ભૂમિએ પોતાની કરીયરની શરૂઆતથી જ અલગ પ્રકારની ફિલ્મો પ્રેક્ષકોને આપી છે. યશરાજ બેનરમાં એક સમયે કાસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી ભૂમિ પેડનેકર હવે અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. એણે પોતાની ચાર વર્ષની કરિયરમાં `દમ લગા કે હઇશા’, `ટોઇલેટ – એક પ્રેમકથા’, `શુભમંગલ સાવધાન’ અને `લસ્ટ સ્ટોરીઝ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આજકાલ એ ફિલ્મ `સોનચિડિયા’ માટે ચર્ચામાં છે, જેમાં સુશાંત સિંહ રાજપૂતની પણ મહત્વની ભૂમિકા છે. ફિલ્મ ડિરેક્ટર અભિષેક ચોબેએ કરી છે. ફિલ્મ `સોનચિડિયા’માં એની ભૂમિકા એક વિદ્રોહીની છે. આ ભૂમિકા માટે એણે કેવી તૈયારી કરવી પડી? શું અંગત જીવનમાં એ પોતાની જાતને વિદ્રોહી માને છે? અત્યાર સુધીની કરિયર સફરને એ કઇ રીતે જુએ છે? તે અંગે હાલમાં ભૂમિ સાથે ફિલ્મ અને કરિયર અંગે ઘણી વાતચીત થઇ.

ફિલ્મ `સોનચિડિયા’માં તમે એકદમ અલગ જ શૈલીમાં જોવા મળો છો. આ ભૂમિકા અદા કરવા માટે શું ખાસ તૈયારીઓ કરી?

ડિરેક્ટર અભિષેક ચોબેએ જ્યારે મને આ પાત્ર વિશે વાત કરી ત્યારે મને ખૂબ નવાઇ લાગી. આ પાત્ર વિશે સાંભળ્યા પછી જ મને ખ્યાલ આવી ગયો હતો કે આના માટે મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. આ ભૂમિકા અદા કરવા માટે મારે માનસિક રીતે ખૂબ મજબૂત બનવું પડ્યું. અમારી ફિલ્મનો બેકડ્રોપ 1970નો છે. આમાં ચંબલની પાસે આવેલા ગુરૈનાની વાત છે. કેટલાક વિદ્રોહીઓની વાત છે. મનોજ બાજપેયી, સુશાંત સિંહ રાજપૂત, રણવીર શૌરી અને આશુતોષ રાણા સૌ ડાકુ બન્યા છે, દરેક ડાકુની તેના વિદ્રોહી બનવા પાછળની અલગ અલગ વાત છે. અમે ચંબલમાં જઇને શૂટિંગ કર્યું, ત્યાં જઇને અલગ પ્રકારના અનુભવો થયા. બે મહિના માટે અમે બધાં આર્ટિસ્ટ શહેરી જીવન, મોબાઇલ, પરિવાર અને મિત્રોથી સાવ દૂર થઇ ગયા હતા.

સાંભળવા મળ્યું છે કે તમે ફિલ્મ માટે ચૂલો ફૂંકવાની ટ્રેનિંગ પણ લીધી?

હા, ચૂલો કઇ રીતે સળગાવવામાં આવે છે? ચૂલા પર રસોઇ કેવી રીતે બનાવવામાં આવે છે. મસાલા કેવી રીતે વાટવામાં આવે છે. એ તમામ વાતોની મેં ખાસ ટ્રેનિંગ લીધી. જ્યારે મારા ઘરમાં તો મેં ક્યારેય કંઇ કામ કર્યું જ નથી. જોકે ટ્રેનિંગ લીધાના થોડા દિવસોમાં જ હું બધું કામ કરવા લાગી. મને મુંબઇમાં સહેજ અમથું કંઇ વાગે તો પણ હું બૂમાબૂમ કરી મૂકતી કે હવે ટિટનસનું ઇન્જેક્શન લેવું પડશે. જ્યારે ચંબલમાં શૂટિંગ દરમિયાન રોજ કાંટા, કાંકરા, અણીદાર પત્થર, ખડક, રેતી, ધૂળ-માટી અને કીચડમાં કામ કરવું પડતું હતું. આ ઉપરાંત, મેં ગ્રામ્ય બુંદેલ મહિલાઓની માફક દસ-બાર કિલો અનાજ ભરેલા કોથળા પણ પીઠ પર ઉપાડ્યા છે. આ સિવાય પણ ગામડાની સ્ત્રીઓ કરતી હોય તેવા અનેક કામ કર્યાં. આ બધું પાત્રને વાસ્તવિક બનાવવા માટે ખૂબ જરૂરી હતું.

ફિલ્મમાં બુંદેલખંડી ભાષા બોલતા જોવા મળો છો. પાત્રને લઇને ભાષા માટે કેટલું હોમવર્ક કર્યું?

હા, બુંદેલખંડી ભાષા શીખવા માટે એક આસિસ્ટન્ટ ડિરેક્ટરને રાખવામાં આવ્યા હતા. શરૂઆતમાં અમને લાગતું હતું કે આ ભાષા બોલવામાં મુશ્કેલી પડશે, પણ પંદર દિવસમાં જ અમે આ ભાષા સરળતાથી બોલવા લાગ્યા. ધીરે ધીરે ક્રૂના તમામ મેમ્બર્સ આ ભાષામાં જ વાત કરવા લાગ્યાં. તેથી સારી પ્રેક્ટીશ થઇ ગઇ હતી.

ફિલ્મમાં તમારું પાત્ર એક વિદ્રોહીનું છે. અંગત જીવનમાં એવા ગુણ છે?

હા, હું મારી જાતને વિદ્રોહી માનું છું કેમ કે મેં મુશ્કેલીભર્યો માર્ગ પસંદ કર્યો. ફિલ્મ કરિયરની વાત કરું તો, એ દરમિયાન પણ એવા પાત્રો પસંદ કર્યાં, જે બધા કરતાં કંઇક અલગ જ હતા. સાથે જ પાત્રને વાસ્તવિક ઓપ આપવા માટે કાયમ મારા કમ્ફર્ટઝોનમાંથી બહાર આવી. જેમ કે, ફિલ્મ `ટોઇલેટ – એક પ્રેમકથા’માં મારે એક સીનમાં સાડી ઊંચી કરી ખેતરમાં ટોઇલેટ માટે બેસવાનું હતું. એ વખતે શૂટિંગ જોવા માટે ઘણાબધા લોકો ભેગા થયા હોવાથી મને થોડો ખચકાટ થતો હતો. જોકે એક્ટિંગ સાથે કલાકાર તરીકે અને વ્યક્તિગત રીતે લાગણી હોવાથી સીન થોડી જ વારમાં ઓકે થઇ ગયો. ભવિષ્યમાં પણ હું એવી ફિલ્મોમાં અભિનય કરીશ, જેમાં મહિલાઓને સ્વતંત્રતા મળવાનો મેસેજ મળતો હોય.

તમારી ફિલ્મમાં બદલો લેવાની વાત છે. વાસ્તવિકજીવનમાં બદલો લેવાની વાતમાં વિશ્વાસ ધરાવો છો?  

ના, હું તો `જીવો અને જીવવા દો’ સૂત્રમાં માનું છું. માફ કરી દેવામાં વિશ્વાસ ધરાવું છું. બદલાની ભાવના સાથે મારે કંઇ લેવા-દેવા નથી.

અત્યાર સુધીની તમારી કરિયરની સફરને કઇ રીતે જુવો છો?

મારી સફર વિશેની તમામ વિગતો સૌની સામે છે. હું મારી એક્ટિંગ કરિયરની પ્રત્યેક પળને માણું છું. યશરાજ ફિલ્મ્સમાં હું કાસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં હતી, ત્યાંથી જ મારી એક્ટિંગની સફરની શરૂઆત થઇ. મને તો આ બધું એક સપનાં જેવું લાગે છે.

ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝિને તમારો સમાવેશ બોલિવૂડની સફળ હસ્તીઓમાં કર્યો છે. આ વિશે શું કહેશો?

મારી એક્ટિંગ કરિયરને ચાર વર્ષ થયાં છે. આટલા ઓછા સમયમાં પણ મેં અલગ અલગ પ્રકારની ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ જ કારણસર ફોર્બ્સની યાદીમાં મને સામેલ કરવામાં આવી હશે. જોકે જો મારા પેરેન્ટ્સ, યશરાજવાળા, મારી ફિલ્મોના ડિરેક્ટર્સ, કો-એક્ટર્સનો સપોર્ટ ન હોત, તો આમ થવાનું લગભગ અસંભવ હતું. હું મારી સફળતાનું શ્રેય એ સૌને આપું છું.

સફળતાની સાથે જીવનમાં કોઇ સાથી હોવો જોઇએ એવું લાગે છે.

અત્યારે તો મારે કોઇ બોયફ્રેન્ડ નથી, ન તો હું કોઇની સાથે ડેટિંગ પર જાઉં છું, પણ મને પ્રેમ પર સંપૂર્ણ વિશ્વાસ છે. અત્યારે તો કામ જ મારો પ્રેમ છે, મારી પ્રાથમિકતા છે. જોકે આશા છે કે મને ખૂબ ઝડપથી કોઇ સાથી મળી જશે.

 

 

Loading

Spread the love

Leave a Comment