વાસ્તુના નિયમો મુજબ તમારા ઘરમાં અરીસાનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી સમૃદ્ધિ જરૂર આવશે. ઘરમાં હકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. તેના માટે તમારે અરીસો લગાવતી વખતે કઇ બાબતોનું અને નિયમોનું ધ્યાન રાખવાનું છે, તે જાણવું જરૂરી છે. તમે તમારા ઘરમાં લગાવેલા અરીસામાં પોતાને કેટલી વખત નિહાળો છો. ઘણીવાર સુંદર અને આકર્ષક ફ્રેમવાળા અરીસાને ઘરની સજાવટ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તમે ક્યારેય અરીસાનો ઉપયોગ શું છે, તેના વિશે વિચાર કર્યો છે. તે ફક્ત ચહેરો જોવા માટે કે સજાવટ માટે નથી પણ તેના અન્ય ઉપયોગી કારણો પણ છે.
ઘરની કઇ દિશામાં, કેવી ડિઝાઇનનો અરીસો લગાવવામાં આવ્યો છે, તેનાથી પણ ઘણો ફરક પડે છે. તેનાથી તેની આજુબાજુની ઊર્જા પર ખાસ અસર થતી જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રમાં તેના યોગ્ય ઉપયોગ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. યોગ્ય દિશામાં અરીસો લગાવીને જો વાસ્તુદોષનું નિવારણ કરી શકાય છે, તો બીજી બાજુ ખોટી દિશામાં તેને લગાવવાથી નકારાત્મક ઊર્જાના સ્તરમાં વધારે થઇ શકે છે.
હકારાત્મક ઊર્જા માટે
વાસ્તુ વિજ્ઞાન મુજબ હકારાત્મક ઊર્જાનો પ્રવાહ પૂર્વથી પશ્વિમની તરફ અને ઉત્તરથી દક્ષિણની તરફ રહે છે. તેથી અરીસાને પૂર્વ અને ઉત્તર તરફની દિવાલ પર એ રીતે લગાવો, જેથી જોનારનો ચહેરો પૂર્વ કે ઉત્તર તરફ રહે. આ દિશામાં અરીસો લગાવવાથી જીવનમાં પ્રગતિ અને પૈસાની શક્યતાઓ વધી જાય છે. પશ્વિમ કે દક્ષિણ દિશાની દિવાલો પર લગાવેલ અરીસો, પૂર્વ અને ઉત્તર તરફથી આવતી હકારાત્મક ઊર્જાને રીફ્લેક્ટ કરી દે છે.
અરીસો ક્યા ન લગાવવો જોઇએ
બેડરૂમમાં ક્યારેય અરીસો લગાવવો જોઇએ નહીં. તેના કારણે દાંપત્ય જીવનમાં અવિશ્વાસ ઊભો થતો જોવા મળે છે. જેના કારણે પતિ-પત્નીમાં મતભેદનો વધારો થાય છે. જો બેડરૂમમાં ડ્રેસીંગ ટેબલ રાખવું જરૂરી હોય તો એ રીતે રાખો કે સૂતી વખતે તેમાં પ્રતિબિંબ દેખાય નહીં, અથવા સૂતા પહેલા અરીસાને ઢાંકી દો. એક વાતનું ખાસ ધ્યાન રાખો તે જ્યાં અરીસો લગાવ્યો હોય તેની સામે નકારાત્મક અસર ઊભી કરતી વસ્તુઓ રાખવી નહીં. તેનું પ્રતિબિંબ તેમાં ન પડે તેનું ખાસ ધ્યાન રાખો.
કેવો હોવો જોઇએ અરીસો
સાફ, સ્વચ્છ અને વાસ્તવિક છબિ દેખાય તેવો જ અરીસો ઉપયોગમાં લો. ટૂટેલો, તિરાડ પડેલો કે ઝાંખો અરીસો અનેક તકલીફોનું કારણ બની શકે છે. અરીસો જેટલો હળવો અને મોટો હશે, તેનો પ્રભાવ તેટલો જ અસરકારક હશે. શુભફળોમાં વૃદ્ધિ માટે અષ્ટભૂજાકાર અરીસો લગાવવો જોઇએ.