કચ્છી હેન્ડવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં બાંયની બોર્ડર પર પણ પોમપોમ મૂકવામાં આવ્યા છે, જેથી ધોતીની સાથે તે મેચિંગ કરી શકાય છે. સાથે કેડીયામાં કાશ્મીરી સ્ટાઇલ અને પાકિસ્તાની ડિઝાઇનના સ્ટીચનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં આવેલી ફિલ્મ સ્ત્રીમાં પણ શ્રદ્ધા કપૂર આ પ્રકારના આઉટફીટમાં જોવા મળી હતી. ખરેખર આ વખતે નવરાત્રીમાં ધોતી અને કેડીયા પહેરીને ગરબે ધૂમતી ગોરીનો દેખાવ આકર્ષણનું કેન્દ્ર તો બની જ રહેવાનો છે.

 

હેરમ – સ્કર્ટ – ટોપ

કોટન ફેબ્રિકમાં હેરમમાં સેમી પાકિસ્તાની સ્ટાઇલ આ વખતે વધારે લોકપ્રિય છે. જેમાં હેરમમાં કમર અને પગના ભાગ તરફની બોર્ડર પર હેવી કચ્છી વર્ક કરવામાં આવ્યું છે. જેથી તે વધારે ગામઠી લુક આપે. સાથે જ સ્કર્ટમાં પણ આ જ રીતનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ બંનેમાં કોટન અને સેમી કોટન મટીરિયલનો ઉપયોગ થયો છે. જેથી કાપડની થિકનેસના કારણે હેવી પેચવર્કનો ઉપયોગ કરી શકાય છે. ટોપમાં પણ આ વખતે ફ્રિલ્ડ ટોપ અને કેડિયા સ્ટાઇલ ટોપ કે હેવી પેચવર્કવાળા ટોપનો ઉપયોગ વધારે જોવા મળશે. હવે સ્કર્ટ અને હેરમની સાથે હેવી પેચવર્ક કે કચ્છી વર્કવાળા ટોપને યુવતીઓ વધારે પસંદ કરે છે.

આ વખતે પટીયાલા, ધોતી સ્ટાઇલ જેમાં વધારે ઘેરાવો હોય તે પણ ડિમાન્ડમાં છે. જેની ઉપર કેડીયા સ્ટાઇલ યુવતીઓ પસંદ કરી રહી છે. જેની પેટર્ન રેગ્યુલર કુર્તી કરતા થોડી લાંબી હશે. તેમાં ફક્ત કચ્છી વર્ક નહીં પણ હેન્ડવર્ક તેમજ ઇખત વર્ક પણ જોવા મળશે. તે સિવાય સ્કર્ટ્સ અને જેકેટ સ્ટાઇલ પણ લોકપ્રિય છે.

ચણિયા-ચોળી એવરગ્રીન

નવરાત્રીમાં વર્ષોથી ચણિયા-ચોળીની ફેશનને લોકો આપનાવી રહ્યા છે, ત્યારે તેમાં દર વર્ષે કંઇક નવી ફેશન આવતી રહે છે. આ વખતે અનઇવન ડિઝાઇન અને તેના પર પોમપોમની લટકણ ચણિયામાં જોવા મળશે. જેમાં સાથે મિરર વર્ક અને કચ્છી વર્કનું કોમ્બિનેશન પણ હશે. ચોળીમાં આ વખતે ગામઠી ડિઝાઇન અને પ્રિન્ટ તો ખરી જ સાથે મિરર વર્કની ડિઝાઇન પણ વધારે લોકપ્રિય છે. સાથે જ નીચે પ્લેઇન ચણિયામાં બોર્ડર પર મિરર વર્કનું પણ આકર્ષણ રહેશે.

 

ફેશન ડિઝાઇનર જીજ્ઞા શાહ કહે છે કે, આ વખતે નવરાત્રીમાં ઘણી બધી નવી ડિઝાઇન અને ફેબ્રિક તેમજ આઉફીટમાં વિવિધતા જોવા મળવાની છે. ટોપ્સમાં પેપલમ, ફ્રિલ્ડ ટોપ, અનઇવન એસિમેટ્રીકલ કેડીયા અને ટ્યુબ્સ વીથ સ્ટીચ્ડ સ્કાર્ફનો ઉપયોગ કરવામાં આવશે. ધોતી-કેડીયા આ વખતે ફેશનમાં નંબર વન રહેશે. મેં જે પ્રકારની નવરાત્રી માટે ધોતી ડિઝાઇન કરી છે, તેમાં ખાસ પ્રકારના પોકેટ્સ પણ સ્ટીચ કર્યા છે. જેમાં મોબાઇલ મૂકીને યુવતીઓ એકદમ ફ્રી રહીને ગરબા રમવાનો આનંદ માણી શકશે. તે સિવાય પોમપોમની ફેશન આ વખતે ચણિયા-ચોળી, ધોતી-કેડીયા, ઘરેણા, ફેબ્રિક નેકલેસ, મોજડી અને મોટા કડાંમાં જોવા મળશે. પોમપોમ પહેરવામાં હળવા રહે છે અને સાથે જ તે આકર્ષક લાગે છે. તેનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી કોઇપણ વસ્તુ પહેલી નજરમાં આવે છે. તેથી છેલ્લા કેટલાય વર્ષોથી તેનો ઉપયોગ હવે વધારે થવા લાગ્યો છે.

Loading

Spread the love

Leave a Comment