એક સમયે ફક્ત એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કરનાર કોઇને કોઇ ફિલ્મસ્ટાર હવે ફિલ્મના નિર્માણ તરફ દોડી રહ્યા છે. આ બાબત તેમના માટે એક સારા કલાકાર હોવા અને દર્શકોની પ્રશંસા મેળવવા કરતા પણ વધારે મોટી અને મહત્વની બાબત છે. ફિલ્મને પ્રોડ્યુશ કે ડાયરેક્ટ કરવાની સાથે સાથે જ આજે મોટાભાગના ફિલ્મ કલાકાર પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલી ચૂક્યા છે. આજે સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, શાહરૂખખાન, અજય દેવગન, સોહેલ ખાન, સૈફ અલી ખાન દરેક હિરો પોતાની પ્રોડક્શન કંપનીની ફિલ્મો બનાવી રહ્યા છે અને તેમાં પોતે એક્ટિંગ પણ કરી રહ્યા છે. એક હકીકત એ પણ છે કે કોઇપણ કલાકાર આખુ જીવન એક્ટિંગ કરી શકવાનો નથી. તે ફિલ્મ લાઇન સાથે જોડાયેલો હોવાથી ફિલ્મ બનાવવાનું પહેલા પસંદ કરે છે. જોકે સિક્કાની બીજી બાજુની વાત કરીએ તો જો કોઇ એક્ટરની પ્રોડક્શન કંપનીની એક કે બે ફિલ્મ ન ચાલે, તો બીજીવાર તેને કોઇ પૂછતું પણ નથી. જેની પહેલી ફિલ્મ જ હીટ થઇ જાય તે રાતોરાત રાજા બની જાય છે.

જૂના કલાકારો પણ બન્યા હતા પ્રોડ્યુસર

જોકે મોટા ફિલ્મસ્ટાર આજે જાતે જ પ્રોડ્યુસર બની રહ્યા છે, તો તેમા નવાઇની વાત નથી. આ ઘટના ક્રમતો પહેલાના સમયથી ચાલ્યો આવે છે. તે સમયમાં અને અત્યારના સમયમાં ફરક માત્ર એટલો જ આવ્યો છે કે પહેલાના એક્ટરો પોતાની ફિલ્મો મોટાભાગે રચનાત્મક સંતોષ કે વ્યક્તિગત મકસદ પૂરો કરવા માટે બનાવતા હતા. રાજકપૂર, ગુરુદત્ત, દેવઆનંદ અને દિલીપ કુમારે પણ અનેક ફિલ્મો બનાવી છે. રાજકુમારે ફિલ્મ લવ સ્ટોરી બનાવી તો તેમનો ઇરાદો પોતાના પુત્ર કુમાર ગૌરવને લોન્ચ કરવાનો હતો. તે સમયે એક નિર્માતાતરીકે પોતાની રીતે બધા દાવપેચ રમી શકે તેમ હતા. રાજકપૂરની ફિલ્મોના નિર્માણમાં એક પ્રકારનું ઝનૂન જોવા મળતું હતું. કેટકેટલીય ફિલ્મો બનાવ્યા પછી જ્યારે તેમની ફિલ્મ મેરા નામ જોકર ફ્લોપ થઇ, તો તેમને ખૂબ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું. તેમ છતાંય તેઓએ પીછેહઠ ન કરી અને બોબી ફિલ્મ બનાવી. દેવઆનંદે પણ પોતાની ફિલ્મોમાં સમય કરતા હંમેશા આગળના વિચારો દર્શાવતી ફિલ્મો બનાવી. દરેક ફિલ્મોમાં એક મેસેજ જોવા મળતો,પણ તેમની છેલ્લે ફિલ્મો ફ્લોપ થવા લાગી તેમ છતાંય તેઓ ક્યારેય હિંમત હાર્યા નહીં. તેઓ વ્યસ્ત રહેવા માટે ફિલ્મો બનાવતા હતા.

આજે ફિલ્મ સ્ટાર્સ દ્વારા ફિલ્મો બનાવવાનો જે દોર શરૂ થયો છે તેમાં બિઝનેસની સાથે પાવરગેમ પણ છે તે વાતમાં બેમત નથી. જોકે મોટાભાગના કલાકારો સ્વીકારે છે કે તેનાથી તેમની રચનાત્મક આઝાદીનો પાવર વધ્યો છે. તેઓ જાણે છે કે તેમના નામના કારણે જ ફિલ્મો ચાલે છે, તો પછી તેઓ પોતાના નામનો બે પ્રકારે ઉપયોગ કરવામાં પણ ખચકાતા નથી. તેઓ તેનાથી પોતાની ઇચ્છા પ્રમાણે ફિલ્મો બનાવી શકે છે અને પૈસાની કમાણી પણ કરી શકે છે. જોકે તેને આપણે ક્રિએટીવ પાવર પણ કહી શકીએ.

આમિર ખાન

તેમની કંપનીનું નામ આમિરખાન પ્રોડક્શન જ રાખવામાં આવ્યું છે. જ્યારે આમિરખાને લગાન ફિલ્મનું નિર્માણ જાતે કરવાનું વિચાર્યુ ત્યારે તેનું મુખ્ય કારણ એ હતું કે ફિલ્મની વાર્તામાં કોઇપણ પ્રોડ્યુસરને કમાણીના એંધાણ દેખાતા નહોતા. તે સમયે આમિરખાનને વિશ્વાસ હતો કે આગળ જતાં આ ફિલ્મ ક્લાસિક ફિલ્મોમાં સ્થાન જરૂર મેળવશે. તેમણે તે ફિલ્મ બનાવી અને ઇન્ડસ્ટ્રીને સમજાવી દીધુ કે અલગ વિષય પર જો ફિલ્મો બનાવીએ તો તેમાં નામની સાથે સારી એવી કમાણી પણ કરી શકાય છે. તે પછી તો તારે ઝમી પર, જાને તુ યા જાને ના, ધોબીઘાટ, દેલ્હીબેલી, પિપલી લાઇવ,  તલાશ, સિક્રેટ સુપરસ્ટાર અનેક ફિલ્મોની સફળતા અને દંગલ ફિલ્મ દ્વારા તેમણે પોતાની કાબેલિયત સમજાવી દીધી. હવે તે ફિલ્મ મોગલ પણ પ્રોડ્યુસ કરી રહ્યા છે.

અજય દેવગન

અજય દેવગને જ્યારે પોતાની પ્રોડક્શન કેપની અજય દેવગન એફ ફિલ્મ્સ હેઠળ હિન્દુસ્તાન કી કસમ, દિલ ક્યા કરે, રાજુચાચા અને બ્લેકમેઇલ બનાવી અને ત્યાર બાદ પત્ની કાજોલ સાથે યુ, મી ઔર હમ બનાવી તો તે નિષ્ફળ રહી હતી. તે પછી ઓલ ધ બેસ્ટ-ફન બીગીન્સ, બોલ બચ્ચન, સન ઓફ સરદાર, સેવ ધ ગર્લ ચાઇલ્ડ, સિંઘમ રીટર્ન્સ, શિવાય બનાવી. વિત્તી દંન્ડુ અને આપલા માનુસ (મરાઠી ફિલ્મ)બનાવી. આ વર્ષે હેલિકોપ્ટર ઇલા, ટોટલ ધમાલમાં પણ તે પ્રોડ્યુસર તરીકે છે. તો આવતા વર્ષે અન્ય બે ફિલ્મો આવી રહી છે. જોકે અજય દેવગનની મોટાભાગની ફિલ્મો કમાણી કરી શકી નથી.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાને પોતાની પ્રોડક્શન કંપની દિનેશ વિજાન સાથે શરૂ કરી. જેનું નામ ઇલ્લુમિનતી ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ છે. જેના હેઠળ પહેલી ફિલ્મ લવ આજ કલ બનાવી અને સફળતા મેળવી લીધી. જોકે ત્યારબાદની એજન્ટ વિનોદ, હેપી એન્ડિંગ અને લેકર હમ દિવાના દિલ ઠીક રહી પણ ફિલ્મ કોકટેલ અને રેસ-2 એ સારી એવી કમાણી કરી એમ કહી શકાય. જોકે ગો, ગોઆ, ગોને પણ ધૂમ મચાવી હતી..

અક્ષય કુમાર

અક્ષય કુમારે હરીઓમ એન્ટટેઇનમેન્ટ નામની પ્રોડક્શન કંપની ખોલી છે. જેના દ્વારા તેણે સિંઘ ઇઝ કિંગ, ખટ્ટા મીઠા, એક્શન રીપ્લે, તીસ માર ખાં, પટીયાલા હાઉસ, થેન્ક્યૂ, જોકર, ખિલાડી 786 ફિલ્મો બનાવી. જે મોટાભાગે નિષ્ફળ રહી. ઓહ માય ગોડ સફળ થતાં ત્યાર પછી હોલિડે – અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી, એરલીફ્ટ, રુસ્તમ અને પેડમેનમાં ખૂબ સફળતામેળવી. એક મરાઠી ફિલ્મ 72 માઇલ્સ – એક પ્રવાસ પ્રોડ્યુશ કરી.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાને રેડચીલીઝ એન્ટરટેઇનમેન્ટ નામની કંપની બનાવી છે. જેના દ્વારા ફિરભી દિલ હૈ હિન્દુસ્તાની, અશોકા, ચલતે ચલતે, મૈં હૂ ના, કાલ, પહેલી, ઓમ શાંતિ ઓમ, બિલ્લુ બારબર, માય નેમ ઇઝ ખાન, મેન વિલ બી મેન, સપનો સે ના નૈના,  ઓલ્વેઝ કભી કભી, રા-વન, ડોન 2, સ્ટુડન્ટ ઓફ ધયર, ચેન્નઇ એક્સપ્રેસ, હેપ્પી ન્યૂ યર, દિલવાલે, ડિયર જીન્દગી, રઇસ, જબ હૈરી મેટસેજલ, ઇત્તેફાક ફિલ્મો પ્રોડેયુસ કરી. હવે ફિલ્મ ઝીરો અને ત્યારપછી બદલા નામની ફિલ્મો આવી રહી છે.

સલમાન ખાન-સોહેલ ખાન-અરબાઝ ખાન

સલમાન ખાનની પ્રોડક્શન કંપનીનું નામ સલમાન ખાન ફિલ્મ્સ છે. જેમાં ડો. કેબ્બી,બજરંગી ભાઇજાન, હિરો, ટ્યૂબલાઇટ, રેસ-3, લવયાત્રી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. આવતા વર્ષે ભારત નામની ફિલ્મ તે બનાવી રહ્યા છે. જેમાં પોતે હિરો તરીકે પણ છે. જ્યારેસોહેલ ખાનની પ્રોડક્શન કંપનીનું નામ સોહેલ ખાન પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ છે. તેમણે પ્યાર કીયા તો ડરના ક્યા, હેલો બ્રધર, મૈને દિલ તુજકો દિયા, આઇ-પ્રાઉડ ટુબીએન ઇન્ડિયન, લકી-નો ટાઇમ ફોર લવ, મૈને પ્યાર ક્યુ કીયા, ફાઇટ ક્લબ-મેમ્બર્સ ઓન્લી,પાર્ટનર, ગોડ તુસી ગ્રેટ હો, મૈ ઔર મિસિસ ખન્ના, રેડી, જય હો બનાવી. અરબાઝ ખાનનું પણ કંપનીનું નામ અરબાઝ ખાન પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ છે. તેમણે દબંગ ફિલ્મપ્રોડ્યુસ કર્યા બાદ દબંગ 2 ડિરેક્ટ કરી અને ત્યાર પછી ડોલી કી ડોલી પ્રોડ્યુસ કરી.

એક વાત વારંવાર યાદ આવે છે કે જેમ પહેલાના સમયમાં કલાકારો એક્ટિંગની લાંબી ઇનિંગ રમી શકતા હતા, તેવો સમય હવે ખૂબ ઓછો જોવા મળે છે. માત્ર ગણ્યા ગાંઠ્યા કલાકારો સફળ ફિલ્મો આપી રહ્યા છે અને બાકીના સામાન્ય રોલ કરી કરીને જેમ તેમ પોતાનું ગાડુ ગબડાવી રહ્યા છે. કેટલાક તો ટેલિવૂડ તરફ તો કેટલાક તામિલ, તેલુગુ,મલયાલમ, બંગલા, મરાઠી ફિલ્મો તરફ પણ આંટો મારી આવે છે. એક દાયકા પછી પોતાની છબી ભૂંસાતી દેખાય એટલે પોતાને ટકાવી રાખવા કે પછી ભવિષ્યમાં સફળ રહી શકાય કે નહીં તે હેતુસર હવે ફિલ્મ સ્ટાર્સ પોતાના પ્રોડક્શન હાઉસમાં ફિલ્મો બનાવી તેમાં પોતે મનગમતા રોલ ભજવીને પોતાને દર્શકોના મનમાં અને ઇન્ડસ્ટ્રીમાં પોતાને ટકાવી રાખવાના સફળ પ્રયત્નો કરી રહ્યા છે.

અહીં નામને સફળતા મળે છે. ખાન બંધુઓના પ્રોડક્શન હાઉસમાં ડાયરેક્ટર,પ્રોડ્યુસર અને એક્ટર અરબાઝ સફળતાને જ પાવર માને છે. સલમાનને લઇને બનાવેલી તમામ ફિલ્મો હીટ થવાનું કારણ સલમાન છે. જે સફળ ફિલ્મ સ્ટાર્સ છે તેનું નામ જોડાતા જ ફિલ્મો સફળ બને છે. પોતાનો જાદુ કેવી રીતે ચલાવવો અને તે જાદુને કેવી રીતે ટકાવી રાખવો તે હવે આ એક્ટર કમ પ્રોડ્યુસર સ્ટાર્સને સમજાવવાની જરૂર લાગે છે ખરી.

Loading

Spread the love

Leave a Comment