બોલિવૂડમાં ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’થી એન્ટ્રી કરી ચૂકેલા અને પોતાના અભિનય દ્વારા પહેલી જ ફિલ્મમાં લોકોના મનમાં વસી જનાર ઇશાન ખટ્ટર હવે તેમની બીજી ફિલ્મ ‘ધડક’ દ્વારા બોક્સ ઓફિસ પર ફરીથી પોતાનું વર્ચસ્વ જમાવી દેવા માગે છે. તેમની આ ફિલ્મની ચર્ચા ચારેતરફ જોવા મળી રહી છે. ફિલ્મી ફેમીલીમાંથી આવતા હોવાના કારણે ફિલ્મને લઇને તેમના પર થોડું પ્રેશર પણ રહેલું જોવા મળે છે. પોતાની સહ અભિનેત્રી જ્હાનવી સાથેની તેમની કેમેસ્ટ્રીને પણ લોકો ખૂબ વખાણી રહ્યા છે. ફિલ્મ અંગે તેમજ અન્ય વિષયો પર થયેલી વાતચિત.

‘ધડક’ના કારણે દિલ કેટલું ધડકી રહ્યું છે.

દિલ તો ખૂબ જોરજોરથી ધડકી રહ્યું છે. લોકોની મારા પ્રત્યેની આશાઓ વધી છે અને મારો પૂરતો પ્રયત્ન છે કે હું લોકોને નિરાસ નહીં કરું. અમને દરેક વ્યક્તિને લાગે છે કે આ ખૂબ સ્પેશિયલ ફિલ્મ છે. દર્શકોને પણ પસંદ આવશે તેવી આશા રાખુ છું. આ ફિલ્મ સાથે ઘણા બધા સારા લોકો જોડાયેલા છે અને ફિલ્મનો એક ભાગ બનવા બદલ પોતાને પણ નસીબદાર માનું છું. અમારા ડિરેક્ટર શશાંક ખેતાનની પોઝીટીવ એનર્જીના કારણે સેટ પર હંમેશા પોઝીટીવ વાતાવરણ જોવા મળ્યું હતું. તેમણે સૈરાટની વાર્તાને પોતાની રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.

 

પહેલી ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’માં તમને ખૂબ પ્રશંસા મળી હતી.

‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’માં મને મારા અભિનયના કારણે લોકો તરફથી ખૂબ જ વખાણ સાંભળવા મળ્યા, પણ હું તેને આર્ટ કે પૈરલલ સિનેમા તરીકેના રૂપમાં જોતો નથી. મારા માટે ફિલ્મની વાર્તા સૌથી વધારે મહત્વની રહેલી છે.

 

ફિલ્મ ‘ધડક’ને લઇને પરિવારના લોકોમાં કેવો ઉત્સાહ છે.

મારી મમ્મી ‘ધડક’ને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. ભાઇ (શાહિદ કપૂર)ને પણ ફિલ્મના રીલીઝને લઇને ખૂબ આતુરતા છે. મમ્મીએ લોન્ચ વખતે જ પહેલીવાર ટ્રેલર જોયું હતું, તે થોડી અચંબામાં પડી ગઇ. ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ તેમણે અનેકવાર જોઇ હતી અને મારા કામથી તેમને પૂરેપૂરો સંતોષ પણ હતો. જ્યારે ‘ધડક’ ફિલ્મનું ટ્રેલર જોયું તો તેને જોઇને તેમણે મને કહ્યું કે, તું આ પ્રકારના રોલને પણ સફળ બનાવી શકે છે, તેની મને ખબર નહોતી. તે ટ્રેલર લોન્ચ પર ખૂબ ખુશ હતી અને તેમને ‘સૈરાટ’ કરતા ખૂબ અલગ પણ લાગ્યું. મારી આ ફિલ્મથી તેમને ખૂબ આશાઓ બંધાયેલી છે, હું તેમને નિરાશ નહીં કરું તેવું મને લાગે છે.

‘ધડક’ના પાત્ર અને ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ના પાત્રમાંથી ઇશાનની નજીક કોણ વધારે છે. ‘ધડક’ના પાત્ર વિશે જણાવો.

‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ના આમિરનું પાત્ર મારા માટે વધારે સરળ હતુ અને તે મારી વધારે નજીક હતું. ‘ધડક’ ફિલ્મનો મધુ એક નાના શહેરનો યુવક છે. જેનું પાત્ર મારા માટે મુશ્કેલ રહયું. તેના જીવનમાં કોઇ મહત્વકાંક્ષા નથી. તે પોતાની લાઇફથી ખુશ છે. તે ખૂબ માસૂમ છે, જેના કારણે તે પ્રેમમાં સંપૂર્ણપણે લટ્ટુ થઇ જાય છે. પ્રેમમાં પડ્યા પછી તેનું જીવન બદલાઇ જાય છે. વાર્તામાં એક એવો ટર્નીંગ પોઇન્ટ આવે છે, જ્યારે પાત્ર મેચ્યોર બની જાય છે. આ પાત્રને ભજવવું ખૂબ જ મુશ્કેલ હતું.

ફિલ્મ માટે કેવા પ્રકારની તૈયારીઓ કરવી પડી.

ફિલ્મ માટે ખરેખર ખૂબ મહેનત કરવી પડી હતી. અમારા ડીરેક્ટર શશાંક ખેતાને ફિલ્મને લઇને ખૂબ જ રીચર્સ અને હોમવર્ક કર્યું હતું. ફિલ્મમાં અમે મેવાડી ભાષાનો પ્રયોગ કર્યો છે. જેના માટે મેં શશાંકને પૂછ્યું હતું કે સેટ પર ડિક્શન ટીચરની મદદ લઇ શકાશે, તો તેમણે કહ્યું હતું કે તેઓ અમને વધારે ભારે કે સ્પષ્ટ મેવાડી ડાયલોગ આપવાના નહોતા. તે ફક્ત ફ્લેવરનો ઉપયોગ કરવાના હતા. મધુના પાત્ર માટે મેં મારી રીતે પણ હોમવર્ક કર્યું. શૂટીંગના લોકેશન હટીંગ દરમિયાન હું ત્યાં રહેતા લોકોને મળ્યો. તેમને સમજવાનો પ્રયત્ન કર્યો. ઉદેપુર અને જયપુરમાં થોડો સમય પસાર કર્યો. મારા લુક માટે વાળનો કલર લાઇટ કર્યો, કારણકે મેં ત્યાના લોકોના વાળનો રંગ જોયો તો મને આછો લાગ્યો હતો. મેં મારા લુકને પરફેક્ટ કરવા માટે મારા કાન પણ વિંધાવ્યા અને પહેલીવાર કોન્ટેક્ટ લેન્સ પહેર્યા.

શૂટીંગ દરમિયાન કેવો ઉત્સાહ રહ્યો. કોઇ યાદગાર કિસ્સો જણાવશો.

હું એટલું જ કહીશ કે જો એક્ટીંગ ફિલ્ડમાં આવ્યા પછી તમને તમારા કામ પ્રત્યે પ્રેમ ન હોય, કે પછી તેને લઇને ઝનૂન ન હોય તો તેમાંથી આગળ વધવું મુશ્કેલ છે. ફિલ્મના શૂટીંગ દરમિયાન એનર્જી ખૂબ સારી હતી. અમે લોકોએ 44 દિવસમાં શૂટીંગ પૂરું કર્યું. તેમાં પણ ઉદેપુરનું શૂટીંગ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. ઉદેપુરમાં ડિસેમ્બરમાં શૂટીંગ દરમિયાન ખૂબ જ ઠંડી હતી. તેમાં એક સીનમાં મારે પિચોલા લેકમાં કૂદકો મારવાનો હતો. તે દિવસે તો ઠંડીના કારણે મારી તબિયત ખરાબ થઇ ગઇ હતી. એકવાર જ્યારે બાગ વાળા તળાવમાં મારે 25થી 30 ફૂટની ઊંચાઇએથી કૂદકો મારવાનો હતો તો તેમાં અમે હોર્નેસની વ્યવસ્થા કરી નહોતી. તેમાં મારા માટે ચેલેન્જ એ હતી કે સામેની તરફ પણ સીડીઓ હતી અને પાણીની અંદર પણ સીડીઓ હતી. તેમાં ચાર ફૂટનું રેડીયસ હતું. જો કૂદકો મારતી વખતે થોડો પણ આગળ કે પાછળ થાઉં તો મારું માથુ ફાટી શકે અથવા પગ તૂટી જાય તેવી પરિસ્થીતી હતી. સૌથી વધારે ડરાવે તેવી બાબત એ હતી કે 80 ફૂટની ઊંડાઇ ધરાવતા એ તળાવમાં 16 ફૂટ લાંબો સાપ હતો. તેમાં અન્ય નાના મોટા સાપ અને માછલીઓ પણ હતા. મેં ત્યા એક વાત જોઇ કે ત્યાના સ્થાનિક લોકો કોઇપણ ડર વિના તરી રહ્યા હતા. તેમને તરતા જોઇને મને પણ હિંમત આવી. અમે સુરક્ષા માટે નેટ લગાવવાનો વિચાર પણ કર્યો હતો પણ 80 ફૂટ ઊંડા તળાવમાં તમે નેટ કેવી રીતે લગાવી શકો. અમારે ચાન્સ લેવો જ પડ્યો અને પછી બે વખત કૂદ્યા પછી અમે ખૂબ તર્યા હતા.

જ્હાનવી સાથે કામનો અનુભવ કેવો રહ્યો.

જ્હાનવી ખૂબ માસૂમ છે. તે પોતાના કામમાં ખૂબ ઊંડી ઊતરી જાય છે. ફિલ્મો સાથે તેને ખૂબ જ પ્રેમ છે. આ ફિલ્મમાં કામ પ્રત્યેનો તેમનો પ્રેમ જોવા મળે છે. તે ખૂબ ફની છે. સેટ પર ઘણીવાર તે અજાણતામાં એવી હરકતો કરી બેસતી કે ન ઇચ્છતા હોવા છતાંય અમને ખૂબ જ હસવું આવી જતું હતું. કોઇપણ સીનને લઇને તે ખૂબ જ વિચારે છે. શૂટીંગ દરમિયાન તે પોતાની બૈક સ્ટોરી લખતી હતી. 57 પાનાની અમારી સ્ક્રીપ્ટ હતી તો તેની સામે 60 પાનાની તેમની બૈક સ્ટોરી હતી. શૂટીંગ દરમિયાન તે ઘણીવાર સીન ભજવતી વખતે તેમાં ખોવાઇ જતી.

તમારી બંને ફિલ્મોની સ્ક્રિપ્ટ ખૂબ મજબૂત રહી છે. કઇ રીતે ફિલ્મો પસંદ કરો છો.

મારી બંને ફિલ્મોમાં સ્ક્રિપ્ટે મને પસંદ કર્યો છે. ફિલ્મની પસંદગી કરવાનું કારણ ફક્ત સ્ક્રિપ્ટ જ હોવી જોઇએ તેવું મને લાગતું નથી. ઘણીવાર કોઇ સારા ડિરેક્ટર સાથે કામ કરવાની ઇચ્છાને કારણે પણ તમે ફિલ્મ પસંદ કરો છો. ઘણીવાર ફિલ્મની વાર્તા તમને તેની તરફ ખેંચી લે છે. મારા ભાઇ શાહિદ કપૂરનો કલાકાર તરીકે અનુભવ હંમેશા બેસ્ટ રહ્યો છે. હું તેમની દરેક વાત માનું છું. તેમની સલાહ મારા માટે ખૂબ મહત્વની સાબિત થાય છે. મારા મમ્મીની વાતને હું દિલની નજીક રાખુ છું. મને લાગે છે કે તેમની સ્ક્રિપ્ટ સેન્સ ખૂબ જ સારી છે. હું તેમની પાસેથી શીખવા માગુ છું. મને જ્યારે પણ તક મળશે તો હું આ બંને સાથે જ મારી સ્ક્રિપ્ટની ચર્ચા કરીશ.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment