ઐશ્વર્યા રાય બચ્ચન લગ્ન અને માતા બન્યાં પછી પણ ફિલ્મોમાં સક્રિય છે. ગયા વર્ષે ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ `ફન્ને ખાં’માં એક રોકસ્ટાર તરીકે જોવા મળી હતી. ફિલ્મમાં એની સુંદરતા, એક્ટિંગ અને સ્ટાઇલની ખૂબ ચર્ચા થઇ. હાલમાં પણ તે ફિલ્મોમાં વ્યસ્ત છે. અંગત જીવનમાં પણ એ પોતાના ઘર-પરિવાર અને પુત્રી આરાધ્યાની જવાબદારી સારી રીતે નિભાવી રહી છે. એ પોતે પણ પોતાની પર્સનલ-પ્રોફેશનલ લાઇફથી ખુશ છે. બદલાઇ રહેલા સિનેમાને આ અભિનેત્રી કઇ રીતે જુએ છે? એ જ્યારે કોઇ ફિલ્મ કરે છે, ત્યારે કઇ વાતોનું ધ્યાન રાખે છે? એ પોતાની દીકરી આરાધ્યા પણ અભિનયની દુનિયામાં આવે એવી ઇચ્છા રાખે છે? જાણીએ, કરિયર અને પર્સનલ લાઇફ સાથે સંકળાયેલી મુક્ત મને કરેલી ઐશ્વર્યા રાય-બચ્ચન સાથેની વાતચીતઃ

પહેલાં લગ્ન અને બાળકો થયા પછી અભિનેત્રીની કરિયર પૂરી થઇ જતી હતી, જ્યારે હવેના સમયમાં એવું રહ્યું નથી. શું કહેશો?

હા, આજના પ્રેક્ષકો સમજદાર છે. એમને કોઇ કલાકારની અંગત જિંદગી સાથે કોઇ લેવા-દેવા નથી. એમને પણ મારા કામ સાથે મતલબ છે. બસ, આ જ કારણસર હું લગ્ન પછી અને માતા બન્યાં પછી પણ એક્ટિંગમાં વધારે સક્રિય બની છું. લગ્ન પછી કામ કરવાથી ફરક એટલો જ પડે છે કે તમારે કેટલીક જવાબદારી નિભાવવાની સાથે કામ કરવાનું હોય છે. માતા બન્યા પછી જવાબદારી વધારે હોવાથી સિલેક્ટેડ ફિલ્મો જ કરી શકીયે છીએ. જોકે કામ પર કે કરીયર પર તેની ખાસ અસર પડતી નથી.

આજના સમયને ખાસ કરીને હીરોઇનો માટે કેવો માનો છો?

સાચું કહું તો, આજની અભિનેત્રીઓ ફિલ્મોમાં માત્ર શો-પીસ તરીકે નથી હોતી. તેમને ઘણુંબધું કામ કરવાની તક મળી રહી છે. આજે હીરોઇનો અનુસાર રોલ લખવામાં આવે છે. અનેક એવી ફિલ્મો આજે બની રહી છે, જે નારીકેન્દ્રિત છે. આજના સમયમાં કામ કરવાની મજા જ અલગ છે. પહેલા લવ સ્ટોરીઝ વધારે બનતી હતી. હવે મહિલાને ધ્યાનમાં રાખીને આજના સમાજના વિષયોને ધ્યાનમાં રાખીને ફિલ્મો બની રહી છે. સાથે જ બાયોપિક ફિલ્મો પણ વધી છે.

એક્ટર તરીકે જ્યારે તમારી સામે સસરા અમિતાભ બચ્ચન અથવા પતિ અભિષેક બચ્ચન હોય ત્યારે તમને અભિનય કરવામાં કેવું લાગે છે?

અમે જ્યારે કોઇ પાત્ર અદા કરીએ છીએ, ત્યારે માત્ર એ પાત્ર જ હોઇએ છીએ. જ્યારે મારી સામે પા અથવા અભિ હોય છે ત્યારે હું એમને મારા રિલેશનની નજરે ન જોતાં એક કલાકારની નજરે જોઉં છું. એ બંને પણ એવું જ વિચારે છે. જોકે લગ્ન પહેલા પણ અમે સાથે ફિલ્મો કરી જ છે.

તમારી દીકરી આરાધ્યા પણ તમારી માફક એક્ટ્રેસ બનશે?

હજી તો એ ખૂબ નાની છે. એને તો એ પણ નથી ખબર કે એક્ટિંગ એટલે શું. એ જ્યારે મોટી થશે ત્યારે શું બનશે તે અંગે અમે એને પોતાને જ નક્કી કરવા દઇશું.

જ્યારે કોઇ ફિલ્મનું સિલેક્શન કરો છો ત્યારે ખાસ કરીને શું ધ્યાન રાખો છો?

હું એ ફિલ્મની આખી ટીમને જોઉં છું. સૌથી પહેલાં એ તપાસ કરું છું કે હું એ ટીમ સાથે કામ કરી શકીશ? એ લોકો કોઇ વિવાદિત પ્રકારનાં તો નથી ને? તે પછી એ જોઉં છું કે ફિલ્મની વાર્તા કે મારો રોલ કેવાં છે? ફિલ્મમાં વધારે આઉટડોર શૂટિંગ તો નથી ને? આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને જ હું ફિલ્મ સાઇન કરું છું.

અભિનયમાં તમને સૌથી વધારે મુશ્કેલ શું લાગે છે?

એક્ટિંગમાં ઇમોશનલ સીન કરવામાં ખૂબ ટેન્શન થાય છે, જોકે સૌથી વધારે મજા કોમેડી ફિલ્મોમાં અભિનય કરવામાં આવે છે. જેમ કે, મારી છેલ્લી ફિલ્મ `ફન્ને ખાં’ કરતી વખતે મને ખૂબ મજા પડી હતી. કોમેડી ફિલ્મોમાં કામ કરવાનો અનુભવ પણ સારો રહે છે કેમ કે સેટ પર પણ ખુશનુમા વાતાવરણ રહે છે.

અભિષેક બચ્ચન અને તમે કોઇ ફિલ્મમાં સાથે જોવા મળશો?

હા, ચોક્કસ. કોઇ સારી સ્ક્રિપ્ટ મળી તો અમે જરૂર સાથે કામ કરીશું.

બોક્સઃ

મારાથી પણ વધારે સુંદર યુવતીઓ છે

`મિસ વર્લ્ડ’ રહી ચૂકેલી ઐશ્વર્યા પોતાને ખરેખર સુંદર માને છે? પૂછતાં એ જવાબ આપે છે, `ના, મને લાગે છે કે ભારતમાં મારાથી પણ વધારે સુંદર યુવતીઓ છે. હા, હું મારી જાતને નસીબદાર માનું છું કે મને ખૂબ પ્રેમ કરનારો જીવનસાથી મળ્યો. અભિ કાયમ મારી પ્રશંસા કરે છે, મારા વખાણ કરે છે. આ વાત મને હું સુંદર હોવાનો અનુભવ કરાવે છે.’

Loading

Spread the love

Leave a Comment