તમે તમારા સિંપલ ડ્રેસને વધારે સ્ટાઇલિશ બનાવવા ઇચ્છો છો. તો તેના માટે ડિફરન્ટ સ્લીવ્સના આઉટફીટ પર પસંદગી ઉતારી શકો છો. તે ઉપરાંત ડ્રેસીસ કે કુર્તીમાં પણ ડિફરન્ટ સ્લીવ્સની ડિઝાઇન્સ બનાવી શકો છો. હાલમાં અલગ અલગ પ્રકારની સ્લીવ્સવાળા ડ્રેસીસ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. ફેશનની દુનિયામાં નવા નવા ટ્રેન્ડ જોવા મળે છે. જેમાં હવે સ્લીવ્સની સાથે પણ નિતનવી ફેશનના એક્સપરીમેન્ટ થતા જોવા મળે છે. હવે ઇન્ડિયન અને વેસ્ટર્ન દરેક પ્રકારના ડ્રેસીસ પર બેલ સ્લીવ્સ, કિમોનો સ્લીવ્સ, રફલ સ્લીવ્સ, પફ સ્લીવ્સ, ફુલ સ્લીવ્સને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેના કારણે ડ્રેસનો લુક પણ ખાસ ધ્યાનમાં આવી રહ્યો છે. તમે પણ ડિફરન્ટ સ્લીવ્સવાળા આઉટફીટને તમારા વોર્ડરોબમાં સ્થાન આપી શકો છો. અલગ અલગ સ્થળોએ, પ્રસંગોમાં પહેરીને અન્યથી અલગ દેખાઇ શકો છો. તેના માટે કેટલીક ઇન ટ્રેન્ડ સ્લીવ્સ વિશે જાણીયે.

બેલ સ્લીવ્સ

બેલ એટલે કે ઘંટડીના આકારની સ્લીવ્સ. તે ખભાના ભાગથી ફીટીંગવાળી હોય છે, પણ કોણીના ભાગથી ઘંટડીના આકારની જેમ પહોળી જોવા મળે છે. આ પ્રકારની સ્લીવ્સ કુર્તી કે ટોપ પર વધારે જોવા મળે છે. જોકે યંગ ગર્લ્સમાં જીન્સ સાથે આ સ્લીવ્સના ટોપ કેરી કરવાની ફેશન છે. સાથે જ લોન્ગ ગાઉનમાં પણ તેનો ઉપયોગ થઇ રહ્યો છે. તેની બેલ સ્લીવ્સને હવે પાર્ટી ગાઉનમાં પણ લોકો પસંદ કરી રહ્યા છે.

કિમોનો સ્લીવ્સ

હાલમાં કિમોનો સ્લીવ્સની ફેશન ખૂબ જોવા મળે છે. આ ચાઇનીઝ ડ્રેસીસથી વધારે ઇન્સપાયર થયેલી છે. આ સ્લીવ્સ ખભાના ભાગથી જ લૂઝ હોય છે. હાથની કોણી અને કાંડાના ભાગ સુધી આવતા આવતા તે વધારે લૂઝ જોવા મળે છે. આ સ્લીવ્સ ખૂબ જ કમ્ફર્ટેબલ છે. ખાસ કરીને ઉનાળામાં તે ડ્રેસીસ અને ટોપમાં વધારે ઉપયોગી બની રહે છે. જમ્પસૂટમાં તે વધારે સૂટ થાય છે. નાઇટ ગાઉનમાં પણ તેની ડિઝાઇન લોકપ્રિય છે. જોકે કેઝ્યુઅલ અને ફોર્મલ વીઅરમાં તે તમને ખૂબ સરળતાથી મળી રહેશે.

રફલ સ્લીવ્સ

ઇન્ડિયન વેસ્ટર્ન કે ઇન્ડો વેસ્ટર્ન દરેક પ્રકારના ડ્રેસ પર રફલ (ઝાલર) સ્લીવ્સ શોભી ઊઠે છે. રફલની પેટર્નમાં ઝાલરને સ્લીવ્સ પર અલગ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. જે એકદમ ડિફરન્ટ લુક આપે છે. આ પ્રકારની સ્લીવ્સ કુર્તી, ગાઉન, પાર્ટીડ્રેસ, સાડી, બ્લાઉઝ દરેક પર શોભે છે. ઓફ શોલ્ડર કે વન હાફ શોલ્ડર પાર્ટી ડ્રેસમાં પણ તે વધારે ઇન છે. હવે તો રફલનો ઉપયોગ પણ ઘણા લેડીઝ આઉટફીટમાં વધારે પ્રમાણમાં થતો જોવા મળી રહ્યો છે. જેમાં કોલ્ડ શોલ્ડરમાં રફલ સૌથી વધારે લોકપ્રિય અને ફેશનમાં છે.

પફ સ્લીવ્સ

પફ સ્લીવ્સ આમ તો ખૂબ જ જૂની પેટર્ન અને ફેશન છે. આ સાડીના બ્લાઉઝ પર અને બેબી ફ્રોકમાં વધારે જોવા મળતી. જોકે હવે તો કુર્તી અને ટોપમાં પણ યંગ ગર્લ્સ તેને વધારે પસંદ કરે છે. વળી, લોન્ગ પફ સ્લીવ્સ પણ શોર્ટ ટોપ કે શોર્ટ ડ્રેસીસમાં વધારે ચાલી રહી છે. તો શોર્ટ ફ્રોકમાં ફ્લેર પફ સ્લીવ્સ પણ આકર્ષક લાગે છે. તેથી જ મોટાભાગના આઉટફીટ પર પફ સ્લીવ્સ જોવા મળે છે. જેમાં નેટ, શિફોન અને ફેબ્રિકની પફ સ્લીવ્સને વધારે પસંદ કરવામાં આવે છે.

ફુલ સ્લીવ્સ

ફુલ સ્લીવ્સ ને એવરગ્રીન કહેવામાં આવે છે અને તે જોવા પણ મળે જ છે. કુર્તી અને સૂટ પર ફુલ સ્લીવ સારી લાગે છે. તેની લંબાઇને તમે તમારી રીતે રાખી શકો છો. લોંગ ડિઝાઇનર ડ્રેસીસમાં પણ તેને ખાસ પસંદ કરવામાં આવે છે. જોકે પાર્ટી ડ્રેસમાં પણ હવે તો ફુલ સ્લીવસને ખાસ પસંદ કરવામાં આવે છે. ડીપ નેકવાળા પાર્ટી ગાઉનમાં મોટાભાગે ફુલ સ્લીવ વધારે જોવા મળે છે. ફિલ્મની હિરોઇનો એવોર્ડ ફંક્શન કે પાર્ટીઝમાં તે પહેરેલી જોવા મળે છે.

ક્વાર્ટર સ્લીવ્સ

સૂટ અને સાડીમાં ક્વાર્ટર સ્લીવ વધારે પસંદ કરવામાં આવે છે. જો તમને પણ પસંદ હોય તો તમે પણ આ સ્લીવના આઉટફીટનો ઉપયોગ કરી શકો છો. જોકે ટીશર્ટ્સમાં પણ તેની ડિમાન્ડ વધારે છે. આપણે તેને થ્રીફોથ સ્લીવ્સ તરીકે પણ ઓળખીયે છીએ. જે રેગ્યુલર કુર્તી કે ટોપમાં જોવા મળે છે. ઉનાળામાં તે તમને વધારે ફાયદાકારક રહી શકે છે. ફેશનમાં એક નવી સ્ટાઇલ ટ્રાય કરવાથી પોતાને અલગ દેખાડી શકો છો.

Loading

Spread the love

Leave a Comment