નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ઘરમાં થોડા ફેરફાર કરવા ગમતા હોય છે. ઘરના અમુક ભાગમાં જેવા કે વોલ પેઇન્ટ, ફ્લોરિંગ, સિલિંગ, વોલ પેપર વગેરેમાં આપણે તાત્કાલિક ફેરફાર કરાવી શકતા નથી પણ ઘરમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને સજાવીને આપણે ઘરની સુંદરતામાં વધારો કરી શકીએ છીએ.

ઘરની મોટી વસ્તુઓને બાદ કરીને વાત કરીએ તો હાલમાં પાર્ટીનો માહોલ છવાયેલો છે અને કેટલાક ફેમિલીમાં તો અવારનવાર પાર્ટીઝ થતી જ હોય છે, મહેમાનોને જમવા માટે આમંત્રણ અપાતા હોય છે, તો આજે જમવાના સ્થાન અટલે કે ડાઇનિંગ ટેબલને જ કેમ ન સજાવીએ. જ્યારે મહેમાન ઘરે આવવાના હોય ત્યારે આપણે ઘરને સુંદર રીતે સજાવતા જ હોઇએ છીએ. આવા સમયે ઘરની સાથે ડાઇનિંગ ટેબલની સજાવટ પણ ખૂબ જ જરૂરી છે. જો ડાઇનિંગ ટેબલ આકર્ષક રીતે સજાવવામાં આવ્યું હશે તો મહેમાનોની નજર વારંવાર તે તરફ જરૂર ખેંચાશે.

કોઇ ખાસ પ્રસંગ કે તહેવાર હોય અને ખાસ મહેમાનને ઘરે જમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હોય ત્યારે ડાઇનિંગ ટેબલ પર સુંદર મેટ પાથરીને તેને આકર્ષક બનાવી શકાય છે. ટેબલ પર પાથરવામાં આવતી મેટ પણ જાતજાતની હોય છે અને હવે તો તેમાં પણ ઘણી જ ફેન્સી વેરાયટીઝ જોવા મળે છે. ખાસ તો તેના આકાર, કલર્સ અને ડિઝાઇનમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે, તે ખૂબ જ આકર્ષક છે. તમારા ડાઇનિંગ ટેબલ પર કેવી મેટ શોભશે એ વોલ કલર્સ અને ડાઇનિંગ ટેબલના કલરના કોન્ટ્રાસ પ્રમાણે નક્કી કરી શકાય. ટેબલ  પર મેટ પાથર્યા સિવાય તેના પર વિવિધ પ્રકારની કલાકૃતિઓ ગોઠવીને તમે તમારી કલાત્મક સૂઝના દર્શન પણ કરાવી શકો છો.

ટેબલ પર તમે થોડું ઘણું ડેકોરેશન કરવા ઇચ્છતા ડિઝાઇનર કેન્ડલ્સ પણ મૂકી શકો છો. તે સિવાય કાચના ડિઝાઇનર બાઉલમાં કલરિંગ પાણી અને ફૂલોની સજાવટ કરીને સેન્ટરમાં મૂકશો તો પણ સુંદર લાગશે. જ્યારે સ્વાદિષ્ટ અને સુંગંધી ભોજન સુંદર સજાવેલા ડાઇનિંગ ટેબલ પર પિરસવામાં આવે ત્યારે એનો આનંદ બમણો થઇ જાય છે, જેનો પૂરો યશ ગૃહિણીને ફાળે જાય છે.

હોમ ડેકોરની કુશળતા દરેક ગૃહિણીમાં રહેલી હોય છે. પોતાના ઘરના દરેક ખૂણાને અને વસ્તુઓને સજાવવાની સૂઝ તેનામાં હોય છે. ડાઇનિંગ ટેબલને કલાકૃતિઓથી પણ સજાવી શકાય છે. તે સિવાય ચોખાને તમારી સૂઝબૂઝ પ્રમાણે જુદા-જુદા રંગોમાં રંગીને ટેબલ પર આ ચોખા વડે ફૂલ કે અન્ય આકાર બનાવી શકાય છે. સુંદર અને આકર્ષક ફૂલદાનીમાં કાગળના અથવા સાચા ફૂલોની સજાવટ પણ કરી શકાય છે. દિવાળી હોય કે ઘરમાં કોઇ સારો પ્રસંગ હોય તો ડાઇનિંગ ટેબલ પર મહેમાનોના સ્વાગત માટે સુંદર દિવો પણ મૂકી શકાય છે.

ઘરની સજાવટમાં જો ટેબલની સજાવટ આકર્ષક હશે, તો એ મુખ્ય કેન્દ્રમાં રહેશે અને ચર્ચાનો વિષય બનશે તથા તમારી કલાત્મક અભિરુચિના વખાણ પણ થશે. તમારું ઘર સુંદર સજાવટ અને ડાઇનિંગ ટેબલ પર મૂકેલા સુગંધી ભોજનથી મહેકી ઊઠશે.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment