દાંપત્યના સંબંધ તો દૂરથી જ રળિયામણા લાગે છે, એવું કહીએ તો કંઇ ખોટું નહીં કહેવાય. દાંપત્યજીવનના સંબંધમાં હંમેશા જ મીઠાશ જળવાઇ રહે તે સાચુ નથી. મનમાં ક્યારે અહમ્ નો કાંટો સળવળી ઊઠે કે ડંખી જાય તેની ખબર પડતી નથી. અહમ્ નો કાંટો દૂર કરવા માટે બંનેનો એકબીજા માટેનો પ્રેમ અને વિશ્વાસ જળવાઇ રહેવો ખૂબ જ જરૂરી છે. કોઇપણ પ્રકારની મુશ્કેલીના સમયે પતિ-પત્નીએ પોતાની વચ્ચેના પ્રેમને ક્યારેય ગૂમાવવો જોઇએ નહી. ખૂબ જ નાજુક સમયમાંથી પસાર થતી વખતે પણ જીવનના ભૂતકાળના પ્રેમાળ સમયને યાદ કરી વર્તમાન અને ભવિષ્યને સુધારવાનો પ્રયત્ન કરવો જોઇએ.

પતિ પત્નીનો સંબંધ એક જ તાંતણે બંધાયેલો હોય છે. આ તાંતણો ક્યારેક હળવેથી હલી જાય તેના માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. ખૂબ ગાઢ રીતે બંધાયેલો સંબંધ વિશાળ સમુદ્ર જેવો હોય છે, જેમાં મોજાઓનું આવન જાવન અને ઉતાર-ચઢાવ થતા રહે છે. આ બધા મોજાઓ ક્યારેક તોફાની પણ બની જાય છે, જે આપણને જીવનમાં આવનારા સંકેતોથી માહિતગાર કરે છે. તોફાનમાં પણ આવનારા ખતરાને સાચવી લેવા માટે પહેલેથી જ પોતાની હોડીને બચાવવાની તૈયારી કરી લે તે સમજદાર કહેવાય છે. એ જ રીતે તમે પણ સમજદારીપૂર્વક અને સંયમ જાળવીને જીવનસાથીની મનની પરીસ્થિતીને જાણીને લડાઇ-ઝઘડા અને કડવાશના તોફાનના બદલે દિશા બદલીને આનંદને જીવનમાં જાળવતા અને સાચવી રાખતા શીખો.

રોજ સાંજે કામ પરથી ઘરે આવતા પતિનો ચહેરો જો કોઇક દિવસ દુખી હોય કે ટેન્શનમાં હોય તો પત્ની તેને સવાલ કરતી હોય છે. શું થયું. જો તે સમયે પતિનો મૂડ ન હોય અને જવાબ સરખો ન મળે, તો મોટાભાગની પત્નીઓનું રીએક્સન નેગેટીવ હોય છે. ઘરમાં કંકાશ અને કકળાટ થવા લાગે છે. પણ જો સમય અને સંજોગોને સમજીને પતિના મૂડને થોડો સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેને થોડીવાર રીલેક્સ થવા દઇને શાંતિથી પૂછી શકાય છે કે કોઇ તકલીફ કે ટેન્શન છે. તમને ચોક્કસ શાંતિથી જ જવાબ મળશે. જો પતિ સરખો જવાબ ન આપે અને પત્ની અહંમ્ રાખે,  તો તેમાં સંબંધો સુધરવાના બદલે બગડવા લાગે છે. ઘણીવાર પત્ની સરખો જવાબ ન મળતા મનમાં જ વિચારી લે છે કે શું તેના પતિને તેનામાં રસ નથી. પણ ખોટા વિચારોના વમળને ઊભા કરવા કરતા ધીરજ રાખવી શું ખોટી. પત્નીને પણ આ પ્રકારની સમસ્યા ઊભી થઇ શકતી હોય છે, તે સમયે પતિ હોવાનો અહમ્ ત્યાગીને તેને પ્રેમથી સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

ભાગદોડની દુનિયામાં આપણી પાસે મેડીટેશન માટે તો સમય હોતો જ નથી. આપણે રોજીંદી પરીસ્થિતિઓ વિશે પણ ધ્યાનથી વિચારી શકતા નથી. સાચું કહું તો એકધ્યાનથી પોતાના અને તમારા સાથીની મનોદશાને સમજવાનો પ્રયત્ન કરો. તેમની ન કહેલી વાતોને સમજવાનો અને સાંભળવાનો પ્રયત્ન કરો. જો તેને કોઇપણ પ્રકારની તકલીફ હોય તો તેનું મુખ્ય કારણ શું છે, તે જાણવાનો પ્રયત્ન કરો.

તમે તમારા જીવનમાં સંકટના દાખલ થવાનો અંદેશો મેળવી શકતા હો અને જો તમને લાગતું હોય કે મુશ્કેલીમાંથી બહાર નીકળવું અઘરું છે, તો તેનાથી ક્યારેય મગજને અને સંબંધને બગાડવાનો પ્રયત્ન કરવો નહીં. કોઇ પણ મુશ્કેલી એટલી મોટી હોતી નથી કે તેમાંથી બહાર ન નીકળી શકાય. જીવનમાં બનેલી ઘટનાને વારંવાર કહેતા રહેવી પણ મોટી સમસ્યા છે. જ્યારે પણ મનમાં લાગણીઓ ઊંધી દિશામાં દોડવાનું શરૂ કરે છે, ત્યારે મન પર નકારાત્મકતા સવાર થઇ જાય છે. તે સમયે મનમાં ઊઠતા તોફાનો મુદ્દાઓના સ્વરૂપે બહાર નીકળે છે અને ચર્ચાનું સ્વરૂપ લઇને સંબંધ પર આક્રમણ કરે છે. તેવામાં જૂની બાબતોની ચર્ચા કરવાનું ખાસ ટાળવું જોઇએ. તમારા સંબંધમાં પડેલા ખટરાગને દૂર કરવા માટે જે સમસ્યા હાલમાં ઊભી થઇ છે, તેને દૂર કરવા માટે વિચાર-વિમર્શ કરવા જરૂરી છે. તેના માટે યોગ્ય સમયની રાહ જુઓ. જ્યારે બંને જણા શાંત થઇ જાઓ અને સામસામે પ્રત્યાઘાતો કરવાના બદલે એકબીજાની વાતને શાંતિથી સાંભળવા માટે સક્ષમ હો, ત્યારે મુદ્દાને વાતચિતના સ્વરૂપે રજૂ કરો. ઘણીવાર આવી પરિસ્થિતીમાં વ્યક્તિ એકલો રહેવા માગે છે. બની શકે કે તમારા સાથીને પણ પર્સનલ સ્પેશની જરૂર હોય. તેને થોડો સમય આપો જેથી કરીને તે મુશ્કેલીઓ પર વિચાર કરીને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી શકે.

જો બંને વચ્ચેની કડવાશ વધી ગઇ હોય તો ક્યારેક મિત્રઓ કે કોઇ સ્નેહીજનની મદદ લઇને પણ સમસ્યાને નિવારી શકાય છે. તેમાં પણ અહમ્ નો ત્યાગ કરીને તમારા બંનેની મનની મુશ્કેલીઓને બીજા સમક્ષ રજૂ કરવી પડે છે. જો તમે એકબીજા માટે અહમ્ ન છોડી શકતા હો, તો ક્યારેક બીજા સામે તેને છોડવાનો વારો તો આવીને ઊભો જ રહે છે.

અહમ્ નો અજગર એવો છે કે તે તમારા બંનેના સંબંધને સંપૂર્ણ રીતે ગળી જવા માટે મુખ ખોલીને બેઠો જ હોય છે. પોતપોતાની ભૂલ સ્વીકારીને સંબંધને આગળ વધારવામાં જ સાચી સમજદારી રહેલી છે. જો ભૂલ ન પણ હોય તો બીજાને દોષી બનાવવામાં અડગ રહેવું તે પણ અહમ્ જ છે. તેનાથી તમે પોતાની જાતને જ નીચી પાડો છો. અહમ્ ને છોડવા કંકાશ, દોષારોપણ, કડવાશની નહીં પણ મીઠાસ, ધીરજ અને શાંતિની જરૂર છે. જીવનમાં નમતુ મૂકશો તો સામેવાળાનો અહમ્ આપોઆપ ઓગળી જશે અને તમે ન ઇચ્છતા હો છતાંય જીતનો તાજ તમને જ મળશે.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment