ઉનાળો આવે એટલે ગરમી ઓછી લાગે એવા પોશાક પહેરવાનું મન થાય, તે સમયે મેક્સી સ્કર્ટ એકદમ પરફેક્ટ રહે છે. સ્કર્ટ એક એવો પોશાક છે, જે આજકાલ નહીં, પણ સૈકાથી દેશ-વિદેશની યુવતીઓના વોર્ડરોબમાં સ્થાન ધરાવતો રહ્યો છે. યુવતીઓ માટે તો સ્કર્ટ એક કમ્ફર્ટેબલ આઉટફીટ હોવાની સાથોસાથ તેમની પર્સનાલીટીને સ્માર્ટ લુક આપવામાં પણ મહત્વનો ફાળો પ્રદાન કરે છે. દુનિયાભરની યુવતીઓને મનગમતો આ પોશાક તેમને જે રીતે અનુકૂળ લાગે તે રીતે પહેરતી હોય છે. હાલમાં સ્કર્ટમાં સૌથી લોકપ્રિય મેક્સી સ્કર્ટ છે કારણકે તેને ફક્ત યુવતીઓ જ નહીં વર્કીંગ લેડી અને ગૃહીણી પણ પહેરી શકે છે.

 

ઇતિહાસ – પ્રકાર

કમરથી નીચેના સંપૂર્ણ શરીરને ઢાંકતા મેક્સી સ્કર્ટની સ્ટાઇલ તો સ્કર્ટ જેવી જ હોય છે, પણ તેમાં એ લાઇન,  ફ્રીલવાળા અને ઘેરદાર મેક્સી સ્કર્ટની સ્ટાઇલ પણ બનાવવામાં આવે છે. આવા પ્રકારના સ્કર્ટ કમરના ભાગેથી થોડા ફીટીંગવાળા અને નીચેથી ઘેરાવાળા હોય છે. મેક્સી સ્કર્ટની ફેશન એક રીતે જોતા ઘણી જૂની છે. તેનો ઇતિહાસ જુઓ તો, સોળમી અને સત્તરમી સદીમાં આવા સ્કર્ટ વિદેશની મહિલાઓ અને યુવતીઓ પહેરતી હતી. સમયની સાથે આ ફેશને ભારતીય ફેશન જગતમાં પ્રવેશ કર્યો. એ પછી ભારતની મહિલાઓ અને યુવતીઓએ આ આરામદાયક અને સગવડભર્યો પોશાક અપનાવી લીધો. તે પછી તો મેક્સી સ્કર્ટ અવનવા રૂપરંગ સાથે ફેશનમાં પુનરાવર્તિત થતા રહ્યા છે.

 

સજાવટ

મેક્સી સ્કર્ટ ઉનાળામાં ફરી ફેશન જગતમાં લોકપ્રિય બની રહ્યા છે. મેક્સી સ્કર્ટ આખા પગને કવર કરી લેતા હોવાથી ઉનાળામાં ગરમીમાં તે રાહત આપવાની સાથે ફેશનેબલ પણ લાગે છે. તેમાં પણ હવે તો મેક્સી સ્કર્ટમાં જે ડિઝાઇન્સ અને સજાવટ જોવા મળે છે, તે વધારે આકર્ષક લુક આપે છે. કમરના ભાગ પરથી ઘૂંટણ સુધીની લટકણ અને ફૂમતા વધારે શોભે છે. તે ઉપરાંત લેસનો પણ પ્રયોગ કરવામાં આવે છે. તેમાં એલાઇનની સાથે ફ્રીલ પણ લગાવવામાં આવે છે. ઘેરદાર સ્કર્ટમાં ફ્રીલ હોય તો પછી પૂછવાનું જ શું. આવા મેક્સી સ્કર્ટમાં કેટલીક યુવતીઓ બોર્ડર કે કમરના ભાગમાં હેન્ડવર્ક તેમજ મિરરવર્ક પણ કરાવે છે, જેના લીધે તેનો ગેટઅપ એકદમ યુનિક લાગે છે. સ્કર્ટમાં મિડલ કટ અને તેમાં બટન શોભામાં વધારો કરે છે. મિડલ કે ક્રોસ કટવાળા મેક્સી સ્કર્ટ સેક્સી લુક આપે છે.

 

મટિરિયલ્સ – ડિઝાઇન્સ

મેક્સી સ્કર્ટ મોટાભાગે કોટન, શિફોન, જ્યોર્જટ, સિન્થેટીક, મલ, શિમર, વેલવેટ, ડેનિમ જેવા અનેક પ્રકારના મટિરિયલ્સમાંથી બને છે. તે સિવાય બજારમાં પણ આવા તૈયાર સ્કર્ટ મળે છે. જેમાંથી કોટન, શિફોન જ્યોર્જટ, સિન્થેટિક મટિરિયલ્સમાંથી બનેલા મેક્સી સ્કર્ટ રેગ્યુલર ડિમાન્ડમાં અને પહેરવેશમાં ઉપયોગી છે. જ્યારે મલ, શિમર, વેલવેટના મટિરિયલમાંથી બનાવેલા સ્કર્ટ પાર્ટીવેર તરીકે પહેરી શકાય છે. તો વળી, કોટન સ્કર્ટ કે સેમિ કોટન તમે રેગ્યુલર ઉપયોગમાં લઇ શકો છો. મેક્સી સ્કર્ટમાં વધારે ફ્લોરલ પ્રિન્ટ જોવા મળે છે. જોકે હવે તો તેમાં લાઇનિંગ, મલ્ટીકલર, ફ્રીલ , લેસ, પ્લેઇન કલર, ડસ્ટર્ડ કલર, બોક્સ પ્રિન્ટ વગેરે ડિઝઆઇન્સ પણ હોય છે. આવા મેક્સી સ્કર્ટની ઉપર પ્લેઇન કલરના ટોપ વધારે પહેરવાનું પસંદ કરવામાં આવે છે. જ્યારે પ્લેઇન કલરના મેક્સી સ્કર્ટ સાથે પ્રિન્ટેડ ટોપ પહેરવાનો ટ્રેન્ડ છે. તો વળી, તેની સાથે પ્લેઇન સફેદ કલરના સાદા કે ક્રોપ ટોપ કે પછી કોઇપણ ડિઝાઇનના ટોપ હવે યુવતીઓ વધારે પહેરવાનું પસંદ કરે છે.

 

સાથે શું પહેરવું

મેક્સી સ્કર્ટ સાથે તમે ઇચ્છો તો શોર્ટ કુર્તી, ટી-શર્ટ, સ્લીવલેસ ટોપ, ટ્રેન્ડી કુર્તી, ક્રોપ ટોપ, ઓફ શોલ્ડર ટોપ પહેરી શકો છો. જો તમે શોર્ટ ટોપ સાથે મેક્સી સ્કર્ટ પહેરવાના હો, તો કમર પર સ્ટાઇલીશ બેલ્ટ પહેરવાથી તેનો ગેટઅપ જ કંઇક અલગ જ આવશે. હવે તો ફેશન ડિઝાઇનર્સ પણ યુવતીઓની પસંદગીને ધ્યાનમાં રાખીને પોતાના કલેક્સનમાં મેક્સી સ્કર્ટમાં વિવિધ પ્રયોગ કરીને તેને વધારે સ્ટાઇલિશ લુક આપે છે. તેમાં પેટવર્ક કરીને એની સાથે મેચિંગ ટોપ કે કુર્તી અથવા તો પહોળા બેલ્ટ સાથે સ્કર્ટ અને ટોપને જોડીને એક અલગ જ પેટર્ન તૈયાર કરે છે. જે પહેરનારને બધાથી અલગ અને યુનિક પોશાક પહેર્યો હોવાની અનુભૂતિ કરાવે છે.

મેક્સી સ્કર્ટની સૌથી મહત્વની વાત એ છે કે તે ઉનાળામાં તો આરામદાયક રહે જ છે, સાથે જ શિયાળા અને ચોમાસામાં પણ તે પહેરી શકાય છે. વળી, તેની સાથે દરેક પ્રકારની એક્સેસરીઝ પહેરી શકાતી હોવાથી યુવતીઓ માટે આ પોશાક પસંદગીમાં અગ્રેસર છે. તમે ઇચ્છો તો તેની સાથે બીડ્સની જ્વેલરી, ગળામાં લાંબી માળા, હાથમાં બ્રોડ બ્રેસલેટ કે કડું તેમજ કાનમાં મોટી કડી પહેરી શકો છો. મેક્સી સ્કર્ટની સાથે વુડન કડા પણ હાથમાં પહેરી શકાય છે. જોકે તેની સાથે દરેક પ્રકારની એક્સેસરીઝ પહેરીને પર્સનાલીટીને વધારે નિખારી શકો છો.

 

 

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment