ક્રિતી સેનને ખૂબ ટૂંક સમયમાં બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી લીધુ છે. તે રોમેન્ટિક અને કોમિક પાત્રોમાં દર્શકોને વધારે પસંદ આવી રહી છે. ફિલ્મ બરેલી કી બર્ફી હીટ થતાની સાથે જ તેની પાસે સારી ફિલ્મોની ઓફર્સ આવવા લાગી છે. તે સિવાય તેની ફિલ્મ લુકાછૂપીને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે તે ફિલ્મ અર્જુન પટીયાલાને લઇને ખૂબ ચર્ચામાં છે. ફિલ્મ અર્જુન પટીયાલામાં પણ તે કોમિક રોલ ભજવી રહી છે. જોકે ફિલ્મમાં તેનું પાત્ર બિન્દાસ અને સાહસી યુવતીનું છે. તેની સાથે ફિલ્મમાં દિલજીત દોસાંજ છે. ક્રિતીના બોલિવૂડ કરીયરને પાંચ વર્ષ પૂરા થયા છે. ફિલ્મ વિશે, કરીયર વિશે તેની સાથે થયેલી રૂબરૂ વાતચિત.
ફિલ્મ અર્જુન પટીયાલામાં તમે ક્રાઇમ રીપોર્ટરની ભૂમિકા ભજવી છે, તો તેના માટે કઇ તૈયારીઓ કરવી પડી.
અર્જુન પટીયાલા એક કોમેડી ફિલ્મ છે અને આ ફિલ્મમાં મારા પાત્રનું નામ રીતુ રંધાવા છે. તે ખૂબ બિંદાસ અને સાહસિક યુવતી છે. તેના બોલવામાં પંજાબી બોલી દેખાઇ આવે છે. તે ફિરોઝપુર શહેરમાં ક્રાઇમ રીપોર્ટર છે. મારું પાત્ર કોમેડી છે, તેથી મારે જર્નાલિસ્ટના પાત્ર માટે વધારે મહેનત કરવી પડી નથી. મારે ફક્ત મારી કોમિક ટાઇમિંગ પર ફોકસ કરવાનું હતું. જોકે હું સાઉથની એક ફિલ્મ નૈનોકદીનેમાં પણ જર્નાલિસ્ટ બની હતી. તેમાં મારું પાત્ર મોર્ડન હતું. ફિલ્મ અર્જુન પટીયાલામાં હું બીજીવાર જર્નાલિસ્ટ બની છું. તેના માટે મેં યુ ટ્યૂબના કેટલાક વિડીયો જોયા હતા. જેમાં રીપોટર્સ કઇ રીતે માઇક પકડે છે, કેમેરા રોલ થતા હોય, માઇક લગાવે ત્યારે કઇ રીતે વાત કરવી, ટેક પહેલાની તૈયારીઓ હોય છે, ટેક પત્યા પછી કઇ રીતે રીએક્શન આપવાના હોય છે, કેમેરા મેન સાથે કઇ રીતે વાતો કરવી, પેકઅપ થયા પછી કઇ રીતે રીએક્ટ કરવું કેટલીક વાર હળવી મજાક મસ્તી થતી હોય છે. આ બધુ યુ ટ્યુબ પર જોયું. તે સિવાય ઘટના પ્રમાણે વોઇસ ટોન, વધારે પોઝીસ ન લેવા, એક શ્વાસે રજૂઆત કરવી, બોડી લેગ્વેંજ તેના પર પણ ફોકસ કર્યું. જેના માટે અનેક ન્યૂઝ ચેનલ્સ જોઇ.
શું હકીકતમાં પણ તમારા પાત્ર રીતુ જેવા બિન્દાસ છો.
હા હું બિન્દાસ અને સાહસી છું. જ્યાં પણ જરૂર લાગે હું મારા વિચારો રજૂ કરી દઉં છું. મારે જ્યાં અવાજ ઊઠાવવાનો હોય ત્યાં શાંત બેસી રહેતી નથી. મારી પોતાની પસંદ – નાપસંદ છે, જેના પર હું સ્પષ્ટ રીતે ચર્ચાઓ કરું છું. જોકે હું કારણ વિના બોલતી નથી. અર્જુન પટીયાલામાં પણ મારું રીતુનું પાત્ર પણ એવા જ પ્રકારનું છે. જો કોઇ તેને હેરાન કરે તો તે એને તમાચો મારી દેતી હોય છે. રીતુના પાત્રમાં અને મારામાં ઘણી બધી સામ્યતાઓ છે, જેના કારણે મને આ પાત્ર ભજવવાની વધારે મજા આવી.
કોમેડી જોનર કેટલું એન્જોય કર્યું.
હું હંમેશા કોમેડીને એન્જોય કરું છું. દર્શકો પણ તમને એક પ્રકારના પાત્રમાં જોઇને કંટાળી જતા હોય છે. મારી ફિલ્મ બરેલી કી બર્ફી કોમેડી ફિલ્મ જ હતી. તે વખતે સમજાઇ ગયું હતું કે કોમેડી કરવી સરળ નથી. લુકાછૂપીનું જોનર અલગ હતું પણ તેમાં પણ તમને ક્યાંક ને ક્યાંક કોમેડી જોવા મળે છે. આ ફિલ્મમાં સમજાણુ કે કોમેડી કરવાથી સામેવાળાના એક્શન અને રીએક્શન પર ડિપેન્ડ કરે છે. આ બધી વાતો જાણ્યા પછી હું કોમેડીને એન્જોય કરવા લાગી છું. તેથી જ અર્જુન પટીયાલા ફિલ્મમાં કોમેડી કરવી વધારે મુશ્કેલ રહી નહીં. મારી આવનારી ફિલ્મ હાઉસફુલ 4 પણ કોમેડી જોનરની જ ફિલ્મ છે. તે સિવાય પાનીપત પણ અલગ પ્રકારની અને અલગ પાત્રની ફિલ્મ છે.
દિલજીત વિશે શું કહેશો.
દિલજીત ખૂબ અનુભવી છે. તે સારા સિંગર છે અને પંજાબી ફિલ્મોમાં ખૂબ મોટું નામ છે. તે ખૂબ ઓછું બોલે છે. વધારે વાતો કરતા નથી. દિલના સારા છે અને તેમની સાથે સારી મિત્રતા થઇ ગઇ છે. તમે જ્યારે તેમની સાથે વાતો કરો તો તમને લાગે કે ખૂબ સપોર્ટીવ છે.
બોલિવૂડનું કઇ હિરોઇનોની ફિલ્મો પસંદ છે અને તેમના જેવા પાત્ર કરવાની ઇચ્છા છે.
બોલિવૂડમાં એવી અનેક ફિલ્મો છે. કંગના રનૌતની ફિલ્મ ક્વીન, કરીનાની ફિલ્મ જબ વી મેટ, ઉડતા પંજાબનું આલિયા ભટ્ટનું પાત્ર, અંધાધૂનમાં તબ્બુનું પાત્ર આ તમામ પાત્રો ખૂબ અલગ રહ્યા છે અને મને ખૂબ પસંદ છે. તે સિવાય ગ્રે શેડ કરવાની તક મળે તો જરૂરથી કરવાની ઇચ્છા છે. મને લાગે છે કે આ પ્રકારનું પાત્ર મારાથી ખૂબ અલગ છે. તેથી કરવાની ઇચ્છા છે. તે સિવાય હું દિપિકા, કંગના, આલિયા અને અનુષ્કા શર્માથી હું ઘણી ઇન્સપાયર થાઉં છું. મને આ બધાની એક્ટિંગ ખૂબ પસંદ છે. જોકે મારી આઇડલ પ્રિયંકા ચોપરા છે.
કરીયરના પાંચ વર્ષ પૂરા થયા છે, ત્યારે કરીયરની જર્નીને કઇ રીતે જુઓ છો.
એક્ટિંગ કરીયર ખૂબ સરસ રહ્યું છે. મને પોતાને નવાઇ લાગે છે કે જે છોકરી નાનપણમાં શરમાળ હતી તે આજે એક્ટ્રેસ છે. સ્ક્રિન પર કોન્ફિડન્સની સાથે એક્ટિંગ કરે છે. હું નાની હતી ત્યારે અમારે ત્યાં કોઇપણ મહેમાન આવે તો હું મારી મમ્મીની પાછળ સંતાઇને ફરતી. તે સમયે કોઇને લાગતું નહોતું કે હું એક્ટિંગની ફિલ્ડમાં જઇશ. મારી એક્ટિંગ જર્ની પ્રોડ્યુસર સાજીદ નડીયાદવાલા અને એક્ટર ટાઇગર શ્રોફ વિના પૂરી ન થઇ શકે. તેમણે મારા પર વિશ્વાસ મૂક્યો અને ફિલ્મ હિરોપંતીમાં મને તેમની સાથે કામ કરવાની તક મળી હતી.