ટાઇગર શ્રોફનું નામ બોલિવૂડના બેસ્ટ ડાન્સર અને એક્શન સ્ટાર તરીકે જાણીતુ બની ગયું છે. હજી બોલિવૂડમાં તેની ફક્ત ત્રણ જ ફિલ્મો હિરોપંતી, બાગી અને ફ્લાઇંગ જટ આવી છે, છતાંય યુવાનો તેની એક્શન અને ડાન્સ પાછળ દિવાના બની ગયા છે. જેકી શ્રોફનો દિકરો તેની રીલીઝ થનારી ફિલ્મ મુન્ના માઇકલમાં તેના ડાન્સના અને એક્શનના નવા સ્ટંટ દેખાડવા માટે તૈયાર છે. ટાઇગર શ્રોફ આ ફિલ્મ દ્વારા માઇકલ જેક્સનને એક રીતે તે શ્રદ્ધાંજલી આપવા માગે છે. મુન્ના માઇકલ ફિલ્મમાં તેની સાથે જાણીતા કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકી અને બોલિવૂડમાં આ ફિલ્મથી એન્ટ્રી કરનાર નિધિ અગ્રવાલ પણ છે. આઇફા એવોર્ડના સમયમાં ફિલ્મના પ્રમોશનમાં બિઝી ટાઇગર આઇફા અને ત્યાં ગયેલા તેના મિત્રોને મિસ કરી રહ્યો હતો. ટાઇગર શ્રોફ સાથે ફિલ્મને લઇને થયેલી રૂબરૂ વાતચિત.
મુન્ના માઇકલ ફિલ્મ માઇકલ જેક્શનને ટ્રીબ્યુટ છે, તો તેમને લઇને કોઇ વાત યાદ હોય તો જણાવો.
માઇકલ જેક્શન સાથેની વાતોને યાદ કરું તો અનેક વાતો છે. મારી પ્રેરણા જ માઇકલ જેક્શન રહ્યા છે. નાનપણથી લઇને આજદીન સુધી તેમના વિડીયોઝ જોતો અને ગીતો સાંભળતો આવ્યો છું. તેમના દરેક વિડીયોઝ જોઉ છું અને ડાન્સની પ્રેક્ટીસ કરું છું. મારું મોટાભાગનું જીવન માઇકલ જેક્શનની આજુબાજુ જ વીંટળાયેલું છે.
ટાઇગર શ્રોફ ડાન્સને કઇ રીતે જીવે છે.
હું ડાન્સને કઇ રીતે જીવું છું તે કઇ રીતે વર્ણન કરી શકું. મારા માટે જવાબ આપવો થોડો મુશ્કેલ છે. એટલું જરૂર કહી શકું કે ડાન્સ મારા માટે બધુ જ છે. ડાન્સ મારા માટે લાઉડેસ્ટ ફોર્મ ઓફ એક્સપ્રેશન છે. મારા માટે સ્ટ્રેસબસ્ટર છે. મારી રોજી-રોટી છે તેમ કહું તો પણ ખોટું નથી. ડાન્સ મારું આઇ ટેન્ટીટી છે. તેથી ડાન્સ માટે ફક્ત એક વાત કહું તો મારા માટે કહેવું ખૂબ જ મુશ્કેલ રહેશે.
મુન્ના માઇકલ માટે માઇકલ જેક્શનના કેટલા વિડીયો જોયા. કોઇ નવા ડાન્સ ફોર્મ જોવા મળશે.
આ ફિલ્મ માટે હું તેમના કોન્સર્ટ્સ વધારે જોતો હતો કારણકે ડાન્સ સિવાય જે રીતે તે હલ્યા વિના એક કે બે મિનિટ સુધી ઊભા રહેતા હતા, સ્ટેચ્યુ બની જતા હતા, તો પબ્લીક તેમને જોઇને ઝૂમી ઊઠતી અને પાગલ થઇ જતી હતી. યુવતીઓ ચીસો પાડતી રડી પડતી અને લોકો પાગલ – દિવાના જેવા થઇ જતા હતા. એમનું તે હિસ્ટીરીયા, સ્ટારડમ તે સિવાય કોસ્ચ્યુમ પર પણ ખાસ ધ્યાન આપ્યું હતું. શોની ગ્રાન્ડનેસ સ્કીલ જેવી અનેક બાબતોને ખૂબ જ ધ્યાનથી ઓબ્ઝર્વ કરી હતી. ડાન્સ સિવાય આ બધી બાબતો પર પણ ખાસ ધ્યાન આપ્યું.
મુન્ના માઇકલના પાત્ર વિશે જણાવો.
મુન્ના ખૂબ જ સીદોસાદો મુંબઇનો યુવક છે. તે એક ચાલીમાં રહે છે. સ્માર્ટ છે. તેના ઘણાબધા મિત્રો છે. તે દરેકને ખૂબ માન આપે છે, પ્રેમ કરતો હોય છે. તે પોતાના બાબા (પિતા)ને ખૂબ જ પ્રેમ કરે છે. મુન્ના પાસે ડાન્સનું ટેલેન્ટ તો છે પણ કોઇ દિશા નથી. ફિલ્મની શરૂઆતમાં તે પોતાના ડાન્સના ટેલેન્ટને યોગ્ય રીતે ઉપયોગ કરી શકતો નથી.
નવાઝને હકીકતમાં ડાન્સ શીખવાડી શક્યા કે નહીં.
હા, જરૂર. પ્રમોશન માટે થઇને મેં તેમને બે ત્રણ સ્ટેપ્સ શીખવાડ્યા છે. જે દરેક જગ્યાએ કરતા જોવા મળે છે.
નવાઝ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.
હું પહેલા દિવસે તેમની સામે સેટ પર ગયો ત્યારે મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. આજના સમયમાં તે ખૂબ મોટા એક્ટર છે. તેમની સામે કેવી રીતે કામ કરી શકીશ તે વાતને લઇને હું થોડો નર્વસ હતો. જ્યારે એકસાથે કામ કરવાનું શરૂ કરી દીધુ તો લાગ્યું કે તેમના કારણે દરેક સીન ખૂબ સરળ બનવા લાગ્યા હતા. તેમની સાથે કામ કરવાથી મારું પરર્ફોમન્સ પણ ઇમ્પ્રુવ થઇ રહ્યું છે, તેવો મને અનુભવ થઇ રહ્યો હતો. તે ખરેખર એક સારામાં સારા કલાકાર છે. નેચરલ એક્ટર છે. તેમના દરેક સીન અને ડાયલોગ્સ ફ્લો પ્રમાણે એકદમ નેચરલ હોય તેવું લાગતું હતું. તે ખૂબ જ શાંત રહેતા હોય છે. તેમની ડાયલોગ્સ ડિલીવરી પણ ખૂબ સારી છે. બોલતા પહેલા તે થોડો સમય લેતા હોય છે. તેમનો મેસેજ અને એક્સપ્રેશન એકદમ ક્લીયર કટ રીતે મળી રહે છે. તે એકસાથે અનેક બાબતો માટે વિચારતા નથી. તે ફક્ત એક સમયે એક જ બાબત તરફ ફોકસ રાખે છે.
છેલ્લા કેટલાય વર્ષોમાં બોલિવૂડમાં ડાન્સ પર અનેક ફિલ્મો બની છે, તો આ ફિલ્મમાં શું અલગ જોવા મળશે.
ડાન્સ એ ફિલ્મની મેજર થીમ છે પણ ડાન્સ ફિલ્મ મેજરી નથી. આ એક ફેમીલી એન્ટરટેઇમેન્ટ ફિલ્મ છે. આ ફિલ્મમાં એક ખૂબ જ મહત્વનો સંદેશો પણ છે. જે પોતાના સપનાને ફોલો કરતા હોય છે તેવા યુવાનો માટેનો એક મેસેજ છે. એક અલગ પ્રકારની લવ સ્ટોરી પણ છે. લવ ટ્રાયેંગલ છે. ફિલ્મની સ્ટોરી ખૂબ જ અલગ છે.
હિરોપંતીથી મુન્ના માઇકલ સુધીની સફરમાં એક એક્ટર તરીકે પોતાને કેટલા આગળ લાવી શક્યા છો.
તમે લાઇફમાં જે પણ કામ કરો, તે ડાન્સ હોય, એક્શન હોય કે એક્ટીંગ હોય, તેની પ્રેક્ટીશ કરવાથી તેમાં નવા નવા સુધારાઓ અને ફેરફાર જોવા મળે છે. સ્કીલ અને ક્રાફ્ટ જેવી બાબતોમાં એક પ્રકારની સ્થિરતા આવી જાય છે. સમજણશક્તિમાં વધારો થાય છે. તમે દરેક પ્રકારે તમારી જાતને આગળ વધતી જોઇ શકો છો. હું હિરોપંતી જોઉ, બાગી જોઉ કે ફ્લાઇંગ જટ જોઉ તો મને ખૂબ શરમ આવે છે. કદાચ આગળ જતા જ્યારે હું મારી અન્ય ફિલ્મો તરફ આગળ વધીશ તો મને મુન્ના માઇકલ જોતી વખતે પણ શરમ આવશે. એક એક્ટર તરીકે તમારે હંમેશા આગળ વધતા રહેવું જોઇએ અને શીખતા રહેવું જોઇએ.
દરેક ફિલ્મ કંઇક શીખવાડે છે. ટાઇગર માટે એવું ક્યારેય બન્યું છે.
આ ફિલ્મમાં મને નવાઝ સર પાસેથી ઘણુ શીખવા મળ્યું છે.
ફિલ્મ રીલીઝ વખતે ક્યારેય સ્ટારકીડ્સનું પ્રેશર ફિલ થાય છે.
હાલમાં તો નહીં. પહેલી ફિલ્મ વખતે સૌથી વધારે પ્રેશર રહ્યું હતું. જોકે હવે મેં સાબિત કરી દીધુ છે કે હું ખૂબ અલગ છું અને હું મારી પોતાની મહેનતથી આગળ આવી રહ્યો છું. હું ક્યારેય મારા પિતા પાસે કોઇ ફેવર માગતો નથી અને તે પણ મારા કામને લઇને ક્યારેય દખલગીરી કરતા નથી. મારી કરિયરની બાબતમાં હું પોતે ઇન્ડિપેન્ડન્ટ છું. તે ખૂબ મોટા સ્ટાર છે, તો શરૂઆતમાં થોડો ડર રહેતો હતો કે હું તેમના પડછાયામાંથી કેવી રીતે નીકળી શકીશ. મારી પોતાની ઓળખ કેવી રીતે બનાવી શકીશ.
તમારા પિતાની કઇ ફિલ્મ તમને પસંદ છે.
મને તેમની ફિલ્મ પરિન્દા ખૂબ પસંદ છે.
ફિલ્મ ક્રિટીક્સને કેટલા સિરિયસલી લો છો.
કેટલાક ક્રિટીક્સ છે જે હું ગંભીર રીતે લઉં છું. જ્યારે કેટલાક છે જે ફક્ત બોલવા માટે જ હોય છે. એક એક્ટર તરીકે મને ખબર છે કે મારામાં શું આવડત છે. મારી નબળાઇઓ શું છે.
તમે આ ફિલ્મને શું આપ્યું અને આ ફિલ્મ પાસેથી તમે શું મેળવ્યું.
આ ફિલ્મ માટે મેં મારો જીવ રેડી દીધો છે અને શું મેળવ્યું છે, તે તો બોક્સ ઓફિસ કલેક્શન જ નક્કી કરશે.
એક્ટીંગ, ડાન્સિંગ અને એક્શન ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન હોવા છતાંય શું શીખવા જેવું લાગે છે.
હું માનું છું કે દરેક બાબતને લઇને મારે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે. શીખવાનું ક્યારેય અટકવું ન જોઇએ. જ્યારે તમે પોતાનાથી સંતોશ મેળવી લેશો તે જ સમયથી તમારો ડાઉનફોલ શરૂ થઇ જશે.
બોલિવૂડમાં ક્યા હિરોને પસંદ કરો છો.
હું ઋતિક સરને ખૂબ માનું છું કારણકે તે એક એક્ટર તરીકે કમ્પલીટ પેકેજ છે. મે પણ તેમની જેમ જ તૈયારીઓ કરી છે. તે જે કરી રહ્યા છે તેવું મારે પણ કરવું છે.
ટાઇગરની અત્યાર સુધી કોઇ હિરો સાથે કમ્પેરીઝન થઇ નથી તેનું શુ કારણ.
હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવવાનો હતો તે સમયે બીજા ઘણા હિરો પણ લોન્ચ થઇ રહ્યા હતા. ઘણા બધા હિરો છે. તો મારામાં એવી કઇ બાબત છે જે દર્શકોને અલગ લાગે તે ધ્યાન રાખવાનું હતું. દર્શકો મને શા માટે સ્વીકારે તે જોવાનું હતું. હું મારી જાતને ભીડમાં બીજા કરતા અલગ કઇ રીતે સાબિત કરું. આવી બાબતોને ધ્યાનમાં લઇને મેં નક્કી કર્યું હતું કે મને કોઇ એવી સ્ક્રીપ્ટ કે પાત્ર મળશે જેમાં હું મારા ટેલેન્ટ્સને દેખાડી શકું તો હું કદાચ મારી જાતને સાબિત કરી શકીશ.
આવનારી ફિલ્મ કઇ છે.
હવે હું બાગી 2નું શૂટીંગ શરૂ કરીશ. ત્યાર પછી રેમ્બો આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે અને ત્રીજી ફિલ્મ અધુરા છે.
મેધા પંડ્યા ભટ્ટ