જ્યારે જીવનમાં બે વ્યક્તિ કોઇ એક સંબંધથી જોડાય છે, તો તેમની સાથે નવા ઘણા સંબંધો પણ જોડાતા હોય છે. જીવનમાં આનંદને હંમેશા જાળવી રાખવા માટે દરેક સંબંધને સાચવવો અને ન્યાય આપવો ખૂબ જરૂરી બની જાય છે. ક્યારેક સતત વ્યસ્તતા વચ્ચે દરેક સંબંધ જીવનનો આનંદ હણી લેતો લાગે છે. રૂપિયા-પૈસા, નોકરી, સાસુ-સસરા, બાળકો ન થવા કે લગ્નેત્તર સંબંધ આ તમામ માંથી એવું ક્યું કારણ છે, જે તમારા જીવનને નિરસ બનાવી દે છે. એક રીતે જોઇએ તો આ તમામ સમસ્યાઓ એટલી બધી ગંભીર નથી જેટલી તમે સમજતા હો છો.

આ તમામ સમસ્યાઓ કરતા પણ સંબંધને વધારે અસરકારક કરે છે, તો તે છે સતત ટોકતા રહેવાની સમસ્યા. એકબીજા માટે નેગેટીવીટી રાખવાની આદત. આ આદતને સંબંધની વચ્ચે ક્યારેય આવવા દેવું ન જોઇએ. પતિ-પત્ની વચ્ચે ઘરમાં સંવાદો થતા હોય જેવાકે, આ ભીનો ટુવાલ કેમ બેડ પર રાખ્યો છે, કપડાં કેમ આમતેમ નાખો છો, બૂટ મૂકવાની જગ્યા ડ્રોઇઁગરૂમમાં નથી..શૂ રૈકમાં છે,જેવી રોજીદી જીવનની અનેક નાનીનાની વાતો અને બાબતોમાં એકબીજાને ટોકવાનું યોગ્ય નથી. ઘણીવાર જોવામાં આવ્યું છે કે મોટાભાગની સ્ત્રીઓ આ પ્રકારના વાક્યો રોજ બોલતી હોય છે. વ્યવસ્થિત રહેવું, સ્વચ્છતા રાખવી, દરેક કામને વ્યવસ્થિત રીતે સંભાળવું, અનુસાશન રાખવું,…આવા કેટલાક ગુણ સ્ત્રીઓમાં હોય તેવું સ્વાભાવિકપણે માનવામાં આવે છે. પણ જ્યારે આદતો જ્યારે ઓબ્સેશન બની જાય અને બીજો પક્ષ સતત બેદરકારી, સુસ્તી અને આરામ દેખાડતો રહે તો બંને વચ્ચે ઝગડો થવો સ્વાભાવિક છે.

એક પક્ષ સતત બીજાને આદેશ આપતો રહે, તેને ટોકતો રહે, સંભળાવતો રહે, જ્યારે બીજો પક્ષ ફક્ત સાંભળતો રહે અને તેને ધ્યાન પર ન લે, બંને પોતપોતાની જીદ પર અડગ રહે તો ઝગડો વધવા લાગે છે. જોકે એક રીતે વિચારીએ તો આવા ઝગડા દરેક દંપતી વચ્ચે થતા રહેતા હોય છે. પણ જ્યારે કોઇ પક્ષ નમતુ મૂકવા તૈયાર ન હોય અને ઝગડો રોજ થવા લાગે, વધવા લાગે ત્યારે સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી લે છે. સંબંધ ક્રુરતાની હદ વટાવીને આગળ વધી જાય છે અને સંબંધનું ભવિષ્ય જોખમાય છે.

ઘરમાં ફક્ત સ્ત્રીઓ જ નહીં પણ પુરુષો પણ નાની નાની બાબતોને લઇને સ્ત્રીઓને ટોકતા હોય છે. ખાવાનું ન બનાવ્યું હોય, તબિયત સારી ન હોય, ક્યારેક રોટલી કે શાક બરાબર ન બન્યું હોય, ક્યારેક ઘરમાં સ્વચ્છતા ન જળવાઇ હોય જેવા અનેક નાના કારણોને લઇને ટોકતા હોય છે. જો પત્ની કઇક ખુલાસો આપવા જાય તો ક્યારેક ટોકવાની સાથે તેમના પર હાથ પણ ઉગામી દે છે. સંબંધની શીતળતાને અગનજ્વાળામાં બદલી નાખે છે અને પ્રેમથી બંધાયેલો સંબંધ પળવારમાં ઝૂનૂનમાં ફેરવાઇ જાય છે. અહીં એકબીજા માટે સતત નેગેટીવીટી ઘર કરી ગઇ હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનવા લાગે છે.

ટોકતા રહેવાની સમસ્યાને જાતે જ સમજીને વ્યાહારિક બુદ્ધી અને સમજણથી દૂર કરી શકાય છે. જો નેગેટીવીટીની તકલીફ વધારે સમય સુધી લંબાતી રહે તો મુશ્કેલીઓમાં વધારો થવા લાગે છે. કારણકે તેમાં એક પક્ષ સતત બીજાની ટીકા કરતો રહે છે. વાતચિતમાં રહેલી આ નેગેટીવીટીને બને તેટલી જલ્દી બદલવાનો પ્રયત્ન કરવો જોઇએ. એકબીજા સાથે બેસીને લાગણીશીલ બનીને મૂળ સ્મસ્યા વિશે ચર્ચા કરવી જોઇએ. તેમાં પણ કઇ રીતે વાત કરવી તેનું ખાસ ધ્યાન રાખવું નહીતર બનતી વાત વધારે બગડવાની શક્યતા રહે છે.

પહેલા તો પોતાનો સ્વભાવ બદલો, વ્યવહારમાં નમ્રતા લાવો અને આદેશ કરવાને બદલે વિનમ્રતાથી પોતાની વાત કહેવાનું રાખો. વાત કરવાની યોગ્ય રીત પર વિચાર કરો. જેમકે, શું તું આ અઠવાડિયામાં વીજળીનું બિલ ભરી આવીશ, જેથી પેનલ્ટી ન લાગે…, રસોઇમાં તારા હાથનો સ્વાદ કેમ નહોતો, તબિયત તો સારી છે ને…..તમારાથી ભૂલથી ટુવાલ બેડ પર મૂકાઇ ગયો હતો, મે સૂકવી દીધો છે….તુ ન હો તો મારા કામ પૂરા જ ન થાય ….. આવા સંવાદો સંબંધમાં પ્રેમના બીજ રોપે છે. એકબીજાની ભૂલને પણ પ્રેમથી જણાવશો તો બંનેના મનમાં એકબીજા માટે માન વધશે. એકબીજાનું ધ્યાન રાખો છો અને કેર કરો છો જેવી ભાવનાનો જન્મ થશે, જે સંબંધમાં મધુરતાનું સર્જન કરશે. જે જીવનપર્યંત જળવાઇ રહેશે. ક્યારેક સોરી, પ્લીઝ, થેન્ક્યુ, લવલી સો મચ, યુ આર વેરી કેરીંગ, …જેવા શબ્દો પણ કહેતા રહેવા જોઇએ.

કોઇપણ તકલીફ કે એકબીજા માટે મનમાં નેગેટીવીટી ઊભી થાય તો તમારા સાથીના સ્થાન પર પોતાને મૂકીને વિચારી જૂઓ. તે પણ મેચ્યોર વ્યક્તિ છે. તેને એટલી બધી હદે પણ ટોકટોક ન કરો, કે ઘરમાં રહીને તે પોતાને જેલમાં રહેતા હોવાનો અનુભવ કરવા લાગે. બીજુ કે હંમેશા કોઇપણ કામ પૂરું કરવાનું હોય તો વિચારો કે કામ શું એટલું બધુ જરૂરી છે કે તમારા સાથી બીજા બધા જ કામ પડતા મૂકી તેની માટે સમય ફાળવે. તમારી વાતની રજૂઆત કરો પણ સામેના વ્યક્તિના જવાબ અને પ્રતિક્રીયાની રાહ જોવાનું હંમેશા રાખો. કોઇપણ વાતનું સતત રીપીટેશન ન કરવું. તેનાથી સામેવાળી વ્યક્તિ ચિડાઇ જશે. એકવાર વિચારી જુઓ કે શું તે કામ તે જ સમયે પૂરું થવું જરૂરી છે કે થોડા સમય માટે ટાળી શકાય તેવું છે. સાથી પર કામ અને વિચાર થોપવાની આદતને તરત જ બદલી નાખો. તમે એકબીજાના પૂરક છો, ગુલામ બનાવવાનો પ્રયત્ન ન કરો.

કહેનાર અને સાંભળનારની વચ્ચે સૌથી મોટી તકલીફ એક જ છે કે એકને અવું લાગે છે કે મારી વાત કોઇ સાંભળતું નથી અને બીજાને લાગે છે કે મને ક્યારેય શાબાસી નથી મલતી પણ હંમેશા ટોક્યા કરે છે. તમારી આદતો સાથે પોતે જ લડો અને વચ્ચેનો રસ્તો કાઢો.

એકબીજાને સતત ટોકતા રહેવું ફક્ત જરૂરીયાત માટે નહીં પણ ક્યારેક પોતાનો હક અને પાવર જાળવી રાખવા માટે પણ થતું હોય છે. તેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે સંબંધમાં કોણ કેટલું હાવી થવા માગે છે. ક્યારેક અજાણતામાં પણ આવું બની જાય છે. જ્યાં પ્રેમ હોય ત્યાં હાવી થવું હોતુ નથી. એકબીજાની માનસિકતાને સમજવાનો પ્રયત્ન કરો અને ચર્ચા કરો, કારણકે સંબંધમાં તો બંને બરાબર હોવા જરૂરી છે. તમારા સંબંધને વિનમ્ર બનાવો. જો બેમાંથી એક વ્યક્તિ વિનમ્રતાથી વર્તન કરવા લાગે તો બીજાએ પણ પોતાની આદત સુધારી હકારાત્મકતાનો સ્વીકાર કરી લેવો જોઇએ. જો આવું નહીં બને તો વિનમ્રતા ધીમે ધીમે, ચિડતા, પછી હુકમ અને પછી ક્રૂરતામાં ફેરવાઇ જશે. તેથી બને તેટલી નેગેટીવીટીને સંબંધથી દૂર રાખીને પોઝીટીવીને જ પ્રથમતા આપો.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment