ગરમીની શરૂઆત થતાંની સાથે યુવતીઓના વોર્ડરોબમાં લાઇટ કલર્સ અને હળવા ફેબ્રિકસના પોશાક મોખરાનું સ્થાન લઇ લે છે. ગરમીમાં ઘેરવાળી કુર્તી, જ્યોર્જટ અને શિફોનની ફ્લોરલ પ્રિન્ટવાળી કુર્તી અને ટોપનો ઉપયોગ વધારે કરવો જોઇએ. ખાસ કરીને બ્લોક પ્રિન્ટ, વેજિટેબલ પ્રિન્ટ અને લિનનનો ઉપયોગ કરવો જોઇએ. યુવતીઓ ગરમીમાં રાહત મેળવવા માટે શર્ટ ડ્રેસીસ, ડેનિમ ફેબ્રિક, લોન્ગ સ્રગ, કોટન કુર્તા, શોલ્ડર સ્રગ, ફ્રિલ મેક્સી પર પસંદગી ઉતારી શકે છે.
વાતાવરણ બદલાય એટલે વ્યક્તિનો પહેરવેશ પણ બદલાય છે. ગરમીની શરૂઆત થતાંની સાથે જ વોર્ડરોબમાં રાખેલા ગરમ કપડાંનું સ્થાન હળવા અને ઠંડક આપે એવા રંગના અને કોટન, લિનન, કોટનસિલ્ક, જ્યોર્જટ, શિફોન અને ખાદીના કપડાં લઇ લે છે. ગરમીમાં એવા કપડાં પહેરવા જોઇએ કે જે ગરમી સામે રાહત આપે તે સાથે જોનારને પણ યોગ્ય લાગે. આ ઋતુમાં દરેક એવું ઇચ્છે છે કે ગરમીમાં પોતાનું ડ્રેસિંગ એકદમ અલગ અને યુનિક હોવું જોઇએ, જે સોબર અને ટ્રેન્ડી પણ લાગે.
કેવા પ્રકારના કપડાં પહેરવા
હવે યુવતીઓમાં વન શોલ્ડર, ઓફ શોલ્ડર પેટર્ન વધારે પહેરાઇ રહી છે. કેટલાકને આ પ્રકારની પેટર્ન પહેરવામાં સંકોચ થાય તો તેમણે શોલ્ડર શો ઓફ ડ્રેસ પહેરવો જોઇએ. તેમાં શોલ્ડરની પોટર્ન બોટ નેક પેટર્ન હોય છે. ગરમીમાં લેસની પેટર્ન પરના ફેબ્રિક આઉટફીટ પણ ખૂબ લોકપ્રિય છે. કેઝ્યુઅલથી લઇને પાર્ટીવેર સુધીના વ્હાઇટ કલર અને બ્રાઇટ કલરમાં લેસમાંથી બનેલા કે લેસનો ઉપયોગ કરીને બનાવેલા આઉટફીટ જોવા મળે છે. હાલમાં તો મેક્સી અને ગાઉન વધારે પ્રચલિત બન્યા છે. જેમાં ફ્રિલ અને ફ્લોરલ મેક્સી અને ગાઉન લોકોમાં ડિમાન્ડેડ છે. જેમાં એનિમલ પ્રિન્ટ, મિક્સ પ્રિન્ટ, લાઇનિંગ વગેરે યુવતીઓ પસંદ કરે છે.
વળી, વધારે ચુસ્ત કપડાં ગરમીમાં આરામદાયક રહેતા નથી, તેથી બેગી બોટમવિઅર પણ યુવતીઓ ટી-શર્ટ્સની સાથે પહેરવાના પસંદ કરે છે. કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતી યુવતીઓ માટે શર્ટ પણ સિઝન પ્રમાણે અનુકૂળ જોઇએ. તેથી શર્ટ સ્ટાઇલના ડ્રેસ તેમજ કોટન શર્ટ પર પહેલી પસંદગી ઉતારી શકો છો. તે ઉપરાંત બોલ્ડ સ્ટ્રાઇપવાળા ટી-શર્ટ્સ, શર્ટ અને ડ્રેસ કે ફ્રોક પણ ડિમાન્ડિંગ છે.
ફેશનની દ્રષ્ટિએ જોઇએ તો એકવડિયો બાંધો ધરાવતી યુવતીઓએ આડી લાઇનવાળી અને ટૂંકી કુર્તી પહેરવી જોઇએ. જીન્સ સાથે તે શોર્ટ શર્ટ પહેરી શકે છે અને તેમાં પણ પ્લેઇન કલર વધારે સારા લાગે. ઓછી હાઇટવાળી યુવતીઓ ઊભી લાઇનવાળી ડિઝાઈનની કુર્તી અને ટોપ પહેરવાં જોઇએ, જેથી તેમની હાઇટ વધારે લાગે. ગરમીથી બચવા મોટા ભાગની યુવતીઓ સ્લિવલેસ ડ્રેસ અને ટોપ પહેરવાનું વધારે પસંદ કરે છે, પણ એનાથી તાપના કારણે હાથની ત્વચા બળી જવાની કે કાળી પડવાની શક્યતાઓ વધારે રહે છે. જોકે હવે તમે તેમાં લોન્ગ સ્વીલ સ્રગનો ઉપયોગ કરી શકો છો. સ્લીવલેસ ટોપ કે જીન્સની સાથે સ્રગ ફેશનેબલ લુક આપે છે. બપોરના સમયે હંમેશાં એવા કપડાં પહેરો જે હળવા મટિરિયલના અને આખી બાંયના હોય. તમે સાંજના સમયે કે રાત્રે સ્લિવલેસ પોશાક પહેરી શકો છો.
કલરનું ધ્યાન રાખવું
ગરમીમાં ડ્રેસના મટિરિયલની સાથે કલરનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ઉનાળામાં તાપની સામે રક્ષણ મળી રહે તે માટે લાઇટ કલરના કપડાં વધારે અનુકૂળ રહે છે, જે આંખને પણ ઠંડક આપે છે. જેમાં કોટનસિલ્ક, શિફોન, લિનન, જ્યોર્જટ અને ખાદીના કપડાં પરસેવો શોષી લે છે, જેથી લોકો આ મટિરિયલના કપડાં પહેરવાનું વધારે પસંદ કરે છે. જેમાં યલો, પિંક, વ્હાઇટ, ક્રીમ, ગ્રે, ઓરેન્જ, સ્કાય બ્લ્યૂ, ચોકલેટી, લેમન યલો, પર્પલ, બરગન્ડી, નેવી બ્લ્યૂ જેવા કલર વધારે આકર્ષક લાગે છે.
હેવીવર્કના આઉટફિટ ટાળવા
કોટન અને શિફોનના ડ્રેસીસ ફોર્મલ લુક માટે પહેરવામાં આવે છે, જે સારા પણ લાગે છે. ઉનાળામાં લિનન અને જ્યોર્જટના સ્કર્ટ તમે પહેરી શકો છો. કોટન અને ખાદી પરસેવો શોષી લેનારા ફેબ્રિક છે, જેને પહેરવાથી તમે ધોમધખતા તાપમાં પણ હળવાશનો અનુભવ કરી શકો છો. મોટી ઉંમરની મહિલાઓ સલવાર કુર્તી પહેરી શકે છે. ખાદીનો થોડો ખુલતો ઝભ્ભો પહેરી શકો છો.
એની સાથે ચૂડીદાર તમને આકર્ષક બનાવશે. લોન્ગ પેટર્નની કુર્તી, ગાઉન અને ડ્રેસ પણ પહેરી શકાય. બને ત્યાં સુધી હેવી વર્ક જેમ કે, જરદોશી, સ્ટોન વર્ક, ટીકી વર્ક કરેલી ડિઝાઈનવાળા ડ્રેસ કે સાડી પહેરવાનું ટાળવું જોઇએ. જો તમે વર્ક પસંદ કરતાં હો તો હેન્ડલૂમમાં દોરા વર્ક અને હેન્ડપ્રિન્ટ કરેલી કુર્તી કે ટોપ પણ પહેરવા માટે પસંદ કરી શકો છો.
આ પહેરવાનું ટાળો
ગરમી ઘણાબધા ફેરફાર લઇને આવે છે. પહેરવેશને કારણે આખી દિનચર્યા બદલાતી હોય છે. કેવાં મટિરિયલના કપડાં પહેરવા તેની જાણકારી ન હોય તો તે ત્વચા માટે નુકસાનકારક બની શકે છે. સિલ્ક, સાટિન, સિન્થેટિક, પોલીએસ્ટર, નાયલોન, વેલવેટ અને મિક્સ પોલીએસ્ટરના કપડાં પહેરવાનું ટાળો. એમાં કલર પણ ડાર્ક હોય છે અને તેનાથી ત્વચાને ઇન્ફેકશન થવાની સંભાવના પણ રહે છે. હેવી ફેબ્રિકના કપડાં પહેરવાનું ટાળવું જોઇએ.
મેધા પંડ્યા ભટ્ટ