હાલમાં દરેક ચેનલ પર નવા શોની શરૂઆત થઇ રહી છે, ત્યારે સોની સબ પર સાળી અને જીજાના મજાકભર્યા સંબંધોને લઇને એક નવો શો આવી રહ્યો છે. જેનું નામ પણ મજાકીયું છે, જીજાજી છત પર હૈ. શોના પ્રોમો લોકો પસંદ કરી રહ્યા છે, ત્યારે શોમાં મુખ્યા પાત્ર ભજવનાર હિબાબ વિશે જાણીયે. બાળ કલાકાર તરીકે સિરિયલમાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ ભણતર માટે એક બ્રેક પછી તે ફરીથી ટીવીના પડદા પર જોવા મળશે. સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી હિબા નવાજ સોની સબના આગામી કોમેડી શો જીજાજી છત પર હૈમાં જોવા મળશે. તે ઈલાયચીની ભૂમિકા ભજવી રહી છે, જે ખુલ્લા મનની, તોફાની પણ મોજપ્રેમી છોકરી છે. હિબા નવાબ તોફાની ચતુર છોકરીની ભૂમિકા ભજવી રહી છે, જેને પોતાની રીતે જીવન જીવવાનું ગમે છે. ઈલાયચી નામ અનુસાર અજોડ છે. હિબા ઈલાયચીની ભૂમિકા વિશે વધુ માહિતી આપે છે.

આ શોનો હિસ્સો બનવાનું કેવું લાગે છે?

અદભુત લાગે છે. કોમેડી મુશ્કેલ પ્રકાર છે અને મને કશુંક નવું અજમાવવાનું બહુ ગમે છે. આ શો દ્વારા મળેલા બધા કલાકારો વચ્ચે સારું બોન્ડિંગ છે, જેને લીધે બહુ મજા આવે છે. હું જીજાજી છત પર હૈ સાથે મારો પ્રવાસ શરૂ કરવા માટે અત્યંત રોમાંચિત છું. તેના પ્રોમો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે, તો લોકોને મારું પાત્ર અને શો પણ પસંદ આવશે તેના માટે ઉત્સાહિત છું.

આ ભૂમિકા કઈ રીતે મળી?

મને વધુ સંઘર્ષ વિના આ ભૂમિકા મળી તે બદલ હું પોતાને ભાગ્યશાળી માનું છું. હું ઓડિશન માટે ગઈ હતી અને મને જાણ થાય તે પહેલા જ મને ઈલાયચીની ભૂમિકા મળી ગઈ અને હું માનું છું કે આ પાત્ર મારા માટે પરફેક્ટ છે.

તારા પાત્ર વિશે જણાવીશ?

ઈલાયચી આનંદિત અને ઉત્સાહથી જીવન જીવતી છોકરી છે. તે ચાંદની ચોકની છોકરી છે. તમે તેને મીઠાઈ કા પટાકા કહી શકો છો, જેને મેકઅપ અને સ્ટાઈલ કરવાનું ગમે છે. લિપસ્ટિક અને કાજળમાં તેનો પ્રેમ જોઈ શકાય છે. તે અત્યંત કલરફુલ વ્યક્તિત્વ ધરાવે છે અને જ્યાં પણ જાય ત્યાં ખુશી ફેલાવે છે.

શું અસલ જીવનમાં તું ઈલાયચી સાથે પોતાને જોડે છે?

પાત્ર મારા મનની અત્યંત નજીક છે, કારણ કે મારી અંદર પણ તેવી અમુક ખૂબીઓ છે. તે ખશ રહી શકે છે, જીવનમાં સંપૂર્ણ છે અને બિન્ધાસ્ત છે. તેની ગેરહાજરીમાં લોકોને તેનો ખાલીપો વર્તાય છે. અસલ જીવમાં પણ હું ઘરે નહીં હોઉં ત્યારે બધાને જ મારી ખોટ સાલે છે.

આ ભૂમિકા માટે તને કેવા પડકારોનો સામનો કરવો પડ્યો?

પાત્રની બોલી , ભાષા મારો સૌથી મોટો પડકાર હતો, કારણ કે તેની બોલવાની શૈલી મારાથી જોજનો દૂર છે. તેની શારીરિક ભાષા અને શૈલી સાથે સુમેળ સાધવાનું મારે માટે બહુ મુશ્કેલ હતું, પરંતુ આખરે મેં મારું પાત્ર જમાવી દીધું છે. મારા સહ- કલાકારો, મારું યુનિટ પણ મને આરામદાયક મહેસૂસ કરાવો છે, જેને લીધે મારે માટે આસાની રહી છે, જેનું પરિણામ આખરે અહીં ઈલાયચીના રૂપમાં છે.

તેં બાળ કલાકાર તરીકે શરૂઆત કરી અને હવે શોમાં મુખ્ય પાત્ર ભજવી રહી છે તો અત્યાર સુધીનો પ્રવાસ કેવો રહ્યો?

પ્રવાસ આશ્ચર્યોથી ભરપૂર હતો. હું બાળ કલાકાર હતી ત્યારે એક દિવસ મુખ્ય પાત્ર ભજવવા મળશે એવું વિચાર્યું નહોતું. મેં સોની સબ પર લો હો ગઈ પૂજા ઈસ ઘર કી શો સાથે શરૂઆત કરી હતી, જે 9 વર્ષ પૂર્વેની વાત છે. તે સમયે ટેલિવિઝનમાં કારકિર્દી બનાવવાની મારું કોઇ પ્લાનિંગ નહોતું. જોકે આખરે મને લાગ્યું કે આ ઇન્ડસ્ટ્રીએ મારી પસંદગી કરી છે. ટેલિવિઝન પર ટૂંકી કારકિર્દીમાં મારો અભ્યાસ પૂરો કરવા માટે હું મારા વતનમાં પાછી ગઈ, પરંતુ 4 વર્ષ પછી હું પાછી આવી ગઈ છું.

શું અસલ જીવનમાં પણ તું તોફાની છે? તને આજ સુધી યાદ રહી હોઇ તેવી કોઈ મજાક-મસ્તી કરી છે?

લોકોની મજાક કરવાનું મને બહુ ગમે છે. જોકે હા, જાણી જોઇને કરાતા મજાકમાં હું ભાગ લેતી નથી. સ્કૂલ, ઘર હોય કે સેટ હોય, પરંતુ બદનસીબી એ છે કે હંમેશાં મજાકનો ભોગ હું જ બની જાઉં છું.

 

 મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment