ફેશનની દુનિયામાં ડેનિમ હંમેશા અગ્રેસર રહ્યું છે અને તેથી જ તે સિઝનલ ડ્રેસીંગ માટે પણ વખણાય છે. તેના જ એક પ્રકાર રૂપે આવેલા કોટન પેન્ટ ઉનાળામાં વધારે અનુકૂળ છે. આ પેન્ટ પહેરીને ગરમીમાં પણ તમે આરામદાયક રહી શકવા સાથે ગ્રેસફુલ દેખાશો. હાલમાં સૌથી વધુ આકર્ષણમાં રહેલા પરિધાનમાં પ્રિન્ટેડ કોટન પેન્ટ ખૂબ લોકપ્રિય છે. યુવતીઓએ જેને પહેલી પસંદગીમાં સ્થાન આપી દીધુ છે. તેવા કોટનના પ્રિન્ટેડ પેન્ટ પહેરીને નિકળો તો લોકો બે ઘડી જોતા તો રહી જ જશે.

દરેક વ્યક્તિ ઉનાળામાં હળવા રંગો પહેરવાનું વધારે પસંદ કરે છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને ડિઝાઇનરોએ ડેનિમ અને કોટનના મટીરિયલમાંથી બનેલા લાઇટ કલરના અને પહેરવામાં પણ હળવા એવા પ્રકારના પેન્ટમાં રંગોની પસંદગી પર ખાસ ધ્યાન આપ્યું છે. વળી, તેને સિંગલ કલરમાં ન રાખતા તેમાં ડિઝાઇનને પણ સ્થાન આપી દીધુ છે. જેથી તમે મલ્ટીકલર પહેરી શકો. પ્રિન્ટેડ પેન્ટમાં જો લાઇટ કલરની વાત કરીયે તો લેમન યલો, ગ્રે, વાઇટ, પિંક, ક્રીમ, લાઇટ ઓરેન્જ, સ્કાય બ્લ્યૂ, લાઇટ બ્રાઉન વધારે ઇન છે. જ્યારે ડાર્ક કલરમાં નેવી બ્લ્યૂ, બ્લેક, મરૂન, રેડ, ઓરેન્જ અને પર્પલ કલર વધારે જોવા મળે છે. ડાર્ક કલરમાં મોટાભાગે વાઇટ અને ક્રીમ કલરની પ્રિન્ટ હોય છે. તે સિવાય હવે તો ડાર્ક કલરમાં પણ ડાર્ક કલરન પ્રિન્ટ જોવા મળતી હોય છે. જે હાલના ટ્રેન્ડ પ્રમાણે વધારે ગ્રેસફુલ લાગે છે. જેનાથી પેન્ટ વધારે આકર્ષક લાગે છે. લાઇટ કલરના પેન્ટમાં ડાર્ક કલરની પ્રિન્ટ અને એજ રીતે ડાર્ક કલરમાં લાઇટ પ્રિન્ટનું કોમ્બિનેશન ખૂબ જ આકર્ષક લાગે છે. જે કોઇપણનું ધ્યાન ખેંચીને જ રહે છે.

1940ના સમયમાં આ જ પ્રકારના પેન્ટની ફેશન વધારે જોવા મળતી હતી. તે વખતે પેન્ટની કમરનો ભાગ ફિટીંગવાળો અને હિપ્સની નીચેના ભાગથી લૂઝ રાખવામાં આવતો. તેમ જ એડીના ભાગમાં થોડુ ઓછુ ફિટીંગ આવતું. અત્યારના સમયમાં જે ફેશન જોવા મળે છે, તેમાં થોડા ફેરફાર સાથે એડીના ભાગથી માપસરનું ફિટીંગ રાખવામાં આવે છે. આ સાથે સળંગ લૂઝ પેન્ટ પણ હોય છે. હવે તો પ્રિન્ટેડ કોટન પેન્ટમાં ફેરફારો કરવામાં આવ્યા છે. જેથી તે નવા જમાના પ્રમાણેની ફેશનમાં સ્થાન મેળવી શકે. હાલમાં પેટર્નમાં એડીના ભાગમાં દોરીની કે ઇલાસ્ટિકની નવી પેટર્ન પણ જોવા મળે છે. તો સાથે જ ફોર્મલ લુક આપવામાં આવ્યો છે. દોરી અને ઇલાસ્ટિકની પેટર્ન ટ્રાઉઝરમાં મોટાભાગે હોય છે. પેન્ટને તમે નીચેથી ફોલ્ટ કરીને પણ પહેરી શકો છો, તો તે કેપરી જેવો લૂક આપશે. આજકાલ આ પ્રિન્ટેડ કોટન પેન્ટ બોલિવૂડની અને હોલિવૂડની અભિનેત્રીઓની પણ પસંદગીમાં છે. પહેરવામાં હળવા, આરામદાયક અને સૌથી મહત્વની વસ્તુ એ કે તે સૌથી વધારે કમ્ફર્ટેબલ હોય છે કારણકે તેમાં સ્ટ્રેચેબલ પેન્ટ પણ હોય છે. જે સૌથી વધારે લોકપ્રિય જોવા મળી રહ્યા છે.

કોટન પ્રિન્ટેડવાળા પેન્ટમાં તમને કેવી પ્રિન્ટ શોભશે તે પણ જરૂરી છે. પ્રિન્ટમાં ફ્લોરલ પ્રિન્ટની ઝીણી ડિઝાઇન, ચેક્સ પ્રિન્ટ, એનિમલ પ્રિન્ટ, ડોટ્સ, વેજીટેબલ પ્રિન્ટ, અનઇવન લાઇનિંગ વગેરે જોવા મળે છે. બોલ્ડ પ્રિન્ટ એટલે કે મોટી ડિઝાઇનવાળી પ્રિન્ટ તમારા વ્યક્તિત્વને શોભે છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તમારી ઊંચાઇ ઓછી હોય તો બોલ્ડ પ્રિન્ટના પેન્ટ ન પહેરવા જોઇએ. તમે ફ્લોરલ પ્રિન્ટની ઝીણી ડિઝાઇનવાળા પેન્ટ પસંદ કરી શકો છો અથવા ઝીણી લાઇનિંગવાળી પ્રિન્ટ પણ શોભશે. જો તમારી ઊંચાઇ વધારે હોય તો તમે કોઇપણ પ્રિન્ટના પેન્ટ પર પસંદગી ઊતારી શકો છો. ઝીણી પ્રિન્ટ તમને વધારે આકર્ષક બનાવશે. આ પ્રિન્ટેડ પેન્ટ સાથે તમે પ્લેઇન કલરની ટી-શર્ટ્સ, સ્લીવલેસ ટોપ, જર્સી, ટ્યુનિક, સ્પગેટી, ઓફ શોલ્ડર ટોપ, ક્રોપ ટોપ પહેરી શકો છો. પ્લેઇન કલરના ટોપ અને પ્રિન્ટેડ પેન્ટનું કોમ્બિનેશન તમને સેક્સી અને આકર્ષક લુક આપે છે. તેમાં પણ સ્લીવલેસ ટોપ તમને વધારે આકર્ષક બનાવે છે. તો  વળી પ્રિન્ટેડ પેન્ટની સાથે જ્યારે પ્લેઇન કલરનું ટોપ પહેર્યું હોય તો સાથે તમે લોન્ગ કોટન સ્રગ કે શોર્ટ કોટ પહેરી શકો છો.

ઊનાળામાં વધારે તાપ સામે કોટનના પ્રિન્ટેડ પેન્ટ તમને હળવાશનો અનુભવ કરાવે છે. જે પહેરીને તમે પિકનિક પર જઇ શકો. ઓફિસમાં જો આ પેન્ટ પહેરવા હોય તો તેની સાથે જર્સી પહેરી શકાય. આ પેન્ટની સાથે તમે હાય હીલના સેન્ડલ પહેરી શકો છો. તો હવે તમે પણ પેન્ટ પહેરવાનું પસંદ કરતા હો અને સાથે જ હળવાફૂલ રહેવું હોય તો તમારા વોર્ડરોબમાં પ્રિન્ટેડ કોટન પેન્ટને સ્થાન આપી દો. આરામદાયક, આકર્ષક લાગવાની સાથે તમે કુલ લાગશો.

 

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment