તમારી હાઇટ ઓછી હોય તો તેના લીધે સંકોચ અનુભવવાની જરૂર નથી. તમારી ડ્રેસિંગ સ્ટાઇલમાં થોડો ફેરફાર કરીને તમે પણ તમારી હાઇટને પ્રમાણસર અથવા થોડી ઊંચી દર્શાવી શકો છો. જાણીએ એવી કેટલીક યુનિક અને ઉપયોગી ડ્રેસઅપ ટિપ્સ અંગે, જેનાથી તમારી હાઇટ પ્રમાણસર લાગે અને તમે ફેશનેબલ પણ દેખાઇ શકો.

ફેશન કરવાનું કોને ન ગમે? ફેશનેબલ દેખાવાનું કોને ન ગમે? કોઇ પણ યુવતી હોય લેટેસ્ટ ફેશનને અપનાવી દુનિયાની નજરમાં અને ગ્રૂપમાં સેન્ટર ઓફ અટ્રેક્શન બનવાનું દરેકને ગમે છે. તમે જોજો, કોઇ પણ યુવતી હોય – એના વોર્ડરોબમાં લેટેસ્ટ ફેશનના બે-ત્રણ ડ્રેસીસ તો હોવાનાં જ અને તે પણ એને તો ઓછા જ લાગવાનાં. આવી ફેશનક્રેઝી યુવતીઓમાં કેટલીક યુવતીઓને ફેશન અપનાવવાની અથવા ફેશનેબલ દેખાવાની ઇચ્છા હોવા છતાં તે એમ કરી શકતી નથી. કારણ? તેમની હાઇટ! હા, ઘણી યુવતીઓની હાઇટ ઓછી હોય છે. સામાન્ય રીતે યુવતીઓની હાઇટ પાંચ ફૂટ બે ઇંચ જોવા મળે છે, કદાચ કેટલીક યુવતીઓની હાઇટ આનાથી વધારે હોય પણ ઓછી હાઇટ  હોય ત્યારે ફેશન કેવી રીતે કરવી? કઇ રીતે ફેશનેબલ દેખાવું? આ સમસ્યા ઓછી હાઇટ ધરાવતી યુવતીઓને સતત પરેશાન કરતી હોય છે. એમની આ પરેશાની સ્વાભાવિક પણ છે કેમ કે ઓછી હાઇટ હોય ત્યારે અમુક ડ્રેસીસ તેમને શોભતાં નથી અને પરિણામે તેઓ ફેશનેબલ દેખાવાને બદલે હાસ્યાસ્પદ લાગે છે.

ઓછી હાઇટ ધરાવતી યુવતીઓ ઇચ્છતી હોય છે કે તેમની હાઇટ પણ અન્ય યુવતીઓની જેમ પ્રમાણસર હોય તો તેઓ દરેક ફેશનને અપનાવી શકે. પરંતું જ્યારે આવું બનતું નથી, ત્યારે તેમની સામે માત્ર બે ઓપ્શન રહે છે. કેટલીક યુવતીઓ સમસ્યા સાથે સમાધાન કરી લે છે, જ્યારે કેટલીક યુવતીઓ લઘુતાગ્રંથિનો ભોગ પણ બની જાય છે અને વિચારે છે કે પોતે ગમે તેટલા આકર્ષક ડ્રેસ પહેરશે તો પણ તેમને સારા નહીં લાગે. ના, એવું નથી. ઓછી હાઇટ હોય તો લઘુતાગ્રંથિ અનુભવવાની જરૂર નથી. તમારી હાઇટ ઓછી હોય તો એ મુજબ ડ્રેસિંગ સ્ટાઇલ કે ફેશનને અપનાવવામાં આવે તો તમારી પર્સનાલિટીમાં ઘણો ફરક પડે છે. તમારા ડ્રેસઅપમાં થોડો ફેરફાર કરીને તમે તમારા લુકને એકદમ અનોખો અને પરફેક્ટ બનાવી ફેશનેબલ લાગી શકો છો. આજે આપણે જોઇશુ કે હાઇટ ઓછી હોય તો કેવા પ્રકારના ડ્રેસીસ અને ફેશન અપનાવીને તમે આકર્ષક દેખાઇ શકો.

વી-નેક ડ્રેસીસ

તમારી હાઇટ ઓછી હોય તો તમારે વી-નેકલાઇન ધરાવતી કુર્તી, ટોપ, ટી-શર્ટ પહેરવાં જોઇએ. વી-નેકલાઇનને લીધે ડોક લાંબી દેખાય છે. વી-નેકલાઇન ધરાવતાં ડ્રેસીસ અથવા જો તમે સાડી પહેરતાં હો તો તેના બ્લાઉઝની પણ વી-નેકલાઇન કરાવો. આવા ડ્રેસીસ તમે કોઇ પણ પ્રસંગે અને રૂટિનમાં તેમ જ કોલેજમાં પણ પહેરી શકો છો. આનાથી તમારી ગરદન લાંબી લાગવાથી તમારી હાઇટ વધારે હોવાનો આભાસ થશે અને તે તમને સારી પણ લાગશે. હા, એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે રાઉન્ડ નેક ધરાવતા ડ્રેસીસ બને ત્યાં સુધી ટાળવા. ક્યારેક કોઇ એકાદ ટોપ કે કુર્તી તમે રાઉન્ડ નેકવાળી પહેરો તો વાંધો નહીં, પણ મોટા ભાગે વી-નેકલાઇન ધરાવતા ડ્રેસીસ તમને વધારે શોભશે.

વર્ટિકલ સ્ટ્રિપ-મેક્સી

સામાન્ય રીતે વર્ટિકલ સ્ટ્રિપથી ઓછી હાઇટવાળી યુવતીઓની હાઇટ થોડી વધારે લાગે છે. એવામાં તેમના માટે વર્ટિકલ સ્ટ્રિપ ડ્રેસીસ સારો ઓપ્શન બની રહે છે. એનાથી તેમની હાઇટ થોડી વધારે તો લાગે જ છે, તે સાથે એક વાત યાદ રાખવાની જરૂર છે કે જ્યારે ઓછી હાઇટ હોય અને તમે વર્ટિકલ સ્ટ્રિપ ડ્રેસ અપનાવો ત્યારે કુર્તી-સલવારમાંથી કોઇ એકની જ સ્ટ્રિપ વર્ટિકલ હોવી જોઇએ. એટલે કે જો કુર્તી વર્ટિકલ સ્ટ્રિપ ધરાવતી હોય તો તેની સાથે સાદી સલવાર કે પાયજામો પહેરો.

લોંગ વનપીસ

આ ઉપરાંત, આજકાલ લોંગ વનપીસ પહેરવાની પણ ફેશન ખૂબ લોકપ્રિય બની છે. તમને પણ આવા લોંગ વનપીસ ગમતાં હોય અને તે પહેરવાં ઇચ્છતાં હો તો તમે સ્ટ્રેટ કટ ધરાવતા લોંગ વનપીસ પસંદ કરી શકો છો. અલબત્ત, આમાં બોટમ નેરો પેટર્ન ધરાવતી હોય તેનો ખ્યાલ રાખવો તમારા માટે જરૂરી છે કેમ કે તો જ તામરી હાઇટ પ્રમાણસર લાગશે.

હેમલાઇન સ્કર્ટ

ઓછી હાઇટ હોય એવી યુવતીઓને ગોઠણ અથવા તેનાથી સહેજ ઉપર હોય એવી હેમલાઇન ધરાવતા સ્કર્ટ પણ સારા લાગે છે. હા, આની સાથે એ ધ્યાન રાખવું કે તમારી હાઇટ ઓછી હોય તો હાઇ વેસ્ટ બોટમ ધરાવતા ડ્રેસીસ જેવા કે હાઇ સ્કર્ટ, પેન્ટ, સ્કિનટાઇટ જીન્સ, શોર્ટ્સ વગેરે ન પહેરવાં. એ તમને અટ્રેક્ટિવ દર્શાવવાને બદલે ઓકવર્ડ ફીલ કરાવશે. તમારે હાઇ વેસ્ટ પેન્ટ પહેરવું હોય તો તેની સાથે ટક્ડ ટોપ પહેરો. એનાથી તમારી હાઇટ થોડી વધારે લાગી શકે છે.

 

કલર સિલેક્શન

તમારા ડ્રેસીસના કલર્સની પસંદગી પણ તમારી હાઇટને વધારે કે ઓછી દર્શાવવામાં મહત્વનો ફાળો પ્રદાન કરે છે. તમારી હાઇટ ઓછી હોય તો તમારે સિંગલ કલરના જ એટલે કે મોનોક્રોમ ડ્રેસીસ પર પસંદગી ઉતારવી જોઇએ. જે કલરની કુર્તી હોય તે જ કલરના પાયજામા, ચૂડીદાર કે લેગિંગ્સ તમારી હાઇટ વધારે હોવાનો આભાસ ઊભો કરે છે. આ સાથે ડ્રેસમાં ડિઝાઇનનું પણ ખાસ ધ્યાન રાખવું. ઘણી યુવતીઓ તેમની હાઇટ ઓછી હોવા છતાં મોટી પ્રિન્ટવાળા ડ્રેસીસ પહેરવાનું પસંદ કરે છે. આવી ભૂલ ક્યારેય ન કરશો. એનાથી તમારી હાઇટ વધારે ઓછી લાગશે. બીજા શબ્દોમાં કહીએ તો, તમે વધારે ઠીંગણા લાગશો. તેના બદલે નાની પ્રિન્ટ ધરાવતા ડ્રેસીસ પહેરો. એનાથી તમારી હાઇટ પ્રમાણસર લાગશે અને તમે આકર્ષક દેખાઇ શકશો.

ફેશનેબલ દેખાવું એમાં કંઇ જ ખોટું નથી અને એ માટે તમારે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો તેમાં વાંધો નથી. તમારી હાઇટ ઓછી હોય તો ઉપર જણાવેલી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને અને તમારી ડ્રેસિંગ સેન્સનો ઉપયોગ કરીને તમે તમારી હાઇટ થોડી વધારે અથવા પ્રમાણસર દર્શાવી શકો છો. તમારી હાઇટ ઓછી છે અને તમે ફેશનેબલ ડ્રેસીસ કેરી નથી કરી શકતાં એવી લઘુતાગ્રંથિને મનમાં ઘર ન કરવા દો. તમે પણ અન્ય યુવતીઓની જેમ જ ફેશનેબલ અને અટ્રેક્ટિવ કદાચ તેમનાથી પણ વધારે ફેશનેબલ લાગી શકો છો. જરૂર છે માત્ર તમારી કલ્પનાશક્તિનો થોડો ક્રિએટિવ ઉપયોગ કરવાની અને લેટેસ્ટ ટ્રેન્ડને તમે કેવી રીતે અપનાવી શકો છો એનો વિચાર કરવાની. તમારી હાઇટ ઓછી હોવા છતાં પણ તમે તમારી ડ્રેસિંગ સ્ટાઇલ, કલર કોમ્બિનેશન અને પેટર્ન દ્વારા અન્ય યુવતીઓ કરતાં પણ વધારે ફેશનેબલ અને ટ્રેન્ડી લાગી શકો છો. સો ડોન્ટ વરી એન્ડ કેરી યોર ઓન સ્ટાઇલ ટુ શો યોર હાઇટ!

Loading

Spread the love

Leave a Comment