વરસાદની મોસમ શરૂ થઇ છે, ત્યારે તેની મજા માણવાની તૈયારી સૌ કોઇ કરે છે. વરસાદની મોસમમાં નોકરી-ધંધા માટે કે કોઇ અગત્યના કામ માટે ઘરની બહાર નીકળવું જ પડે છે. આવા સમયે ફિલ્મી હિરોઇનની જેમ કોઇને પણ કાંજીવરમ કે પારદર્શક શિફોન સાડી પહેરીને ભીંજાવું નહીં ગમે. સામાન્ય રીતે વ્યક્તિ વરસાદની ઋતુમાં સુવિધા આપે એવા જ વસ્ત્રો પહેરવાનું વધારે પસંદ કરે છે.
સ્વાભાવિક છે કે કાદવ – કિચ્ચડથી ખરડાયેલા રસ્તાઓ પર સફેદ દૂધ જેવા વસ્ત્રો પહેરીને નીકળવાનું કોઇને પણ ગમશે નહીં. વરસાદની ઋતુમાં દરેક યુવતી કે મહિલા ઘૂંટણ સુધી પહોંચે તેવા જ વસ્ત્રો પર પસંદગી ઊતારે છે. આવી ઋતુમાં ડિઝાઇનર વસ્ત્રો પહેરવાના ટાળવા જોઇએ. જોકે કોઇ ખાસ પ્રસંગને ધ્યાનમાં રાખીને પહેરવાના હોય તો વરસાદમાં તેની કાળજી રાખવી પણ જરૂરી છે.
આવી ઋતુમાં ખાસ કરીને તો મીની અને શોટ્સ પહેરવાનું વધારે પસંદ કરવામાં આવે છે. જૂદા જૂદા રંગના ટૂંકા વસ્ત્રો મૂડને અનુરૂપ પહેરી શકાય છે. ચુડીદાર-કુર્તાને થોડા સમય માટે રજા આપી દો, કારણકે આવા પ્રકારના વસ્ત્રો વરસતા વરસાદમાં શરીર સાથે ચોંટી જાય છે. સાથે જ ડેનિમ અને લિનન મટીરિયીલના કપડાંને ઓછા વપરાશમાં લો. તેના બદલે કોઇ અન્ય પ્રકારના ટોપ્સ પસંદ કરી શકો છો. શોટ્સ, મીની, સ્કર્ટ્સ, પેડલ પુશર, ડંગેરી અને હોટ પેન્ટ ખાસ પસંદગીમાં હોય છે, તેની સાથે બ્લાઉઝ સ્ટાઇલ ટોપ, સ્ટ્રેઇટ્સ, હોલ્ટર ટોપ, સ્પગેટી, સ્ટ્રીંગ જેવા કોઇપણ પ્રકારના ટોપ્સ વધારે યોગ્ય લાગશે. વરસાદની ઋતુમાં ખાસ કરીને ડાર્ક રંગના કપડાં વધારે પસંદ કરવા.
જો શક્ય હોય તો ચોમાસામાં જીન્સ પહેરવાનું પણ ટાળવું જોઇએ. પહેલી વાત એ કે ચોમાસામાં જીન્સને સૂકાતા વાર લાગે છે અને બીજી વાત કે તેમાંથી નીકળતી ભીની દુર્ગંધ લોકોને તમારાથી દૂર રાખશે. જો તમને ડેનિમ પહેરવાનો શોખ હોય તો ડેનિમ શોટ્સ, મીની સ્કર્ટ્સ, પેડલ પુશર, ટ્રેક પેન્ટ, રોમ્પર, શોર્ટ શર્ટ ડ્રેસીસ અને ડંગેરી પહેરી શકો છો. તે સિવાય ની લેન્થ હેરમ, શોર્ટ લેંગિગ્સ, શોર્ટ્સ પાયજામા કે જીન્સ બરમૂડા પહેરી શકાય છે.
વર્ષાઋતુમાં સ્કર્ટ અને ટોપ સૌથી બેસ્ટ પરિધાન ગણાય છે. હવે તો સ્કર્ટમાં ઘણીબધી ફેશન જોવા મળે છે. સ્કર્ટ ઘૂંટણ સુધીના લાંબા અને ઓછા ઘેરવાળા હોવા જોઇએ. જોકે ટોપને બદલે કોલરવાળા શર્ટ પણ પહેરી શકાય છે. જે નોકરીયાત યુવતી કે મહિલાઓ ઓફિસમાં પણ ચૂડીદાર-કુર્તાનો આગ્રહ રાખે છે, તેમણે બને ત્યાં સુધી સિન્થેટીક સ્લીવલેસ કુર્તા પહેરવા. તે વધારે ભીના થશે નહીં. તે ઉપરાંત હવે તો શોર્ટ હેરમ કે ની લેન્થ લેગીંગ્સ પણ શોર્ટ કુર્તા સાથે પહેરી શકાય છે.
વર્ષાઋતુમાં ડાર્ક રંગના કપડાં પહેરવા પણ તેમાં પણ ચોકલેટી કે લીલા રંગથી દૂર રહેવું. તેનું ખાસ કારણ એ છે કે આ ઋતુમાં ચારેતરફ જોવા મલતી ગ્રીનરી અને દિવાલો પરની જામેલી લીલના કારણે આ રંગ ચારેતફ તમને જોવા મળશે. તેથી તમે ઇગ્લિંશ રોઝ, આઇસ્ક્રિમ પિંક, પીચ, બ્લ્યુ રંગના વસ્ત્રો પસંદ કરી શકો છો. આ ઉપરાંત, લાલ, ભૂરા, કેસરી રંગના પણ કોઇપણ શેડ તમને વધારે પ્રફુલ્લિત કરશે. વરસાદી વાતાવરણમાં ફ્લોરલ પ્રિન્ટ પણ હવે લોકો વધારે પહેરવાનું પસંદ કરે છે. જોકે જ્યાં સુધી કપડાં પહેરવાનો સવાલ છે, તો બ્લેન્ડેડ કપડાં વધારે પસંદ કરવા. સુતરાઉ કાપડ ભીનું થતા તેમાં કરચલીઓ પડી જાય છે. તેથી તે પહેરવાનું પણ ટાળવું. સુતરાઉ કપડાં સાથે રેયોન, લીનન કે વિસ્કોસને મિક્સ કરવામાં આવ્યા હોય તેના પર પહેલી પસંદગી ઊતારવી. આવા કાપડ ઝડપથી સૂકાઇ જાય છે અને ગરમાટો પણ અનુભવાય છે. તેમજ સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ ગણાય છે.
વરસાદી ઋતુમાં જ્વેલરી પહેરવાનું લોકો વધારે ટાળે છે. પહેરવાની ઇચ્છા થાય તો ગળામાં સિમ્પલ ચેઇન અને તેને મેચિંગ બુટ્ટી પહેરી શકો છો. ધાતુની જ્વેલરી પહેરવાનું ટાળવું કારણકે તેનાથી ત્વચા ઉપર ચેપ લાગી જાય છે. તમે પગમાં પણ પ્લાસ્ટિકના નિઓન શૂઝ પહેરી શકો છો. હવે તો તેમાં પણ વિવિધતા જોવા મળે છે.