હંમેશાથી ચેનલો પર ઐતિહાસિક અને પૌરાણિક સિરિયલોની જોરદાર લોટરી લાગેલી જોવા મળે છે. દરેક ચેનલ પર કોઇ એક ઐતિહાસિક કે પૌરાણિક સિરીયલો તો ચાલતી જ હોય છે. એક બંધ થાય છે, તો બીજી શરૂ થાય છે. જોકે આ સિરિયલો જોવા માટેનો એક અલગ જ નિષ્ઠાવાન દર્શક વર્ગ છે, પણ સિરિયલ બનાવવા માટે પણ અનેક પડકારોનો સામનો કરવો પડે છે. એક વાત એ પણ સાચી છે કે આ પ્રકારની સિરિયલોના કારણે નાના પડદા પરનો કેન્વાસ મોટો થવા લાગ્યો છે. સેટ ભવ્ય બનવા લાગ્યા છે અને બજેટ વધવા લાગ્યું છે. હાલમાં તો સોની ટીવી પર પૃથ્વીવલ્લભ અને પોરસ સિરિયલ ચાલી રહી છે. સ્ટારપ્લસ પર શરૂ થયેલી સિરિયલ આરંભને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી. જોકે પૌરાણિક સિરિયલોમાં હાલમાં કર્મફલ દાતા શનિ કલર્સ ચેનલ પર સૌથી ટોપનો શો બની રહ્યો છે. તો સાથે જ આ જ ચેનલ્સ પર મહાકાલીએ તો લોકોને જકડી લીધા છે.

એક પછી એક ચેનલ્સ પરની ઐતિહાસિક અને પૌરાણિક સિરિયલોની વાત કરીયે તો મહાત્મા બુદ્ધના જીવન પર આધારિત બુદ્ધા ઝી ટીવી પર આવતી હતી. તો વળી, સ્ટારપ્લસ પર મહાભારત સિરિયલ ચાલી રહી હતી. ઝી ટીવી પર સૌથી વધારે જોધા અકબર લોકપ્રિય થઇ હતી. આ સિરિયલ ખૂબ મોટા સ્તર પર બનાવવામાં આવી અને તમામ પ્રકારની ભવ્યતા પ્રદાન કરવામાં પણ કોઇ કસર બાકી રાખવામાં નહોતી આવી. બુદ્ધા સિરિયલ માટે મુંબઇની ફિલ્મસીટીમાં મોંધો અને વિશાળ સેટ બનાવવામાં આવ્યો હતો, તો બીજી તરફ મહાભારતના કોસ્ચ્યુમને ડિઝાઇન કરવા માટે ઓસ્કર વિજેતા ભાનુ અથૈયાની મદદ લેવામાં આવી હતી. તો વળી, જોધા અકબર માટે મુંબઇની બહાર સેટ લગાવવામાં આવ્યો હતો. બુદ્ધાનું નિર્માણ કરનાર સ્પાઇસ સ્ટુડિયો આ સિરિયલને પહેલા ફિલ્મના રૂપમાં રજૂ કરવા માગતા હતા, પણ ટીવીનો વિશાળ દર્શકવર્ગ હોવાથી તેને સિરિયલના રૂપમાં રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. લાઇફ ઓકે પર દેવો કે દેવ મહાદેવે દર્શકોમાં વધારે પ્રશંસા મેળવી હતી, તો સાથે જ સોની ટીવી પરની ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપની સાથે આ તમામ સિરિયલો દરેક ચેનલ પર ધાર્મિકતા અને ઐતિહાસિકતાના વાદળો ઘેરીને બેસી ગઇ હતી. જોકે આ વર્ષે એકસાથે બે ચેનલ્સ પર શરૂ થયેલી સિરિયલ ચંદ્રકાંન્તાએ પણ દર્શકોના દિલમાં સારી જગ્યા બનાવી લીધી હતી.

આપણે ન ભૂલવું જોઇએ કે કલર્સ પર જગ જગ જનની મા દુર્ગા સિરિયલ, દૂરદર્શન પર ઉપનિષદ ગંગાને પણ થોડીઘણી લોકપ્રિયતા મળી હતી. જય જય જય બજરંગ બલીની વાત કરવી ખૂબ જરૂરી છે, કારણકે ફક્ત આ એક જ સિરિયલના કારણે બંધ થયેલી સહારા વન ચેનલની ઇજ્જત જળવાઇ રહી હતી. સોની ટીવી પર મહાબલી હનુમાનને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. જોકે એક સમયે ઝી ટીવી પર આવેલી શોભા સોમનાથ કી સિરિયલ આજે પણ લોકો યાદ કરે છે.

સીધી રીતે કહીયે તો હાલમાં ભારતીય ટેલિવિઝનની મોટાભાગની ચેનલ્સ કોઇકને કોઇક એવી સિરિયલ રજૂ કરી રહી છે, જેના મૂળીયા ક્યાંતો ઇતિહાસ સાથે જોડાયેલા છે અથવા તો આપણા મનની શ્રદ્ધા પર તે છવાયેલા છે. લગભગ અઢી દાયકા પહેલા રામાનંદ સાગરે બનાવેલી રામાયણ, બી.આર.ચોપરાએ બનાવેલી મહાભારત અને તે જ સમયે આવેલી પહેલા પિરિયડની ધ સોર્ડ ઓફ ટીપુ સુલતાનના સમયથી શરૂ થયેલી આ શરૂઆત આજે લાંબો સમય વિત્યા છતાંય ઓછી થઇ નથી. હાલમાં ટેલિવિઝનના પડદે જોવા મળતી આ સિરિયલોની ટીઆરપી 1.0થી વધારે ચાલી રહી છે. જે ઘણી સારી ગણવામાં આવે છે. સાચું માનીયે તો આ બધી વાર્તાઓ એટલા માટે ચાલે છે કે તેમના મૂળીયા લોકોના મનમાં રોપાયેલા હોય છે. જેના કારણે પૌરાણિક સિરિયલો હંમેશા ટેલિવિઝનની પ્રાથમિકતા રહી છે. પૌરાણિક વાર્તાઓ જાણકારી અને મનોરંજનનું સૌથી સરળ માધ્યમ છે. નાનપણથી જ દાદા-દાદી કે નાના-નાની પાસેથી વાર્તાઓ સાંભળતા આવ્યા છીયે, તેને જ્યારે પડદા પર જોઇયે ત્યારે પોતીકી લાગે છે. આ બધી બાબતો દર્શકોને સિરિયલ જોવા માટે આકર્ષે છે.

જોકે તેમાં બેમત નથી કે પુસ્તકમાં લખેલો ઇતિહાસ અને પડદા પર ચાલતો ઇતિહાસ કોરા ફિક્શનની સરખામણીએ વધારે રોચક હોય છે. લોકો જે પાત્રોની કલ્પના વાંચતી વખતે કરતા હોય છે, તેમને તે પડદા પર જુએ છે. ભૂતકાળ દરેકને પસંદ છે. આ એક સહજ માનવ સ્વભાવ છે. જો ઘટનાઓને એક પછી એક વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવે તો  દર્શકો તેને પસંદ કરે છે, તેમાં ખાસ ધ્યાન રાખવું પડે છે કે તેને રબરની જેમ ખેંચવું નહીં. 1989માં દૂગદર્શન પર શરૂ થયેલ ધ સોર્ડ ઓફ ટીપુ સુલતાન 60 ભાગની પિરિયડ ડ્રામા હતી. જે ભગવાન ગિડવાનીના આ જ નામના ચર્ચિત ઉપન્યાસ પર આધારિત હતી. તેનાથી જાણીતા ફિલ્મકાર સંજય ખાનને ઘણી લોકપ્રિયતા મળી હતી. સિરિયલની ઐતિહાસિકતા અને રિયાલીટી જળવાઇ રહે તે માટે અને વિવાદથી બચવા માટે ગિડવાનીના ઉપન્યાસનો આધાર લીધો અને સાથે જ તેની પટકથા પણ તેમની પાસે જ લખાવવામાં આવી હતી, જેથી કોઇ ઘટનાને લઇને દર્શકોના મનમાં શંકા ન ઉત્પન્ન થાય. જોકે રામાયણ જેવી વાર્તા અને મહાભારત જેવી પટકથા આજ સુધી ક્યાંય જોવા મળી નથી. તેવું કહીયે તો ખોટું નથી.

ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપના ડાયરેક્ટર આભિમન્યુ સિંહ આ પ્રકારની સિરિયલ બનાવવા માટે ઘણા અનુભવી હતા. આ પહેલા 2010માં તેઓ ઝી ટીવી માટે ઝાંસીની રાણી બનાવી ચૂક્યા છે. જોકે અહીં એક વાત છે કે આ પ્રકારની સિરિયલોમાં ઘણા ડ્રામા ઊભા કરવા પડે છે. આના પ્રોજેક્ટ ખૂબ મોંધા હોવાથી બીજી સિરિયલ શરૂ કરવામાં લાંબો સમય લાગી જાય છે. તેમાં તથ્યોનું પણ ધ્યાન રાખવું પડે છે. પીરીયડ સિરિયલમાં મોટાભાગની ઘટનાઓ નિરસ હોય છે. તે વાંચવામાં તો સારી લાગે છે, પણ તેમાં ડ્રામા રચ્યા વિના તેને વિઝ્યુઅલી રજૂ કરવું સંભવ હોતું નથી. તેને રસપ્રદ બનાવીને રજૂ કરવું જરૂરી હોય છે. આવું કરતી વખતે તેના તથ્યો સાથે છેડછાડ નથી થઇ રહીને તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તેમાં બેધ્યાનપણુ આવે તો વિવાદોમાં ઘેરાવાની તૈયારી રાખવી પડે છે. જોકે તેનાથી બચવા માટે ડાયરેક્ટરો પાસે લેખકો અને શોધકર્તાઓની ખાસ ટીમ હોય છે.

સ્ક્રિપ્ટ પર મહેનત કરવી વ્યાજબી છે પણ જો પિરિયડ સિરિયલની વાર્તા પર યોગ્ય મહેનત કરી લેવામાં આવે તો ઘણી બધી બાબતોથી બચી શકાય છે. ધ સોર્ડ ઓફ ટીપુ સુલતાન જ નહીં પણ અકબર ધ ગ્રેટ, ભારત એક ખોજ, બહાદુર શાહ ઝફર, સ્વરાજ અને ચાણક્ય જેવી સિરિયલો આજ કારણોસર દર્શકોની પસંદગી બની હતી. ડ્રામા હોવા છતાંય તેમણે પોતાને વધારે પ્રમાણમાં નાટકીયતાથી દૂર રાખ્યા હતા.  શ્યામ બેનેગલની ભારત એક ખોજ દૂરદર્શન પર 52 એપિસોડમાં બતાવવામાં આવી હતી. તેની યાદ આજેપણ દર્શકોના મનમાં તાજી હશે. પંડીત નહેરુંના પ્રસિદ્ધ પુસ્તક ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પર આધારિત ભારત એક ખોજની પટકથા શ્યામ બેનેગલે જાણીતી લેખિકા શમા જૈદીની સાથે મળીને લખી હતી. એક પુસ્તકને વિઝ્યુઅલી રજૂ કરવું ખૂબ પડકારજનક બની રહે છે. જોકે તમામ રીતે થતી મહેનતના કારણે જ આજે કેટલીક સિરિયલો આજેપણ લોકપ્રિય રહી છે. હાલમાં દૂરદર્શનની લોકસભા ચેનલ પર તેના રીપીટ ટેલિકાસ્ટ ચાલી રહ્યા છે.

પિરિયડ સિરિયલ સાસુ-વહુના ડ્રામા જેવી નથી હોતી, કે વાર્તાને કોઇપણ રીતે વળાંક આપી દેવામાં આવે. જો તેમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવે તો સિરિયલનો ચાહકવર્ગ ઘટવા લાગે છે. જોકે આ કારણોસર 1857 ક્રાંતિ, વીર શિવાજી, ધ ગ્રેટ મરાઠા, મૃગનયની, મૃત્યુંજય, ગ્રેટ વુમન ઓફ ઇન્ડિયા, મૈ દિલ્હી હૂં, ધરતી કા વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ, ચિત્તોડ કી રાની પદ્મીની કા જોહર, શોભા સોમનાથ કી, મીરા, સાંઇબાબા, રઝીયા સુલતાન, અશોકા, સૂર્યપુત્ર કર્ણ જેવી સિરિયલોને દર્શકોનો સારો રીસ્પોન્સ મળ્યો નહીં. એકતા કપૂરે પણ જોધા અકબરમાં ડ્રામા ઉમેરવાનો પ્રયત્ન કર્યો. સિરિયલ સાથે જોડાયેલા તથ્યો સાથે છેડછાડ કરવાનો આરોપ રાજસ્થાનની શ્રી રાજપૂત કરણી સેનાએ નોંધાવ્યો. વિવાદોથી બચવા માટે એકતાએ કરણી સેનાની માફી માગવી પડી હતી.

પિરિયડ સિરિયલને તમે ફેમીલી ડ્રામાની જેમ બનાવી શકાતી નથી. તેનું નિર્માણ ખૂબ જ ચિવટતાપૂર્વક કરવું પડે છે. એક વાત ક્યારેય ન ભૂલવી જોઇએ કે જે પણ ઐતિહાસિક કે પૌરાણિક ઘટના વિશે દેખાડવામાં આવે છે, તેના વિશે દર્શક જાણકારી રાખે છે.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment