મૂળ ગુજરાતના અને કચ્છ પાસેના એક ગામના વતની વિપુલ શાહનું નામ બોલિવૂડમાં આજે પ્રસિદ્ધ ડીરેક્ટર, પ્રોડ્યુસર તરીકે જાણીતું છે. અત્યાર સુધીમાં અનેક ફિલ્મોનું ડીરેક્શન કરી ચૂકેલા વિપુલ શાહે પોતાની કરિયરની શરૂઆત સોની એન્ટટેઇનમેન્ટ પર આવતી સિરિયલ એક મહલ હો સપનો કા થી ડીરેક્ટર તરીકે કરી હતી. ટેલિવૂડમાં સૌથી લોકપ્રિય ફેમીલી ડ્રામા તરીકે 1000 એપિસોડ પૂરા કરીને તે ખૂબ પ્રસિદ્ધ થઇ હતી. સિરિયલથી લઇને ફિલ્મ સુધીની તેમની સફર અંગે તેમની પાસેથી જ જાણીએ. હાલમાં બોલિવૂડમાં એક્શન ફિલ્મો બનાવનાર ડીરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે તેમનું નામ જાણીતું છે. બોલિવૂડના જાણીતા એક્શન હિરો અક્ષય કુમાર, જ્હોન અબ્રાહમ અને વિદ્યુત જામવાલ સાથે તેમણે ફિલ્મો કરી છે અને હવે તેમની ખૂબ જ લોકપ્રિય રહેલી ફિલ્મ કમાન્ડોની સિક્વલ કમાન્ડો 2 લઇને તે આવી રહ્યા છે. વિપુલ શાહ સાથે થયેલી રૂબરૂ વાતચિત.

— ફોર્સ અને કમાન્ડો બાદ ફરીથી એક્શન ફિલ્મ કમાન્ડો 2 પ્રોડ્યુસ કરી રહ્યા છો. શું અલગ જોવા મળશે.

ફોર્સ પણ ઘણી સારી ફિલ્મ હતી અને કમાન્ડો વિશે કહું તો એને જોયા પછી તમે અન્ય એક્શન મુવીઝને તો ભૂલી જ ગયા હશો. કમાન્ડો ફિલ્મ બનાવી ત્યારે અમારે દેખાડવું હતું કે વિદ્યુત જામવાલ ઇન્ટરનેશનલ કેલીબરની એક્શન કરે છે. તેના જેવી એક્શન ઇન્ડિયામાં કોઇ કરતું નથી. તેના માટે સિમ્પલ વાર્તા પસંદ કરી હતી. હવે કમાન્ડો 2માં એમે બે નવી બાબતો ઉમેરી છે. જેમાં એક્શનને અમે ટાઇમલેસ હોય તેવા સ્તરે લઇ જવાનો પ્રયત્ન કર્યો છે. હિન્દી ફિલ્મોમાં પાંચ વર્ષ પહેલાની વાત કરું તો તેમાં પંદર માણસો ઉડતા હોય, ગાડીઓ ઉડતી હોય તો થોડું હાસ્યાસ્પદ લાગે, પણ દસ પંદર વર્ષ જૂની જેકી ચેનની ફિલ્મ જોઇએ તો લાગે કે આ એક્શન તો મોડર્ન છે. તો આવી જ એક ટાઇમલેસ ક્વોલીટીની ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની અને કમાન્ડો વન કરતા એક ઉચ્ચ દર્જાની ફિલ્મ બનાવીયે અને બીજી તરફ એવી વાર્તા લઇએ કે જે પોતાનામાં જ ખૂબ મજબૂત હોય. તેથી દેશના મહત્વના મુદ્દા બ્લેક મનીને આ ફિલ્મની વાર્તામાં સાંકળી લીધો છે. બ્લેક મની જે વિદેશોમાં ધરબાયેલું પડ્યું છે, તેને પાછા લઇ આવવાનું મિશન બનાવીને ફિલ્મ બનાવી છે. જેમાં અદા શર્મા, વિદ્યુત જામવાલ, ફ્રેડી દારૂવાલા, ઇશા આ ચાર જણા કઇ રીતે મળીને આ આખુ ષડયંત્ર પાર પાડે છે, તેને તોડે છે, તો આ વાર્તા પોતાનામાં જ સામાન્ય વાર્તા કરતા એકદમ અલગ છે. ઇન્ટેલીજન્સી, મિસ્ટ્રી, ટ્વીસ્ટ અને ટર્ન્સ, રોમેન્સ, લવ ટ્રેન્ગલ જેવા અનેક વિવિધ પાસાઓ જોવા મળશે.

— એક્શન ફિલ્મ માટે રીસર્ચ કરવું પડતું હશે.

એક્શન ફિલ્મમાં રીસર્ચ કરવું જ પડતું હોય છે કારણકે એક્શન સૌથી મુશ્કેલ પાસું રહેતું હોય છે. વધારે મુશ્કેલ એટલા માટે કે તમે જે છેલ્લી ફિલ્મ કરી ફક્ત તેની નહીં પણ દુનિયાની દરેક ફિલ્મોમાં એક્શન થતી હોય તે બધાનું ધ્યાન રાખીને તમારે કઇક નવું કરવું પડતું હોય છે. જો તમારી એક્શન ફિલ્મમાં દર્શકોને જરાપણ એવું લાગે કે આ તો ક્યાંક જોયેલું છે, તો લોકો એક સેકંડમાં એ ફિલ્મને છોડી દે છે. એક્શનમાં દર વખતે કઇક નવું લાવવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. આ ફિલ્મમાં પણ અમે અનેક નવી એક્શન સાથે આવ્યા છીએ.

— આ ફિલ્મમાં એક્શન સીન વધારે છે, તો શૂટ કરવા કેટલું મુંશ્કેલ અને ચેલેન્જીંગ રહ્યું.

તમે જો કોઇપણ ફિલ્મની એક્શન જોશો તો એક એક્શન સીનની લેન્થ 3થી 4 મિનિટ હોય છે. જેમાં ફિલ્મમાં ચાર થી પાંચ સીકવન્સ ફિલ્માં હોય છે. ચાર મિનિટના દરેક સીનમાં ફક્ત બે જ સ્ટંટ એવા હોય છે જે વાહ કહી શકાય. બાકીના રેગ્યુલર હોય છે. વિદ્યુતની સાથે દેવેને, ફ્રાન્સે અમે બધાયે મળીને જે ક્રિએટ કર્યું તે 80થી 90 વિઝ્યુઅલી સ્પેક્ટેક્યુલર ગેગ્સ ક્રિએટ કર્યા, તેમાના કેટલાક ટ્રેલરમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં ચાર એક્શન સીન છે જે ચાર ચાર મિનિટના છે અને દરેકમાં 15થી 20 વિઝ્યઅલ ગેગ્સ છે. જે વિદ્યુતની કાબેલિયત સાબિત કરે છે. તેથી તેમાં અમને કોઇ મુશ્કેલી પડી નહીં. તે ઉપરાંત અમારી પાસે એકસ્ટ્રા ગેગ્સ પણ હતા. જે હવે અમે આવનારી કોઇ ફિલ્મમાં તેનો ઉપયોગ કરીશું.

— વિદ્યુત જામવાલ ફોર્સ ફિલ્મમાં પણ હતો અને હવે તેને લીડ રોલમાં લેવાયો છે.

— વિદ્યુત કઇ રીતે બેસ્ટ છે.

વિદ્યુતનું કામ મેં ફોર્સમાં જોયું હતું અને તે ખૂબ મહેનતું યુવક છે. વળી, કમાન્ડો ફિલ્મ માટે મને તે પરફેક્ટ એટલા માટે લાગ્યો કે તે માર્શલ આર્ટની તાલીમ મેળવી ચૂક્યો હતો. ફિલ્મના ઘણા મુશ્કેલ સ્ટંટ તેણે ખૂબ જ સરળતાથી કરી બતાવ્યા હતા. તે 15 વર્ષથી માર્શલ આર્ટ કરે છે અને તેમાં નિપૂણ છે. આ ફિલ્મ ભરપૂર એક્સન કરતો જોવા મળશે. કમાન્ડોની જેમ જ આ ફિલ્મમાં જેટલા પણ સ્ટંટ દ્રશ્યો છે, તે વિદ્યુતે પોતે ભજવ્યા છે. તેણે કોઇપણ સીન માટે કોઇપણ સ્ટંટ મેનની મદદ લીધી નથી. નવાઇની વાત તો એ છે કે તેણે કોઇ મશીન કે કેબલનો પણ ઉપયોગ કર્યો નથી. તે ઉપરાંત તેણે કમાન્ડો માટે 40 દિવસનો વર્કશોપ અને કમાન્ડો 2 માટે સાત મહિનાનું રીહર્સ પણ કર્યું. જેથી ફિલ્મના મુશ્કેલ સ્ટંટ તે સરળતાથી કરી શકે. બીજી વાત એ કહીશ કે લોકો વિદ્યુતના સ્ટંટને જોવા માટે આવવાના છે, લોકોને તેના પર વિશ્વાસ છે, અને ત્યા જો દર્શકોને છેતરવાનો પ્રયત્ન કરીયે અને બોડી ડબલ્સ પાસે સ્ટંટ કરાવી લઇએ તો લોકોને છેતરવા જેવું થશે. વિદ્યુતના ટેલેન્ટને લોકો જોવા આવે છે, તો અને ડુપ્લીકેટ ક્યારેય યુઝ ન કરી શકીયે. વધારે ખતરનાક હોય તેવો સ્ટંટ ન કરીએ પણ એવા જ સ્ટંટ દેખાડીયે જે વિદ્યુતે પોતે કર્યા હોય. વિદ્યુતની પોતાની પણ જીદ છે કે તે બધા સ્ટંટ જાતે જ કરશે. તેવામાં શૂટીંગમાં પણ ખૂબ મજા આવે છે.

— શું આ એક્શન ફિલ્મ માટે કોઇ ખાસ ટ્રેનરને બોલાવવામાં આવ્યા હતા.

હા, તેના માટે અમે ખાસ બહારથી ટ્રેનર બોલાવ્યા હતા. કમાન્ડો વખતે પણ અને આ ફિલ્મ માટે દેવેન, વિદ્યુત અને સાથે જ હોલિવૂડના એક્શન ડિરેક્ટર ફ્રાન્સ પિલાઉઝ અમે લોકોએ ખૂબ મહેનત કરી છે. વિદ્યુતે સાત મહિના રીહર્સલ કરીને અલગ અલગ સ્ટંટ તેણે બનાવ્યા છે. જે તમે ટ્રેલરમાં જોઇ શકો છો. અમે ખૂબ ચર્ચા કરીને એક્શન પણ બનાવી છે. આ ફિલ્મના એક્શન દ્રશ્યો અત્યાર સુધીની એક્શન ફિલ્મો કરતા અલગ હશે. આપણે ત્યાં એક માન્યતા છે કે એક્શન ફિલ્મ એટલે ફક્ત મારધાડવાળી ફિલ્મ હશે. તેથી તેને વધારે મહત્વ આપાતું નથી. જ્યારે સૌથી મુશ્કેલ આ જ ફિલ્મો હોય છે. લોકો તે કામને સમજતા થશે, ત્યારે તેને મહત્વ આપતા થશે. અમારો એવો પ્રયત્ન છે અને અમે તે સ્તર સુધી જવાનો પ્રયત્ન કર્યો છે કે લોકો ફિલ્મ જોઇને કહે કે આ પ્રકારની એક્શન અત્યાર સુધી ક્યાંય જોઇ નથી.

— દરિયા છોરું પછી ફરી કોઇ ગુજરાતી ફિલ્મ બનાવવાની ઇચ્છા ખરી. શું ગુજરાતીમાં એક્શન ફિલ્મ બનાવી શકાય.

હા, તે મારી પહેલી ફિલ્મ હતી પણ તે સમયે થિયેટરોની દશા ખૂબ જ ખરાબ હતી. તે સમયે નિરાશા મળી હતી. મહેનત કરીને ફિલ્મ બનાવો અને ફિલ્મ જોવા માટે યોગ્ય થિયેટર ન હોય, સેટેલાઇટ ચેનલ ન હોય, તો ફિલ્મ બનાવવાનો કોઇ અર્થ નથી રહેતો. હું ગુજરાતી ફિલ્મો પૈસા માટે ક્યારેય નહીં બનાવું. હું પ્રેમ માટે બનાવીશ. તે મારા માટે કમાણીનું સાધન નહીં હોય કારણકે તે મારી માતૃભાષામાં હશે. હું જે ફિલ્મને દિલોજાનથી બનાવું અને દરેક ગુજરાતી તેને જોશે, તેવું વાતાવરણ ઊભુ થશે ત્યારે હું ચોક્કસ ગુજરાતી ફિલ્મ બનાવીશ. જો હું ગુજરાતનો નાથ બનાવું તો તે એક્શન ફિલ્મ જ બની શકે. ગુજરાતમાં ખૂબ સાહિત્ય રહેલું છે અને તેના પર ફિલ્મો બનાવવાની ઇચ્છા પણ છે. તેને લોકો જોઇ શકે તેટલું પ્લેટફોર્મ તૈયાર થવું જોઇએ. હાલમાં જે કામ થઇ રહ્યું છે, તેને જોઇને લાગે છે ખૂહ જલ્દી એ સમય આવી જશે.

મેધા પંડ્યા ભટ્ટ

 

 

 

 

 

Loading

Spread the love

Leave a Comment