ચહેરા પરનું હાસ્ય તમારા ચહેરાને સદાય સુંદરતા બક્ષે છે. હાસ્યનું નામ અને કામ બંને એવા છે કે દરેકના ચહેરા પર તે અલગ જ રૂપ ચિતરી દે છે. હાસ્યથી આંખો પણ હસી ઊઠે છે, ત્યારે સંબંધને હાસ્ય દ્વારા હસતો રાખવો ખૂબ સરળ છે. સંબંધમાં હાસ્યની છોળ વરસાવતા રહેવાથી સંબંધમાં મીઠાસ જળવાઇ રહે છે. સંબંધને હંમેશા તાજગીભર્યો રાખવા માટે હસવું અને હસાવવું દરેકના જીવનમાં વણાયેલું હોવું જોઇએ. જો તમે હંસી-મજાક કરવામાં માનતા હો અને કરતા પણ હો, તો આ આદત તમારા સંબંધની તાજગીને જાળવી રાખવામાં ખૂબ મદદરૂપ બની રહે છે. તમારા લગ્નજીવન માટે આ સૌથી સારી ઔષધીરૂપ છે. હંસી-મજાકભર્યા સંબંધથી તમે તમારા લગ્નજીવનમાં મીઠાસ ઘોળી શકો છો. તમારી આ આદત તમારા લગ્નજીવનમાં આવેલી જાણી-અજાણી કડવાશને દૂર કરવામાં મદદરૂપ બને છે.

 

હાસ્યની છોળથી અજાણ્યો માણસ પણ તેની મીઠાસમાં ઓગળી જાય છે, તો પોતાની વ્યક્તિ સાથે હંસી મજાક તો ડાયાબિટીસ કરાવી દે. પણ આ પ્રેમનો ડાયાબિટીશ ખરેખર ગમી જાય તેવો હોય છે. જે લોકો લગ્નજીવનમાં ક્યારેક ક્યારેક પોતાના જીવનસાથી સાથે હંસી મજાક કરી લેતા હોય છે, તેમનું લગ્નજીવન વધારે સારું અને મજબૂત બંધનમાં બંધાયેલું જોવા મળે છે. પતિ-પત્નીએ એકબીજા સાથે હળવાશથી હંસી-મજાક કરવો જ જોઇએ. તેનાથી તેમની વચ્ચે પ્રેમ અને ખેંચાણની સાંકળી બંધાઇ રહે છે. લગ્નજીવનને વધારે હળવું અને ટેન્શન ફ્રી બનાવવાનો સૌથી સરળ માર્ગ જ હાસ્ય સાથે જોડાયેલો છે. જીવનમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી આવે, તેને જો હળવાશથી લઇએ અને ટેન્શનને હાસ્યમાં ઉડાડી દઇએ તો મનની સાથે તન પણ રોગથી દૂર રહે છે.

 

લગ્નજીવનમાં હળવું હાસ્ય તો હંમેશા રહેવું જ જોઇએ. કારણકે તેનાથી જેમ સંબંધમાં મીઠાસ જળવાઇ રહે છે, તેમ સંબંધને તાજગીભર્યો પણ રાખે છે. પતિ-પત્નીના લગ્નજીવનમાં અમુક વર્ષો પછી એકબીજા પ્રત્યે નીરસતા દેખાવા લાગે છે, તેવામાં સંબંધને સાચવી રાખવામાં હંસી-મજાકથી વિતેલી પળો જીવનને સદાય ખીલેલું રાખે છે. સંબંધની વાડીને લીલીછમ રાખે છે. હંસી-મજાક કરવાની કોઇ ઉંમર નથી. તેથી તેનાથી સંબંધને આજીવન હંસી-મજાકથી મધુર બનાવી શકાય છે. પતિ-પત્નીના નીરસતાભર્યા સંબંધમાં અને રોજીંદી નાની-મોટી ચર્ચાઓમાંથી બહાર નીકળવા માટે હંસી –મજાક કરવો ખૂબ જરૂરી છે. એટલે હંમેશા પ્રયત્ન કરો કે તમારા પાર્ટનર સાથે વધારેમાં વધારે હંસી-મજાક કરી શકો અને તેને ખુશ રાખી શકો તેમજ પોતે પણ ખુશ રહો. જેથી તમે બંને લગ્નજીવનમાં પ્રવેશતી નિરસતાથી બચી શકો.

 

લગ્નજીવનમાં આવેલા ટેન્શનને ઓછું કરવા માટે પણ તમે હંસી-મજાકની રીત અપનાવી શકો છો. ક્યારેક થતી લડાઇ-ઝગડા દરમિયાન જો લાગે કે હવે તે મોટું સ્વરૂપ લઇ રહ્યું છે, તો તે વખતે હંસી-મજાક કરીને ઝગડાની દિશાને હાસ્યની દિશા તરફ વાળી શકો છો. તેનાથી બંને વચ્ચે જે તણાવ હશે તે વધવાને બદલે ઘટી જશે. જો પતિ-પત્ની બેમાંથી કોઇનો પણ સ્વભાવ મજાકીયો ન હોય તો પણ તમારા વ્યવહારમાં મીઠાસ લાવવાનો પ્રયત્ન કરતા રહો. તમે પ્રેક્ટીકલ જોકનો ઉપયોગ કરી શકો છો. હવે તો વોટ્સઅપનો જમાનો છે, જો બેમાંથી એક નારાજ હોય, એકઘરમાં સામસામે બેઠા હો છતાંય અબોલા હોય, તો તેવામાં મોબાઇલ પર જોક્સ મોકલીને પણ સાથી સાથે હંસી-મજાક કરી શકાય છે. આ રીતે જે સંબંધ જળવાય છે, તે જીવનમાં હંમેશા એકબીજાને એક અલગ ખેંચાણથી બાંધી રાખે છે. જોકે જોક્સ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે તમારા જોક્સ સારા હોવા જોઇએ, જેનાથી પાર્ટનરને આનંદ અને સરપ્રાઇઝ મળી રહે. મજાક એ રીતે કરો કે તેનાથી પાર્ટનરને ખોટું ન લાગે અને તમારી કોઇ વાત તેને ખોટી રીતે સ્પર્શી ન જાય. એ રીતે હંસી-મજાક કરો કે તેનો સુખદ અનુભવ થતો જોવા મળે.

 

ઘણીવાર ઘરમાં સાથે બેસીને ટીવી પર હંસી-મજાકના કાર્યક્રમ, કોઇવાર કોમેડી ફિલ્મ કે શો પણ સાથે બેસીને જોઇ શકો છો. તેનાથી પણ તમારા સંબંધમાં મીઠાસ આવશે અને તમે એકબીજાની નજીક આવશો. જોકે તે ઉપરાંત તમારા સાથીની પસંદ-નાપસંદનું પણ એટલું જ ધ્યાન રાખો, કે તેને કઇ વાતથી વધારે આનંદ મળે છે. આજે કોઇપણ સંબંધમાં જે તણાવ વધી રહ્યો છે, તેનું મુખ્ય કારણ પતિ-પત્ની બંને નોકરી કરે છે અને પોતપોતાની લાઇફમાં વ્યસ્ત રહે છે તે ખાસ છે. બંને એકબીજા માટે જીવી શકતા નથી. કામનું પ્રેશર સંબંધ પર પણ અસર કરી રહ્યું છે. આખા દિવસના દોડાદોડીવાળા જીવનમાંથી જ્યારે પતિ-પત્ની સાંજે ઘરે પહોંચે છે, ત્યારે થાકી ગયા હોય છે. તેવા સમયે અકબીજાને કંટાળો આવે તેવી વાતો કરવાના બદલે એકબીજાને ખુશ રાખવાનો કે હંસી-મજાક કરો તો ફ્રેશ ફિલ કરી શકશો. તે સમયનો આનંદ માણો. આ બધું ત્યારે જ શક્ય બની શકે છે, જ્યારે તમારા સ્વભાવમાં હંસી-મજાક વણાઇ ગયેલું હોય. તેવા સમયે એકબીજાને ઓફિસના રસપ્રદ કિસ્સાઓ સંભળાવો અને હાસ્યની છોળોની વચ્ચે મધુર પળ વિતાવો.

જીવનમાં એકબીજાને હંમેશા હસતા રાખી શકો તેવો પ્રયત્ન કરશો તો ખરેખર જીવનમાં હાસ્યની વ્યાખ્યાને પણ સમજી લેશો.

 

Loading

Spread the love

Leave a Comment