રવિવારની સવાર હોય અને પતિ-પત્ની બંને વાર્તાલાપ કરતા હોય, તેવામાં પત્નીને મનમાં થાય કે પતિને મારી કદર જ નથી. અચાનક મનમાં ઊગે અને શબ્દોના બાણ છૂટે..

માયા – કેવીન, તારા માટે હું કેટલી મહત્વની છું.

કેવીન – તને ખબર તો છે, હું તને કેટલો પ્રેમ કરું છું.

માયા – પ્રેમ છે, એટલું કહેતા રહેવાથી જ તારો પ્રેમ દેખાશે નહીં. તારે મને સમજવી અને સાચવવી પડશે.

કેવીન – કેમ, તને એવું લાગે છે કે હું તને સમજતો નથી અને સાચવતો નથી.

માયા – સાચું જ ને. ત્રણ વર્ષ થયા લગ્નને તો પણ તને મારી કઇ જ ચિંતા નથી. તને તારા ઘરના લોકો અને ફ્રેન્ડ્સ જ દેખાય છે.

કેવીન – માયા, એ બધા પણ મારા જીવનનો હિસ્સો છે. જેમ તું છે.

માયા – તો તારા માટે હું મહત્વની છું કે એ બધા મહત્વના છે.

કેવીન – મારી સાથે સંકળાયેલી બધી જ વ્યક્તિઓ મારા માટે મહત્વની છે, જેમા તારું સ્થાન વધારે મહત્વનું છે. તું મારી ચાહત છે.

માયા – ચાહત ફક્ત ચાહવા માટે જ નથી. તેની ઇચ્છાઓ અને અપેક્ષાઓ પણ હોય છે. તેને પણ પૂરા કરવા પડે.

કેવીન – તો ડિયર, બોલ તારી કઇ ઇચ્છા મારે પૂરી કરવાની છે. મારાથી થશે તો જરૂર પૂરી કરીશ.

માયા – તો ચાલ, આજે સાંજે પિક્ચર જોવા જઇએ અને ડિનર પણ બહાર કરીશું.

કેવીન – હા, હા કેમ નહીં. જો હુકુમ મેરે આકા…( બંને હસી પડે છે)

સાંજે બંને જણાનો બહાર જવાનો પ્રોગ્રામ નક્કી થાય છે અને બપોરના સમયે કેવીનના પિતાનો ફોન આવે છે કે તારી મમ્મીને હોસ્પિટલ લઇ જવી પડશે. તેને ખૂબ તાવ આવે છે. એટલે કેવીન અને માયા બંને ગાડી લઇને તેમના ઘરે જાય છે. બધા હોસ્પિટલ જાય છે અને ત્યાં કેવીનની માતાને દાખલ કરવા પડે છે. લગભગ એક અઠવાડિયા સુધી તેમની સેવામાં માયાને રહેવું પડે છે.

માયાનો મૂડ કેવો હશે તે તો તમે બધા સમજી જ ગયા હશો, કારણકે આ સ્ત્રી સહજ આદત છે. જોકે ઇચ્છા પૂરી ન થાય તો કોઇપણ વ્યક્તિને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. અહીં એ ભૂલવું ન જોઇએ કે ઇચ્છાઓ કેવી કરી છે. જો તેને થોડો સમય પછી પણ પૂરી કરી શકાતી હોય તો તે સમયે ખોટો ગુસ્સો કે આક્રોશ કે ગેરવર્તન કરવાની જરૂર ઊભી થતી નથી. સમજણ રાખવી ખૂબ મહત્વની બાબત છે. સાથે જ સામે તમે કેવા સંબંધને ન્યાય આપી રહ્યા છો, તે વધારે મહત્વનું બની જતું હોય છે. જોકે માયાને પહેલે દિવસે ગુસ્સો હતો પણ જેમ જેમ દિવસો ગયા તેમ તે પરિસ્થિતીને પામીને તેને અનુકૂળ થઇ ગઇ. કેવીનની મમ્મીના ઘરે આવી ગયા પછી પણ માયા એક અઠવાડિયું ત્યાં રહી.

જ્યારે પંદર દિવસ પછી તે અને કેવીન તેમના ઘરે આવ્યા ત્યારે ઘરમાં પગ મૂકતા જ માયા આશ્વર્યમાં મૂકાઇ ગઇ. ઘરમાં બધે જ કેન્ડલ્સ હતી. ખૂબ જ સુંદર રીતે સજાવટ કરેલી હતી. ઘરમાં સરસ રીતે ડિનરની તૈયારી કરેલી હતી. સોફા પર તેના મનગમતી ફિલ્મોની ડીવીડીસ હતી. તે કેવીન તરફ જોઇ રહી. કેવીનની તેના પ્રત્યેની ચાહત તેને શબ્દોમાં નહીં, તેની આંખોમાં અને તેની પ્રેમને વ્યક્ત કરવાની પદ્ધતિમાં દેખાઇ આવી હતી.

ન ગમતી ઘટનાઓ દરેક ઘરમાં ક્યારેક ને ક્યારેક બની જ હોય છે. બે વ્યક્તિ પોતાના બીઝી શિડ્યુલમાંથી સાથે રહેવાનો સમય નક્કી કરે ત્યારે કોઇને કોઇ મુશ્કેલી કે તકલીફ કે કોઇને જરૂરીયાત ક્યારેક ઊભી થઇ જતી હોય છે. આવામાં બંને જણાએ એકબીજાની મનની સ્થિતીને સમજીને આગળ વધવું જોઇએ.

જોકે પતિ કે પત્નીએ તે કાર્ય પૂરું થયા પછી તેમનો જે સમય જતો રહ્યો તેને ફરીથી લાવવાનો પ્રયત્ન કરવો જ જોઇએ. જે રીતે કેવીને માયાના મનની વાતને તેની ઇચ્છાને પૂરી કરી, ભલે તેમાં થોડું મોડું થયું પણ જે રીતે પૂરી કરી તે ખરેખર તેમના વચ્ચેની ચાહત અને સમજણ તેમને એકબીજાને કેટલા સાચવી શકે છે, તે દેખાડે છે. કેવીનને માયાનો સ્વભાવ ખબર હતી, કે તેની ઇચ્છા પૂરી ન થવાથી તેને ગુસ્સો આવશે, પણ જે રીતે માયાએ તેની સાસુની સેવા કરી તેના લીધે કેવીનને માયા પ્રત્યેની લાગણીઓ વધી ગઇ. તેને તેના માટે માન પણ થયું અને એટલે જ તેણે માયાની અધૂરી ઇચ્છાને વધારે સારી રીતે પૂરી કરવાનું વિચાર્યું. કહેવાય છે ને કે થોડું જતું કરીશું તો વધારે મળી રહે છે.

અહીં પણ એવું જ થયું. અંગત સંબંધોમાં ક્યારેય ફરજીયાતપણુ રાખવું નહીં. હંમેશા સંબંધોને ઝૂલતા રાખવા, જેથી ક્યારેય તે ખેંચાઇને તૂટી જશે, તેવો ભય રહે નહીં. અહીં કેવીનને અહેસાસ થયો કે માયા તેની ચાહત તો છે, સાથે જ તેની જરૂરત પણ છે અને તેનો આ અહેસાસ તેણે માયાને પણ કરાવ્યો. જેથી માયાને લાગ્યું કે તેના પ્રેમની સાથે હું તેના જીવનમાં એક મહત્વનું સ્થાન ખરેખરી રીતે છું.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment