બેંગલુરુની નિધિ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તે ફિલ્મ મુન્ના માઇકલમાં ટાઇગર શ્રોફની સામે લીડ રોલમાં જોવા મળવાની છે. 24 વર્ષની નિધીને પહેલેથી જ એક્ટીંગમાં રસ હતો. તે કથક અને બેલે ડાન્સ પણ શીખી છે. પહેલી ફિલ્મ અને તેમાં પણ જાણીતા એક્ટર સાથે ડેબ્યૂ કરવાની તક ઘણા ઓછા લોકોને મળતી હોય છે. બોલિવૂડમાં એન્ટ્રી અને ફિલ્મની જર્ની વિશેની નિધિ સાથે થયેલી રૂબરૂ વાતચિત.
બોલિવૂડમાં એન્ટ્રી કઇ રીતે થઇ?
મને પહેલેથી જ એક્ટ્રેસ બનવાની ઇચ્છા હતી. હું એક નોર્મલ યુવતી છું અને નોર્મલ ફેમીલીમાંથી આવું છુ તો કઇ રીતે બોલિવૂડમાં એન્ટ્રી કરવી તેની જાણકારી હોતી નથી. નાનપણથી સપનાઓ હંમેશા મોટા રહ્યા છે. પડોશીઓ પણ કહેતા કે તારો બોલિવૂડ ફેસ છે, એટલે તારે મોડલિંગ કરવું જોઇએ. મને પણ લાગતું પણ કઇ રીતે તેની જાણકારી નહોતી. ધીમે ધીમે મોડલિંગ શરૂ કરી. તે પછી કેટલીક કન્નડા ફિલ્મની ઓફર્સ પણ મને મળી. તેના કારણે મારો કોન્ફિડન્સ વધ્યો કે હું એક્ટીંગ કરી શકીશ. પછી હું બોમ્બે આવી ગઇ અને કેટલીક જગ્યાએ ઓડિશન પણ આપ્યા. આ ફિલ્મ માટે પણ ઓડિશન આપ્યું હતું. તેમાં હું સિલેક્ટ થઇ અને હવે બોલિવૂડમાં મારું ડેબ્યૂ થઇ રહ્યું છે.
ડાન્સ પણ શીખી છો. તો ફિલ્મમાં કેટલો ઉપયોગી થયો?
હું બેલેમાં ટ્રેન્ડ ડાન્સર છું. મેં સાત વર્ષ સુધી બેલે શીખ્યું છે અને કથક લગભગ છ મહિના શીખી છું. આ ફિલ્મ માટે હું જે શીખી છું તે ડાન્સ ખૂબ જ ઉપયોગી બન્યા છે. તમે કોઇપણ ડાન્સ ફોર્મમાં જો ટ્રેઇન્ડ હો તો બીજો કોઇપણ ડાન્સ ફોર્મ કરવામાં ઘણી સરળતા રહેતી હોય છે. તમે ઝડપથી શીખી શકો છો અને બોડીમાં એક પ્રકારની ગ્રેસ આવી જતી હોય છે. ડાન્સરની બોડી લેગ્વેજ અલગ હોય છે, તો ખૂબ જ હેલ્પફૂલ બની રહે છે.
ટાઇગર સાથે ડાન્સ કરવાનું કેવું રહ્યું?.
ટાઇગરનો ડાન્સ તો અલગ પ્રકારના લેવલનો જ છે. અમારી બંનેની ડાન્સિંગ સ્ટાઇલ ખૂબ જ અલગ છે. જોકે આ ફિલ્મ માટે તેની જ જરૂર હતી.
કોઇ ખાસ ટ્રેનિંગ લેવી પડી હતી?
અમારે રીહર્સલ ખૂબ થઇ હતી. ફિલ્મના બધા જ ગીતો ગણેશ આચાર્યએ કોરીયોગ્રાફ કર્યા છે. જેના કારણે મારે વધારે રીહર્સલ કરવી પડી, થોડી એક્સટ્રા કરી, કારણકે મારા મનમાં એક જ વાત હતી કે મારે ટાઇગર સાથે ડાન્સ કરવાનો છે. આ ફિલ્મ જ્યારે મેં સાઇન કરી ત્યારે મેં ટાઇગરના ડાન્સ ટીચરને પણ જોઇન કર્યા હતા. જેનાથી તેની ડાન્સ સ્ટાઇલ સાથેનો થોડો પરિચય મને થઇ જાય.
ટાઇગર સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
ટાઇગર ખૂબ જ રીસ્પેક્ટફૂલ વ્યક્તિ છે. તેણે મને ફિલ્મ માટે અને ડાન્સ માટે ખૂબ જ મદદ કરી છે. મેં જેટલું વિચાર્યું હતું તેના કરતા પણ વધારે મને ફિલ્મ અને ડાન્સમાં રાહત રહી છે. એક વ્યક્તિ તરીકે તેને હું ખૂબ પસંદ કરું છું. હું તેની પાસે ઘણુ શીખી છું. તેની લાઇફ સ્ટાઇલ ખૂબ જ ડિસિપ્લીનવાળી છે. હું લકી છું મને પહેલી ફિલ્મમાં જ ખૂબ જ હાર્ડવર્કીંગ વ્યક્તિ સાથે કામ કરવાની તક મળી છે.
શૂટીંગનો પહેલો દિવસ કેવો હતો. ફિલ્મનો કોઇ ડાન્સફોર્મ મુશ્કેલ રહ્યો હોય તેવું બન્યું હતું?
મારો શૂટીંગનો પહેલો દિવસ જે હતો તે શૂટીંગનો જ હતો. જે એક સોલો ગીત હતું. મારા જીવનનો પહેલો દિવસ હતો જ્યારે હું પહેલીવાર કોઇ સેટ પર હતી. આ પહેલા મેં કોઇ સેટ જોયો જ નહોતો. હું અંદર ગઇ અને મેં જોયું કે મારા ડાન્સ માટે કેટલો મોટો સેટ લગાવવામાં આવ્યો હતો. એ જોઇને જ હું ખૂબ ગભરાઇ ગઇ હતી. મેં ક્યારેય એકસાથે આટલા બધા લોકોને જોયા જ નહોતા. કેવી રીતે ડાન્સ કરીશ તે સમજાતું જ નહોતું. હું સાવ સરળ સ્ટેપ્સ પણ કરી શકતી નહોતી. હું પાંચ મિનિટનો બ્રેક લઇને સાઇડમાં ગઇ અને પોતાની સાથે જ વાતો કરી કે જો હું અહીં સુધી પહોંચી શકી છું તો આગળ પણ દરેક કામ કરવાની મારામાં ક્ષમતા છે. થોડીવાર પછી હું ફરી શૂટીંગ પર ગઇ અને પછી મારાથી તે ડાન્સ થયો. મારો પહેલો દિવસ ખરેખર ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો. તમે જે મારું સોન્ગ બેપરવાહ જોયુ છે તે ગીત સાત મિનિટનું છે. તેમાં સાત મિનિટનો મારો અને ટાઇગરનો ડાન્સ બતાવવામાં આવ્યો છે. સાત મિનિટમાં તે લેવલનો ડાન્સ કરવો અને તે પણ ટાઇગરની સાથે તે ખૂબ જ મુશ્કેલ હતો. મારા મત મુજબ તે ઇન્ડિયાનો વર્લ્ડનો બેસ્ટ ડાન્સ હશે કારણકે તે ડાન્સમાં ટેક્નિક, ફોર્મ, ગ્રેસ અને હિરોઇઝમ પણ જોવા મળે છે. આ બધુ એકમાં જ કમ્બાઇન કરવું ખૂબ મુશ્કેલ હોય છે.
કેવા પ્રકારની ફિલ્મો બોલિવૂડમાં કરવાની ઇચ્છા છે?
મારી આ ફિલ્મથી શરૂઆત થઇ રહી છે એટલે હજી તો ઘણા સપનાઓ બાકી છે. મારા બીજા સપનાઓ આની સાથે જ રીલેટેડ છે. સારી ફિલ્મો, સારી સ્ટોરીઝ, સારા પાત્રો મળે. મારા માટે પાત્ર અને ડિરેક્ટર બે સૌથી વધારે મહત્વની બાબત છે. હાલમાં તો દરેક ડિરેક્ટર સાથે કામ કરવાની ઇચ્છા છે કારણકે મારી કરિયરની શરૂઆત થવા જઇ રહી છે. હું જ્યારે કોઇ સ્થાને પહોંચી જઇશ પછી પસંદગી કરવાનું રાખીશ. હાલમાં તેના વિશે વિચારતી નથી. બધાની સાથે જ કામ કરીશ કારણકે મારો શીખવાનો સમય શરૂ થયો છે.
પહેલી ફિલ્મ છે ટાઇગર સાથે કેટલું એક્સાઇટમેન્ટ છે અને કેટલો ડર છે?
એક્સાઇટમેન્ટ ખૂબ જ છે, ડર પણ છે. હું આ ફિલ્મમાં ફક્ત શીખી જ છું. મને રોજ ડર લાગતો હતો. શૂટ ના સમયે રોજ ડરતી હતી. મેં ક્યારેય એમ નથી વિચાર્યું કે ફિલ્મ આવશે તો લોકો જોઇને શું કહેશે. મેં ફક્ત જે તે સમયે મારી શૂટ પર અને મારા સીન પર અને ડાન્સ પર જ ધ્યાન આપ્યું છે કે જો હું તે દિવસનું કામ વ્યવસ્થિત કરી લઇશ તો સારું રહેશે. એક્સાઇટમેન્ટ ખૂબ જ છે. જેમ જેમ સમય નજીક આવેશે તો થોડી નર્વસ થતી રહું છું કે લોકો મને પસંદ કરેશે કે નહીં, દર્શકો મને પસંદ કરશે કે નહીં, તેવા વિચારો આવતા રહે છે.
શૂટીંગ વખતે ક્યારેય ફિલ્મ છોડી દેવાની ઇચ્છા થઇ હતી?
હા, ઘણીવાર એવું થયું હતું. જ્યારે થાકીને ઘરે આવીયે ત્યારે ખરેખર થાકનો અને મહેનતનો અનુભવ થાય છે. બહારની દુનિયામાં તો બધુ જ સરળ રીતે થતું હોય તેવું લાગે છે. એક્ટર્સની લાઇફ કેટલી સરસ છે, નેમ ફેમ વગેરે સારું લાગે છે. આ બધી જ વસ્તુંઓ પછીથી મળતી હોય છે. તેના માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. આપણે એક ગીત ત્રણ કે ચાર મિનિટનું જોતા હોઇએ છીએ પણ તેનું શૂટીંગ થતા ત્રણથી ચાર દિવસ થઇ જતા હોય છે. તેમાં ઘણાવીર શરીરને નુકસાન પણ થયું હોય છે. મને પણ ગીતના શૂટ વખતે બ્લડ ક્લોટ અને નાની મોટી ઇજાઓ થઇ હતી. ખૂબ જ હાર્ડ વર્ક કરવું પડતું હોય છે.
મેધા પંડ્યા ભટ્ટ