કુણાલ કપૂર એક દાયકાથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. અનેક ફિલ્મોમાં પોતાના અભિનય દ્વારા તેણે પોતાની છાપ છોડી છે. રંગ દે બસંતી દ્વારા લોકો તેને ઓળખતા થયા. તે સિવાય લાગા ચુનરી મેં દાગ, આજા નચલે, વેલકમ ટુ સજ્જનપુર, ડોન 2, ડીયર જીંદગી જેવી અનેક ફિલ્મોમાં તે જોવા મળ્યા છે. આજે રીલીઝ થનારી ફિલ્મ રાગ દેશમાં તે મુખ્ય પાત્રમાં છે. જનરલ શાહ નવાઝનું રીયલ પાત્ર તે રીલ પર ભજવતા જોવા મળશે. કુણાલ માટે આ પાત્ર તેની કરિયરમાં સૌથી વધારે મહત્વનું છે. તેની સાથે ફિલ્મ અને પાત્ર શાહ નવાઝને લઇને થયેલી રૂબરૂ વાતચિત
ફિલ્મની વાર્તામાં શું નવું જોવા અને જાણવા મળશે.
દરેક વસ્તુ અલગ છે. જ્યારે મે ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળી તો તે સમયે મને લાગ્યું કે આ વિષયને લઇને અત્યાર સુધીમાં ફિલ્મ કેમ નથી બની. ફિલ્મની વાર્તા ખૂબ જ સિનેમેટીક છે. ખૂબ રસપ્રદ બાબતો ફિલ્મમાં છે. સૌથી મહત્વની બાબત તો ઇન્ડિયન નેશનલ આર્મીની છે. તેનો જન્મ કેવી રીતે થયો. તેમાં સુભાષચંદ્ર બોઝનો ફાળો ક્યા પ્રકારનો રહ્યો હતો. બીજી બાબત બ્રિટીશ અને ઇન્ડિયન આર્મીની વચ્ચે જે યુદ્ધ થયું હતું તે છે અને ત્રીજી બાબત ત્રણ સોલ્જર્સ પર જે ટ્રાયલ થયુ હતુ તેની છે. તે ટ્રાયલ બ્રિટીશર્સે એટલા માટે રાખ્યુ હતું કે તેઓ સોલ્જર્સને પરેશાન કરી શકે અને દેશની સામે તેમને ખોટા સાબિત કરી શકે. જે બધુ ઊલટુ પડ્યુ અને દેશ એકજૂથ થઇ ગયો. ચોથી બાબત ત્રણેય સોલ્જર્સના એકબીજા સાથેના રીલેશનશીપની વાત છે અને તેમના પર્સનલ રીલેશનશીપની પણ વાત છે.
તમારા પાત્ર વિશે જણાવો.
મારા પાત્રનું નામ જનરલ શાહ નવાઝ ખાન છે. તે ખૂબ જ રસપ્રદ પાત્ર છે. તે પહેલા બ્રિટીશ ઇન્ડિયન આર્મીમાં હતા અને પછી ઇન્ડિયન નેશનલ આર્મીમાં જોડાયા હતા. તેમણે જ્યારે ઇન્ડિયન નેશનલ આર્મી જોઇન કરી ત્યારે તેમને ખબર હતી કે બ્રિટીશ ઇન્ડિયન આર્મીમાં તેમના 80 સગાસંબંધીઓ હતા. તેમનો ભાઇ હતો. તેમને ખબર હતી કે એવો સમય પણ આવશે કે તેમણે તેમના ભાઇઓ પર ગોળીઓ ચલાવવી પડશે. જે કરવા માટે તેઓ તૈયાર હતા. તેમની એ માનસિકતા સમજવી ખૂબ રસપ્રદ વાત રહી. મારા માટે રોલ ચેલેન્જીંગ રહ્યો પણ મને રોલ પ્લે કરવામાં મજા પણ ખૂબ આવી હતી. તેનું કારણ એ કે આ પ્રકારના પાત્ર ભજવવાની તક ખૂબ જ ઓછી મળતી હોય છે. આ પાત્ર આપણા ઇતિહાસનો સૌથી મહત્વનો ભાગ છે.
જનરલ શાહ નવાઝના રોલ માટે કેટલી તૈયારીઓ કરી.
ખાસ તો તેમની બોડી લેગ્વેંજ સમજવાની હતી. 30ના અને 40ના દશકમાં લોકોની જે બોડી લેગ્વેંજ હતી તે ખૂબ જ અલગ હતી. તે સમયની જે ભાષા હતી તેમાં પંજાબી અને ઊર્દૂ મિક્સ હતી. તેના પર ખૂબ મહેનત કરવી પડી હતી કારણકે આ બંને ભાષા ખૂબ ઓછી જગ્યાએ સાથે વપરાતી હોય છે. તેથી ભાષા પર પણ ખૂબ મહેનત કરી હતી. તે સિવાય હું શાહ નવાઝના કુટુંબને પણ મળ્યો હતો. તેમને મળીને શાહ નવાઝજીના ફોટો માટેની મેં તેમને વાત કરી હતી. તેમની વિશેની વાતો જાણી હતી. તેમના ફેમીલી આલ્બમ્સમાંથી ફોટા મંગાવ્યા હતા. રેલીના પણ ફોટા મને મોકલ્યા હતા. તે ઘરે કઇ રીતે રહેતા હતા તે ફોટોઝ પણ મને મોકલ્યા હતા. તેનાથી ખૂબ ફાયદો થયો હતો.
રીયલ પાત્ર ભજવવામાં કેટલી બાબતોનું ધ્યાન રાખવું પડ્યું.
જ્યારે તમે કોઇ રીયલ લાઇફ કેરેક્ટર પ્લે કરી રહ્યા હો તો ઘણીબધી જવાબદારીઓ સાથે તેને નિભાવવાનું હોય છે. જ્યારે ઇતિહાસના ખૂબ મહત્વના વિષયને લઇને એક મહત્વના પાત્રને ભજવતા હો જવાબદારી રહે જ છે. જ્યારે રીયલ લાઇફનું કોઇ પાત્ર ભજવતા હો તો તમે તેમાં ઊંડા ઊતરી જાવ છો, કારણકે તમને ખબર હોય છે કે તમે કશુંય બનાવટી કરતા નથી. તમે એક એવા વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યા છો, જે ખરેખર હતો.
શાહ નવાઝ વિશે શું જાણી શક્યા.
શાહ નવાઝ વિશે જાણવા માટે તેમની વિશે લખાયેલી ઓટોબાયોગ્રાફી વાંચી હતી. તેમના પરિવારને મળવાની તક મળી. તેમના પરિવારે તેમના વિશે અનેક વાતો કહી હતી. દેશના એવા હિરો વિશે જાણવા મળ્યું કે જેમના વિશે ફક્ત હું જ નહીં આપણે બધા જ જાણતા નથી. તે ત્રણેય જ્યારે ટ્રાયલ જીત્યા હતા ત્યારે ટૂર પર ગયા હતા અને તે સમયે ફક્ત ચાર થી પાંચ લાખ લોકો તેમને જોવા માટે ભેગા થતા હતા. તે સમયે તેઓ દેશના હિરો બની ગયા હતા, લાખો લોકો તેમને જોવા આવતા હતા.
રીયલ પાત્ર ભજવ્યા બાદ તે કલાકાર સાથે જોડાઇ જતું હોય છે.
ફિલ્મ પૂરી થઇ ગઇ તો પણ મારી બોલવાની પદ્ધતિ શાહ નવાઝ જેવી જ હતી તેટલી અસર રહી હતી. પાત્રની અસર કલાકાર પર પડતી નથી પણ એક પ્રકારનું કનેક્શન જોડાઇ જાય છે. તેમાં પણ જ્યારે બાયોપિક રોલ હોય તો ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. જ્યારે કોઇ પાત્ર તમારા અંગત જીવન કરતા ખૂબ જ અલગ હોય તો તેની અસર વધારે પડે છે.
તે સમયના શસ્ત્રસરંજામોની સાથે કઇ રીતે તાલમેલ સાધી શક્યા.
તાલમેલ સાધવો મુશ્કેલ રહ્યો હતો. તેમાં પણ માર્ચપાસ સાથે સૌથી વધારે મુશ્કેલ બન્યું હતું. અમે લોકો ત્રીસ જણા હતા.સૌથી કમાલની વાત એ હતી કે રાઇફલ, પિસ્તલ અને ગ્રેનેટ પણ હતી. આઇએનએ એ ભારતનો એક ભાગ બ્રિટીશર્સ પાસેથી તેમને હરાવીને પાછો મેળવી લીધો હતો. બ્રિટીશર્સ પાસે મશીનગન હતી, આર્ટીલરી હતી, ક્રફ્ટ્સ હતા. તેમ છતાંય દેશના જવાનોનો જુસ્સો ખૂબ હતો.
રંગ દે બસંતીમાં દેશભક્તિ વિશે જાણ્યું હતું અને આ ફિલ્મમાં તેને જીવ્યા છો. તો કેવું લાગી રહ્યું છે.
ખરેખર તેમાં શરૂઆત થઇ હતી અને રાગદેશમાં તેનાથી એક ડગલું આગળ વધ્યા છીએ. એક એવા હિરો વિશે જાણવા મળ્યું જેના વિશે ઇતિહાસ વધારે જાણતો નથી અને મને તે પાત્ર ભજવવા મળ્યું. તે સિવાય એક બાબત એ પણ જાણવા મળી કે શાહ નવાઝ એક બાબત કહે છે કે બ્રિટીશ આર્મીમાં તેમને કહેવામાં આવ્યું હતું કે દરેક ઓફિસર અને ફૌજી એકસરખા છે, પણ તેમની સાથે ખાવામાં પણ ભેદભાવ થતો હતો. પૈસા ઓછા મળતા હતા. જ્યારે લડાઇનો સમય આવે તો ફૌજીને આગળ મોકલી દેવામાં આવતા. અંગ્રેજો ફક્ત દેખાડો કરતા હતા. અંગ્રેજોની નજરમાં હિન્દુસ્તાની અને અંગ્રેજ ક્યારેય એકસમાન રહ્યા જ નથી.
આ ફિલ્મ કર્યા પછી આપણા ફૌજી જવાનો વિશે શું કહેશો.
તેમના માટે તો હંમેશા એક પ્રકારનું માન રહેલું જ છે. તે જે પ્રકારનું કામ કરી રહ્યા છે, તેમાં દેશને સૌથી પહેલું મહત્વ આપી રહ્યા છે. તેમની ફેમીલીથી દૂર રહે છે. હંમેશા જીવ હાથમાં લઇને ચાલે છે. અંગત જીવનમાં હવે મને લાગે છે તે સમયે એવી સ્ત્રીઓ પણ હતી કે જેમણે પોતાનું મંગળસૂત્ર આપીને પણ આઇએનએ માટે સોનું પિગાળીને ડ્રેસ ખરીદો કે અન્ય સુવિધાઓ માટે પોતાનું સર્વસ્વ આપવા તૈયાર હતા. તે સમયે લોકો પોતાનું નહીં બીજાનું વિચારતા હતા. આજકાલ દેશભક્તિનો અર્થ બદલાઇ ગયો છે. સોશિયલ મિડીયા પર બે કે ત્રણ પોસ્ટ કરી દો એટલે પૂરું થઇ જાય.
મેધા પંડ્યા ભટ્ટ