ઘણીવાર એવું થાય છે કે તમે કોઇ નવો ફૂલછોડ વાવો પણ તેનો સંપૂર્ણ રીતે ઉછેર થઇ શકતો નથી. તેનું મુખ્ય કારણ કે ફૂલછોડ પસંદ કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જે તમે રાખી શકતા નથી.
વસંતઋતુમાં અને વરસાદની સિઝનમાં જે ફૂલછોડ રોપવામાં આવે તેનો વિકાસ સારો થાય છે. આ સમયે લગાવવામાં આવેલા છોડવાઓમાં વધારે મહેનત કરવી પડતી નથી. જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો કોઇપણ ઋતુમાં છોડ રોપી શકાય છે. જ્યારે પણ છોડ ખરીદવા જાઓ તો તેને સારી રીતે તેની વિશે જાણો. તે પછી જ તેને તમારા કૂંડામાં રોપવો.
ધ્યાન રાખવા જેવી બાબતો
- જો તમે કૂંડા રોપેલ છોડ ખરીદી રહ્યા છો, તો તેના મૂળીયાને બરાબર ચકાસી લેવા. મૂળીયાથી જ તેની વૃદ્ધિ થવાની અને બગડવાની ખબર પડે છે. છોડનો ઉપરનો ભાગ પણ મજબૂત હોવો જોઇએ.
- કૂંડાની માટી વધારે પડતી કોરી અથવા તો ભીની ન હોવી જોઇએ.
- કૂંડામાં રહેલા છોડના મૂળીયા જો વધારે પ્રમાણમાં ફેલાયા હોય અથવા તેમાં જાળી જેવું જો વધી ગયું હોય તો તે પ્રકારના છોડને જમીનમાં રોપવાથી મુશ્કેલી વધી શકે છે. કારણકે જો મૂળીયા વધારે પ્રમાણમાં ફેલાઇ જાય તો છોડનો વિકાસ અટકી જાય છે.
- જો છોડ પર ફૂલ કે કળી ઊગી હોય તો તેવો છોડ ખરીદો જેમાં વધારે કળીયો ઊગી હોય. ખીલેલા ફૂલને જોઇને આકર્ષિત ન થઇ જતા કારણકે ઘણીવાર આવા છોડ જમીનમાં રોપવાથી ઊગતા નથી.
- કૂંડામાં રોપવા માટેના છોડની જ્યારે પસંદગી કરો ત્યારે વધારે પડતા નાના કે વધારે પડતા મોટા છોડા બદલે મીડીયમ સાઇઝના છોડ પર પસંદગી ઊતારો. કારણકે મોટા છોડને જમીનમાં પોતાના મૂળીયા મજબૂત કરવામાં સમય લાગે છે. નાના છોડને જો રૂટ કટીંગ દ્વારા લગાવવામાં આવ્યા હોય તો તેનો પણ વિકાસ થવામાં ઘણો સમય લાગી શકે છે.
- કૂંડામાં રોપેલા છોડવાને ચકાસવા માટે તેને ડાળખીથી પકડીને ઊંચકો. જો તે કૂંડા સહિત સરળતાથી ઊંચકાઇ જાય છે, તો સમજવું કે પાણી ઓછું મળવાના કારણે તેના કંપોસ્ટ સંકોચાઇ ગયા છે. આવા છોડવાને નરમ બનાવવા મુશ્કેલ છે, તેથી તે ખરીદવા નહીં.
- છોડ મૂળમાંથી વ્યવસ્થિત અને સ્વસ્થ દેખાય તેવા હોવા જોઇએ. તો જ તે યોગ્ય વૃદ્ધિ કરી શકે છે. કૂંડાની નીચેના કાણામાંથી પણ જોઇને તેની વૃદ્ધિનો અંદાજો લગાવી શકાય છે.
- કૂંડાની તુલનામાં પ્લાસ્ટિકની બેગમાં રોપેલા છોડ વધારે સસ્તા હોય છે. આવા છોડ ખરીદતી વખતે તેના મૂળીયા ખાસ ચકાશો. બેરંગ પીળા પાન અને તેના મૂળ જો વધારે પ્રસર્યા હોય, તો આવા છોડ ખરીદશો નહીં. આ સડેલા અને ખરાબ હોવાના કારણે જલ્દી બગડી જાય છે.
- માળીના કહેવા મૂજબ છોડની સંભાળ રાખો. જો સંભવ હોય તો એવી નર્સરીમાંથી છોડ ખરીદો, જે તેની ક્વોલીટીની ગેરંટી પણ આપતા હોય.