ગુજરાતી ફિલ્મો બનાવવાનું જે રીતે પૂર આવ્યું છે, તે જોતા આનંદની સાથે ડર પણ છે કે આ પૂરમાં ક્યાંક ઇન્ડસ્ટ્રી ફરીથી પહેલાની જેમ મુશ્કેલીમાં ન મૂકાઇ જાય. અતિશય ભોજન પણ અપચો ઊભું કરી દેતું હોય છે, પછી ભલેને તે મનપસંદ ભોજન કેમ ન હોય. તે શરીરને બગાડે જ છે. સરકારે જ્યારથી ગુજરાતી ફિલ્મોની સબસિડી જાહેર કરી છે, ત્યારથી ગુજરાતમાં તો ગુજરાતી ફિલ્મો બનાવવાનો રાફડો ફાટ્યો છે. કેટલીક વ્યક્તિઓને હવે પ્રોડ્યુસર બનીને ફિલ્મો બનાવવા પાછળ પૈસા રેલાવવાની ઇચ્છા થવા લાગી છે. લેખકો કે ડાયરેક્ટર હવે આવા પ્રોડ્યુસરોની સતત શોધખોળમાં છે, કે તેમની પાસે કોઇ સારી વાર્તા છે, તો તેની ફિલ્મ બની જાય. વળી, નવા નવા કલાકારો પણ ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી લેવા લાગ્યા છે. જેનું પરિણામ કેટલેક અંશે એવું પણ જોવા મળી રહ્યું છે કે દર્શકો દરેક ગુજરાતી ફિલ્મો પસંદ કરી રહ્યા નથી.

વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં કેટલીક રોમેન્ટિક, ડ્રામા અને કોમેડી ફિલ્મો આવી ગઇ છે પણ તેમાંથી એકપણ સફળ થઇ નથી. જાન્યુઆરીમાં આવેલી હુતુતુતુ ને ઠીક ઠીક પસંદ કરવામાં આવી જ્યારે રોમાન્સ કોમ્પલિકેટેડને લોકોએ સ્વીકારી જ નહીં. ફેબ્રુઆરીમાં આવેલી સંબંધોની સોનોગ્રાફી ફિલ્મ વિશે તો કેટલાક ને જાણ પણ નહીં હોય જ્યારે પોલમપોલ અને લવ યુ બકા પણ જોઇએ તેટલું દર્શકોના મન પર સારી છાપ ઊભી કરી શકી નહોતી. ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર હિતેન કુમારની ફિલ્મ પ્રેમરંગને પણ સારો પ્રતિસાદ મળ્યો  નહોતો. તો ઓલવેઝ રહીશું સાથે જેવી પ્રેમકથાને પણ દર્શકો સ્વીકારી શક્યા નહીં. જ્યારે લવ યુ બકા તો લોકોનો જરાપણ પસંદ નહોતી આવી. માર્ચમાં રીલીઝ થયેલી 3 ડોબા-થ્રી મિસ્ટેક્સ ઓફ ગોડ્સ ફિલ્મ ખરેખર ડોબા કરી દે તેવી હતી. જ્યારે હવે કેટલીક કોમેડી અને રોમેન્ટિક ફિલ્મો ફરી દર્શકોને ફરીથી ગુજરાતી ફિલ્મોની અસર જળવાઇ રહે તે માટે આવી રહી છે. જેમાં  થઇ જશે, દે તાલી, દાવ થઇ ગયો યાર, ગાંધીની ગોલમાલ, રોમિયો અને રાધિકા, લવારી, આપણે તો છીએ બિન્દાસ, હાર્દિક અભિનંદન, વિટામિન શી, કંઇક કરને યાર, વેલકમ બેબી, કેરી ઓન કેસર, લવ-લગન ને લોચા, તુ તો ગયો, પટેલ વર્સીસ પેટ્રીક, જે પણ કઇશ એ સાચું જ કઇશ, પાઘડી, કમીટમેન્ટ જેવી અનેક ફિલ્મોમાંથી કેટલીક આવી ચૂકી છે અને કેટલીક આવી રહી છે. વળી, કેટલીક ફિલ્મો રીલીઝ થવાના સમય કરતા ઘણા મહિનાઓ બાદ રીલીઝ થશે તેવી શક્યતાઓ છે. હજી તો કેટલીક ફિલ્મોના સ્ટારકાસ્ટ સિલેક્ટ થઇ રહ્યા છે, તો કેટલીક ફિલ્મોના નામ નક્કી થઇ રહ્યા છે. એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં તો લગભગ 100થી વધારે ગુજરાતી ફિલ્મો ગુજરાતી દર્શકોને જોવા મળશે. પણ હા તેમાંથી કેટલી જોવાલાયક હશે તે તો દર્શકોએ જ નક્કી કરવાનું રહેશે. ને કેટલી ફિલ્મો પસંદગીના ધોરણોમાં અગ્રેસર રહેશે તે પણ તેમના હાથની જ વાત છે.

હવે તો સ્ટોરી ભલે સારી હોય કે ન હોય પણ ગુજરાતી ફિલ્મોના ટાઇટલ એટલા બધા સરસ રીતે રાખવામાં આવે છે અને સાથે જ પોસ્ટર્સ એટલા બધા ઇફેક્ટિવ બનાવવામાં આવે છે કે ગુજરાતી દર્શકોને તે ફિલ્મ જોવા માટે તત્પરતા થવા લાગે છે પણ જેવું ફિલ્મનું ટ્રેલર બહાર આવે તેના પરથી જ ફિલ્મ કેટલી ઇફેક્ટીવ છે, તે ખબર પડી જાય છે. વળી, કેટલાક દર્શકો ટ્રેલરથી ઇમ્પ્રેસ થઇને ફિલ્મ જોવા દોડી જાય પણ પછી ફિલ્મ પસંદ પડતી નથી. તેમાં પણ દરેક ફિલ્મમાં મોટાભાગે નવા જ કલાકારો જોવા મળતા હોય છે. જેને કદાચ દર્શકો સાથે પરિચય થતા વાર લાગે અને દર્શકો તેને કલાકાર તરીકે સ્વીકારે ત્યા સુધીમાં તો ફિલ્મ પૂરી થઇ જતી હોય છે. જોકે દરેક ફિલ્મો દર્શકોને પસંદ પડશે જ તેવું નથી. યોગ્ય વાર્તા, ફિલ્મમાં પાત્રનું સ્ટોરીના પ્રમાણેનું સિલેક્શન, ડાયલોગ ડિલીવરી, સ્ક્રિપ્ટ તેમજ બીજા અનેક ટેકનિકલ કારણો પણ મહત્વનો ભાગ ભજવતા હોય છે. કોઇપણ વ્યક્તિ કલાકાર નથી બની શકતી. ઘડાયેલો અને અનુભવી કલાકાર તરત જ દેખાઇ આવે છે. તેથી તેને દર્શકો પસંદ કરે છે અને તે ફિલ્મ પ્રથમ સ્થાને પહોંચી જાય છે.

જોકે બે યાર અને કેવી રીતે જઇશ ફિલ્મ બનાવનાર અભિષેક વિશે ખાસ લખીશ કે તેણે ગુજરાતી ફિલ્મોને જે યુ ટર્ન આપ્યો છે અને સારી ફિલ્મો દર્શકોને દેખાડવાનું જે બીડું ઝડપ્યું છે, તે તેણે જાળવી રાખ્યું છે. બોલિવૂડના ફેન્ટ્મ હાઉસ સાથે તેણે ત્રણ ગુજરાતી ફિલ્મ બનાવવાનો કરાર કર્યો છે. આ આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે. તે હાલમાં પોતાની આવનારી ફિલ્મમાં બીઝી છે. તે ફિલ્મ બનાવવામાં સમય લે છે પણ યોગ્ય અને સ્વાદિષ્ટ રસોઇ બનાવીને જ દર્શકો સમક્ષ પીરસવા માટે ટેવાયેલો છે, તે વાતમાં બેમત નથી.

ગુજરાતી ફિલ્મો તો આડેધડ બનવા લાગી છે, અધધધ બની રહી છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે, તે ખૂબ સારી બાબત છે. તેમાં પણ હવે તો કેટલીક ફિલ્મોમાં બોલિવૂડ સુધી નામના મેળવી ચૂકેલા આપણા ગુજરાતી કલાકારો પણ એન્ટ્રી કરવા જઇ રહ્યા છે. જેમાં અરૂણા ઇરાની, ટીકુ તલસાણીયા, મનોજ જોશી, કિશોર ભાનુશાળી, મોનલ ગજ્જર, સુપ્રિયા પાઠક, દર્શન જરીવાલા જેવા કલાકારો હવે ગુજરાતી ફિલ્મોના પડદા પર જોવા મળી રહ્યા છે. આ ગુજરાતી ફિલ્મોની અચ્છે દિન આયે વાળી સફળતા કહી શકાય પણ તેની સામે આડેધડ વાર્તા લઇને ફિલ્મો બનવા લાગે તે યોગ્ય નથી. ફિલ્મો ઓછી અને સારી બને તે ગમશે. દર્શકો પણ દરેક ફિલ્મને પ્રેમથી સ્વીકારશે અને તે સફળ પણ થશે પણ ફિલ્મો અર્થ વિનાની બનવા લાગે તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ નહીં પણ પાછળ લઇ જશે. તેથી ફિલ્મો કેવી અને કઇ રીતની બનાવવી તે ગુજરાતીઓના જ હાથની વાત છે.

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment