રોમેન્ટિક હિરો તરીકેના પાત્રથી પોતાની કરિયરની શરૂઆત કરનાર અજય દેવગન હવે છેલ્લા કેટલાય વર્ષોથી કોમેડી રોલમાં અને સિરિયસ પોલીસ ઓફિસરના પાત્રમાં વધારે જોવા મળે છે. પોલીસ ઓફિસર તરીકેના મોટાભાગના પાત્ર ભજવી ચૂકેલા અજય દેવગન હાલમાં રજૂ થયેલી તેમની ફિલ્મ રેડમાં એક ઇન્કમટેક્સ ઓફિસરનું પાત્ર ભજવી રહ્યા છે. તેમનું આ ફિલ્મમાં પાત્ર ખૂબ દમદાર છે, જે હાથપગનો ઉપયોગ ઓછો કરે છે અને પોતાના મગજનો ઉપયોગ વધારે કરવાનું પસંદ કરે છે. આ ફિલ્મને રાજકુમાર ગુપ્તાએ ડિરેક્ટ કરી છે અને ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું ત્યારથી જ ધૂમ મચાવી રહ્યું હતું. આ પહેલા અજય દેવગને ફિલ્મ બાદશાહોમાં ચોરનું પાત્ર ભજવ્યું હતું જે સરકારી સોનું ઉપાડીને લઇ જાય છે. તેનાથી એકદમ વિરુદ્ધ એવા ફિલ્મ રેડના પાત્રમાં અજય દેવગન દેશની સંપત્તિને સરકારી ખાતામાં પાછી લાવવાનું બીડુ ઝડપ્યું છે. તે ઇન્કમટેક્સ ઓફીસરના પાત્રમાં ખૂબ જ પ્રભાવશાળી જોવા મળી રહ્યા છે. તો અજય દેવગન સાથે થયેલી ફિલ્મ રેડ અંગેની વાતચિત.
દેશના મોટાભાગના નેતાઓ કરપ્સનની લપેટમાં આવી ચૂક્યા છે અને હજીપણ આવી રહ્યા છે, ત્યારે આ ફિલ્મ આ સમયે કેટલી યોગ્ય જણાય છે.
હું માનું છું કે ઇન્કમટેક્સની રેડ પડવા માટેની કોઇ ચોક્કસ સિઝન હોતી નથી. વર્ષ દરમિયાન તે કોઇના પર પણ વરસી શકે છે. પોલીટીકલ કારણ તેમાં નિમિત્ત હોઇ શકે છે પણ મોટાભાગે તો પ્રામાણિક ઓફિસરની ગીધ દ્રષ્ટી જ તેમાં મુખ્યફાળો ભજવતી હોય છે. જોકે આ ફિલ્મ 1980માં થયેલી ચર્ચાસ્પદ રેડ પર આધારીત છે.
ફિલ્મના ટાઇટલને કોણે નક્કી કર્યું અને આ ફિલ્મ દર્શકોને કેટલી પસંદ આવશે.
ફિલ્મના ટાઇટલનો વિચાર મારો પોતાનો જ હતો કારણકે મારું માનવું છે કે ફક્ત પોલીસ અધિકારી કે સેના જ નહીં પણ સામાન્ય સરકારી કર્મચારી પણ પોતાની સૂઝબૂઝથી દેશની પ્રગતિમાં ફાળો આપી શકે છે. તેનામાં છૂપાયેલી દેશભક્તિને તે દર્શાવી શકે છે.
ઇન્કમટેક્સ ઓફિસરના પાત્ર માટે કેટલી તૈયારીઓ કરવી પડી.
જે ઇન્કમટેક્સ ઓફિસરના જીવન પર આ ફિલ્મ બની છે, તેમની મુલાકાત મેં લીધી હતી. તેમની જીવનશૈલીને સમજીને તેને પોતાની રીતે અને નિર્દેશકના કહેવા અનુસાર પોતાના પાત્રમાં ઢાળવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે. તે ઉપરાંત સિનેમેટીક લિબર્ટીનો પ્રશ્ન ઊભો થાય તો ફિલ્મના બેકગ્રાઉન્ડ સ્કોરમાં તે આવી જાય છે કારણકે રીયલ લાઇફમાં આ રીતે બનતું નથી. વાર્તાનું સંતુલન જાળવવા માટે તે જરૂરી છે.
ગંગાજલ અને સિંઘમ બાદ આ ફિલ્મના પાત્રને કેટલું પ્રભાવશાળી બનાવી શક્યા છો.
મને એવું લાગ્યું કે આ પ્રકારનું પાત્ર પહેલીવાર હું બોલિવૂની ફિલ્મમાં ભજવી રહ્યો છું. પોલીસ અધિકારીનું પાત્ર અલગ હોય છે અને ઇન્કમટેક્સ ઓફિસરનું પાત્ર અલગ હોય છે પણ બંનેના દિલમાં જે કાર્ય પ્રત્યેની નિષ્ઠા હોય છે, તે એકસરખી જ હોય છે. બંને દેશના માટે થઇને કોઇપણ અધિકારી કે માથાભારે વ્યક્તિની વિરુદ્ધમાં જવામાં સંકોચ અનુભવતા નથી.
આ ફિલ્મ લોકોને શા માટે ગમશે. ફિલ્મના અંત ભાગમાં ભાષણથી દર્શકો કંટાળશે નહીં.
ફિલ્મમાં ભાષણબાજી તો નથી પણ લોકોને એક વાત સમજાશે કે ટેક્સ ન ભરવાના કારણે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે ખૂબ મુશ્કેલ છે. ફિલ્મની વાત કરું તો તેમા દરેક બાબત જ સાચી નથી. કેટલીક બાબતો કાલ્પનિક પણ છે. જે વાર્તા સાથે કોઇપણ પ્રકારની છેડછાડ કર્યા વિના ફક્ત મનોરંજનના હેતું માટે જ છે.
80-90ના સમયમાં નેતા સુખરામ શર્માના ઘરે રેડ પડ હતી તો શું આ વાર્તા તે સમયના યુપીના બાહુબલીના જીવન પરથી લેવાયેલી છે. કે પછી અન્ય કોઇ નેતા અને ઓફિસરની વાત છે.
કોના જીવન પર ફિલ્મ આધારિત છે તે તો અમે લોકોને સ્પષ્ટપણે જણાવ્યું નથી પણ હા તેમની વાર્તા સાચી છે અને અમારી ફિલ્મની વાર્તા પણ તેમના જીવન પર આધારીત છે. જોકે વાર્તા 80ના દાયકાની જ છે તો મોબાઇલ વિનાના સમયમાં આટલી મોટી રેડની વાર્તા અનોખી જ હોય ને.
હવે તમારા માટે વધારે રોલ રહ્યા નથી તેવું લાગે છે.
મને એવું લાગે છે કે હવે દર્શકોનો ટેસ્ટ બદલાઇ ચૂક્યો છે. હીરો પ્રકારના રોલ 40 વર્ષ પછી જ વધારે મળે છે. તેટલું જ નહીં મહિલાકેન્દ્રીત ફિલ્મોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં વધી છે. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે દર્શકો ખોટો સિક્કો ક્યારેય ચલાવી લેતા નથી.
તમે મોદીજીના ખૂબ નજીકના વ્યક્તિઓમાના છો અને આ ફિલ્મ વર્તમાન સરકારના દરેક ક્ષેત્રના સફાઇ અભિયાન પર આધારિત છે. શું ફિલ્મને ટેક્સ ફ્રી કરાવવાનો પ્રયત્ન કરાયો હતો.
અમે ખૂબ પ્રામાણિકતાથી ફિલ્મ બનાવી છે, જેમાંની વાર્તા હાલના સમયની નથી અને તે 80ના દાયકાની લેવાઇ છે. સરકારી મદદ અને ફિલ્મને ટેક્સ ફ્રી કરાવવાની વાત વિશે કહું તો ફિલ્મના બંને નિર્માતા ભૂષણ કુમાર અને કુમાર મંગતે પણ તેના માટે કોઇપણ પ્રકારના પ્રયત્ન કર્યા નથી.
સિંઘમમાં આક્રમક પોલીસ અધિકારીની ભૂમિકા હતી અને આ ફિલ્મમાં સોફ્ટ સ્પોકન હિરોનું પાત્ર કેટલું અલગ લાગે છે.
હું માનું છું કે હિરોઇઝમ ફક્ત હાથ પગ ચલાવવાથી નથી આવતું, રેડ ફિલ્મમાં મારું પાત્ર દિમાગનો ઉપયોગ વધારે કરે છે. તેમાં પણ વધારે રીસ્ક રહેલું છે. રેડ ફિલ્મમાં જ્યારે રેડ પડે તે સમયે પણ હુમલાઓ થાય તે દર્શાવવામાં આવ્યું છે. પત્નનો રોલ ભજવનારી ઇલિયાનાને પણ ફિલ્મમાં ખબર હોતી નથી કે હું જીવતો હોઇશ કે નહીં. પોલીસ અધિકારીની જેમ આ પાત્ર ભજવવામાં પણ જોખમ રહેલું છે. મેં આજસુધી મારા દરેક પાત્રમાં મારા ચાહકોની વાહવાહ જ મેળવી છે.
નિર્દેશનમાં ફરી ક્યારે દેખાશો. કાજોલની ફિલ્મ કઇ આવશે અને તબ્બુ સાથે કઇ ફિલ્મમાં જોવા મળવાના છો.
સારી સ્ક્રિપ્ટ મળતા જ ફરીથી ફિલ્મ બનાવીશ. કાજોલની હવે પછીની ફિલ્મ હળવા પ્રકારની જીવનશૈલી પર આધારિત છે. તબ્બુ સાથે મારી ફિલ્મ રોમ-કોમ આવી રહી છે જે દર્શકોને ખૂબ હસાવશે. મારું વેબસિરિઝ માટેનું પણ પ્લાનિંગ છે પણ હાલમાં ફિલ્મો પર વધારે ધ્યાન આપી રહ્યો છું.
મેધા પંડ્યા ભટ્ટ