અભિનેતા અર્જુન કપૂર પોતાની દરેક ફિલ્મના દરેક પાત્રમાં ઓતપ્રોત થઇ જાય છે કેમ કે એને દરેક પાત્ર અદભુત લાગે છે. અલગ લાગે છે. 31 વર્ષના આ કલાકારે ફિલ્મ ઇશકજાદેથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ટુ સ્ટેટ્સ, ફાઇન્ડિંગ ફેની, કી એન્ડ કા જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. અર્જુન માને છે કે કે તે એક્સાઇટમેન્ટ ફિલ કરી શકે તેવું કોઇ પાત્ર એની નજીક નથી. હજી સુધી તેણે એવું કોઇ પાત્ર ભજવ્યું નથી. તેનું માનવું છે કે તેને કોઇ પણ પાત્ર અપીલ નથી કરતું. આ અભિનેતાએ ઇશ્કજાદે, ઔરંગઝેબ, ગુંડે, તેવર જેવી એક્શન ડ્રામા ફિલ્મો પણ કરી છે. અર્જુન કપૂરની ફિલ્મોમાં કામ કરવાની અને પાત્ર પસંદગી કરવાની અલગ સ્ટાઇલ છે. તે ભલે એક ફિલ્મી પરિવારમાંથી આવતો હોય પણ તેની મહેનતથી તેણે સફળ ફિલ્મો આપી છે. 2 સ્ટેટ્સ પછી ફરીથી ચેતન ભગત લિખિત હાફ ગર્લફ્રેન્ડમાં પણ તે દેખાશે. અમદાવાદમાં પોતાની ફિલ્મ પ્રમોશન માટે આવેલા અર્જુને ખૂબ જ મસ્તીભર્યા અંદાજમાં ઇન્ટરવ્યુ આપ્યો અને પોતાના ફિલ્મોના કામ અને કરીયર ફોકસ વિશે વાતો કરી.

— ચેતન ભગતની વાર્તા પરથી બનતી ફિલ્મો માટે તું પરફેક્ટ પાત્ર છો તેવું લાગે છે ?

આ વાતનો જવાબ તો દર્શકો જ આપી શકે છે. મારું માનવું છે કે ચેતન ભગતને વાંચનાર એક ચોક્કસ પ્રકારનો વર્ગ છે અને તેઓ જે બાબતને ધ્યાનમાં રાખીન વાર્તા લખે છે, તેમાં ભણતરને વધારે મહત્વ આપે છે. ભારતીય માતા પિતા માટે તેમના બાળકોનું ભણતર સૌથી મહત્વની બાબત છે. બાળકોના જ્યારે બહાર ભણવા માટે જાય છે, ત્યારે રીલેશનશીપનું પણ મહત્વ રહેલું હોય છે. દોસ્તી, પ્રેમ, મુશ્કેલીઓ જેવી ઘટનાઓ કોલેજમાં જ બને છે કારણકે ભારતમાં પ્રેમ આજેપણ કોલેજમાં જ વધારે થતો જોવા મળે છે. ચેતન ભગત આ બંને વિષયને લઇને વાર્તા લખે છે જે દરેકના ઘરની વાત હોય છે. સામાન્ય વ્યક્તિની વાત હોય છે. દરેક દર્શક અને દરેક સામાન્ય વ્યક્તિ મને મારા આ પહેલા ભજવેલા પાત્રોના કારણે પસંદ કરે છે, તેથી હું એક સામાન્ય યુવક તરીકે પણ જોવા મળું છું અને એક હિન્દી ફિલ્મના હિરો તરીકે પણ જોવા મળું છું. જેના કારણે મને આ પ્રકારના રોલ માટે પસંદ કરવામાં આવે છે. મારું પહેલાનું પાત્ર પણ દર્શકો સાથે કનેક્ટ થયું હતું.

— ફિલ્મનું મ્યુઝિક ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. તમારું મનપસંદ ગીત કયુ છે.

અમારા ડિરેક્ટર મોહિત સુરીને અમે મ્યુઝીક સુરી કહીયે છીએ. તેમની ફિલ્મોમાં મ્યુઝીક હંમેશા હૃદયસ્પર્શી હોય છે. મારી અત્યાર સુધીની કરિયરમાં ફિલ્મના મ્યુઝીક માટેનું આ પ્રકારનું રીએક્શન મને અત્યાર સુધી મળ્યું નથી. ફિલ્મનું જે ટ્રેલર છે અને તેમાં જે ….ફિર ભી તુજકો ચાહુંગા…… ગીત વાગે છે, તેને લઇને લોકોમાં જે દીવાનગી જોવા મળી છે તે ખરેખર અદ્બૂત છે. મને અંદાજો નહોતો કે મ્યુઝીકમાં આ હદ સુધીનું પાગલપન પણ હોય છે. તે મારું સૌથી મેલોડીયશ આલ્બમ છે. બારીશ ગીત પણ ખૂબ સરસ છે. મોહિતના ગીતોમાં ઊંડાણ અને લાગણી બંને ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. જે ખૂબ સ્ટ્રોંગ હોય છે. તેના ગીતો વાર્તાને આગળ વધારે તે પ્રકારના હોય છે, જેથી દર્શકો તેની સાથે તરત જ જોડાઇ જાય છે. મારા માટે દરેક ગીત સરસ છે. જો ફિલ્મનું નામ હાફ ગર્લફ્રેન્ડ ન હોય તો, ફિર ભી તુજકો ચાહુંગા જરૂરથી હોત કારણકે તે ગીત ફિલ્મની વાર્તાને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

— હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મ વિશે જણાવ. આ લવસ્ટોરીમાં શું યુનિક જોવા મળશે.

હાફ ગર્લફ્રેન્ડની વાત કરું તો આપણા દરેકના જીવનમાં કેટલાક એવા સંબંધો આવે છે, જેને આપણે પરિસ્થિતીઓના કારણે સંપૂર્ણ રીતે નિભાવી શકતા નથી. કેટલીક બાધાઓ આવે છે, તે સમયે જીવન આગળ વધી રહ્યું હોય છે. કેટલાક સંબંધોને પૂરા કર્યા વિના છોડવા પડે છે, તેને કોઇ નામ આપી શકતા નથી. દરેક વ્યક્તિના જીવનમાં એક એવી વ્યક્તિ હોય છે, જેની સાથે દરેક સારી નરસી બાબતોની ચર્ચા થતી હોય છે પણ તેની સાથે જીવન જીવી શકતા નથી. કોઇને કોઇ કારણ જીવનમાં આવી જાય છે. નોકરી, કુંટુંબ કે અન્ય પરિસ્થીતીના કારણે તે સંબંધ અધૂરો રહી જાય છે. હાફ ગર્લફ્રેન્ડ એવી જ વાત છે કે બે વ્યક્તિ એકબીજાને ચાહતા હોવા છતાંય એકબીજાની સાથે રહી શકતા નથી તેમાં સમાજ નહીં પણ કેટલીક બાબતો કારણભૂત હોય છે. આ કારણ જાણવા માટે ફિલ્મ જોવી પડશે. એક લાગણીની ખેંચતાણ બંને તરફથી હોવા છતાંય ન મળી શકવું તે આ ફિલ્મની નવીનતા છે.

— તારા હાફ ગર્લફ્રેન્ડના પાત્રમાં શું નવું જોવા મળશે.

માધવ ઝા નામનું પાત્ર છે. જે પટના, બિહારના એક સિમરાવ નામના ગામથી આવે છે. તેનું જીવન અલગ પ્રકારનું હોય છે. તે અલગ પ્રકારના વાતાવરણમાં મોટો થયો છે. ઘણા સમય પછી જોવા મળશે કે એક હિન્દી ફિલ્મનો લીડ રોલ બિહારનો યુવક હશે.

— ફિલ્મ માટે શું તૈયારીઓ કરવી પડી.

પહેલી વાત તો ત્યાંની ભાષા શીખવી પડી. બિહાર ખૂબ મોટું સ્ટેટ છે, અને દરેક શહેરમાં અલગ પ્રકારની ભાષા, પહેરવેશ, રહેણી કરણી, વિચારસરણી, માનસિકતા અલગ હોય છે. પહેલા તો બિહાર કેવું છે અને તેમાં પણ ગામ અને શહેર કેવું છે. આંતરીયાળ ગામડાના લોકો કેવા છે તેના પર રીસર્ચ કરવું પડ્યું. ગંગાની આ બંને તરફથી ભાષા બોલી અલગ હોય છે. અંગ્રેજી બોલવાની પદ્ધતિ ખૂબ જ અલગ પ્રકારની છે. ત્યા ભોજપૂરી બાદ સીધી જ અંગ્રેજી ભાષા શીખવાડે છે. હિન્દી શીખવું વધારે જરૂરી નથી. તેમનું આ માઇન્ડ સેટ સમજવું ખૂબ જરૂરી હતું. નાના શહેરથી મોટા શહેર આવનાર વ્યક્તિ અને પછી તે પરદેશ જાય ત્યારે કેટલો ફરક આવે છે, તે ખાસ દેખાડ્યું છે. વધારે બોલવાનું હિન્દીમાં જ રાખ્યું છે. તે સિવાય બાસ્કેટ બોલ પણ શીખ્યો હતો. તેના માટે અમેરીકાથી ઇન્ટરનેશનલ બાસ્કેટ બોલના કોચ બોલાવવામાં આવ્યા હતા. જેના કારણે રીયલ બાસ્કેટ બોલ પ્લેયર જેવું લાગી શકે. ફિલ્મમાં હિરો હિરોઇનની વાતચિત બાસ્કેટ બોલથી જ શરૂ થાય છે.

 

— આજની જનરેશનને ફિલ્મ રીલેટ કરશે.

આ બાબત તો વર્ષોથી ચાલતી આવી છે. અત્યારના સમય પ્રમાણે આપણે ફિલ્મને હાફ ગર્લફ્રેન્ડ નામ આપ્યું છે. પહેલાના સમયમાં પણ આવી ઘટનાઓ બની છે. આપણા વડીલોના જીવનમાં પણ કોઇ વ્યક્તિ હશે જેમને તેઓ પસંદ કરતા હોય, જેમના માટે લાગણી હોય પણ તેમને મળી શક્યા ન હોય, લાગણી વ્યક્ત ન કરી શક્યા હોય. ઘણા બધા કારણો હોઇ શકે છે. પહેલાનો સમય હોય કે અત્યારની મોડર્ન જનરેશન હોય તેઓ લાગણીથી ક્યાંક તો જોડાય જ છે. દરેકના અલગ થવા પાછળ જૂદા પ્રકારની પરિસ્થિતી જોવા મળે છે.

— અર્જુન હંમેશા અલગ પાત્રમાં જ જોવા મળ્યો છે. પાત્ર પર તું વધારે ફોકસ કરે છે તેવું કેમ.

હું માનું છું કે તમારી જાતને કેમેરા સમક્ષ એકસરખા પાત્રમાં રજૂ કરવાનું ક્યારેક કંટાળાજનક લાગે છે અને એ એટલું સહેલું પણ નથી. પ્રેક્ષકો પણ ઘણી વાર તમને એકસરખા પાત્રમાં જોઇને કંટાળી જશે. આ રીતે એકસરખા પાત્રમાં મારી જાતને જોઇને કંટાળો આવે છે. હું નવા પાત્ર, નવી દુનિયા અને નવી વાર્તાની શોધમાં રહેતો હોઉં છું. મારા માટે પાત્રનું મહત્ત્વ ફિલ્મના જોનર કરતાં વધારે મહત્ત્વનું છે. ટુ સ્ટેટ્સ ખરેખર ઉત્તેજનાસભર હતી કેમકે તેમાં મારું પાત્ર મારી બીજી ફિલ્મો કરતા એકદમ અલગ હતું અને સામાન્ય માણસ તરીકેનો અભિનય કરવાની મજા આવી હતી. તમે સાચે જ સામાન્ય વ્યક્તિ તરીકેનું જીવન જીવતા હો તેવું ફિલ કરી શકો છો. મને ખબર છે કે લોકો મને એક્શનમાં વધારે પસંદ કરે છે કારણ કે મારી જનરેશનમાં હું એકમાત્ર એવો અભિનેતા છું, જેણે અસંખ્ય એક્શન ફિલ્મો કરી છે.

— તને દર્શકો એક્શન લુકમાં વધારે પસંદ કરે છે.

હું માનું છું કે અત્યારની ઓડિયન્સ વધારે સ્માર્ટ અને એક્ટીવ છે. મારી એક્શન ફિલ્મો કરતા 2 સ્ટેટ્સમાં લોકોએ મને વધારે પસંદ કર્યો હતો. હવે તો દર્શકો પણ અમને ચેક કરે છે કે અમે દરેક લુકમાં સૂટ થઇએ છીએ કે નહીં. હું માનું છું કે તે અમારા માટે સૌથી મોટો બેનીફિટ છે. લોકોને ફિલ્મમાં રસ છે. અમે ખૂબ લકી છીએ. લોકોએ મને એક્શન ફિલ્મમાં વધારે પસંદ કર્યો છે, તે સારી વાત છે પણ હું એમ નથી માનતો કે મારે ફક્ત એ જ કરવું જોઇએ. હું તો દરેક પાત્રને એન્જોય કરવામાં માનું છું.

 

— બીજા હિરો કરતા તું કેવી રીતે અલગ પડે છે.

હું કોઇની સાથે મારી સરખામણી ક્યારેય કરતો નથી પણ મને લાગે છે કે હું એવો અભિનેતા છું જેને તમે ઇચ્છો એવા રૂપમાં ઢાળી શકો છો. ટુ સ્ટેટ્સ, ફાઇન્ડિંગ ફેની અને ગુંડેમાં તમને અલગ અલગ જ રૂપ જોવા મળશે. મેં ક્યારેય મારી ક્ષમતાઓ અને શક્યતાઓને સંપૂર્ણ રીતે શોધી નથી કેમ કે તે અમર્યાદિત છે અને હું અનેક ફિલ્મોમાં ખૂબ એક્શન કરી શકું તેમ છું. જોકે મને વધારે પડતું હિંસાત્મક બનવું નથી ગમતું. મારો દેખાવ એવો છે કે હું કોઇને માર મારું તો તે લોકોને માનવામાં આવી શકે. કદાચ મારા કોમ્પીટીટરો મારા જેવો દેખાવ ધરાવતા નથી. જોકે આની સાથે મેં એક સામાન્ય યુવાનની ભૂમિકા પણ ભજવી છે (ટુ સ્ટેટ્સ) જે મારા માટે મોટી સફળતા ગણી શકાય. મેં હંમેશાં કંઇક અનપેક્ષિત કરવાનો અને તે માટેનો પ્રયત્ન કર્યો છે.

— તારા પિતાની બનાવેલી કઇ ફિલ્મ તને પસંદ છે.

મને તેમની મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ ખૂબ ગમે છે. બાળપણમાં તો તે જોતો જ હતો આજેપણ જ્યારે જોઉં તો તેનાથી એક આનંદ મળે છે. નો એન્ટ્રી પણ પસંદ છે. પુકાર ફિલ્મ, કંપની આ બધી જ ફિલ્મો મને પસંદ છે.

— હવે પછીની ફિલ્મ કઇ છે.

હવે હું અનિઝ બઝમીની ફિલ્મ મુબારકામાં સરદારના ડબલ રોલના પાત્રમાં જોવા મળીશ. તેમાં હું અનિલ કપૂર ચાચુની સાથે કામ કરી રહ્યો છું. હાલમાં જ લંડનમાં તેનું શૂટીંગ પૂરું કર્યું છે અને જૂલાઇ અંત સુધીમાં ફિલ્મ રીલીઝ થશે.

મેધા પંડ્યા ભટ્ટ

 

 

 

 

Loading

Spread the love

Leave a Comment