હાલમાં આર.કે. સ્ટુડિયો વેચવા કાઢ્યો છે તેવા સમાચાર સૌ કોઇ જાણે છે. આ સ્ટુડિયો પોતાનામાં ખાસ રહ્યો જ છે અને તેની ખાસિયતોમાં તેનું મ્યુઝિયમ પણ ખૂબ મહત્વ ધરાવતું હતું. રાજકપૂરે તેને પોતાનો જીવ રેડીને બનાવ્યું હતું. ફિલ્મ આવારાથી રામ તેરી ગંગા મૈલી સુધીની રાજ કપૂરની ફિલ્મોના પોશાક, જ્વેલરી, તેમજ નાની-મોટી અનેક ચીજો આર.કે. સ્ટુડિયોના કોસ્ચ્યુમ વિભાગમાં રાજ કપૂરના આગ્રહને કારણે જાળવી રાખવામાં આવી હતી. હિંદી ફિલ્મોના ‘ગ્રેટ શોમેન’ની યાદગાર ફિલ્મોના સ્મરણચિહ્નોરૂપ આ સામગ્રીનો સંગ્રહ એમની ગેરહાજરીમાં એક ઐતિહાસિક મહત્વ ધરાવતું હતું તેમ કહીયે તો ખોટું નથી.

હિન્દી ફિલ્મ ઉદ્યોગના મહાન શોમેન રાજ કપૂર આપણી વચ્ચે આજે હયાત નથી. પરંતુ ચેમ્બુર ખાતેના આર.કે. સ્ટુડિયોના કોસ્ચ્યુમ વિભાગમાં એક લટાર મારતા ચાર દાયકાનો ફિલ્મ ઇતિહાસ તમને જરૂરથી જોવા મળે. જોકે હવે આ બધુ એક ભૂતકાળ બની ગયો છે પણ તેમછતાંય તેની વિશેની મળેલી કેટલીક રસપ્રદ વાતો જાણીયે. આર.કે. મ્યુઝીયમમાં મોટા કદના ગ્લાસ પેનલવાળા કોસ્ચ્યુમ વિભાગમાં રાજ કપૂર અને તેમની હિરોઈનોએ આર.કે. ફિલ્મસના નેજા હેઠળ બનેલી ફિલ્મ આવારાથી લઇને રામ તેરી ગંગા મૈલી ફિલ્મમાં પહેરેલા પોશાકોનું સુંદર કલેક્શન અહીં જોવા મળતું. અહીં દીવાલને અડાડીને ઊભાં કરેલાં કબાટ અને સ્ટેન્ડ પર આર.કે. ફિલ્મોમાં વપરાયેલી જ્વેલરી, ફુમતા, ફેસ મટીરિયલ, કળા, કારીગરીના નમૂના, શિપ્લ્સ, કઠપૂતળી વગેરે ગોઠવવામાં આવ્યું હતું.

ટીકવૂડના એક શોકેસમાં ફિલ્મ અબ દિલ્હી દૂર નહીં ફિલ્મમાંના પોલીસમેન દ્વારા વપરાયેલી રમકડાંની બંદૂક, પિસ્તોલ હતી. તે સિવાય બૉબી ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલી ઢીંગલી રાખવામાં આવી હતી. ધીરે ધીરે મ્યુઝિયમમાં ખપાવાઈ રહેલા આ પોશાક વિભાગની શરૂઆત સ્ટુડિયોમાં જ એક સામાન્ય ડિપાર્ટમેન્ટની માફક થઈ હતી. રાજકપૂરે તેમની ત્રીજી ફિલ્મ આવારાનું શૂટિંગ શરૂ કર્યું ત્યારે તો હજુ આર.કે. સ્ટુડિયો બંધાઈ રહ્યો હતો.

1954માં તેમણે ચોથી ફિલ્મ આહ પૂર્ણ કરી અને બૂટ પોલિશ નિર્માણધીન હતી એ અરસામાં જ કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટ અસ્તિત્વમાં આવ્યો. એ જ વરસે આ વિભાગની દેખરેખ રાખવા આર. કે. સાહેબે વિષ્ણુ લક્ષ્મણ વેલ્લારેની કેરટેકર તરીકે નિમણૂક કરી હતી. રાજ કપૂર સાહેબનો એવો આગ્રહ હતો કે ફિલ્મોમાં જરૂર પડે તેટલી તમામ ચીજ સ્ટુડિયોમાં મળી રહેવી જોઈએ. જો નવી ખરીદવી પડે તો બજારમાંથી ખરીદીને ફિલ્મ પૂરી થયા પછી કોસ્ચ્યુમ વિભાગમાં તેનું કાયમી ધોરણે જતન થવું જોઈએ.

આ રીતે ફિલ્મોમાં વપરાયેલી દરેક ચીજનો સંગ્રહ કરવાની કપૂરસાહેબની આદતને કારણે ધીરે ધીરે પોશાક વિભાગ મ્યુઝિયમમાં ફેરવાતો ગયો. અલબત્ત વિષ્ણુજીએ ચીવટપૂર્વક દરેક વસ્તુની કાળજી લઈ સુંદર ગોઠવણ કરી ન હોત તો આ વિભાગ મ્યુઝિયમ નહીં બલકે ગોદામમાં ફેરવાઈ ગયો હોત. જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ દરેક નવી ફિલ્મમાંથી અવનવી ચીજવસ્તુ સંગ્રહસ્થાનમાં ઉમેરાતી ગઈ. રાજ કપૂરનો એક નિયમ હતો કે એક ફિલ્મમાં વપરાયેલા કોસ્ચ્યુમ કે બીજી કોઈ પણ સામગ્રી બીજી ફિલ્મમાં ન વાપરવી. એક ફિલ્મ પૂરી થયા પછી તરત જ બધા પોશાક, જ્વેલરી વગેરે આ વિભાગમાં જમા કરાવી દેવાતા અને વિષ્ણુ વેલ્લારે કાળજીપૂર્વક એ વસ્તુને યોગ્યસ્થાને ગોઠવી દેતા. માત્ર કોઈક જ પ્રસંગે કોઈ જુનિયર આર્ટિસ્ટને પહેરાવવા જરૂરી હોય તો એવાં કપડાં, ટોપી કે બૂટ આ વિભાગમાંથી મેળવીને ઉપયોગમાં લેવાતા હતા.

જો કે આર.કે. મ્યુઝિયમની સૌથી જૂની આઈટમ એટલે ભારેખમ થીંગડા મારેલો કોટ જે રાજકપૂરજીએ શ્રી 420 તથા જાગતે રહો ફિલ્મમાં પહેર્યો હતો. આવારામાં પહેરેલો કોટ અને જિસ દેશમ ગંગા બહતી હૈ પિક્ચરમાં રાજ કપૂરે પહેર્યું હતું એ પહેરણ અને ધોતિયું સુદ્ધાં કાળજીપૂર્વક આ મ્યુઝીયમમાં જોવા મળ્યું હતું. શ્રી 420 ફિલ્મમાં રાજ કપૂર જે ડફલી વગાડતા હતા એને પણ સ્મરણ ચિહનરૂપે સાચવી રખાઈ હતી. તે સિવાય ફિલ્મ ધરમ કરમમાં ઉપયોગમાં લેવાયેલો જાડો રૂંવાવાળો ભૂરા રંગનો કોટ, પાકિટ તથા મેરા નામ જોકરમાં રીંગની અંદર તાલીમ આપી રહેલાં રાજકપૂરનું દ્રશ્ય છે એ પોશાક સુદ્ધાં આ મ્યુઝિયમમાં કદાચ આજેપણ હોઇ શકે. એવી જ રીતે બોબીમાં ડિમ્પલ કાપડિયાએ પહેરેલું કેસરી રંગનું ફેન્સી ફ્રોક તથા અરૂણા ઈરાનીની લીલા રંગની સ્ટાઈલીશ મેક્સી પણ રાખી મૂકવામાં આવી હતી. આ બધી સંગ્રહ કરેલી વસ્તુઓ કદાચ આજે જોવા ન પણ મળે પણ તે દરેકને પોતાના જીવની જેમ રાજ સાહેબે તેમના મૃત્યુ સુધી સાચવી હતી.

રાજ કપૂરની મનપસંદની અનેક વસ્તુ આ મ્યુઝિયમમાં છે. બસ એકમાત્ર નથી સંગમ ફિલ્મમાં તેમણે વગાડેલું એકોર્ડિયન.’ આ વાજિંત્ર ક્યારે, ક્યાં ગાયબ થઈ ગયું એ સ્ટુડિયોમાંના એક પણ સભ્યને ખબર જ નથી! અલબત્ત, સંગમમાં વૈજયંતીમાલાએ પહેરેલા તમામ વસ્ત્રો, જ્વેલરીનું બહુ સાચવીને જતન કરવામાં આવ્યું હતું. મેરા નામ જોકરમાં કાપડની કઠપૂતળી જેવો જોકર બનાવ્યો હતો એને પણ આ મ્યુઝિયમમાં અનોખું સ્થાન મળ્યું હતું. આ જોકરને એક ખૂણે દીવાલને અડાડી ટેબલ પર બેસાડી રાખવામાં આવ્યો હતો.

મ્યુઝિયમ ખંડની બરાબર મધ્યમાં પૂરા કદની એક મેનકવીનને પહેરાવેલો પોશાક હતો. તે ડ્રેસનો ઇતિહાસ પણ ગજબનો છે. તે પૂતળું અને તેના પરનો ડ્રેસ આમ તો આ પૂતળું મેરા નામ જોકરના એક નૃત્યગીત વખતે પદ્મિનીની અવેજીમાં વપરાયું હતું પણ પૂતળાંને પહેરાવેલો પોશાક પ્રેમરોગમાં અચલા નામની એક ડાન્સર માટે સીવડાવવામાં આવ્યો હતો. પરંતુ ગીતનું શૂટિંગ પૂરું થયા પછી પણ રાજકપૂરને સંતોષ ન થયો. એટલે તેમણે આ આખું ગીત ફિલ્મમાંથી કાઢી નંખાવ્યું હતું. તે ડ્રેસ પછીથી તે પૂંતળાની શોભા બનીને મ્યુઝીયમમાં ટીંગાયેલો રહ્યો.

ફિલ્મ શ્રી 420ના રાજુએ અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી મેળવેલી બી.એ. ડિગ્રીનું સર્ટિફિકેટ, મેડલ અને પોકેટ ઘડિયાળ ગીરવે મૂકે છે. એ વસ્તુઓનો પણ મ્યુઝિયમમાં સમાવેશ થયેલો હતો. માત્ર પોકેટ વોચમાં મિનિટનો કાંટો નહોતો. અરે શ્રી 420ના વિલન સોનાચંદ ધરમદાસની કારની નંબર પ્લેટ બીએમઝેડ 840 તથા છીંકણીના ડબ્બી પણ ઊંચે કાચના કબાટમાં ગોઠવી રાખવામાં આવ્યા હતા. એવી જ રીતે અબ દિલ્હી દૂર નહીં. પિક્ચરમાં દિલ્હી પોલીસ ટુકડી માટે વણવપરાયેલી ભૂરા અને પીળા રંગની પાઘડી પણ ઊંચી અભરાઈ પર ગોઠવેલી જોવા મળી હતી.

આ તમામ વસ્તુઓ રાજકપૂરજી માટે તેમની ફિલ્મોનું સંભારણુ હતી, જે વર્ષો સુધી આર.કે.મ્યુઝીયમમાં સંઘરાયેલી હતી. હવે આ તમામ વસ્તુઓમાંથી કેટલી ત્યાં છે અને તેનું હવે પછી શું થશે તેનો કોઇ જ અંદાજો નથી. કારણકે રાજકપૂરના સ્ટુડિયોમાં આગ લાગવાની ઘટના બન્યા બાદ તેના વિશે વધારે માહિતી મળી નહોતી. તેથી આજે આર.કે. સ્ટુડિયો જ્યારે રાજકપૂરની નિશાની સમુ ગણાતું હોવા છતાંય વેચવા કાઢવામાં આવ્યું છે, ત્યારે તેમની યાદોની તેમના ગયા પછી કેટલી સાચવણી થઇ હશે, તે રહી છે કે નહીં, તેનો અંદાજો લગાવી શકાય છે.

 

Loading

Spread the love

Leave a Comment