બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઇટનું ટ્રેલર રીલીઝ થયું ત્યારથી જ ચર્ચામા છે. લોકો આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મમાં સલમાન ખાન લક્ષ્મણ સિંહ બિસ્ટનું પાત્ર ભજવી રહ્યા છે. સોહેલ ખાન તેમના ભાઇના પાત્રમાં છે. જંગ પર આધારીત આ ફિલ્મમાં કોમેડીની સાથે સાથે ઇમોસન્સ પણ જોવા મળશે. ફિલ્મમાં સલમાન ખાન એક બુદ્ધુ જેવા યુવકના પાત્રમાં છે. જે ખૂબ જ સીધો અને સરળ હોય છે. તેના ભોળા સ્વભાવના કારણે કેટલાક લોકો તેને ટ્યુબલાઇટના નામે પણ બોલાવે છે.

1962ના હૃદય હચમચાવી દેનાર ભારત-ચીન યુદ્ધ પર આધારિત આ ફિલ્મની સાથે ઇદને વધારે ખાસ બનાવનાર બોલિવૂડના દબંગ, સુલતાન, સલમાન ભાઇજાન કોઇપણ તક ક્યારેય ગૂમાવતા નથી. જોકે દંગલ અને બાહુબલીના રેકોર્ડ્સ તેને અને કબીર ખાનને અંદરોઅંદર ખૂબ પરેશાન કરી રહ્યા છે પણ પોતાના જાણીતા હાસ્યની વચ્ચે સલમાન ખાન ક્યારેય રેકોર્ડ તોડવાનું દબાણ અનુભવતા હોય તેવું જોવા મળતું નથી. એક થા ટાઇગર અને બજરંગી ભાઇજાનમાં સલમાન અને કબીરની જોડીએ કમાલ કર્યું છે. કબીરના કહેવા પ્રમાણે આ ફિલ્મમાં સલમાનનું પાત્ર ખૂબ જ અલગ પ્રકારનું  અને ખાસ છે. આ ફિલ્મનું તેનું પાત્ર જેટલું હસાવશે તેટલું જ રડાવશે પણ ખરું. ટ્યુબલાઇટમાં માસુમ પાત્ર ભજવનાર સલમાન સાથે તેના રીલ અને રીયલ લાઇફના અંદાજની ઉત્સાહપૂર્વકની વાત. પોતાની અંગત વાતોને પણ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં સલમાન ખાન જરાપણ ખચકાયા નથી.

— કબીર ખાનનું કહેવું છે કે ટ્યુબલાઇટમાં સલમાનની અંદર છૂપાયેલું બાળક, જે હંમેશા બહાર આવવા માટે તત્પર હોય તેને જોઇ શકાશે. ટ્યુબલાઇટનું આ પાત્ર તમારી ખૂબ નજીક છે.

એક માસુમ બાળકની વાત કરું તો તે દરેક વ્યક્તિની અંદર ક્યાંક ને ક્યાંક છૂપાયેલું હોય જ છે. પોતાની તમામ શક્તિ લગાવીને તેને જગાડવાનું કામ કબીર ખાન જેવા શ્રેષ્ઠ નિર્દેશક  જ કરી શકે છે. તેમના યુનિક વિચારો અને નિર્દેશન પર બધુ નિર્ભર હોય છે. હું મારામાં રહેલા ભોળા સ્વભાવની વાત કરું તો મારી અમ્મીને મારામાં તે આજેપણ દેખાય છે. જોકે મારા પિતા હંમેશાથી મને તોફાની જ માને છે.

— તમારી અને સોહેલની ઓનસ્ક્રીન જોડી લોકોને ખૂબ પસંદ આવે છે. ભાવુક કરી દેતા દ્રશ્યોમાં તમને ગ્લીસરીનની જરૂર પડી હતી.

ખૂબ જ સીધી વાત છે કે બે ભાઇઓના જૂદા થવાની વાર્તા હોય છે, જે કોઇને પણ ઇમોશનલ કરી દે છે. તેવામાં જંગમાં ગૂમાવી દેનારા હૃદયદ્રાવી દ્રશ્યો હોય ત્યારે તે ભજવવામાં ગ્લીસરીનની જરૂર કેવી રીતે પડે. આમપણ સોહેલ કરતા પાંચ વર્ષ મોટો છું. નાનપણથી તેને મોટો થતા જોયો છે. સાચું કહું તો તે આજેપણ મારી સામે બાળક જેવો જ છે. તેને ગૂમાવી દેવાનો ડર મને સામાન્ય રીતે પણ ડરાવી દે છે. તેમા વળી, સ્ક્રીપ્ટમાં પણ ખૂબ લાગણીઓ રેડી છે, ત્યારે આવા દ્રશ્યો ભજવતી વખતે આંખમાં આંસુ આવી જ જાય.

— પીકે અને દંગલને ચીનના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. તમારા પણ ત્યાં ફેન ઓછા નથી. આ ફિલ્મ ભારત-ચીનના સંબંધો પર આધારિત છે ત્યારે શું આ ફિલ્મ પીકે અને દંગલ જેટલો પ્રેમ મેળવશે.

આ વાતનો જવાબ તો સમય જ આપશે કે ફિલ્મ ચીનના દર્શકોને કેટલી પસંદ પડે છે. હું ક્યારેય ચીન ગયો નથી એટલે સ્પષ્ટ રીતે તે અંગે કઇ જ કહી શકીશ નહીં. હા, પણ એક વાતની સ્પષ્ટતા જરૂર કરીશ કે આ ફિલ્મ દિલોને તોડવાની નહીં પણ જોડવાનો પ્રયત્ન કરતો સંદેશ આપતી ફિલ્મ છે. વિષયની વાત કરું તો હું સતત સારી વાર્તાની પસંદગી કરી રહ્યો છું.

— આ ફેરફારમાં અબ્બુજાનની સલાહનું કેટલું યોગદાન રહેલું હોય છે.

મારા પિતા દેશના શ્રેષ્ઠ લેખકોમાના એક છે. હું મારા કરિયરની શરૂઆતથી જ તેમની સલાહ લેતો આવ્યો છું. વચ્ચેના સમયગાળામાં કેટલીક ફિલ્મો દોસ્તી-યારીમાં કરી લીધી, તો કેટલીક અનુભવ અને અહ્મના કારણે કેન્સલ ન કરી શક્યો. થોડા સમય પછી સમજાયું કે જે દર્શકો મારી ફિલ્મોની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. તેમનો મારા પ્રત્યેનો ઉત્સાહ જળવાઇ રહેવો જોઇએ. જેના કારણે જરૂરી છે કે તેમને કઇક વધારે બેસ્ટ અને કઇક વધારે ઉત્તમ આપી શકું. હું જ્યારે પણ કોઇ નવી ફિલ્મ સાઇન કરું છું તો મારા આખા પરિવારને તેની વાર્તા સંભળાવું છું. દરેક વ્યક્તિ આ ઇન્ડસ્ટ્રી સાથે જ જોડાયેલું છે, તો કોઇના પણ તરફથી મને સલાહ-સૂચન મળી જ રહે છે.

— બોલિવૂડનું ચાઇના સાથેનું સૌથી જૂનું કનેક્સન હેલનજી પર ફિલ્માવાયેલું ગીત મેરા નામ ચીન ચીન ચૂ છે. શું તેમને આ ફિલ્મમાં સરપ્રાઇઝના ભાગરૂપે જોઇ શકીશું.

મેં કબીર ખાનને કહ્યું હતું કે રેડીયોના સમયમાં આ ગીત ખૂબ લોકપ્રિય હતું. તેની વચ્ચેની જે પંક્તિઓ છે, બાબુજી મેં ચીન સે આઇ….ચીની જૈસા દિલ લાઇ, સિંગાપુર કા જોબન મેરા, સંધાઇ કી અંગડાઇ. જેવી પંક્તિઓને ફિલ્મમાં ઉપયોગમાં લઇ શકાય. બીજી બાજુ ક્રિએટીવીટીની વાત કરું તો મારું કામ ફક્ત વિચાર આપી શકું, હું કોઇના કામમાં ક્યારેય દખલગીરી કરવી મને પસંદ નથી.

— ચીની અભિનેત્રી જૂજૂ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.

જૂજૂ ખૂબ જ મહેનતું અભિનેત્રી છે. હિન્દી માટે હંમેશા તેની સાથે એક શિક્ષક રહેતો હતો. તે એકી હોય ત્યારે પણ પોતાના સંવાદોને બોલવામાં ખૂબ મહેનત કરતી હતી. સૌથી મહત્વની વાત તો એ હતી કે અમે જ્યારે તેમના માટે ચાઇનીઝ ખાવાનું મંગાવ્યું તો તે સમજી જ ન શકી કે આમા ચાઇનીઝ જેવું શું છે. તે જ્યારે પોતાનાવાળું ચાઇનીઝ ફૂડ લઇને આવી તો તે અમને ખૂબ જ અલગ લાગ્યું હતું. જે પણ હોય અમે તેના ચાઇનીઝ ફૂડનો લ્હાવો માણ્યો અને તેને ભારતીય ચાઇનીઝ પણ ખૂબ પસંદ આવ્યું.

 

    મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment