ઘણી વાર તમે કોઇના ઘરે જાવ, ત્યારે ત્યાં પગ મૂકતાં જ તમને થાય કે, ‘વાહ, કેવી સરસ જગ્યા છે! અહીં રહેવાની ખૂબ મજા આવે.’ ક્યારેક કેટલાક લોકોના ઘરે જઇએ કે મનમાં ચટપટી ઊપડે, ‘ઝડપથી અહીંથી જઇએ તો સારું. કંઇ ગમતું નથી. ઘરે જતાં રહીએ.’

આવું કેમ થતું હોય છે, જાણો છો?  જે તે જગ્યા અને ત્યાંના વાતાવરણની તમારા મન પર અસર પડતી હોય છે. આ અસર એટલે કે ઊર્જા સારી એટલે કે પોઝિટિવ અથવા ખરાબ એટલે કે નેગેટિવ હોઇ શકે છે.

આપણે ત્યાં પ્રાચીનકાળથી રિવાજ ચાલ્યો આવે છે કે ઘરની સજાવટ કરવામાં લોકો જાતજાતના ઉપાય કરે છે. જેમાં વિવિધ પ્રકારની સજાવટની આકર્ષક અને સુંદર વસ્તુઓથી ઘરને સજાવે છે. જોકે તમે ઇચ્છતાં હો કે તમારા ઘરમાં સજાવવામાં આવેલ દરેક વસ્તુ શુભ ફળ આપનાર નીવડે અને તેના દ્વારા તમને તેમ જ તમારા પરિવારજનોને પોઝિટિવ એનર્જી મળે તો વાસ્તુશાસ્ત્રમાં એ વિશે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે.  એ ઉપાય અપનાવીને તમે ઘરમાં પોઝિટિવ એનર્જી લાવી અને સુખસમૃદ્ધિના દ્વાર ખોલી શકો છો. ચાલો, આવા કેટલાક ઉપાયો વિશે જાણીએ.

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ જેમ કે, ક્રિસ્ટલ બોલ, ફ્લાવરવાઝ, કાચની જમ્પિંગ ફિશ કે ડોલ્ફિન વગેરેને ઘરના કોઇ પણ રૂમ, ડ્રોઇંગરૂમ, બાલકની, સ્ટડી રૂમ વગેરેની પૂર્વોત્તર દિશાના ઇશાન ખૂણામાં સજાવી શકો છો. આમ કરવાથી બાળકોના અભ્યાસ, બુદ્ધિ તથા સર્જનાત્મક વિચારશક્તિ ખીલશે અને તેઓ વધારે ઊર્જાવાન બનશે.
  • ક્રિસ્ટલના કાચબા કે પિરામિડને ઓફિસ કે સ્ટડી રૂમની ઉત્તર દિશાની દીવાલ પાસે રાખવાથી ઉજ્જવળ ભવિષ્ય અને કરિયરમાં પ્રગતિ પ્રાપ્ત થાય છે. આર્થિક રીતે પણ તે લાભકારક નીવડે છે.
  • કાચ કે ક્રિસ્ટલના ગ્લોબ કે પૃથ્વીના સ્વરૂપને તમારા ઘરના ડ્રોઇંગરૂમ, માસ્ટર બેડરૂમ અથવા ઓફિસમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં એવી રીતે રાખો કે તે જમીનથી બે-અઢી ફૂટની ઊંચાઇએ રહે. આમ કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે. દાંપત્યજીવન પણ ખુશાલીભર્યું બની રહે છે.
  • ટેરાકોટા, માટી કે પત્થરમાંથી બનાવેલા શો-પીસ ભૂમિ તત્વનું પ્રતીક છે. આથી આવી સજાવટની વસ્તુ જે ટેરાકોટામાંથી બનેલી હોય તેને ડ્રોઇંગરૂમની દક્ષિણ-પશ્ચિમ દિશાના કોર્નરમાં ગ્લાસ ટોપ ધરાવતી ટિપોઇ કે ટેબલ પર સજાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આમ કરવાથી ઘરમાં ભૂમિ તત્વ સક્રિય બને છે અને એથી પરિવારના મુખ્ય વ્યક્તિના જીવનમાં અનેક ચડાવ-ઉતારનો કે સમસ્યાઓનો સામનો કરવો નથી પડતો. તેમના જીવનમાં સ્થિરતા આવે છે અને પ્રગતિ થાય છે.
  • આજકાલ માર્કેટમાં સ્ટોનમાંથી બનાવેલી કલાત્મક મૂર્તિઓ કે ક્લાસિક લુક ધરાવતા હેવી શો-પીસ મળે છે. આવી વસ્તુઓને ઘરમાં દક્ષિણ-પશ્ચિમ ભાગમાં રાખવી જોઇએ. આવી ભારે વસ્તુઓ ક્યારેય ઘરની મધ્યમાં જેને બ્રહ્મ સ્થાન કહે છે, ત્યાં ક્યારેય ન મૂકવી, કેમ કે એ સ્થાન પ્રકૃતિના પાંચમા એટલે કે આકાશ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને એ જગ્યાએ ભારે શો-પીસ રાખવાથી પરિવારમાં નકારાત્મક એનર્જી પ્રવર્તે છે. જેના લીધે મતભેદ, ઝઘડા, કજિયા વગેરે થાય છે.
  • કોઇ પણ ધાતુ જેમ કે, લોખંડ, તાંબું, પિત્તળ, કાંસા વગેરેમાંથી બનાવવામાં આવેલ સામાન્ય વજન ધરાવતા અથવા નાનાં શો-પીસને ઉત્તર દિશામાં મધ્યમાંથી શરૂ કરી ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ દિશામાં સજાવી શકાય છે. ધાતુ તત્વની આ દિશાઓ પોતાના ઇચ્છિત તત્વ એટલે કે ધાતુ પ્રાપ્ત થતાં તરત જ પોઝિટિવ એનર્જી ઉત્પન્ન કરે છે અને એથી પરિવાર, સહકર્મચારીઓ, મિત્રો અને સગાંસંબંધીઓ તરફથી માન-સન્માન અને પ્રેમ પ્રાપ્ત થાય છે. શનિ ગ્રહનું પ્રતિનિધિત્વ કરનારી સંપૂર્ણ પશ્ચિમ દિશા પોઝિટિવ બનવાથી તમે કોઇ પણ વ્યક્તિ તરફથી સમયાંતરે સહકાર મળતો રહે છે.
  • લાકડાં, વાંસ, બામ્બૂ અને પ્લાન્ટ્સ ગોઠવવા માટે વિવિધ ભાગનો ઉપયોગ કરીને કલાત્મક રીતે સજાવવા માટે બનેલા શો-પીસ, વોલ હેંગિંગ, કોર્નર ટિપોઇ, ચિક વગેરે માટે ઘરની પૂર્વ અને દક્ષિણ-પૂર્વ દિશા સૌથી વધારે યોગ્ય ગણાય છે કેમ કે આ બંને દિશાઓનું પ્રતિનિધિત્વ કાષ્ઠ તત્વ કરે છે. આ જગ્યાએ લાકડાંમાંથી બનાવેલાં શો-પીસ અને અન્ય પ્રકારની લાકડાંની ચીજવસ્તુઓ કે ફર્નિચર રાખવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થવાની સાથોસાથ વડીલોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને ઘરની આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે.
  • આજકાલ આકર્ષક કલાત્મક કોર્નર લેમ્પ શેડ અને રંગીન શો-પીસ ટ્રેન્ડમાં છે. આ તમામનો ઉપયોગ ઘરની પૂર્વ અથવા પૂર્વ-દક્ષિણ દિશાઓમાં સજાવટ માટે કરો અથવા અલગ અલગ રૂમમાં એ જ બંને દિશાઓમાં લાકડાંના ટેબલ અથવા ટિપોઇ પર લાકડાંના શો-પીસથી સજાવો.
  • જળનું વાસ્તવિક સ્વરૂપ ધરાવતા શો-પીસ જેવા કે અસલી ફાઉન્ટન, વોટરફોલ કે એક્વેરિયમ વગેરેને ઘરની ઉત્તર દિશામાં બનેલા રૂમની ઉત્તર દિશામાં સજાવવાથી પરિવારના તમામ સભ્યોની કરિયર પોઝિટિવ અને પ્રગતિકારક બને છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવો આભાસ કરાવતા પેઇન્ટિંગ્સ વગેરેને પણ ડ્રોઇંગરૂમ કે બાલકનીની ઉત્તર દિશાની દીવાલ પર લગાવવા જોઇએ.
  • ઘરમાં વધારે પડતા સોફ્ટ ટોય્ઝ અથવા ફ્લોર કાર્પેટનો ઉપયોગ ન કરો કેમ કે એનાથી તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઇ શકે છે.

 

Loading

Spread the love

Leave a Comment