જો તમે ફેશની દુનિયામાં કઇ નવો પ્રયત્ન કરવા ઇચ્છતા હો તો હાલમાં જ બો લુક ડ્રેસીસની ફેશને ખૂબ લોકપ્રિયતા મેળવી છે. જો તમે તમારા સિંગલ ડ્રેસને સ્ટાઇલીશ કે એટ્રેક્ટિવ લુક આપવા ઇચ્છો છો, તો બો નો ઉપયોગ અલગ અલગ રીતે કરી કરી શકો છો. તમે બોને તમારા ડ્રેસીસમાં ટીમ અપ કરીને ઓફિસ, પાર્ટી કે કેઝ્યુઅલ લુક માટે શાનદાર બનાવી શકો છો.
હાલમાં ઘણી યુવતીઓ પોતાના ડ્રેસને સ્ટાઇલિશ દેખાડવા માટે બો ને તેમાં ડિઝાઇન તરીકે ઉપયોગમાં લઇ રહી છે. દિપીકા પદુકોણે કાન્સ ફેસ્ટિવલમાં જે ડ્રેસીંગ કર્યું હતું તેમાં બો લુકની ફેશનને વધારે હાઇલાઇટ કરવામાં આવી હતી અને તે પછી આ ફેશન ફરીથી યુવતીઓમાં લોકપ્રિય બની ગઇ છે. દિપીકાએ પોતાના ત્રણ ડ્રેસીસમાં આ ફેશનનો ઉપયોગ કર્યો હતો. તેણે પોતાના ત્રણેય ડ્રેસીસમાં અલગ અલગ સાઇઝના બો નો પ્રયોગ કર્યો હતો. જેમાં પહેલી ડ્રેસમાં તેણે સફેદ કલરના લોન્ગ ગાઉન સાથે બ્રાઉન કલરની બોનો ઉપયોગ કર્યો હતો. બીજા લાઇટ ગ્રીન કલરના ડ્રેસની સાથે ક્રીમ કલરની નાની બો રાખી હતી. જ્યારે ત્રીજા ડ્રેસમાં ફ્લાવર પ્રિન્ટ ડ્રેસની સાથે મોટી સાઇઝની બો ગળાના ભાગ પર જોવા મળી હતી. જે આજકાલ યુવતીઓ પણ વધારે પસંદ કરી રહી છે. બો ના કારણે દિપીકાનો લુક કમ્પલીટ લાગી રહ્યો હતો. તમે પણ આવી જ રીતે પાર્ટી કે ફંક્શનમાં બો ની ડિઝાઇન દ્વારા તમારા લુકને અલગ દેખાડી શકો છો.
કેઝ્યુઅલ લુક
કેઝ્યુઅલ લુકમાં જો તમે મેક્સી ડ્રેસ પહેરી રહ્યા છો, તો કોન્ટ્રાસ્ટ કલરમાં રિબનની મદદથી બો લુક ક્રિએટ કરી શકો છો. બો લુક ફક્ત ડ્રેસના આગળના ભાગમાં કે ગળાના ભાગમાં જ ડિઝાઇન કરી શકાય તેવું જરાપણ નથી. જો તમે ડ્રેસ સૂટ પહેરી રહ્યા છો, તો તેના આગળના ભાગમાં બો લુક કરી શકાય નહીં, તેના બદલે તે ડ્રેસના સ્લીવના નીચેના ભાગ તરફ તમે બો બનાવી શકો છો. આ જ રીતે લોન્ગ ટોપમાં પણ સ્લીવ્સમાં પણ બો ટક કરી શકાય છે. બરમૂડા ડ્રેસમાં પણ બો ને ટીમઅપ કરી શકો છો.
પાર્ટી લુક
જો તમે કોઇ પાર્ટીમાં જઇ રહ્યા હો તો બો લુકમાં એકદમ અલગ નજર આવી શકો છો. તેના માટે તમે વન પીસ ડ્રેસની સાથે કોન્ટ્રાસ્ટ કલરની મોટી બો લગાવી શકો છો. તે નકપીસની જેમ કામ કરશે. જો કે તેની સાથે તમે તમારા ફુટવેર, મેકઅપ અને હેરસ્ટાઇલ પર પણ પૂરતું ધ્યાન આપો. આ લુકમાં હાઇ હિલ્સ અને હાઇ બન વધારે આકર્ષક લાગે છે. તે સિવાય તમે રફલ્સ લુક ડ્રેસમાં પણ બો ને ટીમઅપ કરી શકો છો. તે લુકમાં તમે રફલ્સ નેકપીસ વાળી વનપીસ ડ્રેસની સાથે કમર પર બેલ્ટ પહેરવાના બદલે બો પહેરી શકો છો. તે એક ડિફરન્ટ સ્ટાઇલ છે. જે તમને ગ્લેમરસ લુક પ્રદાન કરશે.
ઓફિસ લુક
જો તમે ઓફસમાં બો લુક કેરી કરવા ઇચ્છો છો, તો શર્ટની સાથે તે જ કલરનું મેચિંગ લુઝ બો પહેરી શકો છો. જોકે હવે તો માર્કેટમાં એવી ઘણીબધી શર્ટ્સ પણ મળી રહે છે, જેમાં પહેલેથી જ બો જોડાયેલી હોય છે. તમે ઇચ્છો તો તમારા માટે બો શર્ટ્સ સિલેક્ટ કરી શકો છો. તેની સાથે તમે પેન્ટને ટીમઅપ કરી શકો છો. જોકે જરૂરી નથી કે બો લુક તમે અપર વિઅરમાં જ લગાવી શકો છો. જો તમે ટોપ અને સ્કર્ટ પહેરી રહ્યા છો, તો તમે તમારી સ્કર્ટની સાથે બેલ્ટના બદલે બો યૂઝ કરી શકો છો. આ લુક એલિગન્ટ રહેશે.