કોઇ કલાકારને કોઇ અન્ય કલાકાર સાથે કે તેમના અભિનયની ક્યારેય સરખામણી કરતી નથી પણ જ્યારે ફિલ્મ જોઇને જે વસ્તુ માનસપટ પર સતત તરતી થઇ જાય તો તે લખી નાખવી ગમે છે. શ્રી દેવી અને કમલ હસનની ફિલ્મ સદમાને આજેપણ બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. તો હું એટલું જરૂર લખીશ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચિત્કાર એ સદમા જેટલું જ સ્થાન તમારા મન પર છોડશે.

સુજાતા મહેતા અને હિતેન કુમારના અભિનયને ગુજરાતી કલાકારોએ જોવાની અને તેમના અભિનયમાંથી શીખવાની જરૂર છે. ફિલ્મ જોયા પછી લાગ્યું કે જે રીતે બોલિવૂડમાં અનુભવી કલાકારો તેમના પાત્રમાં ઓતપ્રોત થઇ જતા હોય છે અને તેથી જ તેમને સફળતા મળતી હોય છે. આવું જ કંઇક આ ફિલ્મમાં છે. બંને કલાકારો પોતાના પાત્રને સાચુકલી રીતે જીવી રહ્યા છે અને તે જ ફિલ્મની સફળતા છે. ચિત્કાર લોકોના મન સુધી અને દિલ સુધી પહોંચવા માટે તૈયાર છે અને પહોંચશે જ.

શું છે ચિત્કાર ? ખરેખરા અર્થમાં મનનો, એક પ્રકારની માનસિકતાનો છે ચિત્કાર ? આ ચિત્કાર કોનો ? કેવો ? કેમ ? ક્યારે ? કોના માટે ? કોના લીધે ? કોના વડે ? જેવા અનેક સવાલોના જવાબ ફિલ્મ જોયા પછી મળી જશે. પહેલીવાર મનોરોગી દર્દીઓને સમજવાની તક ફિલ્મ ચિત્કાર જોયા પછી મળી. તેમની લાગણી, તેમના વિચારો, તેમની પરિસ્થિતી, તેમની લાચારી, તેમની વ્યથા-કથા, તેમના જીવનના પાસાઓ વગેરે અનેક બાબતોને ચિત્કારમાં સાંકળી લેવામાં આવી છે. સમાજમાં તેમનું સ્થાન, તેમના પ્રત્યેનો પ્રેમ, આદરભાવ, ધૂત્કાર વગેરે બાબતોને પણ ધ્યાન પર લેવામાં આવી છે.

 

હું તો કહીશ કે જ્યારે કલાકાર પોતાના પાત્રમાં ખરેખરા અર્થમાં ડૂબી જાય, તેના પાત્રની તેના મન-હૃદય પર અસર થાય ત્યારે સમજવું કે કલાકારે તની કલાને પોતાનામાં સમાવી લીધી છે. એક કલાકાર તરીકે તે સંપૂર્ણતાની ટોચ પર પહોંચી ગયા છે. આવા કલાકારની કલાને જ્યારે નિહાળીએ ત્યારે દર્શક તરીકે પણ આપણે તેમની સાથે ઓતપ્રોત થઇ જતા હોઇએ છીએ. તેમાં પણ જ્યારે જીવનની વાસ્તવિકતાઓને પડદા પર જોઇએ ત્યારે મન-હૃદયમાં તે ઊંડે સુધી અસર કરી દે છે. હું આજે ફિલ્મના સતત વખાણ જ કરી રહી છું તેવું નથી પણ જીવનની સાચી વાસ્તવિકતા જે આપણી જ આજુબાજુ જોવા મળતી હોય છે, તેના વિશે કહી રહી છું. ચિત્કાર ફિલ્મ કે જેને 25 વર્ષ સુધી 800 જેટલા નાટકના સફળ શો દ્વારા દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. તે હવે ગુજરાતી ફિલ્મના રૂપમાં દર્શકો સમક્ષ આવી ચૂક્યું છે. આજેપણ ઘણા એવા લોકો હશે જેને નાટકનો શો યાદ હશે, કે તેમણે જોયું પણ હશે. હવે તે સફળ થયેલું નાટક ફિલ્મ બની ચૂક્યું છે.

 

સાવરકુંડલા પાસે આવેલા માનવ મંદીર આશ્રમમાં  ફિલ્મના મુખ્ય ભાગનું શૂટીંગ કરવામાં આવ્યું તે ખરેખર ખૂબ જ સરાહનીય અને અચરજ પમાડે એવી વાત છે. 40 જેટલી રત્નાઓ સાથે રહીને ફિલ્મનું શૂટીંગ કરવું તે મુશ્કેલ તો રહ્યું જ હશે. આ પહેલા કોઇ ગુજરાતી ફિલ્મનું શૂટીંગ આ રીતે થયું હોય તેવું મારા ધ્યાનમાં નથી. મનોરોગી વ્યક્તિને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બને અને તે પણ એવા સ્થળે જ્યાં અન્ય દર્દીઓ ક્યારે કેવો પ્રતિભાવ આપશે તે ખબર ન હોય તે સાચે જ સાહસ છે. જે ડિરેક્ટર અને લેખક લતેશ શાહના ફિલ્મ પ્રત્યેના ઊંડાણના દર્શન કરાવે છે. એક સાયકો થ્રીલર ફિલ્મ લખવાનું અને બનાવવાનું સાહસ ઘણા ઓછા લોકો કરતા હોય છે. વાર્તા અને સંવાદો દ્વારા દર્શકોને જકડી રાખવાનો સતત પ્રયત્ન આ ફિલ્મમાં છે.

 

 

ફિલ્મમાં કલાકારા સુજાતા મહેતા માટે લખીયે તેટલું ઓછું છે. ફિલ્મમાં રત્ના અને સોનલ બંને પાત્રને ખૂબ જ સરસ રીતે ભજવ્યા છે. બંને પાત્ર વચ્ચેનો જે તફાવત દર્શાવ્યો છે અને તે તફાવતમાં પણ સતત તેમના તરફના જે ચહેરાના હાવભાવ જોવા મળ્યા છે તેના માટે તો શબ્દો શોધવા પડે અથવા તો ઓછા પડે તેવું લખુ તો ખોટું નથી. ઘણીવાર ઘણા કલાકારોનું પાત્ર એવું હોય છે કે તેમાં સંવાદો તો હોય જ છે પણ તેની આંખના હાવભાવ પણ તમને તેમની મનની સ્થિતીને સમજવામાં મદદરૂપ બની જાય છે. જ્યારે કોઇ કલાકાર પોતાના ચહેરા અને આંખના હાવભાવ પરથી જ દર્શકને તેની માનસિકતા દર્શાવી દે, આકર્ષી લે, જકડી રાખે તો તેના માટે ફક્ત એટલું જ કહી શકાય કે આવા કલાકારો ખરેખરા અર્થમાં ખૂબ ઓછા હોય છે. જેમના માટે દિગ્ગજ શબ્દ લખાય છે.

હિતેન કુમારનાં ભજવાયેલાં ફિલ્મમાં સૌથી આકર્ષી જનારાં દ્રશ્ય વિશે ખાસ લખીશ. એકશ્વાસે બોલાતા ડાયલોગ ‘આ માણસ કોણ ?’ સ્મશાનમાં ભજવાયેલા એ દ્રશ્યમાં યુધિષ્ઠીરના ઉદાહરણ દ્વારા આક્રોશ દ્વારા વ્યક્ત કરીને એક ડોક્ટર તરીકે દર્દી પ્રત્યેના દર્દને અને ફરજને દર્શાવે છે. હિતેન કુમારની એક્ટીંગને પણ સલામ છે. ચહેરા પરના હાવભાવ અને એક્ટીંગ દ્વારા એક મનોચિકિત્સક તરીકેના પાત્રમાં તેમણે પોતે કેટલું ઊંડું રીચર્ચ કર્યું હશે તે દેખાઇ આવે છે. સરળ, નરમ, લાગણીશીલ, કાળજી રાખનાર, ક્યારેક તોફાની તો ક્યારે ગુસ્સાવાળો સ્વભાવ દર્શાવતા તેમના હાવભાવ વિશે તો શું કહી શકાય. અદ્ભૂત.

 

ચિત્કાર ફિલ્મની શરૂઆત કાજલ ઓઝા વૈદ્યના અવાજથી થાય છે. ફિલ્મની શરૂઆતમાં જ 40 વર્ષની વયની મનોરોગી રત્ના (સુજાતા મહેતા)ને માનવ મંદીર આશ્રમમાં લાવવામાં આવે છે. તેની  હિંસકતાને જોઇને સંસ્થાના  ડોક્ટર (દિપક ઘીવાલા) તેને બીજે મોકલી દેવાનું નક્કી કરે છે. રત્નાની માસીની દિકરી તે જ સંસ્થામાં નર્સ તરીકે ફરજ બજાવતી હોય છે, અને તે ત્યાં ફરજ બજાવતા મનોચિકિત્સક ડોક્ટર માર્કંડ ( હિતેન કુમાર)ને ભલામણ કરે છે કે તેમની બહેનને સાજી કરવામાં મદદ કરે. ડો, માર્કંડ મનોચિકિત્સક હોવાથી તે દર્દીને ફક્ત દવાથી નહીં પણ તેને પ્રેમ, હૂંફ, લાગણી અને સમજણથી સાજા કરવામાં માનતા હોય છે. તેમની આ થેરેપીમાં તેમને સ્ટાફના વોર્ડબોય ભૂપો (મનીષ પાટડીયા) મદદ કરે છે. ભૂપાના પાત્રને ભલે ફિલ્મમાં થોડું દર્શાવ્યું હોય પણ તેના દ્વારા જ ફિલ્મમાં બે વખત ટર્નીંગ પોઇન્ટ આવ્યા છે. ફિલ્મમાં ભૂપાના પાત્ર પર ફિલ્માવાયેલાં દિકરીના જન્મ વખતના ગીતમાં દિકરીનું જીવનમાં શું મહત્વ છે, તે દર્શાવ્યું છે. ફિલ્મમાં ધમ ધમ ધમાલ ગીત પણ ખૂબ સુંદર છે. રજત ધોળકિયાના સંગીતને પણ તમે ભૂલી શકશો નહીં અને ફિલ્મના અંતમાં રજૂ કરેલી ભગવતીકુમાર શર્માની માર્મિક કવિતા ફિલ્મને ફરીથી અતથી ઇતિ સુધી સમજાવે છે.

ડો. માર્કંડ રત્નાને સુધારવાનું બીડુ ઉપાડે છે અને તેમાં તે કેટલા સફળ થાય છે, તેના માટે ફિલ્મ જોવા જવી જરૂરી છે. દિપક ઘીવાલા જેવા અનુભવી કલાકારે પોતાના અભિનયને સુંદર રીતે ન્યાય આપ્યો છે. ફિલ્મના સફળ થવા પાછળ ઘણીવાર તેના પાત્રો જ સૌથી વધારે કારણભૂત બનતા હોય છે. ફિલ્મમાં કોઇના મનની વાતને જાણવાની શબ્દોની રમત પણ ખૂબ સુંદર છે. રત્ના શા માટે પાગલ બની, કેવી રીતે, તેની પાછળ ક્યા કારણો જવાબદાર હતા, સારવાર દરમિયાન રત્ના અને ડો. માર્કંડ વિશે લોકો શું કહે છે, એક ડોક્ટર અને દર્દીના સંબંધનો શું અંત આવે છે, તે જાણવા ફિલ્મ જોવા જઇ આવો.

ચિત્કાર જોઇને તમે પણ તમારા મનમાં ધરબાયેલા ચિત્કારને ક્યાંકને ક્યાંક સમજવાનો પ્રયત્ન જરૂર કરશો. ચિત્કાર ફિલ્મ એક વ્યક્તિના મનનો ખાલીપો અને ઝનૂન બંને રજૂ કરે છે. આપણે જેને સાચા અર્થમાં મનોરોગી સમજતા હોઇએ તે શું ખરેખર મનોરોગી છે કે પછી સમાજ દ્વારા જ તેમને આ પ્રકારની પરિસ્થીતીમાં ધકેલવામાં આવે છે તેની સ્પષ્ટ રજૂઆત ફિલ્મમાં કરવામાં આવી છે. ફિલ્મમાં ખૂબ જ પોઝીટીવ મેસેજ આપવામાં આવ્યો છે. જે જોયા પછી કદાચ તમારા મનોરોગી દર્દી તરફના વિચારોમાં હકારાત્મકતા આવશે.

 

 

Loading

Spread the love

Leave a Comment