દિવાળી એ ચમક-દમક, સાફ-સફાઈ અને મોજ-મસ્તીનો તહેવાર છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ તહેવારના દિવસે તેમનું ઘર ઝગમગી ઉઠે અને તેમના ઘરે આવનાર દરેક વ્યક્તિ સકારાત્મક ઊર્જાનો અનુભવ કરે. તહેવારના આ દિવસે તમારા ઘરની સજાવટ માટે કેટલીક તૈયારીઓ કરવી પડશે. ઉત્સવ અને તહેવાર ઘરમાં અલગ પ્રકારનું જ વાતાવરણ ઊભું કરી દે છે. જેના માટે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે તૈયારી કરતું હોય છે. આ દરમિયાન ઘરની સજાવટ પણ ખૂબ મહત્વની હોય છે તેના માટે કેટલીક બાબતો વિશે જાણીએ.
કલાત્મક રીતે પ્રકાશ પાથરો
દિવાળી ઉપર પ્રકાશનું ખાસ મહત્વ હોય છે. આ સમયે કેટલાક કલાત્મક પ્રયોગો કરવામાં આવે તો લોકો તમારા ઘરના વખાણ કરશે. આજકાલ હેન્ડક્રાફ્ટેડ વોલ લેમ્પ, શેડ્સ અને શેન્ડેલિયર્સનું ચલણ છે. તેના યુનિક પીસ ખરીદીને ડાઇનિંગ હોલમાં ફીટ કરાવો. જેનાથી દરેક વ્યક્તિની નજર તેના પર પડે. આ વર્ષે કરેલા ખર્ચ થી આખું વર્ષ તમારું ઘર પ્રકાશભાઈ બનશે.
મલ્ટીફંક્શનલ ફર્નિચર
ફ્લેટ્સની વધતી કિંમત અને સ્પેસથી બચવા માટે તમારે કોઈ સારા કાર્પેન્ટર ની મદદ અને પોતાની કલ્પનાશક્તિ નો સહારો લેવો પડશે. સોફા કમ બેડ લાંબા સમયથી ચાલી આવે છે. હવે પલંગ પણ ડબલ સ્ટોરેજ થવા લાગ્યા છે. તમે ઈચ્છો તો કિચન કાઉન્ટર ને ડાઇનિંગ એરિયા અને વર્ક સ્પેસને સીટીંગરૂમમાં કન્વર્ટ કરી શકો છો. આવા પ્રયોગ કરવાથી જગ્યા વધારે દેખાશે.
સીલીંગ પર નવા પ્રયોગ
વાઈટ સીલીંગ ધીમે ધીમે આઉટડેટેડ થવા લાગ્યા છે. આજકાલ કલરફુલ સીલીંગ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. સીલીંગ પર ફુલ પાંદડા ની ડિઝાઇન, આસમાની ડિઝાઇન, ઉડતા પંખીઓ, ચાંદ તારા વગેરે બનાવવામાં આવે છે. જો તમે વધારે પ્રયોગધર્મી હો તો અંતરીક્ષ ના ચિત્રો પણ પ્રિન્ટ કરાવી શકો છો. સીલીંગ ની ડિઝાઇન માટે વોલપેપર અથવા મોલ્ડિંગનું કામ પણ કરાવી શકાય છે. મુરાલ પેઇન્ટિંગ પણ સીલીંગ ની સજાવટ માટે એક નવો આઈડિયા છે.
પડદા અને ચાદર પણ કલરફુલ
તહેવારની સીઝનમાં રેગ્યુલર કલર્સ જેવા કે બ્લ્યૂ, ગ્રે વગેરે સારા લાગતા નથી. અત્યારના સમયમાં ગુલાબી, કેસરી, જાંબલી, પેરટ જેવા આંખે વળગતા રંગો મનને પ્રફુલ્લિત કરે છે. ઘરના પડદા, બેડશીટ, પિલો કવર, ટેબલ ક્લોથ અને સોફા કવર ડાર્ક રંગોના રાખો. તમારું ઘર આ કલર થી ખીલેલું અને એનર્જેટિક લાગશે.
ઘરમાં હોય મધુર સંગીત
તહેવારના દિવસોમાં તમારા ઘરમાં મ્યુઝીક સીસ્ટમને અપડેટ રાખવું જોઈએ અથવા નવું ખરીદી લેવું જોઈએ. ઘરમાં મધુર સંગીત, આધ્યાત્મિક મંત્ર, ભજન વગેરે સાંભળવા મળે તો વાતાવરણ ઉત્સવમય અને ધાર્મિક બની જાય છે. બારી અને મુખ્ય દ્વાર પર વિંડ ચાઇમ્સ લગાવો. હવાની આવનજાવનથી તેની મધુર ધૂનને લઈને પણ વાતાવરણ ખૂબ મધુર બની જશે.
ફૂલોના ગુલદસ્તા – કુદરતી છાયો
ઘરના ખાસ ખૂણામાં બાલ્કનીમાં કે ડાઇનિંગ હોલ પર કલરફુલ ગુલદસ્તા રાખો અને તેમાં જુદા જુદા ડાર્ક રંગના તાજા ફૂલોથી સજાવો. તમે ઈચ્છો તો ગુલદસ્તામાં કુદરતી ફૂલ પણ ઉગાડી શકો છો. જેને તમારે વારંવાર બદલવું નહીં પડે. ઘરમાં કુદરતી છાંયો મળી રહે તે માટે ઘરમાં આજકાલ ઇન્ડોર પ્લાન્ટ લગાવવાનું ચલણ છે. જગ્યાની સગવડતા મુજબ રબર પ્લાન્ટ, પામ ટ્રી અથવા બીજા ફુલછોડ લગાવો. જે ફક્ત સુંદરતા જ નહીં પણ પ્રદૂષણ પણ ઓછું કરશે.