લગ્ન બાદ દરેક નવપરણીતા પોતાના ઘરમાં એકલતા અનુભવે છે. લગ્નબાદ ફરીને આવ્યા બાદ દરેક પતિ તેની નોકરીમાં ગોઠવાઇ જાય છે અને નવવધુને ઘરમાં રહેતા લોકો સાથે રહેવાનું હોય છે. જો બે વ્યક્તિ એકલા રહેતા હોય તો તે યુવતી માટે આખો દિવસ ખૂબ જ કંટાળાજનક બની જતો હોય છે. પતિ ઓફિસ જવા લાગે. ઓફિસના કામથી મોટા ભાગે બહાર રહેવાનું થતું હોય. તો ફોન પરની વાતચિત પણ ઓછી થવા લાગે છે. નવી વ્યક્તિ માટે દરેક વાતાવરણ નવું હોય છે એટલે અડોશપડોશમાં તેનું મન બહુ લાગે છે. ક્યારેક તે એકલતાથી ઉબાઈ જાય ત્યારે તે લગ્નનું આલબમ કાઢીને પાનાં ફેરવવા લાગે છે.
આવા સમયે એકલતામાં જયારે પતિના સાથની જરૂર હોય અને પતિ સાથે ન હોય તો તે પોતાના પતિ વિશે જ વિચારવા ઈચ્છતી હોવા છતાંય મનના શાંત ખૂણામાં રહેલા કોઇ પ્રિય વ્યક્તિનો ધૂંધળો પડછાયો તેની સામે જીવંત બની જાય છે. ભૂતકાળની રોમાન્ટિક ક્ષણો અને વાતો હૈયામાં ઊભરાઈ અવે છે. જ્યાં સુધી તે તેના પતિ અને કુટુંબ વચ્ચે રહેતી ત્યારે થોડા સમય માટે ભૂલી જાય, પરંતુ જ્યારે પણ તે એકલી પડે ત્યારે પ્રિય પાત્રની યાદ ધીમા પગલે તેની પાસે આવીને ઊભી રહે. તેના વિશે જાણવા અને તેને એક નજરે જોઈ લેવા તેનું મન બેચેન બની જાય.
આવું ઘણી યુવતીઓ સાથે થાય છે. જે સમાજ, પરિસ્થિતિ અને લાગણીના દબાણમાં આવી લગ્ન કરી તો લે છે, પરંતુ પોતાના પહેલાં પ્રેમને લગ્ન પછી પણ ભૂલી શકતી નથી. તે પતિ સાથે ફેરા લીધા પછી પણ પતિના મન સાથે ફેરા નથી લઈ શકતી. કિશોરવયનો પ્રેમ કે પહેલો પ્રેમ ખૂબ જ સંવેદનશીલ હોય છે જેને ભૂલવાનું અત્યંત મુશ્કેલ હોય છે. એ સમયે યુવાન થયેલું મન કેવો રસ્તો પકડશે એ કહેવું મુશ્કેલ છે. એક તરફ પ્રેમીના ભાવુક ઉદગાર તથા બીજી તરફ લગ્નજીવનમાં પ્રવેશ અને સાસરીમાં વધી જતી જવાબદારીઓ. આ વિષમ સ્થિતિનાં કેટલાંક કારણો અપાય છે જે સુખી લગ્નજીવન માટે અડચણરૂપ છે.
યુવતીઓ વધુ પડતી ભાવુક અને લાગણીશીલ હોય છે. તે વર્તમાન જીવનની બદલાતી પરિસ્થિતિમાં પોતાને બરાબર રીતે ગોઠવી શકતી નથી. ભૂતકાળની સુખદ પળો અને ઉન્મુક્ત વાતાવરણની અસર વર્તમાન જીવન પર અસર કરે છે. પ્રેમના ભાવુક ઉદગારોને સાચાં માનવા લાગે છે. તેના પર આંધળો વિશ્વાસ મૂકે છે. પતિ કરતાં પ્રેમી તેને વધુ ચાહે છે એવું માનવા લાગે છે.
સામાન્ય રીતે નવપરિણીત પત્નીઓ પતિને પોતાની નજરે જોતી હોય છે અને વિચારતી હોય છે કે તેના મન મુજબ પતિ તેની સાથે વર્તન કરે. જો કોઈ નવપરિણીતાના જીવનમાં કોઈ પ્રેમી રહ્યો હોય છે તો તેની ટેવ અને સ્વભાવની સરખામણી પતિ સાથે કરે છે. જો પતિ કોઈ વાત સ્વીકારતો નથી. તો પ્રેમીને યાદ કરી ભાવુક બની જાય છે. પ્રેમી દ્વારા કરાયેલી દલીલો અને આશ્વાસનને સાચાં સમજે છે. જેને કારણે લગ્ન પછી પ્રેમી સાથે બહારના સંબંધો ચાલુ રાખે છે. કેટલીક યુવતીઓ પ્રેમીની સફળતા અને ઊંચા પ્રકારની રહેણીકરણીના કારણે તેના તરફ આકર્ષાયેલી રહે છે. તે વિચારે છે કે પતિની આર્થિક હાલતને પ્રેમી દ્વારા પૂરી કરાવી લેશે.
કેટલીક નવપરિણીતાઓની ફરિયાદ હોય છે કે પતિ તેના પિયર પક્ષના લોકોને મહત્વ આપતો નથી. જો પત્નીના પિયરિયાંની આવનજાવન વધુ રહે છે તો પતિ ભડકે છે. આ ઉપરાંત તેને ગંભીર ફરિયાદ રહે છે કે સાસરામાં તે એકલી છે છતાં પતિ તેને સમય, પ્રેમ અને સાથ આપતો નથી. ઘરમાં લેવાતા નિર્ણયોમાં તેને પૂછવામાં આવતું નથી. એટલે અલગ અલગ પડવાથી થતા અસંતોષને કારણે ભૂતકાળના પ્રેમીને યાદ કરી આંસુ સારે છે અથવા તો ફરી તેની સાથે જોડાઈ જાય છે.
ઉપરની વાતોને ધ્યાનમાં રાખીને નવપરિણીતાઓએ સંયમ, ધીરજ અને વ્યવહારકુશળતા સાથે કામ લેવું જોઈએ. એ સાચું છે કે કોઈ નાજુક અને ભાવુક ક્ષણોમાં એકબીજાના થઈ જવાના સોગંદ ખાધા હોય. બની શકે કે કોઈ ક્ષણોએ તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ સ્થાપિત થઈ ગયો હોય. પરંતુ પસાર થતાં સમયમાં પ્રેમીને પાછળ છોડી નવા ઘરમાં આવી છે એટલે ભાવુકતા, સંવેદનાને સકારાત્મક બનાવી રાખે. તેણે ધ્યાન રાખવું પડશે કે વધુ ભાવુક્તા ખતરનાક હોય છે. તે પોતાની સંવેદનાને રચાન્મક કાર્યમાં પરોવે, પોતાના નવા ઘરસંસારમાં આનંદમાં રહેવાનો પ્રયાસ કરે.
ઘણી વ્યક્તિઓ (સાસરી અને પિયર) ની રુચિઓ અને અપેક્ષાઓ તમારી સાથે જોડાયેલી હશે. બની શકે કે પતિ ઘનિષ્ઠ રીતે તમારી સાથે જોડાયેલા હોવા છતાં તેની ઘનિષ્ઠતાને તે બતાવી નહીં શકે અને બની શકે કે તમારાથી દૂર રહીને પણ ખાલીપો અને એકલતાનો અનુભવ કરતા હોય. પોતાના હૈયાંને મનાવી સંસાર સાથે ચાલવું પડે છે અથવા તો બીજી રીતે કહીએ તો બીજાના સુખમાં પોતાનું સુખ શોધવું જોઈએ તથા પોતાના પતિ સિવાય અન્ય કોઈ વ્યક્તિ તમારી વધુ નજીક તો હોતી જ નથી.
જેની સાથે સાત ફેરા લઇને નવા જીવનની શરૂઆત કરી છે, તે વ્યક્તિ જીવનભર સાથ નિભાવશે તેવો વિશ્વાસ તેના પર મૂકવો જરૂરી છે. જે સમય કે વ્યક્તિ ભૂતકાળ બની ગયો છે, તેના માટે વિચાર કરીને નવા જીવનની, પતિ સાથેની પળોને ક્યારેય વેડફવી ન જોઇએ. જીવનમાં હંમેશા આગળ વધવું જોઇએ.
મેધા પંડ્યા ભટ્ટ