પોતાના ડ્રીમ હોમ માટે ઘણા લોકો વિચારે છે કે મોંઘામાં મોંઘી એક્સેસરીઝ દ્વારા ઘરની સજાવટ કરવી જોઇએ. તે સિવાય કોઇ ઇન્ટીરીયર ડિઝાઇનર પાસે પણ ઘરની સજાવટ કરાવીને ઘરને સુંદર બનાવી શકાય છે. જોકે આ વિચારને એક રીતે ખોટો પણ સાબિત કરી શકાય છે. તમે તમારી પોતાની ક્રિએટીવીટી અને આઇડિયા દ્વારા પણ ઘરને સુંદર રીતે સજાવી શકો છો. એટલું જ નહીં ઓછા બજેટમાં તમે તમારા ઘરનું રૂપ બદલી શકો છો.
ફર્નીચર અને એક્સેસરીઝના સ્થાનમાં ફેરફાર કરો
પૈસા ખર્ચીને કે કોઇ વસ્તુની ખરીદી કરીને જ ઘરમાં ફેરફાર કરી શકાય કે સજાવટ કરી શકાય તેવું નથી. તમે તમારા ઘરના ફર્નીચર અને એક્સેસરીઝના સ્થાનમાં ફેરફાર કરી શકો છો. જેમકે મોટા રૂમનો સામાન, ટેબલ અથવા સાઇડ ટેબલ, ચેર, સ્ટૂલ અને એક્સેસરીઝમાં લેપટોપ, પેઇન્ટીંગ, વોલ મિરર અથવા ડેકોરેશનના સામાન વગેરેને લિવિંગરૂમમાં લગાવી શકો છો અને લિવિંગ રૂમના કેટલાક સામાનને બેડરૂમમાં સજાવી શકો છો. આવું તમે દર પાંચ કે છ મહિનામાં કરી શકો છો. તેનાથી લિવિંગરૂમ અને બેડરૂમ બંનેમાં ચેન્જ લાગશે.
લાઇટીંગ અને સેટિંગ
લાઇટીંગ અને સેટીંગમાં તમે ફેરફાર કરવા માટે વધારે પ્રકાશ આપતી લાઇટ, ફર્નીચર અને એક્સેસરીઝને યોગ્ય રીતે સેટીંગ કરીને પણ લિવિંગરૂમમાં પૈસાનો ખર્ચ કર્યા વિના સુંદર રીતે સજાવી શકો છો. તેના માટે ફર્નીચરને યોગ્ય રીતે સેટ કરો. જેમકે સોફાને કોઇપણ સ્થાન પર ન ગોઠવો પણ તેમાં પણ તેની સાથે ખુરશીનું યોગ્ય સેટીંગ કરવાનું ધ્યાન રાખો. સોફાને સાથે રાખીને ગોળ કે સ્કવેર શેઇપ આપી શકો છો. જો તમે ગોળાકારમાં ગોઠવણી કરી રહ્યા છો, તો વચ્ચે ગોળાકાર ટેબલ પણ ગોઠવો. જો સ્કવેર શેઇપ આપી રહ્યા હો, તો વચ્ચે નહીં પણ સાઇડ પર બે નાના નાના ટેબલથી સજાવટ કરો. બંને ટેબલ પર નાના નાઇટ લેમ્પ પણ ગોઠવી શકો છો. લિવિંગ રૂમમાં હંમેશા વધારે પ્રકાશ રહે તેવી લાઇટીંગનો ઉપયોગ કરો.
જૂની વસ્તુઓથી કરો નવી સજાવટ
આપણા ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે, જેને આપણે નકામી સમજીને ફેંકી ગેતા હોઇએ છીએ. પણ ક્યારેક વિચારીએ તો આ બધી વસ્તુઓનો પણ આપણે ઘરની સજાવટમાં ઉપયોગ કરી શકીયે છીએ. જેમકે જૂના પિત્તળના વાસણોને પોલીશ કરાવીને સજાવટના ઉપયોગમાં લઇ શકાય છે. તેના ઉપર સ્ટોન કે અન્ય સજાવટ કરીને તેને વધારે આકર્ષક બનાવી શકાય છે. આ પ્રકારની વસ્તુઓ એન્ટીક વસ્તુઓ તરીકે સજાવી શકાય છે. તે સિવાય જૂના અને સારા કપડાંનો ઉપયોગ પણ કરી શકો છો. જેમકે કોઇ જૂની સાડી, જેનો ઉપયોગ તમે પહેરવામાં ન કરતા હો તેમાંથી કુશન કવર કે કર્ટેન્સ બનાવી શકો છો, તે એકદમ ડીફરન્ટ લુક આપશે. જૂની સાડીયોનો ઉપયોગ સ્ટાઇલીસ્ટ બેડશીટ વિથ પિલો કવર પણ બનાવી શકો છો, તેનાથી બેડરૂમની શોભામાં વધારો કરી શકાય છે.
તો હવે તમે તમારા ઘરની સજાવટ માટે તમારા જ ઘરમાં કેવી રીતે ફેરફાર કરશો કે જૂની વસ્તુઓનો કેવી રીતે નવી સજાવટમાં ઉપયોગ કરશો તે જાતે જ વિચારો.
મેધા પંડ્યા ભટ્ટ