બાલ્કનીમાં લીલાછમ ફૂલછોડ, નાનુ ગાર્ડન ખૂબ સુંદર લાગે છે. ઘણા લોકોને લાગે છે કે આના માટે બજેટ હોવું જરૂરી છે. જ્યારે ઓછા બજેટમાં પણ ગાર્ડનિંગ કરી શકાય છે. મોટાભાગની મહિલાઓને ગાર્ડનિંગ કરવાનો શોખ હોય છે. તેથી જ તેઓ પોતાની પાસે રહેલી થોડી સ્પેસમાં પણ ગાર્ડનિંગ કરવાનું પસંદ કરે છે. તેનાથી ઘરનો લૂક સંપૂર્ણ રીતે બદલાઇ જાય છે અને સાથે જ ફૂલછોડના કારણે સ્વચ્છ હવા અને અનેક પ્રકારના હર્બ્સનો પણ ઉપયોગ કરવા મળે છે. ઘણીવાર ગાર્ડનિંગ કરવું ખર્ચાળ પણ બની જતું હોય છે. સમયાંતરે ફૂલછોડનું ધ્યાન રાખવું, નવા છોડ રોપવા માટે ઘણો ખર્ચો થતો હોય છે. જેના કારણે ઘણી મહિલાઓ પોતાના ગાર્ડનિંગના શોખને લાંબા સમય સુધી જાળવી શકતી નથી. પરંતુ તમે ઓછા બજેટમાં પણ તમારા ગાર્ડનિંગના શોખને જાળવી શકો છો. જેના માટે કેટલીક ગાર્ડનિંગ ટીપ્સ પર ધ્યાન આપવું જરૂરી છે.
રીસર્ચ જરૂરી
જો તમે સાચા અર્થમાં ઓછા બજેટમાં બાગકામ કરવા ઇચ્છતા હો તો તેના માટે તમારે થોડું રીસર્ચ કરવું પડશે. તમે ઇન્ટરનેટ પર એવા ફૂલછોડ વિશે માહિતી ભેગી કરો જેને નાના કૂંડામાં રોપી શકાય છે. સાથે જ જેને સાચવવામાં વધારે મહેનત અને ખર્ચો ન કરવો પડે તે પણ શોધો. આ રીતે યોગ્ય રીતે જાણકારી મેળવીને ગાર્ડનિંગ કરાથી તમને કોઇ પ્રકારની મુશ્કેલી પડશે નહીં.
બીજમાંથી છોડ ઊગાડો
કેટલીક મહિલાઓ ફૂલછોડવાળાને બોલાવીને તેમની મદદથી પ્લાન્ટરમાં ફૂલછોડ રોપાવે છે. આ રીતે ફુલછોડ રોપાવાનો ખર્ચ લગભગ 100 થી 200 રૂપિયા જેટલો આ છે. જો તમને ગાર્ડનિંગ પસંદ હોય તો તમે આ ખર્ચો પણ બચાવી શકો છો. તેના માટે તમે પહેલાથી રોપેલા છોડના બદલે બીજ રોપો. તેનાથી ફૂલછોડ ઊગવામાં ભલે થોડો સમય લાગે પરંતુ તે તમને ઘણુ સસ્તુ પડશે. બીજ તમને ખૂબ સસ્તા અને મફતના ભાવે મળી શકે છે.
જૂની વસ્તુઓનો ઉપયોગ
ગાર્ડનિંગ કરવા માટે તમારે બજારમાંથી કૂંડા લાવવાની પણ જરૂર નથી. તમે ઘરમાં રહેલી જૂની પ્લાસ્ટિકની બોટલ, જૂના ટાયર, જૂના મગ વગેરે નકામા સામનનો ઉપયોગ પ્લાન્ટર તરીકે કરી શકો છો. તેમાં બીજ રોપીને છોડ રોપો. આ રીતે કૂંડા માટે કરવો પડતો ખર્ચો પણ બચી જશે. સાથે જ તમે એક નહીં અનેક છોડ ઓછી સ્પેસમાં રોપી શકો છો. જો તમને લાગે કે તે દેખાવમાં સારું નહીં લાગે તો તેનો ઉપયોગ કરવા પહેલા તે પ્લાન્ટરને પેઇન્ટ કરી શકો છો. તેના પર ક્રિએટીવ આર્ટ બનાવી શકો છો.
કુદરતી ખાતર
છોડના સારા ગ્રોથ માટે જરૂરી છે કે પાણીની સાથે સાથે તેમાં ખાતર પણ ઊમેરવું જોઇએ. બજારમાં મળનારું ખાતર ઘણું મોંધુ હોય છે. કોઇપણ તેટલો ખર્ચો કરવા ઇચ્છતું નથી. તો તમે કુદરતી ખાતરનો ઉપયોગ કરી શકો છો. તમે ઉપયોગમાં લીધેલ ચ્હાના કૂચા અને એગશેલને છોડ માટેનું ઉત્તમ ખાતર ગણવામાં આવે છે. તમે બજારમાંથી ખાતર ખરીદવાના બદલે તેને છોડમાં નાખી શકો છો.