વાતાવરણમાં ઠંડક અને ભેજ ભળે ત્યારે ઘરમાં ભેજ વધી જાય છે અને મોનસૂનમાં તો આખા ઘરને સાચવવાની તૈયારી રાખવી પડે છે. દરેક નાના કે મોટા ઘરમાં ફર્નીચર તો હોય જ છે અને તેમાં પણ લોકો વુડન ફર્નિચર તો વસાવતા જ હોય છે. દરેક વર્ગને વુડન ફર્નીચરનો ક્રેઝ રહેલો છે પછી તે મોટા બંગલા કે અપાર્ટમેન્ટ હોય કે નાનું ઘર હોય.

મોનસૂનમાં વરસાદના કારણે હોમડેકોરની સજાવટની વસ્તુઓમાં સૌથી વધુ સાચવવા જેવી વસ્તુ વુડન ફર્નીચર છે. મોનસૂનમાં તેની ચમકને જાળવી રાખવી સૌથી વધારે મુશ્કેલ કાર્ય છે. કારણકે હવામાં ભેજનું પ્રમાણ વધી જવાથી તેની અસર વુડન ફર્નીચર પર થાય છે. તેથી જ આ ઋતુમાં વુડન ફર્નીચરની સારસંભાળની વધારે જરૂર રહે છે.

તમે ઘરની બારીની પાસે કોઇપણ પ્રકારનું વુડન ફર્નીચર રાખશો નહીં કારણકે વરસાદની વાછંટ અને ભેજની સીધી અસર તેના પર થશે. તેની સાથે જ રૂમમાં ક્રોસ વેન્ટીલેશન હોવું પણ એટલું જ જરૂરી છે. આ વાતાવરણમાં મોટાભાગે ફર્નીચરના પાયાનો ભાગ નબળો પડી જતો હોય છે. ફર્નીચરમાં ગમે તેટલી સારી સામગ્રીનો ઉપયોગ થયો હોય કે ગમે તેટલું સારું વુડન વાપરવામાં આવ્યું હોય તો પણ ભેજના કારણે તે નબળા પડી જતા હોય છે. તેના માટે એવા પદાર્થનો ઉપયોગ કરવો જોઇએ જે વોટરપ્રુફ હોય. આ પ્રકારનો પદાર્થ વુડનને ચોંટી રહે છે. સોફા અને ખુરશી સાફ કરવા માટે ભીના કપડાંનો ક્યારેય ઉપયોગ કરવો નહીં. તેને સાફ કરવા માટે મુલાયમ અને કોરા કપડાંનો જ ઉપયોગ કરવો. સોફા પર જો ફંગસ લાગી જાય તો લિક્વીડ એન્ટીસેપ્ટીક અને નવસેકા પાણીને ભેગા કરીને મુલાયમ કપડાં વડે સાફ કરો.

જો તમારા ઘરમાં એન્ટીક ફર્નીચર હોય તો તમારા રૂમમાં હંમેશા ડીહિમ્યૂડિફાયર રાખો. વોર્ડરોબ અને અલમારીને દિવાલથી થોડા ઇંચ દૂર રાખવું જોઇએ. તમારા વોર્ડરોબમાં નેફ્થાલીન અથવા કપૂર જરૂર રાખો. તે ભેજનું શોષણ કરી લે છે. વુડનના દરેક કબાટમાં લીમડાના પાન રાખો. તેનાથી સિલ્વર ફીશ થતી નથી, જે વરસાદી વાતાવરણમાં સામાન્ય રીતે થાય છે. લાકડાના ફર્શનું વ્યવસ્થિત રીતે પોલિશિંગ કરાવેલું હોવું જોઇએ, કારણકે ભેજ ફર્શને ખરાબ કરી નાખે છે. તે સિવાય નાયલોન વાળી કે પેંટેંડ મેટલવાળી ચેરને પણ મોનસૂનમાં અંદર રાખો. તેનાથી રંગ ઉડશે નહીં અને કાણા પડશે નહીં. મોનસૂન દરમિયાન ઘરમાં સૂતરથી બનાવેલી કાલિન હોય તો તે પાથરવી નહીં.

આજકાલ તો કિચનમાં પણ ઘણા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ થાય છે. જેથી કિચનને પણ ભેજથી બચાવીને રાખો. કિચનમાં ક્યા ભાગમાં ભેજ લાગે છે, તે શોદીને તે ભાગને કોરા રાખવાનો પ્રયત્ન કરો. કિચનમાં વેન્ટીલેશન કરવાથી ભેજનું પ્રમાણ ઓછું થઇ શકે છે.

ભેજવાળી જગ્યામાં ફૂગ અને લીલ વધારે પ્રમાણમાં થાય છે, તે સિવાય ઊધઇની પણ વધારે બીક રહે છે, તેથી અમુક સમયગાળા દરમિયાન દવાનો છંટકાવ કરતા રહેવો જરૂરી છે. ઊધઇ જો ઘરમાં કોઇ એક સ્થળે થાય તો તે પથી ફર્નીચરમાં થતાં વાર લાગતી નથી. તેથી તેની ખાસ કાળજી લેવી. કિચનનો વોશિંગ એરિયા, વોશબેઝીંગ વગેરેને રોજ ફિનાઇલના પાણીની સાફ કરતા રહો, અને ત્યારબાદ કોરા કપડાંથી સાફ કરવું, જેથી ભેજ અને જંતુઓ બન્નેથી દૂર રહી શકાશે. કિચનમાં વુડન ફર્નીચર હોય તો તેને ક્યારેક વુડન સેફ્ટી લિક્વિડથી સાફ કરતા રહેવું.

મોનસૂનનો સમય કેટલાક મહિનાઓ સુધી જ રહે છે. એટલે તેના માટે યોગ્ય કાળજી લેવી પણ જરૂરી છે. જો તમને યોગ્ય લાગે તો મોનસૂન દરમિયાન થનારી મુશ્કેલીઓથી બચવા માટે કોઇ પ્રોફેશનલ ઇન્ટીરીયર એક્સપર્ટની પણ સલાહ લઇ શકો છો. સાથે જ જ્યારે પણ વર્ષ દરમિયાન વુડન ફર્નીચર બનાવડાવો તો ખાસ ધ્યાન રાખો કે તેમાં વોટરપ્રૂફ અડહેસિવનો ઉપયોગ કરવામાં આવે.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment