દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમનું ઘર અન્ય કરતા સુંદર અને અલગ દેખાય. તેના માટે રોજ સાફ-સફાઇ અને સાચવણી કરવામાં આવે છે, જેનાથી ઘરની સ્વચ્છતા જળવાઇ રહે છે. રોજના નિત્યક્રમની સાથે સાથે ઘરને નવું દેખાડવા માટે પણ સમય-સમય પર ફેરફાર કરતા રહેવા જોઇએ. જેનાથી આખુ ઘર સુંદર દેખાય છે. જો તમે પણ તમારા ઘરના દરેક ખૂણાને સુંદર બનાવવા અને દેખાડવા ઇચ્છતા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો.
જો ઘરનું ફર્નીચર જૂનું થઇ ગયું હોય તો તેમાં થોડો ફેરફાર કરીને કે નવું ફર્નીચર ખરીદીને ડ્રોઇંગરૂમને નવો લુક આપી શકો છો. જો સોફાના કવર વર્ષોથી એકસરખા જ ઉપયોગમાં લઇ રહ્યા હો, અને બેસી બેસીને તેના ફોર્મ પણ ખરાબ થઇ ગયા હોય તો તેને બદલી શકો છો. તેની સાથે જ તમે ડ્રોઇંગરૂમમાં મૂકેલી સેટી, કાઉચ વગેરેનું મેચિંગ પણ કરી શકો છો. સાથે જ નાના નાના કૂશન મૂકીને તમે આખા રૂમનું ઇન્ટિરીયર ખાસ બનાવી શકો છો. જો અત્યાર સુધી તમે કોઇ એક ખાસ કલરને જ પસંદ કરતા હો તો વારાફરતી અન્ય કલરનો ઉપયોગ કરીને પણ ડ્રોઇંગરૂમના ક્લેવરને બદલી શકો છો.
વેલવેટનો ઉપયોગ
હોમડેકોરમાં વેલવેટનો ઉપયોગ ખૂબ જોવા મળી રહ્યો છે. તેનાથી તમે સંપૂર્ણ ઇન્ટિરીયરને બદલી શકો છો. વેલવેટના કાઉચ ઘરને લક્ઝરીયસ લુક આપે છે. સાથે જ વેલવેટના કવર ડ્રોઇંગરૂમનું રૂપ બદલી શકે છે.
ખાસ કરવા જેવા ફેરફાર
- બેડરૂમનો મહત્વનો ભાગ બેડ હવે દરેક સાઇઝ અને આકારમાં મળી રહે છે. જો તમારો બેડ હવે જૂનો થઇ ગયો હોય તો તેને બદલી પણ શકો છો અથવા મોડીફાઇ પણ કરાવી શકો છો. જેનાથી રૂમમાં ફેરફાર પણ જોવા મળે અને આરામ પણ મળે.
- ઘરના લૂકને બદલવાની સૌથી સરળ રીત ઘરની લાઇટને બદલવી છે. તમે વિન્ટેજ મશરૂમ લેમ્પને કોઇપણ રૂમમાં ટ્રાય કરો, તેનાથી રૂમ ચમકી ઊઠશે. આ લેમ્પમાં નાની નાની લાઇટ્સ લગાવેલી હોય છે. જ્યારે તેને ઘરના કોઇ ખૂણામાં લગાવીને ચાલુ કરવામાં આવે છે, તો તેનાથી ઘણુ મેજીકલ અને રીલેક્સ ફીલ થાય છે.
- ગ્રીનરી પણ ઘરમાં રાખવી જોઇએ. હાલમાં દિવાલો અને સિંલીગમાં વેલ લગાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. તેના માટે નાના ફૂલછોડનો ઉપયોગ કરવામાં આવે છે. તેને લગાવવું પણ સરળ છે અને તેને પાણી પણ ઓછું જોઇએ છે.
- આખા રૂમમાં એક એટ્રેક્ટિવ ફ્રેમ અને ડેકોર પીસ જરૂરથી લગાવો. તે આખા રૂમને ખાસ બનાવી દે છે.
કેટલીક ધ્યાનમાં રાખવાની વાતો
- જૂના અને નવાનું કોમ્બિનેશન તો કરી શકાય છે પણ એવું ન થવું જોઇએ કે જે ફર્નીચર સજાવ્યું હોય તે એટ્રેક્ટિવ ઓછું અને બારી જેવું વધારે લાગે. જેથી જે પણ ફેરફાર કરો તે સમજી વિચારીને કરવો.
- ઘરના દરેક ખૂણાનું પોતાનું મહત્વ હોય છે પણ આપણે મોટાભાગે લિવિંગ રૂમની સજાવટમાં જ વધારે ધ્યાન આપીએ છીએ. તે સમયે ગેસ્ટરૂમ. ડ્રાય એરીયા અને બાલ્કનીને ભૂલી જઇએ છીએ. તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
- બેડરૂમમાં ફક્ત બેડ જ ન રાખો પણ તેની આસપાસ ઇઝી ચેર કે નાની સેટી કે કોઇ સરળ બેઠક રાખી શકો છો.
- તમે રૂમમાં જે પણ વસ્તુની સજાવટ કરો તેની થીમ રૂમને વધારે એટ્રેક્ટિવ બનાવે તેવી હોવી જોઇએ.
- ઘરમાં હંમેશા તાજા ફૂલ જરૂરથી રાખવા.
- વધારે પ્રમાણમાં સામાન ભેગો કરવો નહીં અને જે વસ્તુઓનો ઉપયોગ ન થતો હોય, તેને રાખી મૂકવી નહીં.
- ઘરને સુંદર બનાવવા અને તેની સુંદરતા જાળવી રાખવા તેમાં ફેરફાર કરતા રહો. કંઇક અલગ વિચારો. દર વખતે કઇક નવું ટ્રાય કરો.