મોડલ તરીકે કરિયર શરૂ કરનાર વિકાસ મનકતલાએ વર્ષ 2006માં ટેલિવિઝન પર સિરિયલ `લેફ્ટ રાઇટ લેફ્ટ’માં અમરદીપ હુડ્ડાના પાત્ર દ્વારા ડેબ્યૂ કર્યું હતું. એ પછી વિકાસે વર્ષ 2013માં સિરિયલ `મૈં ના ભૂલૂંગી’માં કામ કર્યું. વર્ષ 2017માં સિરિયલ `ગુલામ’માં એમણે ગ્રે શેડ ધરાવતું પાત્ર ભજવી ખૂબ લોકપ્રિયતા મેળવી. `ગુલામ’ સિરિયલમાં વીર પ્રતાપ ચૌધરીનું પાત્ર ભજવીને લોકપ્રિય બની ગયેલ વિકાસ મનકતલા આજકાલ લોકપ્રિય ઐતિહાસિક સિરિયલ `ખૂબ લડી મર્દાની-ઝાંસી કી રાની’માં ગંગાધરરાવનું પાત્ર ભજવી રહ્યા છે. જોકે અત્યાર સુધી તે મોટાભાગે ગ્રે શેડના પાત્રમાં જ જોવા મળ્યા છે અને અહીં પણ તેમનું પાત્ર થોડાઘણા અંશે તેવું જોવા મળી રહ્યું છે. જોકે તે અલગ વાત છે કે આ પ્રકારનું ઐતિહાસિક પાત્ર એ પહેલી વાર ભજવી રહ્યા છે. સિરિયલ અને એના પાત્ર સાથે સંકળાયેલી વાતચીત વિકાસ મનકતલા સાથે.

ઐતિહાસિક સિરિયલ `ખૂબ લડી મર્દાની-ઝાંસી કી રાની’માં કામ કરવા પાછળ કોઇ ખાસ કારણ?

એક અભિનેતા હોવાથી મારો પ્રયત્ન કાયમ કંઇક નવું કરવા માટેનો હોય છે. આ જ કારણસર મેં મારી કરિયરમાં પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. જોકે મેં મારી કરિયરમાં અત્યાર સુધી કોઇ ઐતિહાસિક સિરિયલમાં કામ નહોતું કર્યું અને ન તો રાજા ગંગાધર રાવ જેવું કોઇ પાત્ર ભજવ્યું હતું. તેથી જ હું આ સિરિયલમાં અભિનય કરવા માટે તૈયાર થઇ ગયો. આ સિરિયલમાં કામ કરવાનું અન્ય એક કારણ એ પણ હતું કે આ સિરિયલ `કલર્સ’ જેવી મોટી ચેનલ પરથી પ્રસારિત થવાની હતી.

સિરિયલમાં રોલ વિશે કંઇ જણાવો?

મેં પહેલાં પણ જણાવ્યું કે હું આ સિરિયલમાં રાજા ગંગાધર રાવની ભૂમિકા અદા કરી રહ્યો છું જે ઝાંસીના રાજા અને રાણી લક્ષ્મીબાઇના પતિ હતા. સિરિયલ `ગુલામ’ની માફક આમાં પણ દર્શકોને મારા પાત્રમાં ગ્રે શેડ જોવા મળશે. બસ, મારા અભિનયની શૈલી થોડીઘણી અલગ હશે. આની સાથોસાથ દર્શકોને અન્ય પણ અનેક નવી બાબતો આ સિરિયલમાં જોવા મળશે.

આ પાત્ર સારી રીતે અદા કરવા માટે કઇ ખાસ પ્રકારની તૈયારીઓ કરવી પડી?

સૌથી પહેલાં તો મેં મારું વજન છ કિલો જેટલું ઘટાડ્યું. તે પછી હું હોર્સ રાઇડિંગ એટલે કે ઘોડેસવારી કરતાં શીખ્યો. મેં મારી અસલી મૂંછ પણ ઉગાડી. જેથી મારા પાત્રને મારા તરફથી સો ટકા આપી શકું. આમ તો ગંગાધર રાવ વિશે વધારે વાતો કહેવામાં કે લખવામાં નથી આવી, છતાં મેં ગૂગલની મદદથી એમના નામથી સર્ચ કર્યું અને એમના વિશે વધારેમાં વધારે જાણકારી પ્રાપ્ત કરી. જેથી હું એમના પાત્રમાં મારી જાતને ઢાળી શકું.

સેટ પર ગંગાધર રાવ બનીને તૈયાર થવામાં કેટલો સમય લાગે છે? કોસ્ચ્યુમ અને જ્વેલરીનું વજન કેટલું છે

મને ગેટઅપમાં આવવામાં પચીસથી ત્રીસ મિનિટ જ લાગે છે. સાચું કહું તો, (હસીને) હું એકમાત્ર એવો અભિનેતા છું, જે સૌથી પહેલાં તૈયાર થઇને બેઠો હોઉં છું. મારી મૂંછો રિયલ હોવાથી મૂંછો ચોંટાડવાનો થોડોઘણો સમય પણ બચી જાય છે. બાકીનો સમય મેકઅપ અને જ્વેલરી પહેરવામાં લાગે છે. મારા આ પાત્ર માટે મારે દસ કિલો જ્વેલરી પહેરવી પડે છે. શરૂઆતમાં તો ખૂબ મુશ્કેલી પડતી હતી, પણ હવે આદત પડી ગઇ છે.

આજકાલ સુપરનેચરલ, માઇથોલોજી, હિસ્ટોરિકલ સિરિયલ્સનો ટ્રેન્ડ ખૂબ ચાલ્યો છે. એના વિશે શું કહેવું છે?

આની પાછળ ટીઆરપી કામ કરતી હોવી જોઇએ. એક એક્ટર હોવાને લીધે અમારે કેવા પ્રકારની સિરિયલ કરવી છે, કયા પ્રકારની ભૂમિકા ભજવવી છે, એ નક્કી કરવાનું અમારા હાથમાં હોય છે. હું મારી વર્ક લિમિટ જાણું છું. મારે ક્યારે શું કરવું છે, તેની સમજણ પણ મારામાં છે. તેથી હું ક્યારેય એ વિચારવામાં મારો સમય નથી વેડફતો તે ટીઆરપી રેન્કિંગ શું છે, કઇ પ્રકારની સિરિયલ વધારે ચાલે છે કે નથી ચાલતી તે વિચારતો નથી. મને ક્રિએટિવ ટીમ તરફથી જે લખીને આપવામાં આવે છે, તેને હું મારા તરફથી વધારે બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરું છું.

ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે લુક્સ વધારે જરૂરી છે કે ટેલેન્ટ?

મને લાગે છે કે જો તમે મોડલ તરીકે કરિયર બનાવવા ઇચ્છતા હો, તો તમારા માટે લુક્સ વધારે મહત્વ ધરાવે છે. હા, જો એક્ટિંગની વાત કરું તો આર્ટમાં તમારી માસ્ટરી હોય એ વધારે જરૂરી છે. આજે માત્ર ટેલિવિઝન પર જ નહીં, સિલ્વર સ્ક્રીન પર પણ અનેક એવા એક્ટર્સ સુપરહિટ નીવડી રહ્યા છે, જે ગુડ લુકિંગ ન હોવા છતાં તેમનું પરફોર્મન્સ લોકોને ખૂબ પસંદ પડે છે. લુક્સ કરતાં વધારે જરૂરી એ છે કે તમે કેટલા સારા આર્ટિસ્ટ છો, તમારું કામ કઇ રીતે કરો છો.

બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે શું કહેશો.

હું પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છું. મારી પાસે અનેક ઓફર્સ પણ આવી છે, પરંતુ હજી સુધી મને એવા દમદાર પાત્ર દ્વારા ડેબ્યૂ કરી શકાય એવી ઓફર નથી મળી. જોકે જ્યારે પણ હું ડેબ્યૂ કરીશ ત્યારે ફિલ્મની સ્ક્રીપ્ટ સારી છે કે નહીં તેનો ખાસ ખ્યાલ રાખીશ. તે સાથે એ પણ ધ્યાન રાખીશ કે ફિલ્મનું પ્રોડક્શન હાઉસ કયું છે.

 

Loading

Spread the love

Leave a Comment