હવે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. પંખા ચાલુ થઇ ગયા છે અને ઇચ્છા એવી થાય કે બપોરના સમયે ઘરમાં જ રહીએ. એવામાં ઘરમાં થોડી ઠંડક હોય તો સારું લાગે છે. તો પછી ઘરની સજાવટ હવે એ પ્રકારે કરીએ કે ઉનાળાની ગરમીમાં પણ ઘરમાં ઠંડક રહે.

ઉનાળો આવી ગયો છે અને સૂર્યનારાયણની ગરમી દિવસે દિવસે તેમનો સ્વભાવ દર્શાવી રહી છે. હવે તો થોડી વાર ઘરની બહાર નીકળીએ તો પણ ઇચ્છા થાય કે ઘરમાં પાછાં જતાં રહીએ. ત્યારે તમે તમારા વોર્ડરોબને તો અપડેટ કરી દીધો હશે. ઉનાળામાં પહેરવાનાં આઉટફિટ્સથી કેમ કે મોટા ભાગનાં લોકો ઉનાળામાં પહેરવાનાં પોશાક અલગ જ રાખતાં હોય છે. તો પછી ઘરના ઇન્ટિરિયરમાં પણ થોડો ફેરફાર શા માટે ન કરવો? જેથી ઉનાળામાં ઘરની સજાવટ કંઇક અલગ દેખાવાની સાથોસાથ ગરમીમાં થોડી રાહત પણ અનુભવાય?

મોસમનો વિચાર કરીને ઘરમાં યોગ્ય કલર્સની પસંદગી કરવી ખૂબ જરૂરી બની રહે છે કેમ કે શિયાળામાં આપણે ડાર્ક કલર્સ અને કોઝી લુક મળે તેવો પ્રયત્ન કરતા હતા, જ્યારે ઉનાળામાં લાઇટ કલર્સ અને રૂમમાં થોડી મોકળાશ હોય તો વધારે સારું રહે છે. લાઇટ અને કૂલ કલર્સની વાત કરીએ તો બ્લ્યુ અને પર્પલના અનેક શેડ્સ અને ખાસ કરીને તેના લાઇટ ટોન્સ આ સિઝને માટેના સારા ઓપ્શન્સ બની રહે છે. બ્લ્યુના વિવિધ શેડ્સમાં આઇસી બ્લ્યુ, સ્કાય બ્લ્યુ તો પર્પલમાં મિડ ટોન કલર પસંદ કરી શકાય છે. તમને ઘરમાં વધારે એક્સપરિમેન્ટ કરવાનું પસંદ ન હોય તો ઇન્ટિરિયર સિમ્પલ દર્શાવવા માટે માત્ર વ્હાઇટ કલરનો જ ઉપયોગ કરો. અલબત્ત, માત્ર અને માત્ર વ્હાઇટને બદલે તેના કોમ્બિનેશનમાં લાઇટ શેડ્સના ગ્રે, ગ્રીન કે બ્રાઉન લઇ શકો. આ કોમ્બિનેશન ઉનાળામાં રાહત આપવા માટે પરફેક્ટ છે.

હા, તમે એક દલીલ કરશો કે દરેક સિઝન અનુસાર દીવાલનો કલર ચેન્જ કરતાં રહીએ તો એમાંથી ઊંચા જ ન આવીએ અને ખર્ચ પણ એટલો જ થાય. વાત સાચી અને તેથી જ તમે વોલ પેપર અથવા વોલ પેઇન્ટિંગ્સ અથવા હવે માર્કેટમાં મળતા વોલ સ્ટિકર્સનો ઉપયોગ પણ કરી શકો છો. એનાથી ખર્ચ પણ વધારે નહીં થાય. કલર્સની વાત નીકળી છે, તો દીવાલોના કલર્સની સાથોસાથ કર્ટન્સ અને અન્ય ફેબ્રિક્સમાં પણ કેટલાક એક્સપરિમેન્ટ કરી આખા ઘરનો લુક બદલી શકો છો. લિનન. શિફોન જેવા ફેબ્રિક્સનો થોડોઘણો ઉપયોગ કરી તમે ઘરમાં સોફ્ટ કલર થીમ અપનાવી ઘરમાં ઠંડકનો અનુભવ કરી શકો છો. લાઇટ કલર્સની સાથે કેટલાક બ્રાઇટ કલર્સના વિવિધ શેડ્સનો ઉપયોગ કરીને તમે ઘરને ફ્રેશ ફીલિંગ પ્રદાન કરી શકો છો.

હવે ઉનાળામાં બારી-બારણાં પર હેવી મટિરિયલના કર્ટન્સ, બેડ કવર્સ કે સોફા કવર્સ નહીં જોઇએ. તેને તમે સારી રીતે વોશ કરીને મૂકી દો અને ઉનાળા માટે કોટન, લિનન કે અન્ય કોઇ ફેબ્રિક્સ સારાં રહેશે. આમાંથી બનાવેલા કર્ટન્સ, સોફા કવર્સ, બેડશીટ્સ અને ટેબલ ક્લોથ્સ માટે પરફેક્ટ છે. એમાંય જો તમે લાઇટ કલર્સના ફેબ્રિક્સની પસંદગી કરી હોય તો તો ઘર એકદમ તાજગીસભર લાગશે. તમે ઇચ્છો તો કર્ટન્સમાં ફેબ્રિક્સને બદલે બ્લાઇન્ડ્સ અથવા ચિક પણ લગાવડાવી શકો છો.

બારી કે બારણાંમાંથી રૂમમાં આવતા તડકો અને ગરમી ઓછા લાગે તે માટે બ્લાઇન્ડ્સ, વિન્ડો શેડ્સ, કર્ટન્સનો ઉપયોગ કરો. એ ખાસ ધ્યાન રાખો કે તેનો કલર બને ત્યાં સુધી વ્હાઇટ જ હોય કેમ કે વ્હાઇટ કલર ગરમીને એબ્સોર્બ કરતો નથી. ઉનાળામાં દિવસના સમયે પૂર્વ અને સાંજના સમયે પશ્ચિમ દિશામાં આવેલી બારીઓના કર્ટન્સ બંધ રાખો કેમ કે આ બંને તરફની બારીઓમાંથી તીવ્ર તડકો ઘરમાં આવે તો વધારે ગરમી લાગે છે.

શિયાળામાં તમે ઘરમાં ઝગમગતા બલ્બ્સ અને લાઇટ્સની અરેન્જમેન્ટ્સ કરી હશે. જેથી શિયાળામાં ઘરમાં હૂંફ મળે, પણ હવે ઉનાળામાં તેમાંથી નીકળતો પ્રકાશ ઘરને ગરમી પ્રદાન કરે છે. વધારે ગરમી ન લાગે તે માટે જરૂર ન હોય ત્યાં સુધી લાઇટ્સ ચાલુ ન કરો. ઉનાળામાં બલ્બ અને હેલોજન લાઇટ્સને બદલે સીએફએલનો ઉપયોગ કરો અને બને ત્યાં સુધી ડિમ લાઇટનો જ ઉપયોગ કરો જે તમારા ઘરની સાથોસાથ મૂડને પણ કૂલ રાખશે. ઉનાળમાં ઓફિસેથી થાકીને આવ્યા પછી ઠંડા પાણીથી શાવર લઇ ડિમ લાઇટ સાથે પંખો ચાલુ કરીને બેસવાથી તમારો દિવસભરનો થાક ઊતરી જશે.

ઉનાળામાં તમે ફેબ્રિકમાં બને ત્યાં સુધી ઓછા લેયર્સનો ઉપયોગ કરો. શિયાળામાં એકસ્ટ્રા કર્ટન્સ, બેડ કવર્સની જરૂર પડતી હતી, પણ હવે ઉનાળામાં એ જરૂરી બની જાય છે કે તમે ઘરમાં એક્સ્ટ્રા ફર્નિચર હોય તો તેને પણ સ્ટોરરૂમમાં મૂકી દો. જેથી ખુલ્લી અને સ્વચ્છ જગ્યા તમારા રૂમને હવાઉજાસવાળા અને વિશાળ દર્શાવશે. બને તો ઓછી હાઇટ હોય એવું ફર્નિચર ઘરમાં રાખો. આનાથી રૂમ વધારે મોટા લાગે છે.

અન્ય ઉપયોગી ટિપ્સઃ

– ઉનાળામાં દિવસના સમયે પાણીના કામ જેમ કે, શાવર લેવો, કપડાં ધોઇને સૂકવવા વગેરે બને એટલાં વહેલાં કરી લો કેમ કે દિવસના સમયે ગરમીની સાથે હ્યુમિડિટી વધવાથી વધારે ગરમી લાગે છે.

– જો તમારા ગાર્ડનમાં અનેક સ્ટોન્સ રાખ્યા હોય તો દિવસના સમયે તેને કપડાંથી ઢાંકી દો કેમ કે આ સ્ટોન્સ પર તડકો આવે છે અને તેની ગરમી રિફ્લેક્ટ થઇને ઘરને પણ ગરમ કરી શકે છે.

– દિવસના સમયે બારીઓ બંધ રાખો, પણ સંધ્યા સમયે એટલે રાત થવા આવે ત્યારે બારીઓ ખોલી નાખો. જેથી ઘરમાંની ગરમ હવા બહાર નીકળી જાય અને બહારની તાજી હવા ઘરમાં આવે, જે થોડી ઠંડક પ્રસરાવે. – સ્નાન કરવા માટે જાવ ત્યારે બાથરૂમમાં લગાવેલ એક્ઝોસ્ટ ફેન ઓન કરી દો અને સ્નાન કરતી વખતે બારણું બંધ રાખો.

– શિયાળામાં તમે જમીન પર કાર્પેટ્સ અને રગ્સ પાથર્યા હતા તે હવે ન પાથરો. તેનાથી ગરમી વધારે લાગે છે.

– દિવસે રસોઇ કરતી વખતે બને ત્યાં સુધી ઇલેક્ટ્રોનિક સાધનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરો કેમ કે તેનાથી પણ હીટ ઉત્પન્ન થાય છે, જેનાથી રસોડાનું વાતાવરણ વધારે ગરમીભર્યું લાગે છે.

– ઘરને તાજગીભર્યો લુક આપવા માટે રૂમમાં એર ફ્રેશનરનો સ્પ્રે કરો અને તાજાં ફૂલોને ફ્લાવરવાઝમાં ગોઠવો.

 

 

Loading

Spread the love

Leave a Comment